Ajanyo Humdard - 7 books and stories free download online pdf in Gujarati

અજાણ્યો હમદર્દ - ભાગ ૭

રૂમમાં ફરી લાંબુ મૌન પ્રસરી રહ્યું અને તેમાં રહેલ બંને અજાણ્યા લોકો બહાર ધીમાં પડી રહેલ વાદળાંઓના ગડગડાટની સાથે વરસતા વરસાદની મંદ પડી રહેલ લય અનુભવી રહ્યા.

"અરે શું કરી રહ્યા છો? આમ ઊભા થઈ ક્યાં ચાલ્યા? તમારી હાલત ઠીક નથી, અને જુઓ તમે સરખી રીતે ચાલી પણ શકતાં નથી", અંકિત પેલી યુવતીને ઊભી થઈને જતા જોઈ તેનો હાથ પકડતા બોલ્યો.

"ચિંતા ન કરશો મને સારું લાગે છે હવે. અને મને કંઈ નહિ થાય", તે ધીરેથી પોતાનો હાથ છોડાવતી બોલી.

ધીમેથી ચાલતી તે રસોડામાં ગઈ. આ વખતે તેની ચાલમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. થોડીવાર પછી તે પાછી આવી ત્યારે એના હાથોમાં બે કોફીના મગ હતા. રૂમમાં આવીને એક મગ તેણે અંકિતના હાથમાં આપ્યો, કોફીનો મગ અંકિતના હાથોમાં આપવા જતા આંગળીઓનો સ્પર્શ અનુભવતા બંનેની નજરો મળી અને હળવી મુસ્કુરાહટની આપલે થઈ. આ વખતે બંનેને તે નજરોમાં એક જાણીતો અહેસાસ થયો. મંદ મંદ વરસતા વરસાદને બારીમાંથી જોતા બંને કોફી પીવા લાગ્યા અને ફરીથી મૌન તૂટવાની રાહ જોઈ રહ્યા.

"આતો થઈ મારી કહાની, પણ તમે અહી આ રૂમમાં બંધ કેમ હતા? મને જે ખબર મળ્યા હતા તે પ્રમાણે આં ઘરમાં આજે કોઈ હાજર નથી. બધા કોઈ કામથી બહાર ગયા છે, અને એટલેજ તો હું અહી ચોરી કરવા ઘૂસ્યો હતો. પણ તમારી આવી હાલત કોણે કરી અને કેમ? મને કંઈ સમજાયું નહિ?", અંકિત હવે તે યુવતીને સાંભળવા અધીરી આંખોએ તેની સામે જોઈ રહ્યો.

"મારું નામ અસ્મિતા અગ્રવાલ છે. જે ઘરમાં તમે ચોરી કરવા આવ્યા છો તે મારું જ ઘર છે. પણ મારી કિસ્મત જુઓ, આ ઘર, આ પૈસા, આ વૈભવ! આ બધું જ અત્યારે મારી જે હાલત થયેલ છે તેની પાછળનું કારણ છે. તમારી મજબૂરી તમારી ગરીબી બની જ્યારે મારી મજબૂરી અને બેબસી મારી આ મિલકત બની છે."

અંકિતની આંખોમાં બદલાતા ભાવોને કળતી તે થોડી ક્ષણ થોભી અને શરૂ કરી પોતાની કહાનીની સફર.

"મારા પપ્પા નાના હતા ત્યારે જ એમની મમ્મીનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે એમના પિતાજીએ બીજા લગ્ન કરી લીધા હતા. નવી મા મારા પપ્પાને ખૂબ જ પરેશાન કરતી હતી. તેનાથી કંટાળીને એક દિવસ મારા પપ્પા શહેરમાં રહેતા એમના મામાને ત્યાં ભાગી આવ્યા. અહીં શહેરમાં આવીને તે ખૂબ ભણ્યા.

તેમના મામાને કોઈ સંતાન નહોતું. તેમનો નાનકડો કારોબાર હતો. મારા પપ્પાએ તેમની આવડત,ધગશ અને મહેનતથી તેમના મામાનો કારોબાર સંભાળી લીધો અને તેમાં ખૂબ સફળતાં પણ મેળવી. મારા પપ્પાની આવડત જોઈ મામાના ભાગીદારે એમની એકની એક છોકરી એટલેકે મારી મમ્મી સાથે તેમના લગ્ન કરાવ્યા.

મારા મમ્મી પપ્પા એકબીજાને ખૂબ પ્રેમ કરતા. લગ્નના થોડા જ વર્ષોમાં મારો જન્મ થયો. મારા માતાપિતાનું એકલૌતું સંતાન હોવાથી હું તેમની ખૂબ લાડકવાયી હતી. મારા જન્મ પછી પપ્પાના બિઝનેસમાં ઘણો વધારો થયો અને એટલેજ તે મને એમના માટે નસીબદાર ગણાતા. નાનપણથી જ હું ખૂબ ખુશીઓ અને પૈસાની છોળો વચ્ચે ઉછરી હતી. મારા મમ્મી પપ્પાએ મને દુનિયાની બધીજ સુખ સગવડ આપી. હું જે કઈ પણ માંગતી બધું હાજર થઈ જતું.

મને સારામાં સારી સ્કૂલમાં ભણવા મૂકી હતી. સ્ટડીમાં તો હું સારી જ હતી પણ રમત ગમતમાં પણ હું સારો દેખાવ કરતી. ખાસ કરીને દોડની રેસમાં હું હંમેશા પ્રથમ આવતી. મારી આવડતથી મારા મમ્મી પપ્પા ખૂબ ખુશ થતાં. અમારા દિવસો ખૂબ આનંદ કિલ્લોલ કરતા પસાર થઇ રહ્યા હતા. પણ અમારી ખુશીઓને કોઈની નજર લાગી ગઈ. મને હજુ પણ યાદ છે તે દિવસ, જે દિવસથી અમારા હસતા ખેલતા પરિવાર ઉપર આફતના વાદળો ઘેરાવાના શરૂ થયા હતા પણ અમે તે સમજી શકીએ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું.

* ક્રમશ *

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)