Maari Dod - 1 books and stories free download online pdf in Gujarati

મારી દોડ - 1


નાના નાના અંતરાલની અપૂરતી ઊંઘ હોવા છતાં પાંચ વાગ્યે એકદમ એક્ટિવ લાગી રહ્યું છે. જ્યારે કોઈ પણ કાર્ય તેના અંતિમ પડાવ પર આવે ત્યારે પરિણામ ની ચિંતા દૂર કરીને નવા અનુભવ ને માણવાની મારી આદત ને તમે મારી સ્ટ્રેન્થ કહી શકો છો.


જ્યારે વિચારો થી મન હટાવવું હોય ત્યારે હંમેશા વ્યસ્ત થઈ જવું જોઈએ. તેના પરિણામ સ્વરૂપે, બંને પગમાં ગરમ પટ્ટો, જાડા મોજા, ઠંડીથી બચવા થર્મલ સાથે ટ્રેક પહેરીને 10 થી 15 મિનિટમાં હું તૈયાર છું.


જ્યારે તમે કંઇ પણ નવું શીખો ત્યારે હંમેશા શૂન્યથી શરૂઆત કરો, તે કામની ની નાનામાં નાની વસ્તુ પર ધ્યાન દોરશે. ટ્રેનિંગ દરમિયાન મેં મારા લાઈટ-સ્પોર્ટ શુઝ ની પસંદગી, પહેરવાની રીત અને ખાસ તો તેને દોરી બાંધવાની રીત શીખી હતી. હમણાં લાગે છે ત્યાં નાની શીખ કેટલી મહત્ત્વની છે. યોગ્ય પદ્ધતિથી દોડતા સમયે તમારા શુઝ ખુલતા નથી, તે વધુ ટાઈપ પણ નહીં થાય અને તમે ચિંતામુક્ત રહેશો. સ્પોર્ટ શૂઝ આખી ટ્રેનિંગ દરમિયાન સૌથી મહત્વનું સાથી રહ્યા છે મારી સાથે સાથે આજે તેઓ પણ પરીક્ષા આપશે.

હવે હું શુઝ સાથે રેડી છું.


ઓહ..બીજો તબક્કો વહેલી સવારે એક સંતરું ખાવાનો છે.

છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ વસ્તુ ખાઈને દોડ કરી હતી. હવે તેનાથી દોડમાં માં ફાયદો થાય છે કે નહીં તે ખબર નહીં પરંતુ આશ્વાસન જરૂર મળે છે. નાની નાની મુશ્કેલીઓ તમને વધુ સ્ટ્રોંગ બનાવે છે, તેમ સવારે 5:00 વાગે જબરદસ્તી એક આખું સંતરું ખાવું એક પડાવ પાર કર્યા જેવું છે.


દરેક દોડવીર અલગ અલગ રીતે ગ્લુકોઝ અને વિટામિન લેતા હોય છે જે દોડતા સમયે એનર્જી લેવલ વધારે છે. આર્ટિફિશિયલ વસ્તુઓ કરતાં હંમેશા નેચરલ વસ્તુ લો જેની કોઈ આડઅસર નથી કારણકે આ માત્ર મનની શાંતિ માટે જ છે.
તમે કેવું દોડશો તે માત્ર તમારા આત્મવિશ્વાસ અને પ્રેક્ટિસ પર જ નિર્ભર છે.


જરૂરી ડોક્યુમેન્ટ ફરી એકવાર ચકાસી લીધા હવે હું દોડવા માટે રેડી છું. આજે એવા કોઈ વિચારો નથી કે પરીક્ષા રોકાઈ જાય, વરસાદ પડી જાય , હજી થોડો સમય મળે આ એક આશ્ચર્યજનક બાબત છે.


પપ્પા પણ રેડી થઈ ગયા. લોકોની વાતોથી - વિચારોથી દૂર ભાગવુ સરળ છે. પરંતુ ક્યારેક કોઈએ વિચાર્યું છે કે માતા-પિતા ની અણ-કહી એક્સપેક્ટેશન્સ વધુ ડરામણી હોય છે કારણ કે તેને પૂરી કરવી તમારી જવાબદારી છે. તેઓ હંમેશા એવું જતાવે છે કે પરિણામ ગમે તે આવે અમે તમારી સાથે છે. હવે આ જ વાતથી જવાબદારી વધી જાય છે. જો નિષ્ફળ થઈશ તો પપ્પાને શું જવાબ આપીશ તે શબ્દો ગોઠવાતાં ન હતા.


ફરીથી વિચારોને દૂર કરવા માટે વ્યસ્ત રહેવાનું વિચાર્યું અને અમે રીક્ષા કરી ગ્રાઉન્ડ પર પહોંચ્યા. ખાસી એવી ભીડ છે. હું ઉતાવળ કરીને ગેટની અંદર જવા માંગુ છું, એનું ખાસ કારણ તો એ છે કે પપ્પાને કશું કહેવા માટેના શબ્દો હજી ગોઠવાતા ન હતા. તેમની સામે કોન્ફિડન્ટ દેખાવાનો ડોળ કરવો એક નાટક કર્યા બરાબર છે. પરિસ્થિતિથી ભાગતા હું ગ્રાઉન્ડમાં દાખલ થઈ ગઈ.


અંદરનો માહોલ કોઈ મેળાથી ઓછો નથી. આટલા બધા પોલીસવાળા ને એક સાથે જોવું કોઈ મૂવી જેવું લાગે છે. બીજી જ સેકન્ડે જ્યારે મેં સામે ઊભેલી આશરે હજાર-એક છોકરીઓને જોઈ ત્યારે મનોમન પોતાને સાંત્વના આપવાનું છોડી દીધું. હવે તેનો કોઈ ફાયદો નથી દેખાઈ રહ્યો.

ઘરે ટ્રેનિંગ દરમિયાન ચાર પાંચ જણ વચ્ચે દોડવું અને અહીં હજારો લોકો સાથે દોડવું. ખરેખર ..


પરંતુ તૈયારી તો પહેલાથી જ હજારો સાથે રેસ માં ઉતરવાની હતી એમ વિચારીને હું પણ તે ભીડ માં દાખલ થઈ ગઈ.


અંધારા અને ધુમ્મસના કારણે આખું મેદાન નજરે ચડતું ન હતુ. જોકે આ સારી વાત છે મેદાન જોઈને વધુ એક ડર પેદા થાય એના કરતાં ન જોઉં સારું. આ બિલાડી જેવી સાયકોલોજી છે.
આંખો બંધ કરીને પરિસ્થિતિની અવગણના, જેથી એ સમય માટે મુસીબત ટડી ગઈ છે તેવું લાગે.


હજી ખાસ્સો સમય છે અને ધુમ્મસના કારણે દોડ રોકાઈ ગયેલ છે. હા કેમ નહિ મારો અનુભવ હોય અને કંઈક નવું ના થાય એવું બને. આને કહેવાય નસીબ નો સ્વીકાર.


અમને લાઈનમાં બેસાડવામાં આવ્યા. વધુ આગળ કે વધુ પાછળ ન બેસતા વચ્ચે બેઠી. જેથી પહેલા જવાનું ડર અને છેલ્લે સુધી રોકાવાની ચિંતા બંને ટાળી શકાય.


હવે મેં જૂની આદત પ્રમાણે દરેક આજુબાજુમાં વાર્તાઓ શોધવાનું ચાલુ કરી દીધી. મનોમન નક્કી હતું કે માત્ર પોતાના પર ધ્યાન આપો પરંતુ પાસે બેઠેલ એક ગ્રુપ તેમના મોટા અવાજ ને કારણે દરેકનું ધ્યાન પોતાના તરફ દોરી રહ્યું છે મને થોડી અકળામણ થઈ, ત્યાં જ મારી બાજુમાં એક નાની પાતળી છોકરી આવીને બેઠી.



આજ ની તૈયારી માટે મેં youtube પર અને બીજાઓને અનુભવ દ્વારા કેટલીક માહિતી એકઠી કરી હતી જેથી હું વધુ અજાણ ન લાગુ. જોકે હાલમાં પરિસ્થિતિ વિપરીત છે.
એ છોકરી ના હાવ ભાવ પરથી લાગી રહ્યું છે કે તેને ધક્કો મારીને મોકલવામાં આવી છે. જો આપણે પોતાના મનથી એ કામ ન કરતા હોય તો નાની નાની વાતો પણ અકળામણ ઊભી કરે છે, તને જોઈને આ વાત સ્પષ્ટ થઈ રહી હતી. વાતો પરથી ખ્યાલ આવ્યો કે તે હિન્દી-ભાષી છે.

એક સુખદ આશ્ચર્ય !!!

મારુ બાળપણ હિન્દી ભાષા નું વર્ચસ્વ ધરાવતા રાજ્યમાં વિત્યું હોવાથી અહીં ગુજરાતમાં હિન્દી ભાષી લોકો સાથે એક અલગ પ્રકારની આત્મીયતા ત્વરીત બંધાઈ જાય છે.


હજી તો તેની સાથે અનુભવ માણવાનું વિચાર કરું છું. ત્યાં તો પેલી આખાબોલી છોકરીઓનો વારે ઘડીએ ધ્યાન તેમની તરફ ખેંચી રહી છે, પહેલો રાઉન્ડ શરુ થઇ ગયો છે, અને તેઓ તેના વિશે મંતવ્ય બાંધી રહ્યા છે. સૌથી આગળ રહેલ છોકરી ઘણું સારું દોડી રહી છે. પાછળ રહી ગયેલ છોકરીઓ વિશે સલાહસૂચનો સંભળાવા લાગ્યા. તેમને જોઈને દરેક જણ પોતાની રણનીતિ ઘડી રહ્યું છે. ગણતરીની મીનીટોમાં દોડ પૂરી થઈ ગઈ. અંધારું હજી પણ કાયમ છે , જેથી આગળની પ્રક્રિયા નથી દેખાતી. અટકળો નો ગણગણાટ ચાલુ થઈ ગયો છે.


પ્રેક્ટિસ છ મહિના ની હોય, ત્રણ મહિના ની હોય કે અઠવાડિયાની અહીં બસ સાડા નવ મિનિટ રમત છે.


હવે અમને બેચ પહેરાવવામાં આવ્યા જેની ઉપર નંબર લખેલા છે. હજારો શબ્દો સાથે રમવાની જેટલી મજા આવે એટલું જ અઘરું મારા માટે આંકડા યાદ રાખવું છે.


મેં આ નંબર ને યાદ રાખવાની ભરપૂર કોશિશ ચાલુ કરી.

1153 ..
1153..

પહેલી દોડનો પહેલો નંબર. પહેલું હંમેશા ખાસ જ હોય છે.


તે હિન્દી ભાષી છોકરીનો બેચ ફાટી ગયો. તેની અકળામણ દૂર કરવા મેં તેને બેચ બદલવાનું સૂચન કર્યું.પેલી બોલકણી છોકરીઓનું ગ્રુપ હજી મારી લાઈનમાં જ છે જેને તમે સંજોગ કહી શકો છો. મેં તેમના હોવાનો સ્વીકાર કરી લીધો.



પરિસ્થિતિ સાથે જેટલી જલ્દી અનુકૂળ થઈ જઈએ એટલો સંઘર્ષ ઓછો થઈ જાય છે.


આગળની પ્રક્રિયા માટે બીજી લાઈન તરફ આગળ વધ્યા. પેલી હિન્દી-ભાષી છોકરી ક્યાં ખોવાઈ ગઈ છે. આજે તેના માટે પરિસ્થિતિ અનુકૂળ નથી. મને તેની થોડી ચિંતા થાય છે.


ક્રમશઃ


9:30 મિનિટની પહેલી મારી દોડ ના બાકીના અનુભવ સાથે આગળના ભાગમાં મળીએ......

- દીપ્તિ