Love Revenge Spin Off Season - 2 - 12 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-12

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-12

 

"શું વાત છે....!? એક પણ કૉલ નઈ....કે મેસેજ પણ નઈ .....!?" પોતાનાં મોબાઈલની સ્ક્રીન સામે  જોઈને સિદ્ધાર્થ બબડ્યો.

લાવણ્યા સાથે મોઢેરા ફરીને આવ્યાં પછીનાં બીજાં દિવસે વહેલી પરોઢથી ચાલું થયેલાં ભારે વરસાદને લીધે કૉલેજમાં લેક્ચર કેન્સલ થઈ ગયાં હતાં. ભારે વરસાદને લીધે સિદ્ધાર્થ કૉલેજ પણ નહોતો ગયો કે જિમ પણ. જોકે આખો દિવસ ઘરે વિતાવીને રીડિંગ કરી કરીને કંટાળેલો સિદ્ધાર્થ સાંજ સુધી લાવણ્યાના કૉલ કે મેસેજની રાહ જોતો રહ્યો હતો. જોકે હજી સુધી લાવણ્યાએ એકપણ કૉલ કે મેસેજ નહોતો કર્યો. સિદ્ધાર્થને નવાઈ લાગતી હતી કે ગઈકાલ સુધી જે લાવણ્યા તેને સાંજ સુધી છોડતી નહોતી તેણીએ આજે આખો દિવસ પૂરો થવા આવ્યો છતાંય એકેય કૉલ કે મેસેજ નહોતો કર્યો.

"હું જ કૉલ કરી જોવું ....!?" ચેયરમાંથી ઊભાં થઈને સિદ્ધાર્થ મનમાં વિચારી રહ્યો.

હજીપણ એવોજ વરસાદ ચાલીજ રહ્યો હતો. બપોરે થોડાં વિરામ બાદ ફરીવાર એવોજ ભારે વરસાદ ચાલું થઇ ગયો હતો. 

"અમમ ....! એ કઈં જુદો મતલબ કાઢી લેશે તો...!?" મોબાઈલમાં લાવણ્યાનો નંબર કાઢી તે ડાયલ કરવાં જતો હતો ત્યાંજ તેને વિચાર આવ્યો.

થોડું વિચારી માથું ધૂણાવતો-ધુણાવતો તે અંદર રૂમમાં આવી ગયો અને લાવણ્યાને કૉલ કરવાનું માંડી વાળ્યું. 

*****

"મારી જ કોઈ વાતનું ખોટું લાગી ગ્યું લાગે છે....!" કૉલેજનાં પાર્કિંગ તરફ જઈ રહેલો સિદ્ધાર્થ બબડ્યો "એટલેજ એણે બે દિવસમાં એક પણ કૉલ કે મેસેજ નઈ કર્યો ....!"

બે દિવસ પહેલાં તે લાવણ્યા સાથે મોઢેરા ફરી આવ્યો હતો. બંનેએ આખો દિવસ સાથે વિતાવ્યો હતો. ત્યાર પછીનાં દિવસે ભારે વરસાદને લીધે કૉલેજમાં લેક્ચર કેન્સલ થયાં હતાં. અને ત્યાર પછીનાં દિવસે, એટલે આજે પણ આખો દિવસ કૉલેજમાં પૂરો થઇ ગયો. લાવણ્યાએ હજી એક પણ કૉલ કે મેસેજ સુધ્ધાં ન કર્યો હોવાથી સિદ્ધાર્થનું મન બે દિવસથી વિચારોમાં અટવાઈ પડ્યું હતું. મોઢેરા ગયા એ દિવસે લાવણ્યા કોઈક વાતે ઉદાસ થઇ ગઈ હતી એ સિદ્ધાર્થ જાણાતો હતો. શું કારણથી લાવણ્યા ઉદાસ હતી એ આગલાં દિવસે પણ સિદ્ધાર્થે વિચાર -વિચાર કર્યું હતું. આજે કૉલેજમાં લેક્ચર ભરતી વખતે પણ સિદ્ધાર્થ લાવણ્યા વિશેજ વિચારતો રહ્યો હતો. જોકે છેવટે તેનું મન તેને કહેતું હતું કે કદાચ તેનાથી જ કોઈ ભૂલ થઇ ગઈ છે જેને લીધે લાવણ્યા ઉદાસ થઇ ગઈ હોય અને તેણીએ બે દિવસથી સિદ્ધાર્થને એકેય કૉલ કે મેસેજ નહોતો કર્યો.

"કૉલ કરીને પૂછવું જ પડશે....!" બાઈક ઉપર બેસીને સાંજે કૉલેજથી ઘરે જતી વખતે વિચારતાં-વિચારતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

"ટ્રીન ..ટ્રીન...!" ત્યાંજ સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.

લાવણ્યાનો ફૉન હશે એમ માનીને સિદ્ધાર્થે પોતનાં જીન્સના પૉકેટમાંથી ઝડપથી મોબાઈલ કાઢ્યો અને સ્ક્રીન ઉપર નંબર જોયો.

"અરે યાર....!" નેહાનો નંબર જોતાંજ સિદ્ધાર્થે નિઃસાસો નાંખ્યો. જોકે સિદ્ધાર્થને પોતાને ના સમજાયું કે તેણે એવું કેમ કર્યું.

છેવટે માથું ધૂણાવી સિદ્ધાર્થે કૉલ રિસીવ કર્યો.

"મને લેતો જા ....!" સિદ્ધાર્થ હાજી તો કશું બોલે એ પહેલાં જ નેહા સહેજ રૂડ અને આદેશાત્મક સ્વરમાં બોલી "હું પાર્કિંગ બાજુ જ આવું છું ....!"

“ઓકે....!” સિદ્ધાર્થ બોલ્યો અને નિરાશ થઈ ગ્યો.

કૉલ કટ કરીને તેણે કૉલેજનાં બિલ્ડીંગ તરફ જોયું. પાર્કિંગ તરફ આવતી પેવમેન્ટ ટ્રેક ઉપર નેહા ચાલતાં-ચાલતાં આવી રહી હતી.

“હવે પછી કૉલ કરીશ....!” લાવણ્યાને કૉલ કરવાનું માંડી વાળી સિદ્ધાર્થે પોતાનો મોબાઈલ પાછો જીન્સનાં પોકેટમાં મૂક્યો અને પાર્કિંગનાં શેડમાંથી એનફિલ્ડ પાછું લઈ બહાર કાઢ્યું.

સેલ મારી સિદ્ધાર્થ બાઇક નેહા બાજુ ધીમી સ્પીડે ચલાવી દીધું.

સિદ્ધાર્થને પોતાની તરફ આવતો જોઈને નેહા પેવમેંન્ટ ઉપર અટકી.

સિદ્ધાર્થે એન્ફિલ્ડ તેણીની આગળ લઈ જઈને ઊભું રાખ્યું. નેહા સાચવીને બાઇકની પાછલી સીટ પર થોડું અંતર રાખી એક બાજુ બેઠી.

પોતાનાંથી સહેજ અંતર રાખીને બેઠેલી નેહાને સહેજ પાછું મ્હો ફેરવીને સિદ્ધાર્થે જોયું. તેને એકાદ ક્ષણ માટે લાવણ્યા યાદ આવી ગઈ. નિરાશ થઈને તેણે આગળ જોઈ બાઇક કૉલેજનાં ગેટ તરફ ચલાવી દીધું.

“ક્યાં જવું છે....!?” સિદ્ધાર્થે પૂછ્યું.  

“રિવરફ્રન્ટ લઈલે....!” નેહા બોલી અને સિદ્ધાર્થને આશ્ચર્ય થયું “આપડે વૉક કરશું....!”

“વૉક.....!?” મનમાંજ બબડી સિદ્ધાર્થે વધુ આશ્ચર્ય અનુભવ્યું.

બાઈકનું એકસીલેટર સહેજ વધારે ફેરવીને સિદ્ધાર્થે બાઈક રિવરફ્રન્ટ તરફ જવાં મારી મૂક્યું.

***

“અહિયાં આ’વાનું કોઈ કારણ....!?” રિવરફ્રન્ટ ઉપર વૉક કરતાં-કરતાં સિદ્ધાર્થે નેહાને પૂછ્યું.

રિવરફ્રન્ટ આવ્યાં પછી બંને નીચેનાં વૉક વે પર સારું એવું વૉક કરી ચૂક્યાં હતાં. બંને વચ્ચે હજી સુધી મૌન પથરાયેલું રહ્યું હતું. છેવટે સિદ્ધાર્થે કંટાળીને નેહાને પૂછ્યું.

“તમે બેય અહિયાં જ આવો છો....!?” સિદ્ધાર્થનાં પ્રશ્નનો જવાબ આપ્યાં વિના નેહાએ સામે પૂછ્યું “વૉક કરવાં માટે....!?”

સિદ્ધાર્થ આમે જોઈ નેહા ઊભી રહી. સિદ્ધાર્થ પણ ઊભો રહ્યો.

“હું એની જોડે ક્યાંય પણ જાવ....!” નેહાનાં વર્તનને કળવા મથી રહેલો સિદ્ધાર્થ થોડીવારનાં મૌન પછી થોડાં રુક્ષ સ્વરમાં બોલ્યો “તને ખબર તો હોય છે....!”

 “હમ્મ....!” હળવું સ્મિત કરી હુંકારો ભરી નેહા આગળ ચાલવા લાગી.

“આજે એ દેખાઈ નઈ.....!?” ચાલતાં-ચાલતાં નેહાએ પૂછ્યું

"ખબર નઈ ....!" નેહા સામે જોયાં વિના જ સિદ્ધાર્થ ખભા ઉછાળીને બોલ્યો.

"એણે કીધું નઈ તને કૉલ મેસેજ કરીને....!?" ઉલટ તપાસ કરતી હોય એમ નેહા પૂછવા લાગી.

કેટલીક ક્ષણો મૌન રહી લાવણ્યા વિષે વિચારતાં-વિચારતાં સિદ્ધાર્થ ચાલતો રહ્યો પછી એક ઊંડો શ્વાસ ભરી બોલ્યો -

"ના....કશું નઈ કીધું ....! એકેય કૉલ કે મેસેજ નઈ ...!"

"હોયજ નઈ ને....!" નેહા અવિશ્વાસ સાથે બોલી અને ઉભી રહીને સિદ્ધાર્થે સામે જોયું "એ બલા તારી પાછળ ઘેલી છે....! એક પણ કૉલ કે મેસેજ ના કરે....એવું તો શક્ય જ નથી....!"

"એણે ગઈકાલે પણ એકેય કૉલ કે મેસેજ નથી કર્યો ....!" નેહાએ અવિશ્વાસ દર્શાવતાં સિદ્ધાર્થ ચિડાયો છતાં પોતાનાં બંને હાથ જીન્સના પોકેટમાં ખોસી ખભા ઉછાળી શાંતિથી બોલ્યો.

"વ્હોટ ....!?" નેહાને હવે વધારે આશ્ચર્ય થયું "એવું તો શું થઈ ગ્યું ....!?"

"ખબર નઈ ...!" હોઠ બનાવી સિદ્ધાર્થે ફરીવાર ખભા ઉછાળ્યાં અને પોતાના જીન્સના પૉકેટમાં રહેલાં મોબાઈલની સ્ક્રીન નખ વડે ખોતરવા લાગ્યો "કદાચ....!"

બોલતાં પહેલાં સિદ્ધાર્થ સહેજ ખચકાયો અને અટકી ગયો.

"શું કદાચ....!?" રાહ જોઈ રહી હોય એમ નેહા બોલી "બોલ...! શું થયું ...!?"

"શું થયું એ નઈ ખબર....!" સિદ્ધાર્થ પાછો ખભાં ઉછાળીને બોલ્યો "પણ...મને એવું લાગે છે...કે એને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે....! કદાચ...! હું ભૂલથી એવું કઈંક બોલી ગ્યો છું ...! જે એને ના ગમ્યું હોય....! એટલે કદાચ એણે બોલવાનું બંધ કરી દીધું ....!"

"તો તે એને ફૉન કરીને પૂછ્યું નઈ ...!? આખા બે દિવસમાં ....!?"

સિદ્ધાર્થ કશું બોલ્યાં વગર નેહા સામે જોઈ રહ્યો.

"ઓહ....!" નેહા સમજી ગઈ હોય એમ બોલી પછી ટૉન્ટ માર્યો "મેલ ઈગો ....! ઓહ વેઈટ ...! "ઘી સિદ્ધાર્થ" ઈગો....! નઈ ...!"

"હું ખોટું નઈ બોલતો....! પણ હાં ...એ પણ એક કારણ છે જ...!"આંખોની કીકીઓ રૉલ કરી માથું ધુણાવી નેહાનાં ટૉન્ટનો સિદ્ધાર્થે શાંતિથી જવાબ આપ્યો અને આગળ ચાલવાં લાગ્યો "અને આ "ઘી સિદ્ધાર્થ" શું છે પાછું ....!?"

 "ઘી લાવણ્યા....ઘી સિદ્ધાર્થ....!" નેહા ટૉન્ટમાં બોલતાં-બોલતાં તેની જોડે ચાલવા લાગી "જોડી સારી છે નઈ ...!?"

સિદ્ધાર્થે નેહા સામે કતરાઇને જોયું. તેણીનાં ચેહરા ઉપરનાં ભાવ કળાવા અઘરાં હતાં. જોકે એક વાત સિદ્ધાર્થને સ્પષ્ટ દેખાઈ કે નેહાને તેનું નામ લાવણ્યા સાથે જોડાવાથી કોઈ ફરક નહોતો પડી રહ્યો ઉલટાનું એ જાતેજ એનું નામ લાવણ્યા સાથે જોડી રહી હતી.

નિરાશ થઈને સિદ્ધાર્થે સામે જોઈને ચાલવાં માંડ્યું.

"બીજું શું કારણ છે....!? એને કૉલ ના કરવા પાછળ....!?" નેહાએ પૂછ્યું.

"એની કોઈ પર્સનલ વાત હોય....! અને એ મને ના કે'વા માંગતી હોય તો....!?" સિદ્ધાર્થ બોલ્યો "મારે ફોર્સ ન'તો કરવો....! અને મને એવું ફાવતું પણ નથી...!"

"હી...હી...પર્સનલ હાં ...!?" નેહા ભારોભાર નફરત ભર્યા સ્વરમાં બોલી "એ છોકરી પોતે 'પબ્લિક પ્રોપર્ટી' છે...!"

સિદ્ધાર્થે મોઢું બગાડીને આડું જોઈ લીધું.

"એને વળી શું પર્સનલ હોય....!?" નેહા એજરીતે બોલી.

કશું પણ બોલ્યાં વગર સિદ્ધાર્થ લાવણ્યા વિષે વિચારી રહ્યો.

"એ છોકરી પોતે 'પબ્લિક પ્રોપર્ટી' છે...!"

નેહાના શબ્દોનો અર્થ તે સમજતો હતો. તે એકપણ ચાન્સ નહોતી છોડતી, લાવણ્યા વિષે ઘસાતું બોલવામાં અને સિદ્ધાર્થને નેહાની એ વાત સહેજ પણ પસંદ નહોતી આવતી. જોકે સિદ્ધાર્થ સમજી ગયો હતો કે લાવણ્યાને હૃદયપૂર્વક નફરત કરતી નેહાને તેણી વિષે ઘસાતું બોલવાની હવે આદત પડી ગઈ હતી.  

"નક્કી તારી જ કોઈ વાતથી એ હર્ટ થઈ ગઈ લાગે છે...!" નેહા ભારપૂર્વક બોલી "નઈ તો એ કૉલેજ પણ આવે....! અને બે-બે દિવસ સુધી તને એકપણ કૉલ કે મસેજ પણ ના કરે....! એ વાત હજમ નઈ થતી ...!"

"નક્કી તારી જ કોઈ વાતથી એ હર્ટ થઈ ગઈ લાગે છે...!" સિદ્ધાર્થ વિચારી રહ્યો.

"નઈ તો એ કૉલેજ પણ આવે....! અને બે-બે દિવસ સુધી તને એકપણ કૉલ કે મસેજ પણ ના કરે....! એ વાત હજમ નઈ થતી ...!"  તેને નેહાની વાત સાચી લાગી રહી હતી.

"હાં ....એ તો છેજ....! એ ફૉન ઉપર વાતો કરવામાં કલ્લાકો ના કલ્લાકો કાઢી નાંખે છે...!" સિદ્ધાર્થ  બોલ્યો "અમે રિવરફ્રન્ટ વૉક કરવાં આવીએ....ત્યારે પણ એ ઘેર જવાનું નામ નઈ લેતી....!

"હમ્મ ....તો પછી શું કારણ હોઈ શકે...!?" નેહાએ વિચારતાં-વિચારતાં પૂછ્યું.

"મને તો કોઈ આઈડિયા નઈ ...!" સિદ્ધાર્થ હવે વિચારી-વિચારીને પરેશાન થઇ ગયો હોય એમ બોલ્યો.

"મને બધું કે'..!" નેહા ઉભી રહી અને ભાવવિહીન સ્વરમાં બોલી "તારી મોઢેરા ટ્રીપ વિષે...! બધું એટલે બધું....! તમે અહિયાંથી ગયાં ત્યાંથી લઈને જ્યારે તને પે'લીવાર લાગ્યું કે એ કોઈ વાત હર્ટ થઇ છે કે ઉદાસ થઇ છે...ત્યાં સુધી બધું...! એકપણ અક્ષર ભૂલ્યાં વગર....! કે છુપાયા વગર....!"

 અમદાવાદમાં હવે વરસાદની સીઝન બરાબરની જામી ગઈ હતી. આખો દિવસ કાળાં ડિબાંગ વાદળો ઘેરાઈ રહેતાં હતાં. જેને લીધે વાતાવરણ અંધકારમય રહેતું. એમાંય સાંજ ઢળવા આવતા કાળાં વાદળોને લીધે અંધારું વહેલું થઇ જતું. અત્યારે પણ સાંજ ઢળી જતાં અંધારું પડવા આવ્યું હતું આથી રિવરફ્રન્ટની લાઈટો ઝળહળી ઉઠી હતી. સાથે-સાથે વાદળોમાં ગડગડાટ શરુ થઇ ગયો હતો.

અદબવાળીને કોઈ પોલીસવાળની જેમ ઉભેલી નેહા સામે સિદ્ધાર્થ બે ઘડી જોઈ રહ્યો. પછી એક ઊંડો શ્વાસ ભરી લાવણ્યા સાથે મોઢેરા ટ્રીપ વિષે તેણીને કહેવાં લાગ્યો. 

---

"પછી એણે મને પૂછ્યું કે મને કેવી છોકરીઓ ગમે....!" મોઢેરાની ટ્રીપ વિષે સિદ્ધાર્થ નેહાને કહી રહ્યો હતો.

નેહા ચાવી-ચાવીને તેને એક-એક વાત પૂછતી હતી. કંટાળ્યો હોવાં છતાં સિદ્ધાર્થ પરાણે બધું યાદ કરી-કરીને કહી રહયો હતો.

"તો તે શું કીધું....!?" નેહાએ ચાલતાં-ચાલતાં અટકીને પૂછ્યું.

"એજ કે હું રોયલ ફેમિલીનો છું ....કિંગ છું .....! તો મને ક્વીન જ ગમે.....!" સિદ્ધાર્થ બોલ્યો.

"ઓહો... હો…. હો...! ખરેખર તે આવું કીધું ....!?" નેહા પહેલાં ચમકી પછી હસીને બોલી.

"હાં કેમ....!?" હજી પણ ના સમજાતા સિદ્ધાર્થે ખભા ઉછાળીને પૂછ્યું.

"વાહ..વાહ...મારા કિંગ...!" નેહા હવે સિદ્ધાર્થની પીઠ ઉપર ધબ્બો મારીને શાબાશી આપતી હોય એમ બોલી "વાહ.....! જોરદાર....!"

સિદ્ધાર્થ હવે મૂંઝાઈ ગયો અને નેહાની હરકત અવગણીને તેણી સામે જોઈ વિચારી રહ્યો.

"આજ પે'લ્લા કોઈએ પણ ના કરી હોય એવી ઈન્સલ્ટ તે એ છોકરીની કરી નાંખી....! બ્રેવો મારાં હીરો...! બ્રેવો...!" ખુશ થઇ ગયેલી નેહા બોલી.

"ઈન્સલ્ટ....!?" મૂંઝાયેલો સિદ્ધાર્થ પહેલાં મનમાં બબડ્યો.

"તે એ છોકરીને એની ઓકાત યાદ અપાઈ દીધી....!" નેહા ભારોભાર નફરત સાથે બોલી "એની શું હેસિયત છે...એ યાદ અપાઈ દીધું....!  અને એ તારી કિવન  બનવાના લાયક નથી એ પણ....!"

નેહા બોલે જતી હતી અને સિદ્ધાર્થ વધુને વધુ મૂંઝાતો જતો હતો. પોતે કેવી રીતે લાવણ્યાની ઈન્સલ્ટ કરી હતી એ હજી તેને નહોતું સમજાયું.

"અને એ પોતાને 'ક્વીન ...ક્વીન' કેતી ફરે છે....!" નેહા એવાજ નફરત ભર્યા સ્વરમાં ચાળા પાડીને બોલી "અરે રોજ નવા -નવા છોકરાઓ જોડે સૂતી ફરે એ રખડેલ શેની ક્વીન વળી....!? ક્વીન કઈં બધા જોડે સૂતી ફરે....!?"

"રોજ નવા -નવા છોકરાઓ જોડે સૂતી ફરે એ રખડેલ શેની ક્વીન વળી....!? ક્વીન કઈં બધા જોડે સૂતી ફરે....!?"

નેહાના શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાયા અને પોતે શું ભૂલ કરી હતી એ તેને વીજળીનો ચમકારો થયો હોય એમ ખબર પડી.

"ઓહ તેરી.....!" તે મનમાં બબડ્યો અને તેનું મોઢું ઉતરી ગયું. લાવણ્યાની ઉદાસીનું કારણ પણ હવે તેને સમજાઈ ગયું.

"મેં તો ખાલી એનાં કવેશનનો આન્સર આપ્યો 'તો....!" સિદ્ધાર્થ મનમાં બબડ્યો પછી પોતાની ઉપર ગુસ્સે થયો હોય એમ બબડ્યો "હું મૂર્ખો છું ....!"

સિદ્ધાર્થ પોતે લાવણ્યા વિષે કૉલેજમાં ચાલતી આવી બધી વાતોથી વાકેફ હતો. મોટાભાગની વાતો તેને નેહા દ્વારાજ સાંભળવાં મળી હતી. 

"મેં એને બહુ હર્ટ કરી દીધી....!" નિરાશા સાથે સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

"ચલ ...ચલ....!" નેહા સિદ્ધાર્થનો હાથ પકડીને ખેંચવાં માંડી "આજે મારાં તરફથી પાર્ટી....! હું તને ડિનર કરાઉ ચલ ...!"

પોતે કેટલી મોટી ભૂલ કરી અને લાવણ્યાને હર્ટ કરી એ વિચારોમાં ખોવાયેલો સિદ્ધાર્થ પરાણે નેહા જોડે ધકેલાયો હોય એમ ચાલવા માંડ્યો.

બે દિવસથી લાવણ્યાનો એકપણ કૉલ કે મેસેજ નહીં આવવાં પાછળનું રિઝન ખબર પડતાં સિદ્ધાર્થનું મૂડ ઉતરી ગયું.

"બોલ....શું ખાઈશ તું...!?" સિદ્ધાર્થનો હાથ પકડીને ખેંચતાં-ખેંચતાં નેહા બોલી "આજે તે બહુ જોરદાર કામ કર્યું હોં ...! તે એ હલકટને એની હેસિયત યાદ અપાઈ દીધી....! સાલી નીચ...!"

નેહા પાછી એજ બધું ઘસાતું બોલે જતી હતી. સિદ્ધાર્થને પીડા થતી હોય એમ તેણે મોઢું બગાડીને સામે જોઈને ચાલવા માંડ્યું.  

 "મારે એને કૉલ કરવો જ જોઈએ...!" નેહા જોડે જતાં-જતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

રિવરફ્રન્ટથી નીકળી બંને એસજી હાઇવે ઓનેસ્ટ રેસ્ટોરેન્ટ આવ્યાં અને પાઉંભાજી જમ્યા. રિવરફ્રન્ટથી રેસ્ટોરેન્ટ આવતાં સુધી અને જમતી વખતે પણ નેહા એકની એક વાત બોલ્યાં કરતી.

“તે એ હલકટને એની હેસિયત યાદ અપાઈ દીધી....! અપાઈ દીધી....!" સિદ્ધાર્થનાં કાનમાં નેહાના એ શબ્દોના પડઘા પડ્યા રહેતાં.

નેહાને લીધે માંડ કરીને તે થોડું ઘણું જમ્યો. લગભગ બે -ત્રણ કલ્લાક સુધી નેહા એકની એક વાત ચલાવે રાખી રાતના સાડા આઠ વગાડી દીધાં. સિદ્ધાર્થનાં માટે આ કલ્લાકો જાણે ટોર્ચર સમાન હતાં. એકબાજુ નેહા લાવણ્યા વિષે ઘસાતું બોલવામાં કશું બાકી નહોતી રાખતી તો સામે પોતે લાવણ્યાની અજાણતાં જે ઈન્સલ્ટ કરી બેઠો, એ વિચારો પણ તેનાં મનમાં સતત ઘૂમરાયા કરતાં. નેહાથી છૂટું થવાય તો તરતજ લાવણ્યાને કૉલ કરી સોરી કહેવાનું નક્કી કરી ચુકેલો સિદ્ધાર્થ હવે નેહાની એકની એક લપથી કંટાળ્યો હતો. જમ્યા પછી પણ નેહા ઉઠવાનું નામ નહોતું લેતી.

"ચલ ....હવે જઈશું....!" સિદ્ધાર્થે છેવટે કંટાળીને ચેયરમાંથી ઊભાં થવાં જતાં કહ્યું "સાડા આઠ થઇ ગ્યાં ...!"

"અરે શું જઈશું.....!?" નેહા સહેજ ચિડાઈને બોલી પછી રેસ્ટોરેન્ટનાં કાંચના શૉ બાજુથી બહાર તરફ જોઈને બોલી "આ વરસાદ તો જો....! આવામાં ક્યાં ઘેર જવાનું....!?"

સિદ્ધાર્થે પણ કાંચમાંથી બહાર દેખાતાં દ્રશ્ય સામે જોયું. બહાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

"બાપરે....!" અનરાધાર વરસી રહેલાં વરસાદનાં દ્રશ્ય સામે સિદ્ધાર્થ ચિંતાતુર સ્વરમાં બબડ્યો અને વિચારી રહ્યો.

"અરે તું ટેંન્શન શું કરવાં લે છે...!" નેહા સ્મિત કરીને બોલી "લેટ થાય તો થાય...! આજે તો એમ પણ સેલિબ્રેશનનો દિવસ છે....! તું બેસને...!"

એટલું કહીને નેહાએ ઊભાં થયેલાં સિદ્ધાર્થનો હાથ પકડીને ખેંચ્યો અને તેને ચેયરમાં બેસાડ્યો.

કમને સિદ્ધાર્થ પાછો ચેયરમાં બેસી ગયો. તે હજીપણ ચિંતાતુર નજરે બહાર વરસતાં વરસાદ સામે જોઈ રહ્યો હતો.   

ક્યાંય સુધી તે વરસાદ સામે જોઈ રહ્યો અને લાવણ્યા વિષે વિચારી રહ્યો.

"આઈસક્રીમ મંગાઈએ....!" નેહા આંખો મોટી કરીને ખુશ થઈને બોલી અને રેસ્ટોરેન્ટમાં કામ કરતાં વેઈટરને હાથ લંબાઈને બોલાવ્યો.

વરસાદ થંભે ત્યાં સુધી તેઓ મોડે સુધી રેસ્ટોરેન્ટમાં બેઠાં. નેહાએ એકની એક વાત ચલાવે રાખી.

****

"એને તારો બધો પાસ્ટ કઈ દે ....!" વિશાલનાં શબ્દો લાવણ્યાના કાનમાં પડઘાઈ રહ્યાં હતાં "તો જ એ કદાચ તારી ઉપર ટ્રસ્ટ કરશે....!"

બે દિવસથી લાવણ્યા પોતાનો પાસ્ટ સિદ્ધાર્થને કહેવો કે નહીં તે વિષે વિચારતીજ રહી હતી. હજી સુધી, તે શું કરવું તે અંગેનો નિર્ણય લઈ નહોતી શકી.

"હું એને મારો પાસ્ટ કઈ દઈશ....! તો એ મને છોડી દેશે...! મારી સામું પણ નઈ જોવે....! મારી જોડે વાત પણ નઈ કરે....!" 

જોકે બે દિવસમાં આ વિચારો કરી કરીને લાવણ્યા એટલું તો સમજી ગઈ હતી કે સિદ્ધાર્થને પોતાનો પાસ્ટ કહેવો કે નહીં એ નિર્ણય તે ઓલરેડી લઈ ચુકી હતી, અને એનું સંભવિત પરિણામ પણ તે જાણતી જ હતી. એ પરિણામથી ડરી ગયેલી લાવણ્યાનું મન એટલેજ અટવાઈ પડ્યું હતું. એટલેજ એ જાણી જોઈને પોતે જ પોતાનો નિર્ણય માની નહોતી રહી. પોતે જાણે હજી નિર્ણય લેવા અંગે વિચારી રહી હોય એવો ઢોંગ કરી-કરીને તે પોતાનાં મનને મનાવી રહી હતી. તે જાણતી હતી કે તે આમ કરીને પોતાનેજ ઉલ્લું બનાવી રહી છે. તેણીની હિમ્મત જ નહોતી થઇ રહી, કે તે સિદ્ધાર્થને ફૉન કરે અને પોતાનો પાસ્ટ કહીદે.

“એ મને છોડી દેશે...! મારી સામું પણ નઈ જોવે....! મારી જોડે વાત પણ નઈ કરે....!" 

આજ કારણ હતું, તેણે બે દિવસમાં સિદ્ધાર્થને એકેય વાર કૉલ કે મેસેજ નહોતો કર્યો. 

"એ મારી વાત નઈ સમજે....! એ મને નઈ સમજે ...!" લાવણ્યા બબડી "કોઈ પણ ના સમજે...!" 

રાતનાં અંધકારમાં પણ વાદળોની પાછળથી આવતાં ચંદ્ર પ્રકાશને લીધે આકાશમાં દેખાતાં કાળા ઘેરાયેલાં વાદળો તરફ તે જોઈ રહી. ક્યાંક-ક્યાંકે વીજળીઓ અને વાદળોમાં ગડગડાટ થઇ રહ્યાં હતાં અને વરસાદ પણ પડું-પડું થઈ રહ્યો હતો. 

ક્યાંય સુધી વિચાર્યા બાદ જ્યારે લાવણ્યા પોતાનેજ ઉલ્લું બનાવી-બનાવીને થાકી ગઈ ત્યારે તેણીએ સિદ્ધાર્થને પોતાનો પાસ્ટ કહી દેવાનો નિર્ણય લઇ લીધો.

પોતાનો મોબાઈલ હાથમાં લઈને તેણે whatsappમાં સિદ્ધાર્થનો નંબર ઓપન કર્યો. સિદ્ધાર્થનો dp ઓપન કરી તે તેનાં ચેહરા સામે ભીની આંખે જોઈ રહી. પોતાનો પાસ્ટ જાણ્યાં બાદ તે છોડીને જતો રહેશે એ વાતની લાવણ્યાને ખાતરી થઇ ગઈ.

"આટલી જ....જલ્દી તું ...તું...મારી લાઈફમાંથી જતો રઈશ .....!" સિદ્ધાર્થનાં પ્રોફાઈલ પિક્ચર સામે જોઈ રહી લાવણ્યા ફરિયાદ કરતી હોય એમ ભીની આંખે બોલી "એવી ન'તી ખબર....!"

તેણીની નજર સામે સિદ્ધાર્થ સાથે વિતાવેલાં માત્ર એ બે-ત્રણ દિવસ જૂના ભૂતકાળનાં દ્રશ્યો તરવરી ઉઠ્યા. જોકે લાવણ્યા પાસે મોઢેરાની ટ્રીપ, લૉ ગાર્ડન અને રિવર ફ્રન્ટ પર સિદ્ધાર્થ સાથે વિતાવેલો થોડો ટાઈમ, બાઈક ઉપર સિદ્ધાર્થની પાછળ ચીપકીને બેસવું, એવી ગણી ગાંઠી સુંદર પળો જ હતી.       

"બ....બહુ ઓછો ટાઈમ રે'વાં મલ્યું તારી જોડે....!" 

ડૂસકાં ભરીને લાવણ્યા રડી પડી. તેણીની હિમ્મત પાછી તૂટી ગઈ.

ક્યાંય સુધી લાવણ્યા રડતીજ રહી. છેવટે પાછી હિમ્મત ભેગી કરીને તેણીને સિદ્ધાર્થને કૉલ કર્યો. સિદ્ધાર્થનાં નંબર પર રિંગ જઈ રહી હતી ત્યાંજ "ઘર્રરર .....!" એવાં વાદળોનાં ગડગડાટ સાથે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો.

****

 છેક રાતનાં સાડા દસે વરસાદ થંભી જતાં સિદ્ધાર્થ નેહાને મુકવા તેણીનાં ઘરે આવ્યો.

"તે આજે જે રીતે એને એની તુચ્છતાં નો એહસાસ કરાયો....!" પોતાનાં ઘરનાં ઓટલાંના પગથિયે ઊભાં રહીને ભારોભાર નફરત સાથે બોલી "એજ રીતે આગળ પણ કરાવતો રે'જે.....!"  

સિદ્ધાર્થેને મનોમન લાવણ્યા માટે દયા આવી ગઈ.

"થેન્ક્સ....!" નેહા બોલી "તે જે કર્યું એના માટે....!"

સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વગર નેહાની લાઈનમાં જ બે-ચાર ઘર છોડીને દેખાતાં લાવણ્યાનાં ઘર સામે જોયું. અત્યારે એનાં ઘરના માત્ર ઓટલાંની લાઈટ બળતી હતી. તેનું મન લાવણ્યાના ઘરે જવાનું થઇ આવ્યું, પણ રાતનાં સાડા દસ જેવું થઇ ગયું હોવાથી તેણે એ વિચાર માંડી વાળ્યો.

"કાલે કૉલેજ માં મલી લઈશ...!" લાવણ્યાનાં ઘર સામે જોઈ રહી સિદ્ધાર્થ મનમાં બબડ્યો "જો કૉલેજ ના આઈ....તો ઘેર..!"

"એ એનાં જ લાયક છે....!" નેહા પણ લાવણ્યાના ઘર સામે જોઈને બોલી પછી સિદ્ધાર્થ સામે જોયું.

તેની આંખોમાં એવો જ તીવ્ર ધિક્કાર હતો.

"રોજે છોકરાઓ બદલવાંવાળી એ હલકટને હવે ખબર પડી ગઈ હશે....!" નેહા એવાં સ્વરમાં બોલી, તેણીની આંખ હવે ભીંજાયેલી હતી "કે એ કેટલી તુચ્છ અને યુઝલેસ છે.....! તે એને એ એહસાસ કરાઈ દીધો....એ કેટલી વહિયા ...!"

"અમ.....! હું નીકળું ....!?" નેહાની વાત વચ્ચે કાપી સિદ્ધાર્થ બોલ્યો "નઈ તો ઘરનું કોઈ બા'ર આવશે....તો મને અંદર બોલાઈ ચ્હા-નાસ્તાની ફોર્માલિટી કરશે....! અને વીજળીઓ પણ થાય છે...! ફરીવાર વરસાદ પડશે કદાચ....!"

નકલી સ્મિત કરીને સિદ્ધાર્થ બોલ્યો અને  બાઈક ઘુમાવીને સોસાયટીની બહાર નીકળવા લાગ્યો. બાઈક વળાવતાં-વળાવતાં વધુ એકવાર સિદ્ધાર્થે લાવણ્યાનાં ઘર તરફ જોઈ લીધું.

છેવટે બાઈકનું મોઢું ગેટ બાજુ ફેરવી નેહા સામે માથું હલાવી સિદ્ધાર્થ ગેટની બહાર નીકળી ગયો. રૉડ ઉપર આવતાં જ તેણે સેટેલાઇટ જવા માટે બાઈક ડાબી બાજુ વળાવી લીધું. મેઈન રોડ ઉપર આવી જતાં તેણે બાઈકની સ્પીડ વધારી દીધી.

"રોજે છોકરાઓ બદલવાંવાળી એ હલકટને હવે ખબર પડી ગઈ હશે....! ગઈ હશે...!" 

બાઈકની સ્પીડ વધવાની સાથે-સાથે નેહાએ કહેલાં એ શબ્દોના વિચારો પણ હવે સિદ્ધાર્થના મનમાં વધવા લાગ્યાં.

"કે એ કેટલી તુચ્છ અને યુઝલેસ છે.....!  તુચ્છ અને યુઝલેસ છે.....!"

"તે આજે જે રીતે એને એની તુચ્છતાં નો એહસાસ કરાયો....!  એહસાસ કરાયો....!"

"એજ રીતે આગળ પણ કરાવતો રે'જે.....!"

નિરાશામાં સિદ્ધાર્થે માથું ધુણાવ્યું. પોતે અજાણતાજ લાવણ્યાને હર્ટ કરી દીધી એવી અપરાધ ભાવનાથી તેનું મન ભરાઈ આવ્યું.

"એટલે જ એ છોકરી મને ફૉન કે મેસેજ નથી કરતી....!" બાઈક ચલાવતાં -ચલાવતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને માથું ધુણાવી રહ્યો.

"ઘરરર.....!" ત્યાંજ પાછો વરસાદ તૂટી પડ્યો.

અચાનક તૂટી પડેલા વરસાદથી બચવા સિદ્ધાર્થે પોતાની બાઈકની સ્પીડ ધીમી કરી અને આગળ રોડની સાઇડે દેખાતા એક વૃક્ષની નીચે ઊભાં રહેવાં બાઈક રોડની સાઇડે લીધું.

ઠીક ઠીક ઘટાદાર વૃક્ષને લીધે નીચે ઉભેલો સિદ્ધાર્થ વરસાદમાં પલળવાથી બચી શક્યો. ફરીવાર એકના એક વિચારોથી તેનું મગજ ઘૂમરાવા લાગ્યું.

"તે એને એ એહસાસ કરાઈ દીધો...."

"કે એ કેટલી તુચ્છ અને યુઝલેસ છે.....!  તુચ્છ અને યુઝલેસ છે.....!"

ત્યાંજ સિદ્ધાર્થના ફૉનની રિંગ વાગી.

"મામા હશે કદાચ...!" લેટ થઇ ગયું હોવાથી સુરેશસિંઘે ફૉન કર્યો હશે એમ માનીને સિદ્ધાર્થે પોતાનાં જીન્સના પૉકેટ્માંથી પોતાનો મોબાઈલ કાઢ્યો. 

સ્ક્રીન ઉપર નંબર જોતાં જ સિદ્ધાર્થ ચોંક્યો.

"લાવણ્યા ....!?"

ચોંકીને સિદ્ધાર્થે ઝડપથી સ્વાઇપ કરીને તેણીનો કૉલ રિસીવ કર્યો.

"લાવણ્યા ....! અ ...હા...!"

"સિદ્ધાર્થ....સિદ.....! મ....મારે તને મલવું છે....!" સામેથી લાવણ્યા ગભરાયેલાં સ્વરમાં વચ્ચે બોલી પડી "અત....અત...અત્યારેજ ....! તું...તું...રિવરફ્રન્ટ આયને પ્લીઝ....!"

"વ્હોટ .....!?" સિદ્ધાર્થ ચોંકી ગયો અને મોટેથી બોલી પડ્યો "તું આ ટાઈમે રિવરફ્રન્ટ શું કરે છે....!?"

ફૉન કાને માંડી રાખી બોલતાં-બોલતાં સિદ્ધાર્થ પોતાનાં એન્ફિલ્ડની સીટ ઉપર સવાર થઇ ગયો અને ઇગ્નિશનમાં ભરાવી રાખેલી ચાવી ઘુમાવીને બીજા હાથ વડે બાઇકનો સેલ માર્યો. એક્સિલેટર ઘુમાવી સિદ્ધાર્થે માથું નમાવી પોતાનો મોબાઈલ કાન અને શૉલ્ડર વચ્ચે ભરાવ્યો અને બંને હાથ વડે બાઈક ચલાવવાં લાગ્યો.

"મ ....મારે વાત કરવી છે તારી જોડે....! બ...બવ ઈમ્પોર્ટન્ટ છે...!" લાવણ્ય એવાજ ગભરાયેલાં સ્વરમાં બોલી તે હાંફી રહી હતી "આયને પ્લીઝ...!"

"અરે પણ છોકરી...! તારે વાત કરવીજ તી ...તો ...તો મને ફૉન કરવો તો....! આટલાં મોડાં ત્યાં એકલાં શું કામ જતી રઈ તું......!?" ચિંતાતુર સ્વરમાં લાવણ્યાને ખખડાવતો હોય એમ સિદ્ધાર્થ બોલ્યો પછી ફરિયાદ કરતો હોય એમ બોલ્યો "બે દિવસથી તે એકેય ફૉન કે મેસેજ નઈ કર્યો ...!"

"સ...સોરી...!" લાવણ્યા હવે ડુસકા ભરવા લાગી.

"શું થયું છે તને...!?" સિદ્ધાર્થ હવે વધારે ચિંતાતુર સ્વરમાં બોલ્યો.

"ક...કંઈ નઈ ...! પ્લીઝ તું જલ્દી આય....!" લાવણ્યા એજ રીતે બોલી.

"આવું જ છું .....!" સિદ્ધાર્થ બોલ્યો અને કૉલ કટ કરી બાઈકની સીટ ઉપર પાછળ બાજુ નમી મોબાઈલ જીન્સના પોકેટમાં મૂકી. 

વરસાદ ચાલું હોવાં છતાંય સિદ્ધાર્થે બાઈકની ઝડપ વધારી રિવરફ્રન્ટ જવા મારી મૂક્યું.  

****

“હું નીકળું ....!? હું નીકળું ....!?"  

સિદ્ધાર્થના ગયાં પછી જમીને ફ્રેશ થઈને નેહા પોતાનાં બેડમાં પડે વિચારી રહી હતી.

નેહા જ્યારે લાવણ્યા વિષે એલફેલ બોલી રહી હતી ત્યારે સિદ્ધાર્થે તેણીની વાત વચ્ચે કાપી દીધી હતી.

"તું કાયમ એ છોકરીને આજ રીતે શા માટે બોલાવે છે..!? શા માટે બોલાવે છે..!?"

જમ્યા બાદ તે રીડિંગ કરવાં બેઠી હતી જોકે સિદ્ધાર્થ વિષેનાં વિચારો ઘેરી વળતાં તેનું મન વાંચવામાં લાગ્યું નહોતું અને બેડમાં પડતું મૂકી સુવાનો ટ્રાય કરી રહી હતી.

"હલકટ...! રખડેલ...!? એનું નામ લેવામાં કોઈ પ્રોબ્લેમ છે....!?"

સિદ્ધાર્થે અગાઉ પણ નેહાને લાવણ્યા વિષે એલફેલ બબડાટ કરતાં ટોકી હતી. તે મૉટે ભાગે નેહાને આવું કઈં પણ બોલતાં ટોકતો અને છતાંપણ જો નેહા ના અટકે તો તેની વાત કાપીને તે કોઈને કોઈ બહાને યા તો કૉલ કટ કરી દેતો યા પછી જતો રહેતો. નેહા જ્યારે પણ લાવણ્યા વિષે કઈંપણ એલફેલ બોલતી, સિદ્ધાર્થના મોઢાં ઉપર અણગમાના ભાવો આવી જતાં. આજે પણ નેહાએ એ ભાવો વાંચી લીધાં હતાં જોકે તેણે સિદ્ધાર્થને વાતની ખબર નહોતી પડવા દીધી. 

"એ એવો જ છે...!" બેડમાં પડે પડે પંખા સામે જોઈ રહી નેહા મનમાં બબડી "એને કોઈપણ છોકરી વિષે એવું બધું સાંભળવું નઈ ગમતું ....!" 

નેહા જાણે પોતાનું મન મનાવી રહી હોય એમ બબડી.

"કે પછી....! એને પણ લાવણ્યા માટે .....!?"

એવો વિચાર આવી જતાં નેહા બેડમાંથી અચાનક બેઠી થઈ ગઈ.

****

“S I D D H A R T H”

Jignesh

instagram@siddharth_01082014