Hasta nahi ho bhag 22 books and stories free download online pdf in Gujarati

હસતા નહીં હો! - 22 - બેટાના પરાક્રમે બાપાને ફ્રેક્ચર



માતાના ગર્ભમાંથી બાળક પૃથ્વી પર આવે ત્યારે બુદ્ધિ,લાગણી ,ભાવ વગેરે સાથે લઈને જ જન્મતો હોય છે.કદાચ ઈશ્વર ( જો એવું કોઈ તત્વ હોય તો) જ એવું બધું એનામાં ઉમેરીને બાળકને અહીં મોકલતો હશે પણ નક્કી મારા કિસ્સામાં બ્રહ્માજી સરસ્વતી દેવી સાથે ઝઘડ્યા હોય એવું લાગે છે.કારણ કે મને બ્રહ્માજીએ લાગણી અને ભાવ વગેરે તો પ્રમાણસર આપ્યા પરંતુ બુદ્ધિ બહુ જ ઓછી આપી.એમાં વળી દુર્ભાગ્યનું પૂછડું પણ પાછળ લગાડી દીધું અને એટલે મારુ નસીબ પણ વાનરવેડા કર્યા જ કરે છે.

" હજુ આંતરડાંની દવા પુરી થઈ નથી ને પાછો મેંદો તારે તારી પેટની ગટરમાં પધરાવવો છે?"

" તારા બાપાએ અહીં પૈસાનું ઝાડ નથી ઉગાડયું તે વારંવાર તને એવો નાસ્તો કરાવે."

" તારે તો નથી ઉલાળ કે નથી ધરાળ."

"અઢાર વર્ષનો ઢાંઢો થયો પણ હજુ ખાવાની આદતમાં એવો ને એવો જ રહ્યો."

જયારે જયારે હું પીઝા,પંજાબી,બર્ગર,પાસ્તા,હોટ્ડોગ,ચાઈનીઝ,પફ વગેરે જેવો પૌષ્ટિક ખોરાક ખાવાની વાત કરું ત્યારે મારા માતા પિતા મને ઉપરોક્ત વિધાનો સંભળાવી ચૂપ કરાવી દે છે.એ લોકો આને પૌષ્ટિક ખોરાક માનતા જ નથી.કદાચ એ સાચા પણ હશે પરંતુ મારા પેટને માફક આવે તે જીભન ગમતું નથી અને જીભને ગમે તેનો પેટ વિરોધ કરે છે.

તે ગોઝારા દિવસને સાંજે પાંચ વાગ્યે પણ મેં એવી માંગણી કરેલી ને તેનો વિરોધ પક્ષના નેતાની માફક મારા માતાપિતાએ વિરોધ પણ કરેલો.મારા ઘરની એક ખાસિયત છે કે વાતની ગાડી એક વખત સ્ટેશનથી ઉપડે પછી તે ગાડી ક્યા અટકશે તે કોઈ જ્યોતિષી પણ ના કહી શકે.બહારનો પૌષ્ટિક ખોરાક ખાવાના વિરોધથી શરુ થયેલી વાત ધીમે-ધીમે મારા વસ્ત્રો,મારો એકલવાયો સ્વભાવ,મારી મૂર્ખાઈના નમૂના,મારુ નબળું શરીર,મેં બેરોજગારી પ્રત્યે પરાણે કરેલો પ્રેમ વગેરે જેવા અનેક સ્ટેશનો પાર કરતી કરતી મારી વાહન ચલાવવાની અણઆવડત પર આવીને અટકી.

બીજા વિશ્વયુધ્દ્દમાં કરેલા નરસંહારથી હજુ સંતોષ ન પામેલી હિટલરની એ ભટકતી આત્મા મારા પિટાશ્રીમાં પ્રવેશી ગઈ હોય એમ મારા પિતાએ મને આદેશ આપ્યો કે,"ચાલ,શર્ટ પહેરી લે.આજે તને સ્પ્લેન્ડર શીખવાડી દઉં." સામાન્ય રીતે અમારા કાઠીયાવાડી પિતાશ્રીઓના સ્વભાવ હિટલર જેવા જ હોય છે.હિટલર પણ કદાચ ઝાંખો લાગે ક્યારેક તો ! પિતાજીના આવા આદેશને લીધે મેં મારો લેંઘા - ગંજીનો વેશ ઉતાર્યો અને પેન્ટ - શર્ટ શરીર પર ટીંગાડ્યા.ઉનાળામાં મોટેભાગે હું ગંજી લેંઘામાં જ ફરતો હોઉં છું.મારુ ચાલે તો કપડાં પહેર્યા વિના નિર્વસ્ત્ર જ ફરું પણ અમારા ખખડી ગયેલા 'એપાર્ટમેન્ટ'માં યુવાન સ્ત્રીઓ પણ રહે છે આથી એમની શરમને ખાતર એવું ભીષ્મકર્મ કરતો નથી.

" સરખી શીખવાડી દેજો જેથી મારે ક્યાંક એને લઈને જવું હોય તો વાંધો ન આવે.આમેય કંઈ 'હીર' જેવું તો છે નહિ એમાં જો મોટરસાયકલ પણ નહીં આવડે તો આને દીકરી દેશે કોણ?" ગુજરાતી માતાઓની એક આદત હોય છે - દીકરાને લગતી કોઈપણ બાબતનો અંત તેના લગ્ન પર લાવીને જ છોડે ! પછી એ જ લગ્નોત્સુક માતા લગ્ન પછી આવેલી વહુ સાથે લડે અને પીસાય બિછાલો પુરુષ ! મારે પણ તે દિવસે એવી જ વાત સાંભળવાની આવી.માતાની આ સલાહ લઈ પોતાની જ પ્રેમિકાના અન્ય પુરુષ સાથેના વિવાહમાં જતા પ્રેમી જેવો ચહેરો લઈ હું પિતાજી સાથે નીકળ્યો.

આમ તો સામાન્ય રીતે આજના કોઈ આધુનિક યુવાનને ગાડી શીખવવાની જરૂર પડે એમ છે નહીં,બધા જાતે જ શીખી જાય ! પરંતુ હું જરા 'અ - સાધારણ' યુવાન છું.( જોકે મારા આ મત સાથે મારા સિવાય કોઈ સહમત થતું નથી એ અલગ વાત છે.) મારી અસાધારણતા એ બાબતમાં છે કે મને કોઈપણ વાહન ચલાવવો સખત કંટાળો આવે છે.જોકે જે યુવાનોએ ગર્લફ્રેન્ડ બનાવી હોય તે મારી વાતનો વિરોધ કરે એ સ્વાભાવિક છે પણ મારે ' ટેક્નોલોજી' અને 'ગર્લફ્રેન્ડ' એ બંને બાત્મા સદૈવ દુકાળ જ રહે છે.મને મારી પાછળ કોઈને બેસાડીને લઈ જવામાં નહીં પરંતુ પાછળ શાંતિથી બેસીને રસ્તા, રસ્તા પરની દુકાનો, રસ્તા પર નીકળતી જુદા જુદા આકારની સુન્દરીઓનું નિરીક્ષણ કરવાની વધુ મજા આવે છે.બધા આનંદ બધા લોકો માણી શકતા નથી એમ આ આનંદ પણ મારા જેવો ' આળસશૂરો' માણસ જ માણી શકે.

પિતાજી અને હું અમારા શહેરના મહાનગરપાલિકાના મેદાનમાં પહોંચ્યા.કુંવારો યુવાન છોકરી જોવા જાય ત્યારે પોતાનું મોઢું જેવું ચોખ્ખું કરીને જાય તેવું જ ચોખ્ખું આ મેદાન હતું.પશુપાલક સમાજના યુવાનો ભેંસોને તળાવમાં નવડાવવા લઈ જાય અને ભેંસો આખો દિવસ પાણીમાં પડી રહે તેમ શહેરની સીટી બસ આખી રાત અહીં પડી રહે છે પરંતુ દિવસમાં મેદાન ખાલી હોય.આમ તો મારો સ્વભાવ અને મારુ શરીર એવા છે કે હું ' અજાતશત્રુ ' છું છતાં ઈશ્વરે મને એક કાયમી જન્મજાત શત્રુ આપ્યો છે અને એ છે કૂતરાઓ.એવા મારા બે શત્રુરૂપેણ શ્વાનો ત્યાં રખડતા હતા પરંતુ પિતાજીરૂપે સેનાપતિ હાજર હોવાથી તેનો ડર રાખવાનું કોઈ કારણ નહોતું.

સવારના પ્હોરમાં પોણા સાત વાગ્યે ઉઠાડીને, તૈયાર કરીને સાત વાગ્યાની બસમાં મમ્મીઓ એના લાડકવાયાઓને ધક્કા મારી મારીને ચડાવે ત્યારે એ લાડકવાયા જેવા ઝોલા ખાતા હોય એવા જ ઝોલા અત્યારે હું ખાતો હતો. મને નિંદ્રા આવતી હતી - પણ ના તમે સમજો છો એ નિંદ્રા નહીં. આ એક અલગ પ્રકારની ઊંઘ છે. ( જો કોઈ આ સંશોધન માટે પુરસ્કાર મોકલશે તો હું ના નહીં પાડું.) હું જયારે જયારે કોઈ લેખકનું પુસ્તક વાંચું ત્યારે એના વિચારોમાં જ રમમાણ રહું છું.ખાતા - પીતા - જતા - બોલતા એમ દરેક ક્રિયામાં એ જ વિચારો રમતા હોય.નશાની કક્ષાએ પહોંચી જાય એવી મારી નિંદ્રા હોય છે અને એવી નિંદ્રામાં રમમાણ રહેલા મને વાહન શીખવાડવા પિતાજી આતુર હતા.

આ બધી મોકાણ થી એ પહેલા મેં તારક મહેતાનો ટપુડો વાંચેલો. ઘરેથી નીકળ્યા ત્યારથી મારા શાંત મન પર તોફાની ટપુડાએ કબ્જો કરી લીધો હતો." ધ્રુ... મ ... ધ્રુ ... મ ... " અચાનક મારા કાનના પડદામાં આ અવાજ અથડાયો ત્યારે હું એના વિચારમાંથી જરા જાગૃત થયો અને મને ખબે પડી કે મારા પિતાજી સ્પ્લેન્ડર શરૂ કરી મને વધેરવા તૈયાર હતા. " હું પહેલા પહેલા પાછળ બેસીને જોઉં અને તમે ચલાવો એમ ધીમે ધીમે કરતા આવડી જશે." મેં ડહાપણ બતાવ્યું પણ એ ડહાપણ મારા પિતાજીને પચ્યું નહીં.' હું પરણીશ તો અમદાવાદી છોકરીને જ ' એવી પ્રતિજ્ઞા મેં એમને સંભળાવી દીધી હોય એવો ચહેરો કરીને મને કહે, " વધારે પડતો હોશિયાર ન થા. આટલા વર્ષથી આખા ગામની પાછળ બેઠો છે તું, છતાંય આવડ્યું? નહીં ને, તો હવે શું ચમત્કાર થવાનો છે?મૂંગેમોઢે હું કહું તેમ કરતો જા." બકરાના નસીબમાં હલાલ થવાનું નક્કી જ હોય પછી કોઈ શું કરી શકે?

મારા પિતાજીએ પહેલા મને આખાયે સ્પ્લેન્ડરનું સૈદ્ધાંતિક જ્ઞાન આપ્યું.મેં તો એક ચોપડો બનાવવાની તૈયારી પણ બતાવેલી પણ પિતાજી એનાથી ચિડાઈ ગયા આથી એ વિચાર પડતો મુક્યો.સૈદ્ધાંતિક જ્ઞાન બાદ હવે મારે આ સ્પ્લેન્ડરરૂપી નૌકાના નાવિક બનીને હલેસા મારવાના હતા.મેં પિતાજીને વિનંતી કરી કે હલેસા મારવાનું કાલે રાખીએ અન્યથા હાજી કાસમની જેમ મારી આ સ્પ્લેન્ડરરૂપી ' વીજળી ' પણ ડૂબી જશે.પણ મારા લુહારી કામ કરતા પિતાજી નર્મદની ' ડગલું ભર્યું કે ના હઠવું તે ના હઠવું ' એ પંક્તિ સાંભળી ગયા હોય તેમ એની જીદ પર કાયમ રહ્યા અને હું સ્પ્લેન્ડર પર ગોઠવાયો.

મારી જાતના ગુણો - અવગુણો બાબતે આમ તો મારા પરિવાર અને મારી વચ્ચે અનેક મતભેદો પ્રવર્તે છે પરંતુ એક બાબતે બધા જ સંમત છે કે હું ખાવાની બાબતમાં બહુ ચાબો માણસ છું.મારી આ ચબાઈને કારણે અને થોડી ઘણી રમતોની કરેલી ઉપેક્ષાને કારણે મારુ શરીર ખડતલ બની શક્યું નથી.આથી જેવું મેં સ્પ્લેન્ડર હાથમાં લીધું તે નમતા નમતા બચી ગયું. " ખાવ હજુ બહારના કચરા એટલે આવા નમાલા જ રહો." પિતાજીએ વ્યંગબાણ છોડ્યું અને મારે એ ઝીલવું પડે એમ જ હતું.ધીમે-ધીમે મેં સ્પ્લેન્ડર ચલાવ્યું - પહેલો ગેર, બીજો ગેર - બસ, બીજા ગેરમા મેં લગભગ પંદરેક ચક્કર માર્યા.

ત્યાં આ શું? સ્પ્લેન્ડર મારાથી નારાજ થી ગયું અને બંધ પડી ગયું. મેં મારા નબળા પગ વડે એને શરુ કરવા અનેક કીક મારી પણ એમણે શરુ થવાનો ઇન્કાર કરી દીધો. " રહેવા દે, એ તારું કામ નહીં." એમ કહીને પિતાજીએ કીક મારી તો તરત જ સ્પ્લેન્ડર શરુ થઈ ગયું.જીવનમાં બધી જ પરિસ્થતિમાં હું મજાકનું પાત્ર બની રાહુ છું એ સ્પ્લેન્ડર જાણતું હોય તેમ સ્પ્લેન્ડરે પણ મારી મજાક ઊડાવી.પછી તો વારંવાર સ્પ્લેન્ડર બંધ પડે અને પિતાજી કીક મારે.પણ વિશેષ વાત એ હતી કે હું હજુ બીજા ગેરથી આગળ વધ્યો નહોતો.ધીમે ધીમે મારા મન પર ફરીથી તારક મહેતાનો ટપુડો છવાઈ ગયો.ટપુડાના તોફાન મગજમાં ચડી ગયા.દુર્ભાગ્ય જુઓ કે હું તોફાન કરી શકું એમ નહોતો કારણ કે મારો બચાવ કરે એવા કોઈ ચંપકલાલ મારી પાસે નહોતા.

વારંવાર કીક મારવી પડતી હોવાને કારણે પિતાજી મારી પાછળ સાહસ કરીને ગોઠવાઈ ગયા જેથી જેવી ગાડી બંધ પડે કે તરત જ કીક મારી અમારો આ 'ગાડી શીખો યજ્ઞ' આગળ ધપાવી શકાય.ઘણી વખત તમે હજામને ત્યાંથી દાઢી કરાવીને આવો ને બે ત્રણ દિવસમાં જ ફરીથી દાઢી ઊગવા માંડે છે.બસ એવી જ રીતે અમારા સફાચટ મેદાનમાં બે નાના છોકરા ઘોડા લઈને પ્રવેશ્યા. અમારું સ્પ્લેન્ડર તો હજુ ઘણું દૂર હતું ત્યાં જ પિતાજીએ ટકોર કરી કે, " જોજે હો,ઘોડા લઈને છોકરા આવે છે.ક્યાંક એમાં ઠોકતો નહીં ! " પણ જયારે પિતાજી આ વાક્ય બોલતા હતા ત્યારે હુંપણ એક આધ્યાત્મિક અવસ્થામાં પહોંચી ગયો હતો. મારુ શરીર સ્પ્લેન્ડર ચલાવતું હતું અને મન - મગજ - હૃદય ગુજરાતના હાસ્ય સાહિત્યના લોકપ્રિય પાત્ર ટપુડાને વાગોળી રહ્યું હતું.

' પ્રથમ ' નામ હોવાને કારણે ( ખાલી નામમાં જ પ્રથમ હોવાને લીધે એમ કહેવું વધારે ઉચિત છે) મેં પહેલી વખત તો સિફ્તપૂર્વક સ્પ્લેન્ડર ઘોડા પાસેથી કાઢી લીધેલું.આથી મારા પિતાજીને શાંતિ થઈ પણ મારી સ્થિતિ તો હજુ આધ્યાત્મિક જ હતી.બીજી વખત ઘોડાની સમીપ પહોંચ્યા ને ઘોડો રઘવાયો થયો.પેલા બે નાના છોકરા એનાથી બે ગણી ઊંચાઈવાળા ઘોડાને કાબુમાં ન કરી શકે એ સ્વાભાવિક હતું.હવે જયારે ઘોડો રઘવાયો થયો ત્યારે મારા મનમાં હું પણ રઘવાયો થઈ ગયો ને બ્રેક મારવાને બદલે મેં લીવર દાબી દીધું અને આગલી બ્રેક પણ બોનસમાં દબાવી ! મારા આ કૃત્યને લીધે સ્પ્લેન્ડરના આગલા પૈડાનું અને ઘોડાનું મિલન થયું,પ્રજનન થયું અને પરિણામ સ્વરૂપ - સ્પ્લેન્ડરનું આગલું ટાયર ઊંચું થઇ ગયું અને મારા પિતાજી નીચે જમીન પર ઢળી પડ્યા.મેં સ્પ્લેન્ડરને ' નખ્ખોદ જાય તારું ' એમ મનમાં કહીને પડતું મૂકી દીધું એટલે મને કંઈ ન થયું.

સ્પ્લેન્ડરને છોડીને હું તરત જ પેલા બંને છોકરાને તતડાવવા ગયો. " ડોબાઓ, ખબર નથી પડતી. જુઓ છો કે ગાડી શીખે છે છતાંય ઘોડા આડા નાખો છો." આજનું લેશન પાંચ વાર કરી આવજો એવું શિક્ષકે કહી દીધું હોય અને જેવો ચહેરો વિદ્યાર્થીઓનો થાય એવો ચહેરો ટાબરિયાઓનો થયો અને મને કહે, "એ ભાઈ! તમારે ગાડી કાબુમાં કરાય, અમારો ઘોડો તો જીવ છે.એને કાબુમાં ન કરી શકાય." બંનેના આવા અસીમ જ્ઞાનથી હું પ્રભાવિત થયો હોય એવો મારો ચહેરો થઇ ગયો.ત્યાં પાછળથી એક કણસતો અવાજ મારા કાનમાં પડ્યો.

" એ ડો...બા... , બુ... હા... , ના... લા... ય... ક... " આ અવાજ સંભળાતા જ મેં પાછળ જોયું તો મારા પિતાજી જમીન પર કમર પકડીને બેઠા હતા અને મને બોલાવતા હતા.આ જોયું ત્યારે યાદ આવ્યું કે પિતાજી પડી ગયા એ તો ભૂલી જ ગયો.હું તેમની નજીક ગયો અને મારા ટેકે એમને ઉભા કર્યા. " કોડા જેવા ! બાપ અહીં ટીંચાય ગયો એને ઉભો કરવાને બદલે ત્યાં છોકરાઓ સાથે ઝઘડવા જતા તને શરમ ન આવી? " હું મૌન અને શરમજનક રીતે ઉભો રહ્યો. " ચાલ, હવે ભાઈને ફોન કર.એ આવીને તેડી જશે.આમેય મને તો ચક્કર જેવું આવે છે." સ્પ્લેન્ડરની હાલત પણ દયનીય હાલત થઈ ગઈ હતી.તેની એક આંખ ફોડવાનો શ્રેય મારા ખાતે ચડી ગયો હતો.ભાઈ અમને ઘરે તેડી ગયા ત્યારે મને મોબાઈલની પૂજા કરવાનું મન થઈ ગયું.

બે હત્યા,પાંચ ચોરી, સાત છેતરપીંડી,દસેક વખત લૂંટ વગેરે ગુણ કરીને ભાગી ગયેલા આરોપીને પકડીને અદાલતમાં ઊભો રાખવામાં આવે તેમ મારા ઘરમાં આ વાતની જાણ થતા મને પણ ઊભો રાખવામાં આવ્યો.ઘરમાં મારા આ ત્રાસને કારણે હાહાકાર મચી ગયો હતો.નાના,મોટા,મધ્યમ બધાએ મારી રીતસરની જડતી લેવાની શરુ કરી દીધી.ક્ષણભર તો મને લાગ્યું કે હમણાં આ બધા મને ચૌદ વર્ષના અમદાવાદ વાસમાં મોકલી દેશે કારણ કે અમદાવાદની અમારી સમરસ હોસ્ટેલમાં રહેવું સજાથી કંઈ ઓછું નહોતું.પણ એવું તો કંઈ ન થયું, મારા સદ્ભાગ્યે ! બીજે દિવસે હાડકાના ડોક્ટરને બતાવવાનું ફરમાન છૂટ્યું અને સજારૂપે પિતાજીને સારવાર અપાવવાની જવાબદારી મારા જેવા કુમળી વય ( માત્ર કુમળા અઢાર વર્ષ )ના બાળક પર આવી પડી.જગત ખરેખર નિર્દયી છે.

સંસ્કૃત નાટકનો નાયક એની નાયિકાને જે રીતે કવિદૃષ્ટિથી જોતો હોય એમ તાકીતાકીને એ ડોકટરે મારા પિતાજીનો એમ.આર. આઈ. રિપોર્ટ જોયો.જાહેરમાં પ્રણયચેષ્ટાઓ કરતા યુગલો પ્રત્યે વાંઢાઓજે રીતે જોવે એવી નજરથી એ ડોકટરે ક્રમશ: મારી અને પિતાજીની સામે જોયું.રાત્રે બાર વાગ્યે ભરનિંદ્રામાં ઊઠાડી તમને બે વાક્યો ગીતા વિશે બોલાવવામાં આવે ને તમે જે રીતે બોલો એ રીતે ડોક્ટર બોલ્યો, " તમારું વચલું મણકું દબાઈ ગયું છે. બે માઇનોર ફ્રેક્ચર પણ છે.ઉપરાંત લાંબા સમયથી મજૂરી કામ કરો છો એટલે ગાદી પણ ખસી ગઈ છે. એક - બે દવા લખી દઉં છું પણ મુખ્ય ઈલાજ છે આરામ - એક મહિનો સતત પલંગ પર સૂતા જ રહેવાનું તો જ સાજા થશો ! " ઘોડો મોંઘો પડી ગયો હતો ! આ સાંભળીને મને ફાંસીની સજા અપાઈ હોય એવો ભય લાગ્યો. પિતાજીનો ચહેરો તો જોવાની હિંમત જ નહોતી પણ હવે ઈલાજરૂપે એ કરવું તો રહ્યું જ !

કોઈ વંધ્ય પુરુષને તેના ઘરના તેની પિતા ન બનવાની ક્ષમતા બાબતે સતત સંભળાવ્યા કરે એવી જ સ્થિતિ મારી હતી. હું જ્યાં જઉં ત્યાં " આ એ જ જેણે એના બાપને ખાટલાભેગો કરી દીધો." એવું સંભળાવવામાં આવતું. પિતાજીની ખબરઅંતર પૂછવા આવતા મહેમાનો મારી મજાક પણ ઉડાવતા જતા. ' આવો તો કિસ્સો પહેલી વખત બન્યો છે જેમાં વાહન શીખનારને કંઈ ન થયું અને વાહન શીખવાડનાર ખાટલાભેગા થઈ ગયા - બિચાળા ! " આવું સાંભળતો ત્યારે મને થતું કે એક રિવોલ્વર લઈને બધાને ગોળીએ દઈ દઉં પણ એક યુવાન દેખાવડો ( ? ) હાસ્યલેખક જેલભેગો થઈ જાય એમાં ગુજરાતી સાહિત્યની આબરૂ જાય એ યોગ્ય ન કહેવાય આથી એ વિચાર ફગાવી દીધો.

આ એક મહિનો કરુણાસભર રીતે પસાર કર્યા બાદ પિતાજી પહેલાની જેમ જ પુન: હિટલર જેવા થઈ ગયા અને આજે જયારે આ લેખ લખી રહ્યો છું ત્યારે તો આ ઘટનાને મહિનો થઈ ગયો છે.જોકે હવે તો મને પણ થોડું થોડું સ્પ્લેન્ડર આવડી ગયું છે પરંતુ કરુણા એ છે કે હવે મારી પાછળ બેસવા કોઈ તૈયાર થતું નથી.આવો તરંગી સ્વભાવ હોવાને લીધે ઘણી વખત મને થાય છે કે ભવિષ્યમાં આવનાર પાત્ર આ વાંચ્યા પછી મારી પાછળ બેસવા તૈયાર થશે કે નહીં? અને માની લો કે એ તૈયાર થઈ જાય ને હું ક્યાંક એને પણ....