Gujaratnu Titanic - Vijadi - 1 books and stories free download online pdf in Gujarati

ગુજરાતનું ટાઈટેનિક - વીજળી - ભાગ - 1

પ્રિય વાચક મિત્રો, આજે હું આપની સમક્ષ એક અલગ નવલકથા રજૂ કરી રહી છું. આ નવલકથા લેખક ગુણવંતરાય આચાર્ય દવારા લિખિત છે. તમે ટાઈટેનિક જહાજ વિષે સાંભળ્યું હશે પરંતુ ગુજરાતના ટાઈટેનિક વિષે કદાચ ઘણા ઓછા લોકો એ સાભળ્યું હશે. જી હા આજે હું વાત કરી રહી છું હાજી કાસમની વીજળી વિષે ની... તો આપ સવૅ આ નવલકથા વાચજો અને આપના પ્રતિભાવ આપશો...

જહાજ વૈતરણા (વીજળી)
વરાળથી ચાલતું જહાજ

વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે.આ જહાજને વૈતરણા નામ મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું. જહાજને ઘણીવાર "ગુજરાતના ટાઈટેનિક" તરીકે ઓળખવામાં આવે છે.

વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા ૧૮૮૫માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા.તેની વજન ક્ષમતા ૨૯૨ ટન હતી જેમાં ૨૫૮ ટન તૂતકની નીચે હતી. વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ ૨૧" હતો અને જે ૪૨" અને 30" ના હડસેલા વડે ૭૩ હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતાં. આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ કર્યું હતું. જહાજની લંબાઈ ૧૭૦.૧ ફીટ, પહોળાઈ ૨૬.૫ અને ઊંડાઈ ૯.૯ ફીટ હતી.

૧૩૦ વર્ષ પહેલાં ઈ.સ. ૧૮૮૮ની ૮મી નવેમ્બરે મોડીરાત્રે સૌરાષ્ટ્રના માંગરોળ બંદરેથી પચીસેક કિ.મી. દૂર દરિયામાં વેરણ થયેલી ‘વીજળી‘ નામની આગબોટ વિશે આપણે વર્ષોથી રોમાંચક વાતો, દંતકથાઓ, લોકગીતો વગેરે સાંભળતાં આવ્યાં છીએ. સમસ્યા એ છે કે આ બધામાં વાસ્તવિકતા કરતાં કલ્પનાતત્ત્વ વધુ હોવાથી દુર્ઘટનાને લઈને અનેક અફવાઓ, લોકવાયકાઓ જનમાનસમાં ઘર કરી ગઈ છે. આ પરિસ્થિતિમાં અહીં આધારભૂત દસ્તાવેજોના અભ્યાસ, નિષ્ણાતોના મત અને વૈજ્ઞાનિક તથ્યોને આધારે અહીં ‘વીજળી‘ની વાસ્તવિકતા સામે લાવવા પ્રયત્ન કરાયો છે…

આજની તારીખે પણ કચ્છ-સૌરાષ્ટ્રના લોકડાયરાઓમાં જ્યારે આ લોકગીત ગવાય છે ત્યારે ગાનાર અને સાંભળનાર બંનેની આંખો ભીંજાયા વિના રહેતી નથી. અહીંના દ્વારકા, વેરાવળ, પોરબંદર અને માંગરોળ કાંઠાની ખારવણ કન્યાઓ ટાઢીબોળ રાતે દેશી ઢોલ અને શરણાઈના તાલે જ્યારે તેમના અસલ કાઠિયાવાડી લહેકામાં આ લોકગીત પર રાસડા લે છે ત્યારે વીજળી વેરણ થયાનું તેર દાયકા જૂનું દર્દ ઊથલો મારીને બહાર આવી જાય છે. ‘ફટ – રે ભૂંડી વીજળી તુને, તેરસો માણસ જાય..’ પર દરિયાછોરુંઓનાં હૈયાંમાં દર્દનાં મહાકાય મોજાં ઊછળવા માંડે છે. વીજળી ડૂબ્યાને આજકાલ કરતાં ૧૩૦ વર્ષ થવા આવ્યાં છતાં તેનો વિયોગ યથાવત્ છે. લોકવાયકા પ્રમાણે તેમાં મુસાફરો ઉપરાંત વરરાજા, જાનૈયા અને એ વખતે મુંબઈમાં લેવાતી મેટ્રિકની પરીક્ષાનાં વિદ્યાર્થીઓ સામેલ હતાં જે તમામ દરિયાદેવને વ્હાલાં થઈ ગયેલાં. એ પછી માણસ તો ઠીક, આગબોટ વીજળીના પણ કોઈ અવશેષો હાથ લાગ્યા નહોતા. મોટા પાયે થયેલી એ જાનહાનિએ વીજળીને ગુજરાતના માનસપટ પર હંમેશ માટે અંકિત કરી દીધી છે, પણ સમય વીતતા ઐતિહાસિક હકીકતોને બદલે લોકવાયકાઓ પ્રચલિત બની. કાળક્રમે તેમાં જાતભાતની વાતો ઉમેરાવા માંડી. લાંબા ગાળે આ બધાંનું પરિણામ એ આવ્યું કે વીજળીની ઘટનાને લઈને જનમાનસમાં તથ્યવસ્તુને બદલે અતિશયોક્તિ અને આવેગોએ પકડ જમાવી લીધી. એનું એક કારણ તો એ હતું કે ‘વીજળી’ને ડૂબતાં કોઈએ જોઈ નહોતી. વળી, મૃત્યુઆંક ઘણો મોટો હોવા છતાં ન તો એકેય મૃતદેહ હાથ લાગ્યો હતો ન તો કશો કાટમાળ મળ્યો હતો. અફવાના ફેલાવા માટે આવા સંદિગ્ધ કારણો પૂરતાં હતાં. આજે સ્થિતિ એ છે કે વીજળીની હકીકતો કરતાં લોકવાયકાઓ વધુ પ્રચલિત બની ચૂકી છે. આ સ્ટોરીનો ઉદ્દેશ્ય એ ધારણાઓ, અતિશયોક્તિ અને લોકવાયકાઓ સામે વીજળીની વાસ્તવિકતા રજૂ કરવાનો છે.