HASYA LAHARI - 3 books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૩

 

ચલતીકા નામ ખાદી..!

 

                                       કોઈપણ રાષ્ટ્રીય પર્વ આવે એટલે, ખાદી-ભાષણ અને ઝંડો પ્રથમ યાદ આવે, બાકીનું રાબેતા મુજબ પછી ચાલ્યા  કરે..!  એવો કોઈ નિયમ નહિ, પણ સ્વાભાવિક છે કે, બેસણામાં લોકો સફેદ વસ્ત્રોના  પરિવેશનો આગ્રહ રાખે. રાષ્ટ્રીય પર્વમાં ખાદીના વસ્ત્રોનું મહત્વ જરા ઊંચું..! બીજું કંઈ નહિ માણસ જરા રાષ્ટ્રવાદી અને પાંચ જણામાં ભપકેદાર લાગે. ખાદી ધીરે-ધીરે એવી ઘર કરી ગઈ કે, ‘ચલતીકા નામ ગાડી’  ની માફક, 'ચલતીકા નામ ખાદી' નો એક મહાવરો બની ગયો. ચાલી તો ગાદી-દર્શન કરાવે, નહિ ચાલી તો હરિ-દર્શન..! આઝાદીના ‘લઠ્ઠ’ વર્ષો, કાઢ્યા પછી, હવે ગાદી અને ખાદી વિષે, મુદ્દલે ઝીણું કાંતવાની જરૂર નથી. ખાદીના પરચા અપરંપાર જ હોય, એ હવે જગત જાણતું છે..! મોર પીંછાથી રળિયામણો એમ, રાજકારણી ખાદીથી રળિયામણો..! ઘોડિયામાં સુતેલું છેલ્લી પેઢીનું છોકરું પણ હવે તો જાણે કે, ચલતીકા નામ ખાદી..! રડવાનું થયું તો, છોકરું હવે ભેંકડો તાણતું નથી, દેશ-ભક્તિની તાનમાં જ રાગડો કાઢે..! આન-માન અને શાનમાં રડે..!  બોલતું હોય તો કહી પણ દે, કે  ‘જેની પાસે ખાદી, એની ચાલે ગાડી અગાડી..!’  ખાદી એટલે પોલીટીકલ મેજિક..!  ખાદીનો ધારક એટલો ભાગ્યશાળી હોય કે, એમના ભાગ્યના દરવાજા અંદરથી ખૂલે..! આપણા બહારથી ખૂલે. એવાં ખુલે કે, સહેજ ગફલતમાં રહ્યાં તો,  કપાળ ટીચી પણ નાંખે..! જો કે, બધાં જ ખાદી ધારકના  ભાગ્ય ફળદ્રુપ હોય, એ અંધશ્રદ્ધા પણ ખરી,  પહેરી-પહેરીને ખાદી ફાટી જાય તો પણ અમુકના નસીબ ફરતાં જ નથી.  ઝૂઝ લોકો જ ગાદી-દર્શન કરતા હશે.  ગાદીને બદલે ગાડી સુધી પ્હોંચ્યા હોય તો પણ ભયો..!  એવાં પણ હશે કે, આઝાદીના સંગ્રામ કાળથી ખાદી વીંટાળીને ફરવા છતાં, તેમને 'જેકપોટ' લાગ્યો નહિ હોય..!  આ તો એક અનુમાન..! ક્યોંકી, ગાંધીજીને કહા થા કી, ‘ખાદી એક વિચારધારા હૈ..!’  તેવાં કદાચ હજી વનવાસ પણ ભોગવતા હોય..! 
                                       ખાદીએ હવે એવી કરવટ બદલી કે, યુવાનોની ફેશન અને 'આઇકોન' બની ગઈ. ખાદીમાં એક ગુણ છે કે, ગરમ ઋતુમાં એ ચામડીને ઠંડી આપે. ને ઠંડી ઋતુમાં ઉષ્મા આપે, માત્ર ચામડી મુલાયમ હોવી જોઈએ..!  રાજકીય વાયરસ કરતાં એ હવે પ્રેમરસ બનીને વધારે ઉભરી, અને ઉછરી પણ..! સમ-દ્રષ્ટિ સમભાવની જનેતા હોવાથી સર્વ રાજકીય પક્ષની માનીતી, ને ગાદી સુધી જવાની પગદંડી પણ બની. બસ, એકવાર ચૂંટણીના પડઘમ વાગ્યા  એટલે લોકોની હેડકી ચાલુ..! રાતે તો ઠીક, દિવસે પણ દેશભક્તિના સ્વપ્ના આવવા માંડે. ખાદી ભલે ઘરડી થઇ, પણ ખાદી અને ગાદીની જોડી હજી અભંગ અને એક સિક્કાની બે બાજુ જેવી છે. મારી પાસે ખાદીના ઝભ્ભા તો ઠીક,  ખાદીનો હાથરૂમાલ પણ નથી, દેશ ભક્તિ કે દેશ પ્રેમમાં કોઈ કમી નથી.  ઈશ્વરેચ્છા બલિયસી..!  દરેકે ખાદી ધારણ કરવી જોઈએ, એવી માન્યતા હું રાખું ખરો. એટલાં માટે કે, ખાદી ધારકે, ચરિત્રના પ્રમાણપત્ર રાખવાની જરૂર જ નહિ. પહેલી નજરમાં જ એવો વસી જાય કે, ચિત્ત અને ચારિત્ર્ય માટે શંકા જાય  જ નહિ..! વસંત બેસેને કોયલ કેકારવ કરવા માંડે, ઉતરાયણ આવતાં પવન પતંગ ને ફીરકા યાદ આવે, એમ રાષ્ટ્રીય પર્વ આવે એટલે રેડિયો અને ટીવીની ચેનલો સવારથી જ ધુણતી થઇ જાય. આપણે ગણગણતા થઇ જઈએ  કે, ‘ દેદી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત ‘તેરી ખાદી કી કમાલ..!’ 


                                         અમુક લોકો તો ૩૬૫ દિવસ વાઈફને લઈને નહિ ફરે, પણ ખાદીને ૩૬૫ દિવસ  શરીરથી અળગી નહિ કરે..!  એ લોકો  રાષ્ટ્રીય પર્વની રાહ જોયા જોતાં નથી.  બધાં જ દિવસો એમના માટે રાષ્ટ્રીય પર્વ જેવાં..!  દિલની દાતારી, ગુમડાની રૂઝ, ને ટાઢિયો તાવ વગેરે શરીરના અંદરથી આવે એમ, દેશ-દાઝનું પ્રાગટ્ય આપોઆપ અંદરથી આવે.  ખાદીની એ જ તો કમાલ છે દાદૂ..!
                                   ખાદી એટલે ગાદી સુધી જવાનો રસ્તો પણ ખરો અને શિરસ્તો પણ ખરો. એમાં જો કે પાશેરભારની અંધ-શ્રદ્ધા પણ હોય.  મારી એક પણ પેઢીમાં કોઈએ ખાદી પહેરી નથી, ને  ગાદીની તમન્ના રાખી પણ નથી. છતાં, દેશની વાત આવે તો પ્રેમનો ઉભરો આપોઆપ આવી જાય. ઘરનું ભાડું ભરવા માટે  લોન લેવી પડતી હોય, એ રાજકારણમાં શું ધૂળ જવાના..? દાદા કહેતાં કે, આઝાદીના સંગ્રામ વખતે ઓટલા ઉપરથી જ ‘દૂર હટો..દૂર હટો’ ની હાકલ પાડી, ગાંધીગીરી કરતાં..! ડોક્ટરની ગોળી જ માફક આવતી, એટલે, અંગ્રેજોની ગોળી ખાવા બહાર પણ નહિ નીકળતા. દાદા પોતે જ એક એવી ‘ટોપી’  હતાં કે, એક ટોપી ઉપર બીજી ટોપી માફક પણ નહિ આવતી..! પછી ભલે એ ખાદીની ટોપી કેમ ના હોય..?  વિચારધારાની સખત કબજીયાત રહેવા છતાં, દેશપ્રેમના ભારે બંધાણી હતાં.! બ્લડ ડોનેશનના કેમ્પ આવતા તો, પહેલા ‘ડોનર’  દાદા જ રહેતા. કેમ્પવાળા ના કહેતા, કે ‘દાદા તમારામાં હવે લેવા જેવું કંઈ નથી. લોહી નહિ આપો તો ચાલશે..! પણ રાષ્ટ્ર ભાવના એવી પ્રબળ, કે જીદ કરીને પણ  ૧૦૦ સીસી બ્લડ આપતા. પછી  બેભાન થઇ જતાં એ અલગ વાત છે. કેમ્પવાળા એમને ૩૦૦ સીસી લોહીનું દાન કરીને બેઠાં કરતા..!  આપવા કરતાં, વધારે લોહી લેતા આવે, એવી હતી એમની દેશ-સેવા..! જે હોય તે એમની  ભાવના મહાન રાખતા..!
                             રાષ્ટ્રીય પર્વ  એ માત્ર મનોરંજન નથી, મનોમંથન છે. અમુકને તો  રાષ્ટ્રીય પર્વ આવે એટલે ‘દેશ-ભક્તિ’ નું વાઈફાઈ આપોઆપ પકડાવા માંડે. શ્રીશ્રી ભગાને એકવાર પ્રજાસત્તાક પર્વમાં દેશ ભક્તિનું ગીત ગાવાની ઉપડેલી..! કુવામાં હોય નહિ, ને તો હવાડામાં આવવાની અપેક્ષા રાખે. ગીત ગાવા માટે ૧૦-૧૫ વખત ગળું ખેંચી-ખેંચીને ખંખેરી જોયું, પણ ગળાને બદલે ડોક ખેંચાય ગઈ. ને ગીતને બદલે ખોંખારા વધારે નીકળ્યા..! ‘ચુંદડી ઓઢું-ઓઢું ને ઉડી જાય’ ની માફક, ગીત યાદ આવે તો ઢાળ રિસાઈ જાય, ને ઢાળ યાદ આવે તો ગીત ભૂલાય જાય..!   
                             વસંતઋતુની એંધાણી થાય ને, વૃક્ષો પર્ણો બદલવા માંડે, એમ રાષ્ટ્રીય પર્વના બ્યુગલ વાગતાં જ ખાદીના રંગ ઢંગ બદલવાનો મહિમા જળવાયો છે, એ આપણો  દેશ-પ્રેમ છે.  ચૂંટણી આવતાં, જેમ ખેસ શોધતા થઇ જાય એમ, ખાદીના વેશ પણ શોધવા માંડે..! નવધા ભક્તિમાં જેમ ભક્તિના નવ પ્રકાર બતાવ્યા છે, એમ દેશ-ભક્તિનો આ અભિનવ પ્રકાર કહેવાય..! અમુક તો  ‘ડાહી સાસરે નહિ જાય, ને ગાંડીને શિખામણ આપે’ એમ સાક્ષાત દેશ-પ્રેમ બતાવવા કરતાં ભાષણ વધારે ઝીંકે..! મારી વાત કરું તો, આજે પણ મારી ચામડીને ખાડી સાથે ફાવતું નથી.  બિલકુલ ૬૨ નો આંકડો. ખાદી સાથેના સંબંધો ‘ભલે ગર્લફ્રેન્ડ’ જેવાં હોય, એ ગમે ખરી પણ લગન કરીને ઘરે લાવવાની હિમત નહિ ચાલે..! બાકી પેટ છૂટી વાત કરું તો, જ્યારે જ્યારે ખાદી ધારણ કરી છે, ત્યારે-ત્યારે રમેશ ચાંપાનેરીને બદલે,  હું સજ્જન વધારે દેખાયો છું..! એ ખાદીની બોલબાલા છે..! ખાદી ચઢાવીને બહાર નીકળું ત્યારે, મુગટ વગરનો મહારાજા એકાદ ‘ગાદી’ ની ભિક્ષા માંગવા નીકળ્યો હોય એવું લાગે. એટલે સાહસ કરવાનું  છોડી, હસાહસમાં ભીન્નાયા કરું છું..! ભલે ને ‘વંદે માતરમ’ નું  ગીત આખું નહિ આવડતું  હોય, સ્થાનક ઉપર ઊભાં રહીને હોઠ ફફડાવું તો એ પણ દેશ-સેવા જ કહેવાય ને..?
 

                                   લાસ્ટ ધ બોલ

સર..ઓમીક્રોન વાયરસને ઓળખવાના લક્ષણો કયા..?

તમારી હાજરીમાં તમારી વાઈફ તમારો ફોન ચેક કરતી હોય ત્યારે તમારી ઉત્તેજના કેવી હોય  ?

-     શ્વાસ રૂંધાતો હોય તેવું થાય.

-     શરીરે પરસેવો ફરી વળે

-     ગભરામણ થાય

-     શરીરે નબળાય આવવા માંડે

-     માથું ભમવા માંડે

અને જ્યારે પૂછે કે, આ જાનૂ.. કોણ છે, ત્યારે સુકી ઉધરસ આવવા માંડે.

બસ...બસ..બસ, આગળ બોલવાની જરૂર નથી. આવું જ થાય..! એને જ ઓમીક્રોનના લક્ષણો કહેવાય..! 

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------