Talash 2 - 9 books and stories free download online pdf in Gujarati

તલાશ 2 - ભાગ 9

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો  હેતુ માત્ર મનોરંજનનો છે. 

 

હોટલના પ્રવેશદ્વાર પાસે આવીને ઉભેલી પોલીસની ગાડીઓમાંથી ધડાધડ 4 પોલીસ ઉતર્યા અને હોટલના રિસેપશન તરફ આગળ વધ્યા. બીજી એક કાર માં આવેલા વિલિયમ આર્ચરે સિન્થિયા ને ફોન જોડ્યો.અને કહ્યું. "સિંથી તું ક્યાં છે?"

"હોટલ નો પાછલો ગેટ છે ત્યાં એક ખંડેરમાં માર્શાને કેદ કરી હતી એને ભયંકર ટોર્ચર કરવામાં આવી છે. હું અને જીતુભા એને લઈને હોટેલના ગેટ પાસે પહોંચીયે છે. તું એક એમ્બ્યુલન્સ બોલાવી રાખ."

"ઓકે. પણ પેલા હુમલાખોરો?"

"એ લોકો અમારા હાથમાંથી છટકી ગયા છે. અને હોટલમાં જ ઘુસ્યા છે." એમાંથી એક ઘાયલ છે હાથમાં ગોળી લાગી છે." 

"ઠીક છે હું મેઈન ગેટ પાસે જ છું. એમ્બ્યુલન્સને વાર લાગશે આપણે મારી કારમાં એને માઈકલ છે એ જ હોસ્પિટમાં પહોંચાડીએ" વિલિયમે વાક્ય પૂરું કર્યું ત્યાં જ સિન્થિયા અને જીતુભા માર્શાને ઉંચકીને ત્યાં પહોંચ્યા. વિલિયમની કારમાં માર્શા ને સુવડાવવામાં આવી એટલામાં 2 પોલિસ અંદરથી આવ્યા અને કહ્યું. "સર, રજીસ્ટરમાં કોઈ શંકાસ્પદ એન્ટ્રી દેખાતી નથી."

"સાર્જન્ટ, હમણાં જ એ લોકો ભાગીને હોટલમાં પહોંચ્યા છે એ પાકિસ્તાની છે. બહુ જ પહોંચ ધરાવે છે. માઈકલના ઘરે ગયેલા હુમલાખોર એમણે હાયર કરેલ હતો. અને નાસાની ઓફિસમાં હુમલો કરવા પણ એ લોકો નહીં ગયા હોય કોઈને હાયર કર્યા છે. તમે લોકલ નોટિરિયસની તપાસ કરો કૈક હાથમાં આવશે. બાકી માર્શાને તો એ પાકિસ્તાનીઓ એ જ ટોર્ચર કરી છે." જીતુભાએ આખો કેસ ઉકેલી નાખ્યો હતો.

"એક કામ કરો" સાર્જન્ટ વિલિયમે પોતાની ટીમને કહ્યું. હોટલની દરેક રૂમ ચેક કરો. કોઈ પણ શંકાસ્પદ લાગે તો મને જાણ કરો હું માર્શાને હોસ્પિટલ પહોંચાડી ને આવું છું". .

xxx

"અમ્મા," નેતાજીએ પોતાની પાર્ટીના અધ્યક્ષાને ફોન જોડી એ કહ્યું. 

"ગુરુ અન્ના, અત્યારે રાતના 2-45 વાગ્યે ? કઈ અર્જન્ટ કામ હતું? 

"અમ્મા, થોડા પાર્ટી ફંડ નો બંદોબસ્ત થયો છે. પણ થોડું પ્રેશર બનાવવું પડશે."

"કેટલું ફંડ મળશે.?"

"જેટલું આપણે દબાવી શકાય એટલું."

"ઠીક છે. સવારે 10 વાગ્યે ફ્લાઇટ પકડી ને દિલ્હી આવો. કાલે મારું સિડ્યુલ બહુ હેક્ટિક છે પણ બપોરે 2-45 થી 3  વાગ્યા સુધી હું મળીશ."

xxx

માર્શાને માઈકલની બાજુના રૂમમાં એડમિટ કરાવી સાર્જન્ટ ને વિદાય કરીને સિન્થિયા અને જીતુભા માઈકલ ની રૂમમાં પહોંચ્યા.તો એમણે જોયું કે પેલો પુરુષ નર્સ રૂમની ખુરશીમાં બેઠા હતા અને પોતાના ફોનમાં કંઈક જોઈ રહ્યો હતો. જીતુભાએ પૂછ્યું "તું અહીં શું કરે છે, માઈકલ હોશમાં આવ્યો હતો કે શું? કઈ કોમ્પ્લેક્ષ ઉભો થયો હતો?"

"જીતુભા" એણે કહ્યું અને જીતુભા ચોંક્યો.પોતાની ગન હાથમાં લઈ ક્રિસ્ટોફર સામે તાકતા એ બોલ્યો. "કોણ છે તું મને કેવી રીતે ઓળખે છે?"

"રિલેક્સ જીતુભા,આરામથી બેસો બધું સમજાવું છું. મારું નામ ક્રિસ્ટોફર છે હું લોકલ ન્યૂઝ ચેનલમાં વીડિયોગ્રાફર તરીકે કામ કરું છું. એ કામ મને નિનાદ સરેજ અપાવ્યું છે. પણ આમ તો તમારી કંપનીમાં જ નોકરી કરું છું. નિનાદ સર પાસે જયારે નાસા પરના હુમલાના સમાચાર પહોંચ્યા એટલે એમણે મને અહીં રોક્યો.ને માઈકલની સુરક્ષા માટે તૈનાત કર્યો  આમેય હું ન્યુઝ કવર કરવા અહીં જ હતો. કેમકે નિનાદ સર ને ખબર હતી કે તમે માર્શાનું લોકેશન મળતા જ તમે એને છોડાવવા જશો અને સિન્થિયા મેમ પણ તમારી ના છતાં તમારી સાથે આવશે જ.

"પણ નિનાદ સરે જ તને મોકલ્યો છે એની શી ખાતરી?"

"નિનાદ સરનો નંબર તમારી પાસે હશે જ પણ હમણાં એ ફોન નહીં લાગે તમે સુમિત ભાઈ ને પૂછી લો. અને  હા કાલે  એક ઇન્ડિયન છોકરો અહીં તમને મળવા આવશે એને એક અઠવાડિયું નાસાનો ચાર્જ  શોપિ દેવાનો છે એવું પણ નિનાદ સરે કહ્યું છે. બાકી મારો એપોઇન્ટમેન્ટ લેટર હમણાં કોઈ કમ્પ્યુટર પર બેસીએ તો મારા હોટમેઇલમાં છે એ હું તમને બતાવી શકીશ." આ સાંભળીને જીતુભાએ સુમિત ને ફોન લગાવ્યો દરમિયાનમાં સિન્થિયાએ વિલિયમને ફોન કરીને 'કોઈ પકડાયું' એવું પૂછ્યું. જવાબમાં વિલિયમે કહ્યું કે હોટલમાં એવું કોઈ ઉતર્યું જ ન હતું. હા એક પ્રૌઢ કપલ અને એની યુવાન દીકરી કે જેના માટે એ લોકો લંડનમાં રિશ્તો જોવા આવેલા એ લોકો 5 દિવસથી રોકાયા હતા એમણે પોલીસ પહોંચી એની 2-3 મિનિટ પહેલાં ચેક આઉટ કર્યું. કેમ કે  રિશ્તો થઇ ગયો એટલે છોકરીના સાસરે જ એ લોકો રોકવાના હતા. એમનું નામ મિસ્ટર અને મિસિસ અસગર અલી હતું અને છોકરીનું નામ નાઝીયા હતું એ લોકો દુબઈમાં રહે છે."

"ડેમ ઈટ એ એ જ લોકો હતા.વિલિ"

"પણ તું તો કહેતી હતી કે 2 યુવક અને એક યુવતી?'

"હા, પણ, મેકઅપ કેટલો અને કેવી કમાલ કરે છે એ સમજવું પડે વિલિ, એ ત્રિપુટી એ જ હતી..

ખેર ચાર્લી નું શું થયું?"  

"એના ઘરે લોક છે. મેં 2 જણા ને બેસાડ્યા છે એ કોઈ બારમા કે ક્લબમાં ગયો લાગે છે આવે એટલે એને પકડી લેશે."

"સિન્થિયા મેમ, ચાર્લી નહીં મળે." ક્રિસ્ટોફરે કહ્યું.

"શુ કામ નહીં મળે?' સુમિત સાથે વાત પુરી કરતા જીતુભાએ  પૂછ્યું. 

"કેમ કે, નિનાદ સરની સૂચનાથી મેં અડધો કલાક પહેલા એને એના ઘરેથી ભગાડી મૂક્યો છે." શાંતિથી ક્રિસ્ટોફર બોલ્યો અને સિન્થિયા ને જીતુભા એની સામે તાકી રહ્યા. 

xxx

આખરે એ અજંપા ભરી રાત પૂરી થઈ હતી. જોકે પહેલા ચાર કલાક માં જે ધમાચકડી મચી હતી એના પ્રમાણમાં પાછળ ચાર કલાકમાં કઈ ખાસ બન્યું ન હતું. પહેલા લંડનમાં સાંજે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ અંદાજે રાત્રે 1 વાગ્યે) નાસા પર ખૂની હુમલો પછી માત્ર અર્ધ પોણા કલાકમાં માઈકલના ઘર પર હુમલો, એક ખૂનીનું મોત, હોસ્પિટલમાં 3 જણા ક્રિટિકલ પોઝિશનમાં પછી માર્શાનું  કિડનેપ, માર્શા ને ગોતવી, છોડાવવી અને ચાર્લીનું ભાગી જવું આવું બ્રિટનમાં બન્યું તો એજ સમયગાળામાં ભારતમાં સ્નેહાનુ કંઈક અદભૂત માહિતી મળવાથી ઉત્તેજિત થવું પછી બોબ દ્વારા નાસા પર હુમલાની ખબર અને એ ખબર મળતા જ અનોપચંદનું અસ્વસ્થ થવું. ઉપરાંત નિનાદે જર્મનીથી કરેલા 2 કોલ માં એના અવાજમાં રહેલી ચિંતા પારખીને નીતાની નીંદર ઉડી ગઈ હતી. જયારે પોતાની હોટલ છોડીને ક્યાંક જવા એરપોર્ટ પર પહોંચેલા નિનાદને એ ખબર હતી કે કોઈ એનો પીછો કરી રહ્યું હતું. પહેલા ચાર કલાકમાં આટલું બન્યા પછી. બાકીના 4 કલાક લગભગ શાંતિથી પસાર થયા હતા. જેમતેમ કરીને નીતાને લગભગ 2 કલાકે નીંદર આવી હતી અને એ છોકરાના બેડરૂમમાં જ સુઈ ગઈ હતી. અનોપચંદ પણ મન મક્કમ કરીને સુઈ ગયો હતો. સ્નેહા સુમિત કાલે શું કરીશું એનું ડિસ્કશન કરતા કરતા લગભગ દોઢ કલાકે નિંદ્રાધીન થયા હતા, ત્યારે ઇન્ડિયામાં લગભગ 4 વાગ્યા હતા. જયારે લંડનમાં એ પછી 2 કલાકે કોઈની સૂચનાથી પોલીસે 3 નશેડી ને હોસ્પિટલાઇઝ કર્યા હતા એમની હાલત ખરાબ હતી પેરેલાઈઝ થઇ ગયેલા એના શરીરમાં કોઈ દવાની કોઈ અસર દેખાતી ન હતી. છેવટે 20-25 મિનિટ ના અંતરમાં એ 3ણે મૃત્યુ પામ્યા હતા. તો નિનાદ ક્યાંક ટ્રેનમાં બેસી ને જઈ રહ્યો હતો. એ જ વખતે નાઝ ફ્રાન્સ પહોંચવા આવી હતી તો અઝહર અને શાહિદ અનુક્રમે જર્મની અને આયર્લેન્ડ જવા નીકળી ગયા હતા. જીતુભા માઈકલની રૂમમાંજ સુઈ ગયો હતો સિન્થિયા એની હોટલ પર પહોંચી હતી. ક્રિસ્ટોફર પોતાના ઘરે ગયો હતો એ સવારે છ વાગ્યે (બ્રિટન સમય) આવવાનો હતો. પણ ચાર્લી ક્યાં ગાયબ થયો એની કોઈને ખબર ન હતી. 

xxx

આખરે ભારતમાં સૂર્યોદય થયો અને ઘરમાં સૌથી પહેલા નીતા ઉઠી હતી. નાહી ફ્રેશ થઈ પૂજા પાઠ કરીને ફટાફટ એણે પોતાનો વોર્ડરોબ ખોલ્યો. નિનાદે કહેલું કે તારા માટે એક સરપ્રાઈઝ છે. પણ એનું દિલ આશંકાથી ધડકતું હતું. નિનાદને એ ઓળખતી હતી નિનાદ પણ જાણતો હતો કે નીતાને આભૂષણો ઓર્નામેન્ટ માં બહુ રસ પડતો ન હતો એને તો પાર્ટીઓમાં જવું પણ બહુ ન ગમતું. એટલે નિનાદે કઈ દાગીના તો નહીં જ મુક્યો હોય એની નીતાને ખાતરી હતી. પણ શું હશે? છેવટે એણે ટ્રેડિશનલ ઓર્નામેન્ટનું ખાનું બહાર ખેંચ્યું અને ફંફોસવા માંડ્યું લગભગ બધી જ વસ્તુઓ યથાવત એણે છેલ્લે પાંચ - છ મહિના પહેલા યુઝ કરીને મૂકી હતી એમ જ ગોઠવાયેલ હતી છેવટે એનું ધ્યાન એક પિન્ક કલરના નાના એનવેલપ પર પડ્યું 'આ તો મેં આમાં નથી મૂક્યું.' નીતાને બરાબર યાદ હતું. ધડકતા દિલે નીતાએ એ એન્વેલપ ખોલ્યું એમાંથી એક ચિઠ્ઠી સરીને બહાર પડી. નીતા એ એ ઊંચકી લીધી. એમાં રહેલા નિનાદના અક્ષરોને એ ઓળખી ગઈ. એમાં લખ્યું હતું. "આઈ વીલ બી બેક, ડોન્ટ વરી આઈ વીલ બી બેક." વાંચીને નીતાનું દિલ બેસવા લાગ્યું એણે પોતાનો મોબાઈલ શોધીને નિનાદને કોલ લગાવ્યો. પણ સામેથી જે સંભળાયું એનાથી એનું હૃદય ધડકવું ભૂલી ગયું. વારંવાર એણે નિનાદનો નંબર ડાયલ કર્યો દરેક વખતે એક જ જવાબ સંભળાયો. "તમે જે નંબર ડાયલ કરો છો એ નંબર અસ્તિત્વમાં નથી." પરસેવે રેબઝેબ નીતાના હાથમાંથી છેવટે ફોન સરી પડ્યો અને એ પોતાના બેડરુમની ફર્શ પર જ બેસી પડી. રૂમ સાફ કરવા આવેલ નોકરાણીએ જોયું કે નીતા એના બેડ પાસે નીચે બેઠી છે એનું વોર્ડરોબ ખુલ્લું છે અને પલંગ આખો.વોર્ડરોબના ખાનાઓ અને આભૂષણોથી ભરેલો છે. એ વર્ષોથી અનોપચંદના ઘરમાં કામ કરતી હતી. નીતાના લગ્નના પણ પહેલાથી. એને નવાઈ લાગી 'આજકલ આ શું બની રહ્યું છે આ ઘરમાં. ગઈ રાતે બાબુજી અચાનક રાડ પાડી ને બધા ને ભેગા કરી દીધા હતા અને અત્યારે આ નાની વહુ આટલા ઝવેરાત અને   આખો કબાટ પલંગ પર ઠાલવીને  ને અહીં નીચે જમીન પર બેઠી છે. આ તો ઠીક છે કે હું છું. કોઈ લાલચખોર બાઈ રૂમ સાફ કરવા આવે ને કૈક ઉપાડી લે તો કોઈને ખબર પણ ન પડે.' છેવટે એણે હળવો સાદ દીધો. ''છોટી બહુ, ઓ છોટી બહુ" પણ નીતાનું ધ્યાન ભંગ ન થયું એટલે એ બહાર દોડી જોયું તો અનોપચંદ નીચે હોલમાં ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો. બાઈએ ચીસ નાખી "બાબુજી, જરા જુઓ આ છોટી બહુ ને શું થયું છે?" 

xxx

ચાર્લીની આંખો ખુલી, પણ એને કઈ દેખાયું નહીં. 'આ શું થઇ રહ્યું છે?' એણે મનોમન વિચાર્યું એના માથામાં સણકા ઉપડતા હતા, એણે માથા પર હાથ ફેરવવા પ્રયાસ કર્યો પણ આ શું? એના હાથ બંધાયેલા હતા. ધીરે ધીરે એને પોતાનું શરીર હલાવવાનો પ્રયાસ કર્યો. પણ એનાથી હલ્યું નહીં. "સાહેબ, એ હોશમાં આવી રહ્યો છે" કોઈનો અવાજ એના કાનમાં પડ્યો. "એની આંખો પરની પટ્ટી હટાવી દે." કોઈ પ્રભાવશાળી અવાજના માલિકે પહેલા અવાજ વાળાને કહ્યું. કોઈ એની નજીક આવ્યું હોય એવો માણસની હરફરનો અવાજ નજીક આવ્યો અને માથા પાછળ બંધાયેલ પટ્ટી ખોલી અને અચાનક ભરપૂર પ્રકાશ એની આંખોમાં ઘુસ્યો અને માંડ ખુલેલી આખો ફરીથી બંધ કરી દેવી પડી 2-3 મિનિટે ફરીથી એણે ધીરેથી આંખો ખોલી. થોડા પ્રયાસે એણે પોતાની આંખો ફોક્સ કરી સામે કોઈ બે અજાણ્યા માણસો ઊભા હતા. પહેલો માણસ સહેજ મોટી ઉંમરનો ટકલો અને જાડો હતા. જયારે બીજો માણસ યુવા પ્રભાવશાળી હતો એણે વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેરેલા હતા. રીમ લેસ ચશ્માં અને ફ્રેન્ચ કટ દાઢીમાં એ આકર્ષક લાગતો હતો. ચાર્લીએ ડોકું ફેરવીને આજુ બાજુની પરિસ્થિતિનો તાગ  લેવા પ્રયાસ કર્યો પણ ડોક બહુ ફરી શકી નહીં કેમકે એને એવી રીતે બાંધવામાં આવ્યો હતો પણ જેટલે એની નજર પહોંચી એમાં એક ખૂણામાં પડેલો પોતાનો સામાન દેખાયો. "કોણ છો તમે લોકો, મને અહીં  શું કામ બાંધ્યો છે?" 

"મિસ્ટર ચાર્લી બધું સમજાઈ જશે."અટ્ટહાસ્ય કરતા પહેલા અવાજ વાળા કે જે એની આંખો પરની પટ્ટી ખોલવા આવેલો એણે કહ્યું.

"પણ મારો વાંક શું છે. હું આઝાદ બ્રિટનનો નાગરિક છું મને બાંધીને તમે પસ્તાશો. મારી કંપની સાથે તમને દુશમની મોંઘી પડશે" 

"સસ્તી ચીજ નો અમને શોખ પણ નથી. અમે એલિટ લોકો છીએ. અને આમેય એ જ કંપની પર હુમલો કરાવ્યો ત્યારે તને એ યાદ ન હતું કે એ તારી કંપની છે?"

"એ વાત ખોટી છે."

"કઈ વાંધો નહીં હમણાં આરામ કર તારી અક્કડ ઓછી થાય પછી વાત કરીશું." એમ કહીને પહેલા અવાજ વાળાએ હાથમાં રહેલ રિમોટ માં કૈક બટન દબાવ્યું અને ચાર્લીની ખુરશી 180 ડિગ્રી ફરી ગઈ. હવે એને એ બે લોકો દેખાતા ન હતા. લગભગ 2 મિનિટ પછી ખુરશી પછી હતી એજ રીતે થઈ પણ એ બે લોકો ત્યાંથી ગાયબ થઇ ગયા હતા. અચાનક ચાર્લીના માથા પર કંઈક પડ્યું. સ્પર્શથી લાગ્યું કે પાણીનું બુંદ હતું. ચાર્લી એ ખુરશી હલાવવાનો પ્રયાસ કર્યો પણ ન ખુરશી હલી કે ન એ પોતે હલી શક્યો લગભગ 1 મિનિટ પછી ફરીવાર માથામાં એજ જગ્યાએ પાણીનું બુંદ ટપક્યું. અને પછી દર અર્ધી મિનિટના આંતરે એ સિલસિલો લગાતાર ચાલતો રહ્યો.  

ક્રમશ:

એરપોર્ટ પર પહોંચેલ નિનાદ ટ્રેન માં ક્યાં જઈ રહ્યો છે. એનો ફોન નંબર કેમ અસ્તિત્વમાં નથી? એક-બે દિવસમાં એવું શું થવાનું છે કે પ્રધાનમંત્રી પણ અનોપચંદ ને મદદ નહીં કરે?  ચાર્લી નું હવે શું થશે?  જાણવા માટે વાંચતા રહો તલાશ 2 ભાગ 10

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.