Where is a friend like you ... books and stories free download online pdf in Gujarati

તેરે જૈસા યાર કહાઁ...

રાતનાં દસ-સાડા દસનો સમય, અષાઢ મહિનાની મેઘલી રાત, વરસાદ હજી પણ વરસી રહ્યો હતો. ત્યાં જ બારણું ખખડાવવાનો અવાજ સાંભળી રાઘવ ઓરડામાંથી બહાર આવ્યો. "આટલી રાત્રે કોણ હશે?" મનોમન બબડતાં બારણું ખોલ્યું. સામે ઉભેલી વ્યક્તિને જોતાં જ પૂતળું બની ગયો, "શ્યામ, તું, અત્યારે, અહીં,...આવા વરસાદમાં?"

"રઘલા, અહીથીજ વિદાય આપીશ કે અંદર પણ આવવા દઈશ?" હસતાં હસતાં શ્યામ અંદર પ્રવેશ્યો. "લે આ ટુવાલ, ઝટ શરીર લૂછી નાખ ને મારાં આ કપડાં પહેરી લે." રાઘવ દોડતો જઈને કપડાં લઈ આવ્યો. " અટાણે કોણ આવ્યું છે, કેશવના બાપુ?" કહેતાં રાઘવની પત્ની ગોમતી બહાર આવી.
"આ તો મારો બાળપણનો ભેરુ આવ્યો છે, શ્યામ, ઘણાં વર્ષો પછી આવ્યો છે, તું ઝટ રોટલા બનાવ શ્યામને ભૂખ લાગી હશે."

"ના-ના, મારે કાંઈ નથી ખાવું. રસ્તામાં ઢાબા પર થોડું ખાઈને આવ્યો છું, ભાભી તમે આરામ કરો. મારે રઘલા જોડે પેટ ભરીને વાતો કરવી છે. જૂની યાદો ફરીને તાજી કરવી છે. આ તો વડોદરા બિઝનેસના કામે આવ્યો હતો, સમય હતો એટલે તને મળવા આવી ગયો." કહેતાં શ્યામ ખુરશીમાં બેઠો. "પણ આમ અચાનક, ફોન તો કરવો જોઈએને," રાઘવ બોલ્યો, "આવી વરસાદી રાતે તું વડોદરાથી ૨૨ કિમી દૂર મને મળવા આવ્યો."

"કેટલાય સમયથી તને મળવાની ઈચ્છા હતી પણ ધંધાના હિસાબે ટાઈમ નહોતો મળતો. આજે વડોદરા આવ્યો એટલે તને મળ્યા વગર કેવી રીતે પાછો જાઉં? કેટલા વર્ષો બાદ આપણે મળ્યા છીએ. મન ભરીને વાતો કરવી છે."

"હા શ્યામ, વર્ષો પછી તું ગામમાં પાછો આવ્યો છે. આપણી દોસ્તીના તો ગામવાળાઓ દાખલા આપતા હતા. નાનપણથી હારે ને હારે, નિશાળે જતાં કે નદીએ નહાવા, ખેતરે કેરી ચોરવામાં ને રમવામાં બધી જગ્યાએ આપણી જોડી હાજર હોય. સમય બદલાતો ગયો, તું આગળ ભણવા શહેરમાં ગયો ને મેં બાપ-દાદાની વર્ષોની ખેતી સંભાળી. અલ્યા મેં સાંભળ્યું છે કે તું તો મોટો આદમી બની ગયો છે, મને તો એમ હતું કે તું મને ભૂલી ગયો હોઈશ."

અરે, કેવી વાત કરે છે રઘલા, તને ભુલાય? તારા તો મારા પર ઘણા ઉપકાર છે. નિશાળમાં મારી ભુલ પોતે માથે લઇ માસ્તરના મારથી મને બચાવતો, કેરી તોડવાનો આરોપ પણ તું તારા માથે લેતો, રમતમાં પણ તારો દાવ હંમેશા મને આપી દેતો." કહેતાં શ્યામ હસવા લાગ્યો, "તને યાદ છે રઘલા, આપણે એકવાર નિશાળેથી છૂટીને ગલુડિયા પકડવા દોડ્યાં હતાં અને એમના માટે ઈંટોનું કાચું ઘર પણ બનાવ્યું હતું.

" એ જ તો જિંદગીની મોજ હતી શ્યામ, કેવા નિરાંતના દિવસો હતાં, હવે કામકાજની દોડમાં જીવવાનું ભૂલી ગયા છીએ. આવતા મહિને છોડીનું આણું વાળવાનું છે, માથે વહુની સુવાવડ છે, ગઈ સાલ વરસાદ પણ ઓછો થયો એટલે પાક પણ ના થયો, એક સાંધીએ ત્યાં તેર તૂટે છે." રાઘવે નિસાસો નાખ્યો. " મોંઘવારી વધી ગઈ છે ને સાથે ખર્ચ પણ..."

વાતો-વાતોમાં રાત વીતી ગઈ. "હવે હું નીકળું છું, વરસાદ પણ થંભી ગયો છે અને હજી વડોદરા જઈ હોટેલથી બેગ લઇ વહેલું નીકળવું છે" કહી ચા પણ પીધા વગર શ્યામ રાઘવને ભેટી નીકળી ગયો.

શ્યામના ગયા પછી રાઘવે પોતાનું કામ પતાવ્યું અને જેવો ખેતરે જવા નીકળ્યો ત્યાં એનું ધ્યાન શ્યામ જે ખુરશી પર બેઠો હતો એની નીચે ગયું, જઈ ને જોયું તો એક છાપાનું બંડલ જેવું કંઈક પડ્યું હતું. હાથમાં લઈ જોયું તો એમાં રૂપિયાની થપ્પી હતી, હજી કાંઇ બોલવા જાય ત્યાં એનો ફોન રણક્યો, સામે છેડે એનો મિત્ર સૂર્યજીત હતો, "હેલ્લો, રાઘવ, તેં કાંઈ સમાચાર સાંભળ્યા, આપણી સાથે ભણતો હતો એ શ્યામ દવે બે દિવસ પહેલા એક રોડ એક્સિડન્ટમાં
ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો છે એની લાશ આજે સવારે પોલીસને મળી છે.... હેલ્લો, હેલ્લો....." રાઘવના હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો, એ અવાચક બની વિચારતો રહ્યો," તો પછી રાત્રે મારા ઘરે કોણ આવ્યું હતું......... ..?"


- શીતલ મારૂ(વિરાર).