Ajanyo Humdard - 4 books and stories free download online pdf in Gujarati

અજાણ્યો હમદર્દ - ભાગ ૪

તેના હાથમાંથી પડી ગયેલ મોબાઈલની ફ્લેશ લાઇટથી રૂમ થોડો ઝળહળી ઊઠયો. તેની બરોબર પાછળ જ એક યુવતી ઊભી હતી. તેના હાથમાં નાનકડો દંડો હતો અને કદાચ તેનાથી જ એ યુવતીએ પોતાના ઉપર પ્રહાર કર્યો હશે એમ તર્ક લગાવતો તે યુવતીને નીરખી રહ્યો.

ચીંથરા જેવા મેલાઘેલા કપડા, એક હાથમાં વચ્ચેથી કપાઈને લટકતું દોરડું, ચોટલામાંથી અડધા છૂટા થઈ ગયેલા ઝાંખરા જેવા વિખરાયેલા વાળ, રડી રડીને સુકાઈ ગઈ હોય એવી કોરીકટ લાલઘૂમ આંખો, ચહેરા અને હાથ ઉપર ક્યાંક ક્યાંક વાગ્યાના જૂના પુરાણા નિશાનના ઉઝરડા, આં બધી નિશાનીઓ તે યુવતીની અહી શું હાલત થઈ હશે તેની ચાડી ખાઈ રહી હતી. તે યુવતીની આંખોમાં ડર અને લાચારીના મિશ્રિત ભાવ છલકાઈ રહ્યા હતા. તેના હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા અને તે જમીન પર સરખી રીતે પગ ટેકવીને ઊભી પણ રહી શકતી નહોતી, તેની અશક્ત હાલત સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી. તે યુવતીના માસૂમ ચહેરા ઉપર છવાયેલ લાચારીને જોઈ તે ત્યાજ જમીન સાથે જકડાઈ ગયો.

એવામાં જોરથી ગાજતા વાદળો અને વીજળીના કડાકા અને ચમકારા સાથે પેલી યુવતીના મોંમાંથી ડરની મારી એક તીણી ચીખ નીકળી ગઈ અને પેલો યુવાન તેને રોકવા માટે તે યુવતીનું મોં દબાવી તેને ચૂપ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઘરમા ઘુસેલ કોઈ અજાણ્યા માણસને જોઈ તે યુવતી વધારે ડરી ગઈ હતી અને પોતાને બચાવવા બનતા પ્રયત્ન કરવા લાગી. બંને વચ્ચે ચાલી રહેલ ઝપાઝપીમાં અચાનક યુવકના હાથમાંથી પેલી યુવતીનો હાથ છૂટી જતા તે નજીકમાં પડેલ ટેબલ સાથે જઈ અથડાઈ. તે ટેબલની ધાર યુવતીના કપાળે પેસી જતા તેમાંથી દડદડ લોહી વહેવા લાગ્યું અને તે જમીન ઉપર ફસડાઈ પડી.

શું કરવા આવ્યો હતો અને શું થઈ ગયું, ડરનો માર્યો પેલો યુવક થરથર ધ્રુજવા લાગ્યો. તેનું મગજ સુન્ન પડી ગયું. તેની પાસે પાક્કી માહિતી હતી કે આ સમયે આ ઘરમાં કોઈ નહોતું તો પછી આ યુવતી અહી ક્યાંથી અને આં રૂમમાં આવી હાલતમાં કેમ છે? કઈ કેટલાય સવાલો અને મૂંઝવણ તેના મગજમાં વંટોળની જેમ ઘુમરાઇ રહ્યા હતા. આગળ કઈ પણ વિચાર્યા વિના તેણે ડોટ મૂકી અને સીધો ઘરની બહાર નીકળી ગયો. દરવાજો પણ જેવો તેવો અટકાવીને તે હાંફળો ફાંફળો નીચે તરફ જવા ભાગ્યો. બસ હવે તે યુવકને કોઈ પણ રીતે અહીંથી ભાગી છૂટવું હતું. આગળ જે પણ થાય તે જોયું જશે પણ આ જગ્યા પર રોકાવું તેના માટે હવે શક્ય નહોતું. આમ પણ ઘણી બધી મુસીબતોમાં ફસાયેલો હતો, અહી રહીને તે વધારે મુસીબતમાં મુકાવવા માંગતો નહોતો.

એપાર્ટમેન્ટની નીચે ઉતરતા સુધીમાં તો તેણે કઈ કેટલાય દેવી દેવતાઓના નામ યાદ કરીને બોલી લીધા હતા. બધાજ પગથિયાં એકી શ્વાસે ઊતરી ગયો અને આખરે નીચે પહોંચતા જ તેણે રાહતનો દમ ભર્યો.

પણ આ શું? બહાર તો વરસાદને કારણે જળબંબાકાર થઈ રહ્યો હતો. ચારેકોર પાણી સિવાય કઈ નજરે નહોતું ચડી રહ્યું. એપાર્ટમેન્ટની બહાર નીકળી શકાય એવો કોઈ રસ્તો બચ્યો નહોતો કે જ્યાંથી તે બહાર જઈ શકે. બધે બસ પાણી જ ભરાયેલું નજરે ચડી રહ્યું હતું. કાળી ડીબાંગ રાત્રિ અને ભયંકર વરસાદને કારણે વાતાવરણ ખુબજ ભયભીત લાગી રહ્યું હતું. આગળ વધવાનો કોઈ રસ્તો નજરે ચડી રહ્યો નહોતો.

"જ્યારે માણસની કિસ્મત ખરાબ હોય ત્યારે એકસાથે ઘણી બધી આફતો આવી પડે છે, ત્યારે માણસનું મન કામ કરવાનું બંધ કરી દે છે."

તે યુવક સાથે પણ આવું જ કઈ થઈ રહ્યું હતું. તેના ઉપર એક પછી એક મુસીબત આવી રહી હતી અને તેના દરેક પ્રયત્નો વિફળ જઈ રહ્યા હતા. હવે આગળ શું કરવું તેને કઈ સૂઝી રહ્યું નહોતું. બહાર ચાલી રહ્યા તોફાનની સામે તેના ભીતર ચાલી રહેલ તોફાન વધારે ભયંકર હતું. આ કુદરતી આપત્તિ તો કદાચ સવાર સુધીમાં પૂરી થઈ જશે પણ પોતાની સવાર કેવી ભયંકર આપત્તિ લઈને આવવાની હતી એ ચિત્ર તેના માનસપટલ ઉપર ભજવાઈ રહ્યું અને તે વિચારમાત્રથી જ યુવકની રુંહ કાંપી ઉઠી.

હજુ આગળ શું કરવું તેની અસમંજસમાં અટવાયેલ તે યુવક કઈ વિચારી શકે એ પહેલાંજ સામેથી આવતા સિક્યોરિટી ગાર્ડને જોઈ તે ગભરાઈ ઉઠ્યો અને કંઇજ ન સૂઝતાં પાછો સીડીઓ ચડવા લાગ્યો. તેની મંઝિલે ફરી યુવકને એજ ઘર આગળ લાવી ઊભો કરી દિધો જ્યાંથી તે ભાગી નીકળ્યો હતો. અંદર જવું કે નહિ તે બાબતે એના મસ્તિષ્કમાં ગડમથલ ચાલી રહી. આખરે કઈક નિર્ણય કરતો તે ઘરમાં પાછો ઘૂસ્યો અને દરવાજો અંદરથી બરોબર બંધ કરી દીધો.

🌺 આજે કિસ્મત પણ કોઈ રમત રમી રહી છે,
ફરી ફરીને કદમોને એજ મુકામ પર લાવી રહી છે... 🌺



* ક્રમશ *


✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)