An innocent love - 15 books and stories free download online pdf in Gujarati

An innocent love - Part 15

પાછળના ભાગમાં આપણે જોયું કે...


બધાને પોતાની આસપાસ વીંટળાઈ વળેલા જોઈ સુમન વધારે હરખાઈ ગઈ અને ઢીંગલીની રમત રમવા માટે બધાને સજ્જ કરી રહી. થોડી વાર પહેલા એકદમ શાંત લાગતો ક્લાસ બધાના શોરબકોર થી ગુંજી ઉઠ્યો.

"અરે બાળકો ચૂપ થઈ જાઓ અને બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ તો" બધાનું ધ્યાન રમતમાં ભંગ પાડનાર અવાજ તરફ ગયું, ત્યાં ક્લાસના દરવાજાની વચ્ચે ક્લાસ ટીચર ને ઉભેલા જોઈ ક્લાસ માં સોપો પડી ગયો.


હવે આગળ.......

પહેલીવાર ક્લાસમાં બાળકોના રડવાની જગ્યાએ આજે પહેલા ધોરણના નવા આવેલા બાળકોમાં મસ્તી ચાલી રહી હતી. ક્લાસ માં પ્રવેશતા જ બધા બાળકોને એક જગ્યાએ ટોળે વળેલા જોઈ વંદના બહેનને આજે ખૂબ આશ્ચર્ય થયું. પણ આટલા વર્ષે પહેલી વાર બાળકોને સ્કૂલના પહેલા દિવસે રડતા નહીં પણ આનંદમાં જોઈ રહ્યા હતા. તેમણે બધાને શાંત પાડીને એમની જગ્યાએ બેસાડ્યા અને પોતાની ખુરશી પાસે આવીને ઉભા રહ્યા.

હવે શાંત પડેલ ક્લાસના બાળકોની નજર એમના ઉપર સ્થિર થઈ. આછા ગુલાબી અને વાદળી કલરની બોર્ડરવાળી ખાદીની સાડી, કમર સુધી પહોંચતો ચોટલો, સુંદર આંખો અને બે આંખો વચ્ચે લાલ કલરની મધ્યમ સાઈઝની બિન્દી, અને હોઠો પર મધુર મુસ્કાન. પોતાના મોટા ભાઈ બહનો પાસેથી સ્કૂલમાં કડક મિજાજ ધરાવતા ટીચર વિશે મળેલી જાણકારી મુજબ એકદમ વિરુદ્ધ છબી ધરાવતા ટીચર એમને ખુબજ સરસ લાગી રહ્યા હતા. બાળકોના ચહેરા પરની ગભરામણનું સ્થાન હળવી મુસ્કાનએ લઈ લીધું હતું. ત્યાંજ મંદ મંદ મુસ્કુરાતાં વંદના બહેનની નજર રાઘવ ઉપર પડી.

"અરે રાઘવ, તું અહી શું કરે છે? જા તારા ક્લાસમાં જઈને બેસ, આતો પહેલું ધોરણ છે તારું ત્રીજું ધોરણ નહિ." વંદના બહેન ક્લાસમાં રાઘવને બેસેલ જોઈ આશ્ચર્ય થતા બોલી ઉઠ્યા.

"મેમ, હું તો સુમી સાથે બેઠો છું, એનો આજે સ્કૂલમાં પહેલો દિવસ છે ને એટલે", રાઘવ અચકાતા બોલ્યો.

"હા તો શું થયું, એને અહી રાખીને તું તારા ક્લાસમાં જા", વંદના બહેન રાઘવને સહજતાથી કહેવા લાગ્યા.

"ના ટીચર, હું બેસીશ તો રાઘવ સાથેજ, તે જ્યાં હશે હું તે ક્લાસ માં જ બેસવાની", રાઘવ કઈ બોલે તે પહેલાંજ સુમન વચ્ચે જ બોલી ઉઠી.

"બાકીના બાળકોનો પણ તો પહેલો દિવસ છે, છતાં એલોકો તો કોઈને પોતાની સાથે બેસવા નથી લઈ આવ્યા, જો સુમન મારી વ્હાલી દીકરી છે ને તું? જો બીજા બાળકો પણ તો છે અહી. તું રાઘવને એના ક્લાસ માં જવાદે." વંદના બહેને સુમનને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો પણ સુમન તો સમજવાની જગ્યાએ રડવા લાગી.

રાઘવ ગામના સરપંચનો દીકરો હોવાથી એને આખું ગામ ઓળખતું, વળી રાઘવ અને સુમનની જોડી તો આખા ગામમાં જાણીતી હતી. એટલે વંદના બહેન પણ બંને ભૂલકાંઓની લાગણીથી પરીચિત હતા.

જેમ જેમ તે સુમનને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા તેમ તેમ સુમનનો રડવાનો અવાજ વધુ મોટો થઇ રહ્યો હતો.સુમનને આમ રડતા જોઈ ક્લાસમાં બીજા એક બે બાળકો પણ રડવા લાગ્યા, આખરે થાકી હારીને એમણે રાઘવને સુમનની સાથે બેસવા માટે પરવાનગી આપવા માનવું જ પડ્યું.

રડતી સુમન પળભરમાં જ હસી ઊઠી અને ગેલમાં આવી તેણે વંદના બહેનને એક મીઠી બકી ભરી લીધી. તે સાથેજ વંદના બહેનને મા વગરની આં નાનકડી પરી જેવી ઢીંગલી પર ખૂબ પ્રેમ ઉભરાઈ આવ્યો અને તેમણે સુમનને ગળે વળગાડી દીધી.

પ્રથમ દિવસ હોવાથી આજે બાળકોને ખાસ ભણાવવામાં ન આવ્યું, વંદના બહેને ફક્ત બધા બાળકોને વારાફરથી પોતપોતાના નામ અને કોને શું શોખ છે તે જણાવવા માટે કહ્યું. બધા બાળકો એક પછી એક ઊભા થઈ પોતાનું નામ અને પોતાને શું ગમે છે તે આવડે એવા શબ્દોમાં કહેવા લાગ્યા.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)