Maari Dod - 3 books and stories free download online pdf in Gujarati

મારી દોડ - 3


આગળ આપણે જોયું કે હજી દોડ શરૂ થવાની કેટલીક વાર છે. દરેક પ્રતિ સ્પર્ધી ને એક ટેન્ટમાં બેસાડવામાં આવ્યા છે. સમય પસાર કરવા માટે કોઈક વાતો કરી રહ્યું છે. તો કોઈ આંટા ફેરા મારી રહ્યું છે.

જ્યારે હું સમયથી જરાક પાછળ પ્રેક્ટિસના પાછળના દિવસો ની સ્મૃતિને માણી રહી છું.


*******************

આજથી આશરે દોઢ મહિના પહેલા...

ડિસેમ્બરની શરદીના દિવસોમાં વહેલી સવારે ઉઠવું સૌપ્રથમ શીખ ગણાવી શકાય.

દોડવાનો નહીંવત અનુભવ હતો મને, તેમ છતાં એક જીદ સાથે ગામના તળાવ પાસે મેં દોડવાનું નક્કી કર્યું. હું વહેલી સવારે ત્યાં પહોંચી ગઈ વાતાવરણ ખુશનુમાં હતું. ઘણા લોકો ચાલતા દોડતા હતા.

Youtube પર દોડવા પહેલાની એક્સરસાઇઝ જોઈને થોડીક કોશિશ કરી. આશરે 200 થી 300 કિલોમીટર જેટલું દોડી શકાતું હતું અને ટાર્ગેટ છે બે કિલોમીટર !!

ત્રણ ચાર દિવસ આમ જ વીતી ગયા અલગ અલગ સમય અને રીત અજમાવી જોઈ પરંતુ કોઈ પ્રોગ્રેસ નહોતી મળી રહી.

કોઈપણ વસ્તુ કરવા માટે સૌથી અઘરી વાત છે ધીરજ રાખવી અને પરિણામ ન મળતા સુધી તેને રીપીટ કરવી. આજ વિચાર રોજ ઉઠવામાં મદદ કરતો હતો.

એક અઠવાડિયાના અંતે જયારે એક સાથે આખું સર્કલ પૂરું કર્યું ત્યારે જાણે અડધી પરીક્ષા પાસ કરી લીધી હતી. સમયનું ભાન ન હતું અને શ્વાસ ચડી ગયો હતો. આસપાસનું ધ્યાન બિલકુલ ન હતું.

હતી તો બસ ખુશી આખું રાઉન્ડ દોડી જવાની....

બસ પછી નક્કી કર્યું રોજ એક રાઉન્ડ બને એટલા ઓછા સમયમાં અટક્યા વગર દોડવું.

ભાઈ મારા માટે નવા અને વજનમાં ખૂબ જ હલકા એવા સ્પોર્ટ શૂઝ જ લઈ આવ્યો હતો. જેની આજે પરીક્ષા છે.


થોડાક દિવસ આમ જ ચાલ્યું ત્યાં અચાનક એક છોકરી મારી જેમ જ દોડતી દેખાઇ અનુમાન લગાવી દીધું કે આ પણ પરીક્ષા માટે જ આવે છે. તે વધુ ઝડપે દોડતી હતી. બસ પછી હું તેનું અવલોકન કરવા લાગી.

ઘણીવાર આપણાથી સારું કરતા લોકો સાથે જોડાવાથી અચકામણ ઊભી થતી હોય છે તેઓની સામે આપણે ઓછા પડીશું અથવા દેખાઇશુ. પરંતુ આનાથી આગળ આપણે એ વિચારવું જોઈએ કે વધુ સારું કામ કરતા લોકો સાથે આપણું કામ પણ સુધરે છે.

બે દિવસ પછી એ લોકોએ મને ઉભી રાખી. અમે પરીક્ષા બાબતે વાતો કરી. તેઓએ મને થોડીક દૂર આવેલા ગ્રાઉન્ડ વિશે માહિતી આપી અને તેમની સાથે આવા કહ્યું.

આ એક કુદરતનો સંકેત જ હતો. કહે છે ને કોઈપણ કામ બસ ચાલુ કરો રસ્તો રસ્તામાં જ મળી જશે.


બીજા દિવસથી હું તેમની સાથે ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ.
ત્યાંનું દ્રશ્ય આજના પરીક્ષાના દ્રશ્ય કરતા વધુ ડરાવનારું હતું.
આશરે 50 એક છોકરા છોકરીઓ દોડ કરતા હતા અમુક વ્યાયામ કરતાં હતા. મેદાન પણ મને ખાસ્સું મોટું લાગ્યું.
ખરેખર સ્પર્ધા કોણે કહેવાય તેની સમજણ પડવા લાગી. જાણે દોડ શરૂ કરવાનો પહેલો દિવસ હોય તે રીતે મારા પગ જડવત થઈ ગયા હતા.


એમ પણ એકલામાં કામ કરતા, ઘણા બધા લોકો ની વચ્ચે તે કામ કરવું થોડોક અઘરું તો લાગે જ બસ એવું કંઈક મારી સાથે થયું. જેમ તેમ કરીને પહેલો દિવસ પૂરો થયો. બહારથી લાગવા ન હતું દીધું પરંતુ અંદરથી ડર લાગવા લાગ્યો હતો.


સાંજ સુધીમાં મેં પોતાના મનને એવી રીતે મનાવી લીધું કે કોઈપણ નવી જગ્યાએ આવું થઈ શકે છે, માટે મારે થોડો સમય આપવો જોઈએ. અને હું સાંજે ફરીથી તે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગઈ.

મેં મેદાનમાં ખૂણે ખૂણો જોઈ લીધો. હવે આ જગ્યા મને અજાણી નહીં લાગે.

આ પ્રયોગ તમે પણ કરી શકો છો.

પરિણામ સ્વરૂપે બીજા દિવસનો દર થોડોક ઓછો હતો.
જ્યારે તમારે લાંબુ દોડવાનું હોય ને ત્યારે આખા ટ્રેકના પોતાના મનમાં ટુકડા કરી લો હવે તમારે માત્ર તે ટુકડાઓને પાર કરવાના છે. જેથી તમને લાંબુ દોડ્યાનો અહેસાસ નહીં થાય.


બસ પછી શું બસ રોજ સાંજ અને સવાર દોડવું, કસરત કરવી તેલ માલિશ કરવી, પૂરતી ઊંઘ લેવી અને સતત એક જ વિચાર !!

જેની અસર શરીર પર દેખાવા લાગી હતી.

જ્યારે તમે કંઈક મેળવવા માંગતા હોય ત્યારે પહેલેથી તેનો પ્રચાર ન કરવો કારણ કે તેના બે ફાયદા છે.


એક તો તમે રહસ્યમય દેખાવ છો અને બીજું એ કે તે મેળવી લીધા પછી દરેક જણને સામેથી જ ખબર પડી જશે.


ધીરે ધીરે ત્યાં દોડતા લોકો સાથે વાતચીત કરવાનું સાહસ કર્યો.
દરેક જણ પાસેથી નાની નાની વાતો શીખવા મળી. ત્યાં આર્મી માટે ની તૈયારી કરતા છોકરાઓને દરેક જણને ઘણી મદદ કરી.


મેં તેઓની સલાહ સૂચન પ્રમાણે ઘણો ફેરફાર કર્યો. હવે ધીરે ધીરે મારી દોડમાં પણ સુધાર થવા લાગ્યો હતો. અનેરીના મમ્મી દરરોજ અપડેટ લેતા. જે વધુને વધુ સારું કરવાનું પ્રોત્સાહન પૂરું પાડતા હતા.


ધીરે ધીરે લાગવા લાગ્યું કે કુદરત પણ સાથ આપી રહી છે. ત્યાં જ અનેરીના પગમાં ફેક્ચર થયું. જેથી તે પરીક્ષા આપી શકે તેમ ન હતી. તેનો ફ્રેક્ચર ફરીથી એક ડર ઊભું કરી ગયો. હું મારા પગના વધારે ધ્યાન રાખવા લાગી હતી.


પરીક્ષાના માત્ર દસ દિવસ બાકી રહ્યા હતા અને ત્યાં જ કોવિડ- 19 ના કેસમાં વધારો થઈ રહ્યો હતો. એક દિવસ સવારે ખબર પડી કે ગ્રાઉન્ડમાં એન્ટ્રી બંધ થઈ ગઈ છે. અંતિમ સમય પર આ શું થઈ ગયું? શું થશે? અલગ અલગ પ્રશ્નો સાથે આખો દિવસ પસાર થઈ ગયો હતો.


બીજા દિવસ સવારે ફરીથી કુદરત પર ભરોસો રાખીને હું તૈયાર થઈ ગઈ. મનમાં એક જ વાત હતી કે અહીં સુધી રસ્તો મળ્યો છે તો આગળ પણ મળશે. બે થી ત્રણ દિવસ અલગ અલગ મેદાન પર ફર્યા. અંતે પાછું તળાવ પાસે દોડવાનું શરૂ કર્યું.


ના આ વખતે એવું ન હતું કે જ્યાંથી ચાલુ કર્યું ત્યાં જ પાછા આવ્યા કારણ કે હવે દોડ અને આત્મવિશ્વાસ બંને અલગ હતો.


એક વખત પોતાના મનથી જીતી ગયા ત્યારબાદ પરિસ્થિતિ તમને એટલી સરળતાથી હરાવી શકતી નથી. અમને પોલીસ હેડ ક્વાર્ટર માં દોડવાની પરમિશન મળી ગઈ આનાથી બીજી સારી વાત કઈ હોઈ શકે.


પોલીસ હેડકટર માં સ્પેશ્યલ કોચ અમુક જણને પ્રેક્ટિસ કરાવતા હતા. અમે તેમનાથી અલગ તેમની પ્રેક્ટિસ જોઈને અનુકરણ કરવાનું પ્રયાસ કરતા હતા. હવે કંઈક નવું કરવાનું સમય તો રહ્યો ન હતો તેથી પોતાની દોડ પર જ ધ્યાન આપવાનું વિચાર્યું.


કોચ પ્રેક્ટિસ કરાવે છે તો એ લોકો આપણા કરતાં કેટલું સારું કરતા હશે. એક નવો વિચાર..


જે નથી મળ્યું તે તરફ ધ્યાન જાય એટલે જે હાલમાં ખુશી મળી હતી તેની કિંમત શૂન્ય થઈ ગઈ.


કોચને જોઈને થોડા દિવસ પહેલા મેદાન પણ નહોતું તે વિપરીત પરિસ્થિતિ હવે નાની લાગવા લાગી હતી.


જ્યારે તમે તમારા રસ્તાને પાછળ ફરીને જુઓ છો ત્યારે વીતી ગયેલી ઘટનાઓ કેમ બની હતી? કઈ દિશા તરફ તેનું સૂચન હતું બધી જ વસ્તુ ખબર પડવા લાગે છે.


પરીક્ષાના માત્ર સાત દિવસ પહેલા જ્યારે એક આર્મી ઓફિસર જેવા લાગતા વ્યક્તિ સાથે મુલાકાત થવી અને તેમની પાસેથી દોડ શીખવા મળવું.

આશ્ચર્યજનક, અદભુત, અમાનનીય ઘટના !!


કહે છે કે એક ગુરુ તમે સંપૂર્ણ બનાવે છે, પરંતુ અહીં હું જોડવા માંગુ છું કે અલગ અલગ વ્યક્તિ પાસેથી મળેલી શીખ તેનાથી ઓછી નથી કારણ કે હવે તમારી પાસે ભિન્ન અનુભવોનો એક રસ છે. તે પણ બેજોડ છે.


પરીક્ષાના અંતિમ દિવસોમાં જેવી પ્રેક્ટિસ જોઈતી હતી જે આત્મવિશ્વાસ જોઈતો હતો. ખાસ તો નાની નાની ટીપ્સ.
તે દરેક વસ્તુ મળી ગઈ.


થોડુંક વજન વધુ હોવાને કારણે મારી દોડમાં જોઈએ તેવી સ્પીડ ન હતી. પરંતુ આર્મી ઓફિસરે સમજાવ્યું કે જે નથી તેમ ન વિચારશો. તેના કારણે હું લાંબુ દોડી શકું છું કારણ કે મારામાં સારી સ્ટેમિના છે.


ગ્લાસ અડધો ભરેલો કે ખાલી. આ વાક્યનું ઉત્તમ ઉદાહરણ હતું.


વાંચવામાં લાગશે કે અનેરી નું મળવું ,ક્રિકેટ ગ્રાઉન્ડમાં જવું ,ત્યાં બીજા સાથીદાર મળવા , ત્યારબાદ ગ્રાઉન્ડનું બંધ થઈ જવું ત્યારબાદ પોલીસ હેડ-કોટર માં જવું, ત્યાં આર્મી ઓફિસર મળવા દરેક વસ્તુ કિસ્મત છે.

પરંતુ કિસ્મત ત્યારે જ મળી જ્યારે સાહસ કર્યો.

શું થયું હોત? જો મેં શૂન્યથી શરૂઆત જ ન કરી હોત..

શું થતું જો અનેરીને પ્રતિસ્પર્ધી માની ને તેમની સાથે વાત જ ન કરી હોત...

જ્યારે ગ્રાઉન્ડ બંધ થઈ ગયો ત્યારે નવી જગ્યા શોધવા નીકળ્યા જ ન હોત તો? ...


નવી નવી જગ્યાએ દોડવાનો આજે ફાયદો થવાનો છે કારણ કે પરીક્ષા તમારા પોતાના મેદાન પર નથી થતી હોતી ,
તે પણ અલગ જ મેદાન પર હોય છે, અને આપણા માટે તદ્દન નવું.


******************


ધુમ્મસ કારણે દોડનું રોકાઈ જવું એ અત્યાર સુધી અવરોધ લાગતો હતુ. પ્રેક્ટિસના દિવસોને ફરી એકવાર જીવી લીધા પછી હવે લાગે છે કે આ પણ કુદરતનો એક સંદેશ જ છે.



પરીક્ષા માટેની તૈયારી એ ઘણું બધું શીખવ્યું છે. હવે પરિણામ જે પણ આવે....

શાંત મનથી અને એક નવા આત્મવિશ્વાસ સાથે મેં પોતાના વિચારોમાંથી વાસ્તવિકતા તરફ ડોકયુ કર્યું.



મગજ અને મેદાન બંનેમાંથી ધુમ્મસ હટી ગયું છે અને દોડ શરૂ થઈ ગઈ છે.



પરીક્ષાના પરિણામ માટે આવો આગળના ભાગમાં મળીએ.


ક્રમશ

- દીપ્તિ