Pido Rang Prem No - 7 books and stories free download online pdf in Gujarati

પીળોરંગ પ્રેમનો - 7

ગતાંકથી ચાલુ....
વિજયે રૂમનો દરવાજો ખોલ્યો. સામે વનિતા ઊભી હતી. પીળારંગની સાડીમાં તે ખૂબજ સુંદર લાગી રહી હતી. પીળોરંગ વનિતા માટે બન્યો હતો કે વનિતા પીળારંગ માટે બની હતી, એ વાત વિજયને સમજાતી નહોતી. હેલો,,,,અંદર બોલાવીશ કે પછી અહીં જ ઉભી રાખવાનો વિચાર છે. વિજયે સ્મિત સાથે વનિતાને પ્રેમથી આવકાર આપ્યો.
રુમમાં પ્રવેશી વનિતાએ સોફા પર પોતાનું સ્થાન લીધું. વિજયને ક્રીમ કલરના પેન્ટ અને બ્લેક શર્ટમાં જોઈને વનિતાએ પૂછ્યું કે, 'આ રંગ બહુ ખાસ લાગે છે નહી?' 'હા, અમુક રંગ માણસના જીવનનો એક ભાગ બની જતો હોય છે. ગમતા રંગ પાછળ એક આખી કહાની હોય છે. કારણ વગર કંઈ પણ મન ગમતું નથી થઈ જતું. ગમા અણગમા પાછળ કેટલાય કારણો હોય છે.' આટલું બોલતાંજ વિજયના અવાજમાં દર્દની છાંટ દેખાવા લાગી, એટલે તરતજ વનિતાએ કહ્યું કે, 'ચા મંગાવ, મારે ચા પીવી છે.' વિજયે કોલ કરીને ચા માટે ઓર્ડર આપી દીધો. ચા આવે ત્યાં સુધી વિજય પોતાનો સામાન બેગમાં ગોઠવી રહ્યો હતો અને વનિતા તેને જોઈ રહી હતી.
દિલના પેટાળમાં દાવાનળની માફક વરસોથી સંઘરેલા હજારો સવાલ વનિતા પોતાની સાથે લઈને આવી હતી. તેના જવાબો એ વિજય પાસેથી મેળવવા માંગતી હતી. વનિતાને ખબર હતી કે મારા સવાલો કાયમ સવાલ બનીનેજ રહી જવાના છે. રાત ટૂંકી ને વેશ ઝાઝા હતા. આ વાત વનિતા સારી રીતે જાણતી હતી. છતાંય તેણે નક્કી કર્યું હતું કે આજે એ પોતાના સવાલોના જવાબ મેળવીનેજ ઝંપશે. વનિતા વિચારોના વમળમાં ઘેરાયેલી હતી ત્યાંજ ડોરબેલ વાગી.
વિજય કહ્યું, 'તું બેસ, હું દરવાજો ખોલું છું.' આંખના ઇશારાથી વનિતાએ મંજૂરી આપી દીધી. વેઈટર રૂમમાં આવ્યો અને ચા મુકીને ચાલી ગયો.
વિજય વનિતાની સામે ખુરશીમાં બેસી ગયો. એણે વનિતાને ચા આપી અને પોતે પણ ચા લીધી. ચા ના કપ બંનેના હાથમાં હતા અને એમની નજર એક બીજાના ચહેરા પર સ્થિર થઇ ગયેલી હતી. એકના દિલમાં હજારો સવાલ હતા, જે જવાબો મેળવવા ઝંખતા હતા. તો બીજી તરફ વરસોથી વિરહની આગમાં સળગી રહેલું દિલ હતું. એક દિલને ઘણું બધું પુછવું હતું તો બીજા દિલને દર્દનો ભાર હળવો કરવો હતો. વનિતા વિજયના મૌનને સમજી શકતી હતી. એનામાં આંખોને વાંચવાની સારી એવી ફાવટ હતી. કંઈ પણ બોલ્યા વગર અનિમેષ નજરે એ વિજયને જોઈ રહી હતી, ત્યાંજ વિજયે કહ્યું, 'આજે મને ધરાઈને જોઈ લેજે.' 'કેમ?' 'કંઈ નહિ, ચા ઠંડી થઈ ગઈ, હવે પી લે.' વિજયે રકાબીમાં ચા કાઢી અને ચા પીવામાં તલ્લીન થઇ ગયો. જ્યારે વનિતા ચા પીતા પીતા વિજયને જોઈ રહી હતી. વિજય એક વાત પૂછું? 'હા, પુછ ને.' 'યુ.એસ.એ.માં પણ તું આ જ રીતે ચા પીવે છે?' 'હા, કેમ?' 'કંઈ નહીં.' વિજયનો જવાબ સાંભળી વનિતાના ચહેરા પર હાસ્ય આવી ગયું. હાસ્ય પાછળના કારણને સમજતા વિજયને જરાય વાર ન લાગી.
સમય સમયનું કામ કરી રહ્યો હતો, એટલે હવે સમય વેડફવો વનિતાને પોષાય એમ નહોતું. વનિતાએ વિજયને પોતાની પાસે બેસવા માટે કહ્યું. વિજય વનિતાની પાસે બેસી ગયો. તરતજ વનિતાએ પૂછ્યું કે, 'ધરાઈને જોઈ લેજે એનો અર્થ શો? તું કહેવા શું માંગે છે?'
વિજયે વનિતાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે, 'મળવું અને છૂટા પડવું એ તો કુદરતનો નિયમ છે, પણ છૂટા પડ્યા પછી મળવું એ નસીબની વાત છે.' 'તો શું હવે તું ક્યારેય પાછો નહીં આવે? તું મને હવે ફરી ક્યારેય નહીં મળે? વીસ વરસ મેં જે સજા ભોગવી છે એનો તેને અંદાજ પણ નહીં હોય, મારી પાસે બધું હોવા છતાંય હું સતત એકલતામાં જીવી છું. દર્દ, પીડા, વેદનાઓ અને કંઈ કેટલીય રાતોના ઉજાગરા મે સહન કર્યા છે. લોકો દિવસે પ્રભુને કરગરે છે, જ્યારે હું રાતના અંધકારમાં પ્રભુને કરગરી છું. કેટલી આજીજી, કેટલી કાકલૂદી પછી તું મને પાછો મળ્યો છે. આજે તું મને મળ્યો છે ત્યારે તું આવું કહે છે કે ધરાઈને જોઈ લેજે. તને શરમ નથી આવતી આવું બોલતા. તારા વગર મારી શી હાલત થઈ એ જાણવાનો તે પ્રયાસ કર્યો છે ખરો? વીસ વરસ પછી તને મળીને મને કેટલો આનંદ થયો એ જાણવાનો પ્રયત્ન સુધ્ધા તે કર્યો નથી. હજી તો મેં તને સરખી રીતે જોયો પણ નથી. મારી લાગણીઓને હજી તારી સામે વ્યક્ત કરી નથી ને ત્યાં તું પાછો મારાથી દુર જવાની વાત કરે છે? આટલું બોલતાની સાથેજ વનિતાની આંખમાં આંસુ આવી ગયા.
વિજયે વનિતાના આંસુ લૂછતાં કહ્યું કે, 'હું ક્યાં તારાથી કે તું મારાથી દુર છે?' આંખો બંધ કરીએ એટલે આપણને પોતાનાપણાનો અનુભવ તો થાય છેજ ને? તો પછી ફરી ક્યારેય નહીં મળીએ એ વાતનો વસવસો તું કેમ કરે છે? ક્યારેક સમય, સંજોગો અને પરિસ્થિતિને આધીન આપણે રહેવું પડે છે.'
'તારી ફિલોસોફર જેવી વાતોને તું તારી પાસે રાખ. મને તારા શબ્દોની જાળમાં ફસાવવાનો ખોટો પ્રયાસ ન કર. હા, હું પહેલા નાદાન હતી. ભૂલ કરી બેઠી, જેની સજા મે વીસ વરસ ભોગવીજ છે ને?
'તો શું મેં સજા નથી ભોગવી? જે વેદનાઓને મે સહન કરી છે એનો અંદાજ લગાવવો એ તારી કલ્પના બહારનો વિષય છે. જે શ્વાસોમાં તારું નામ વહે છે, એ શ્વાસ સતત મને સળગાવતા રહે છે. આખા દિવસમાં એવી કોઈ ક્ષણ નથી હોતી, જેમાં તારી યાદ ન હોય. અને આ યાદો પણ ગજબની હોય છે. જેવી આવે એવી તરતજ આંસુ લઈને આવે છે. છતાંય હું કોઈ ફરિયાદ નથી કરતો. ફરિયાદ કરીને પણ શું કરું? જ્યારે આપણું નસીબજ રીસાયેલુ હોય ત્યાં કોઈને ફરિયાદ કરીને શો અથૅ? સાચું કહું, મને મારું આ દદૅ ગમે છે, કારણ કે આ દર્દજ છે જે મને આપણો પ્રેમ ભુલવા નથી દેતું. મારી પાસે આપણા પ્રેમની સુખદ ક્ષણો પણ છે, પણ ખબર નહિ કેમ? દિલ હંમેશા દુઃખની વાતોને યાદ કરીને દુઃખી થયા કરે છે. ચલ છોડ આ બધી વાતોને.'
'ના વિજય, મારે બધુ સાંભળવું છે, મારે બધું જાણવું છે, આજે તારે મને બધુજ કહેવું પડશે. મારા દરેક સવાલોના તારે જવાબ આપવા પડશે.'
'મારી વ્યથાઓ જાણવા માટે તારે વીસ વરસનો સમય લઈને આવવું પડશે વનિતા, જે હવે શક્ય નથી. ટૂંકમાં કહું તો જે વાત જાણીને બે વ્યક્તિ દુઃખી થાય એના કરતાં એક વ્યક્તિ દુઃખી થાય એ વધુ સારું છે. અને તું હવે જરાય દુઃખી ના થા, તારા ભાગનું હવે હું દુઃખી થઈશ. કારણ કે દુઃખ સાથે જીવવાની મારામાં સારી આવડત છે. હું તને કોઈ દુઃખ આપવા કે દુઃખમાં જોવા માગતો નથી. મારા જીવનનો પહેલેથીજ એક ધ્યેય છે,અને એ છે તારી ખુશીઓ.'
'તો તારી ખુશીઓનું શું વિજય?'

વધુ આવતા અંકે....