Thherav - 6 books and stories free download online pdf in Gujarati

ઠહેરાવ - 6

ઠહેરાવમાં આપણે આગળ જોયું કે, વીરા, સમયના કહેવાથી પાર્ટીમાં આવવા તૈયાર થઇ અને પછી મહેત હાઉસમાં રોકાય છે જ્યાં વીરા સાહિલ સાથે વાત કર્યા પછી, સમયથી નિરાશ થઈને ગિરીશ પપ્પાએ પોતાન લખેલો પત્ર વાંચે છે. ગિરીશ પપ્પાએ લખેલા પત્રથી વીરાની જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ છે એ જંવ ચાલો વાંચીએ ઠહેરાવ - 6.

ગિરીશ પપ્પાનો વીરાને લેટર જે વીરાને એના સમય સાથે લગ્ન દોઢ વર્ષ પછી મળ્યો હતો.

વીરા,

વ્હાલી વીરા,

હેપી બર્થડે બેટા. આજે તારી પચ્ચીસમી વર્ષગાંઠ છે. હું તારી સાથે હોઈશ કે નહિ એ ખબર નથી એટલે જયારે આજે શિશિરની બધી પ્રોપર્ટી તારા નામે થવા જઇ રહી છે ત્યારે હું પણ તને કંઈક આપવું માંગુ છું, અથવા એમ કહું કે, તે મને જે આપ્યું છે, એના માટે તારો આભાર માનવા માંગુ છું અને એટલે જ મેં આ પત્ર લખવાનું નક્કી કર્યું છે જેથી હું તને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મળી શકું.

વીરા, બેટા હું તને ખૂબ પ્રેમ કરું છું. મેં ક્યારેય તારા અને સમયમાં કોઈ ભેદ નથી કર્યો. મેં તારી સાથે કદાચ સમયથી પણ વધારે વખત ગાળ્યો છે. હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મને આવતા જન્મે તારો જન્મદાતા બનાવે જોકે આ જન્મે ભગવાને મને તારો પાલક પિતા બનાવીને અહોભાગી તો બનાવી જ દીધો છે. તારી નાની આંગળીઓથી તે જયારે મારો હાથ પકડીને પા-પા પગલી કરતાં શીખ્યું એ ક્ષણ મારા માટે અવર્ણીનીય છે.

હું અને શિશિર પહેલેથી ખૂબ સારા મિત્રો રહ્યા છીએ, એની તો તને જાણ છે જ સાથે આજે હું તને અમુક એવી વાતો કહેવાનો છું, જે તારે જાણવી જરૂરી છે. તારી મમ્મી રેખાના મૃત્યુ વખતે તું માત્ર ત્રણ વર્ષની હતી. મેં અને શિશિરે, એ પછી જ અમારી સિવિલ એન્જીનિયર તરીકેની પ્રેકટીસ જોડે શરૂ કરી હતી. હું અને શિશિર ઓફિસ પછીનો બધો સમય તારી સાથે જ ગાળતા. તારાની સાથે પૈસાને લીધે વારંવાર થતા ઝગડાને કારણે એ સમયને લઈને એના પિયર જતી રહી અને હું જુગારની લતે ચડ્યો. ખૂબ મોટું દેવું કરી બેઠો. મને નુકશાનમાંથી કાઢનાર હતો, મારો મિત્ર શિશિર. તારા માથા પર હાથ મૂકાવીને શિશિરે મને જુગારની લત છોડાવી હતી.


વીરા, તારી મમ્મી રેખા તો તું ત્રણ વર્ષની હતી ત્યારે જ મૃત્યુ પામી હતી.શિશિરે, તને અને મને બંનેને સંભાળવાની સાથે અમારા ફર્મ માટે પણ ખુબ કામ કર્યું હતું. હવે, અમારી પ્રેકટીસ ધીરે ધીરે જામવા લાગી હતી અને સારા એવા પૈસા પણ મળવા લાગ્યા હતા. પૈસા વધતા, તારા પણ મારી જોડે રહેવા આવી ગઈ હતી. હવે તો તને, મને અને શીશીરને એકબીજાની આદત પડી ગઈ હતી. તું લગભગ મારી જોડે જ રહેતી. ખાવાનું પણ મારા હાથે જ ખાતી. શિશિર ઘણીવાર કહેતો કે, ગિરીશ, મારી દીકરી તો તને જ બાપ સમજતી લાગે છે. દોસ્ત, હું ના રહું ત્યારે પણ એનો બાપ બનીને રહેજે. અમને ક્યાં ખબર હતી કે, તારા બાપ થવાનું અને તારી સાથે વધારે સમય ગાળવાનું મારા નસીબમાં છે.

એ ગોઝારો દિવસ મને હજી ય યાદ છે. તું બસ, છ વર્ષની થઇ જ હતી. અમને એક ખૂબ મોટો પ્રોજેક્ટ મળી શકે એમ હતો જેના માટે હું અને શિશિર તનતોડ મહેનત કરી રહ્યા હતા, અમદાવાદના નંબર વન સિવિલ એન્જિનિયર થઇ જઈએ એટલી મોટી તક હતી. અમદાવાદમાં, શિશિરનું સારું એવું નામ થઇ ગયું હતું . જોડે-જોડે લોકો મને પણ જાણવા લાગ્યા હતા. એ પ્રોજેક્ટ માટે અમદાવાદ બહાર એક અગત્યની મિટિંગ હતી જેથી શિશિર અને હું તને, તારા પાસે મૂકીને મિટિંગ માટે ગયા. અમને પ્રોજેક્ટ મળી ગયો અને અમે આ ખુશી તમારી જોડે વહેંચવા ઉતાવળા હતા. રસ્તામાં અમારો અકસ્માત થયો. હું ગાડી ચલાવતો હતો અને શિશિર બાજુમાં બેઠો હતો. સામેથી આવી રહેલ એક ટ્રક બેકાબુ થઇ ગઈ અને અમારી કાર સાથે અથડાવાની અણી પર હતી.શિશિરે કારનું સ્ટેરીંગ ડાબી તરફ કરી લીધું. હું તો બચી ગયો પણ મારો શિશિર આ દુનિયા છોડી ગયો, આપણને છોડી ગયો. જો શિશિરે સ્ટીઅરિંગ સાબી બાજુ ના કર્યું હોત તો શિશિર આપણી સાથે હોત. વીરા, તારે તારા પપ્પાને ખોવા ના પડતા. હું એના અગ્નિસંસ્કાર પણ ના કરી શક્યો. હું ભાનમાં આવ્યો ત્યાર મેં સૌથી પહેલા તને મળવાની ઈચ્છા દર્શાવી. તું મારી પાસે આવી અને મને પૂછવા લાગી શિશિર ક્યાં છે? તું મને અને શિશિર બંનેને નામથી જ બોલાવતી. તારી એ આંખો મને હજીય યાદ છે. તારી સાથે શું બન્યું એથી અજાણ તું મને વારે વારે પુછતી રહી કે ગિરીશ, શિશિર ક્યાં છે?

શિશિરના તેરમાં પહેલા મેં તને લીગલી દત્તકે લઈ લીધી અને એ દીવસ પછી મેં ક્યારેય પાછા વળીને જોયું નથી. શીશીર, કદાચ પોતાની આવડત, કુનેહ અને તારા સ્વરૂપે એનું નસીબ બધુ મને આપતો ગયો હોય એમ અમારી ફર્મ અમદાવાદની નંબર વન ફર્મ બની ગઈ અને હું તારા ગિરીશ પપ્પા. વીરા, તું મારા જીવનમાં આવી પછી પૈસા પણ આવ્યા, નામ આવ્યું. તારા, સમય તું અને હું, આપણે ચારેય સાથે રહેવાં લાગ્યા. સમય, તારાની પ્રતિકૃતી બની ચુક્યો હતો અને તું મારી. ખરા અર્થમાં તો તું, મને મારી અને શિશિરની જ પુત્રી લાગતી. તારા અંદર મેં શિશિરની આવડત અને મારો સ્વભાવ બંને જોયા છે. મારામાં જે આત્મવિશ્વાસ છે એ એટલે છે કે તું મારી પાસે છે. મને હિંમત તારાથી મળે છે, વીરા. મને ખુશી આપવા બદલ, તારા પિતા કહેવડાવવાનું ગૌરવ આપવા બદલ, ખૂબ ખૂબ ધન્યવાદ બેટા.

તારા, શરૂઆતથી સમયની સાથે તને પરણાવી દેવા માંગે છે. મેં, સમય અને તારા બંનેની લાગણી ઓળખી છે. તમે એકબીજાને પસંદ તો કરો છો પણ પ્રેમ નથી કરતાં. હું શરૂઆતથી માનું છું કે પ્રેમ થઇ જતો હોય છે. કરવો પડે તો એ પ્રેમ ના કહેવાય. તું મારા ઘરની પુત્રવધુ થઈને કાયમ મારી સાથે રહે તો મારાથી વધારે ભાગ્યશાળી, આ દુનિયામાં બીજું કોઈ નથી પણ, એ નિર્ણય તારો હોવો જોઈએ અને એટલે જ હું તને આજે, તારી પચ્ચીસમી વર્ષગાંઠ પર કહેવા માંગુ છું કે બેટા, તું એ કરજે, જે તારું મન કહે. મનનું સાંભળીશ તો હંમેશા ખુશ રહીશ. કોઈના દબાણથી કે ઉપકારવશ, જીંદગીનો કોઈ મોટો નિર્ણય ના લઈશ જે તને પાછળથી દુઃખી કરે. તું અમારા ઘરે ઉછરી એનાથી તે અમારા પર ઉપકાર કર્યો છે એટલે ક્યારેય એમ ના સમજતો કે અમે તારા પર ઉપકાર કર્યો છે.

વીરાના ગિરીશ પપ્પા.

આ પત્ર, વીરા નહીં-નહીં તો પચ્ચીસ વખત વાંચી ચૂકી છે. પિતાની લાગણીની સાથે-સાથે, આ પત્ર, દરેક વખતે વીરાને સમય અને તારા મોમનું જુઠાણું યાદ અપાવતું અને એટલે જ સાહિલે વીરાને આ પત્ર વાંચીને, ફરી એક વાર દુઃખી થતા રોકી હતી. વીરાની બાવીસમી વર્ષગાંઠ વખતે, જયારે સમયે વીરાને પ્રપોઝ કર્યું ત્યારે તારા મોમે એવું કહ્યું હતું કે ગિરીશ પપ્પા ઇચ્છતા હતા કે વીરા, સમયની સાથે લગ્ન કરે. વીરાને યાદ છે કે તારા મોમે એને વિચારવા સુધ્ધાંની તક આપી ન હતી. જયારે ગિરીશ પપ્પા તો એવું ઇચ્છતા હતું કે વીરા પોતાના મનથી, પોતાની ઈચ્છાથી પોતાનો જીવન સાથી પસંદ કરે. વીરાએ સમયને પસંદ કર્યો હોત તો વાત જુદી હતી પણ અહીંયા તો વીરાને એ લાયક જ ગણવામાં આવી ન હતી કે એ એના જીવનસાથી વિશે નિર્ણય લે. જેટલી વાર વીરાને આ વાત યાદ આવતી એને પોતાની સાથે થયેલ દગો યાદ આવતો. વધારે દુઃખ એ વાતનું થતું કે દગો આપનાર લોકો, પોતાના હતા, એ લોકો જેમની ઉપર વીરાએ, આંખ મીંચીને વિશ્વાસ કર્યો હતો.

વીરાએ ફરી એક વાર એ લેટરને વાળીને સાંભળીને મૂકી દીધો. થોડું ચાલવાથી કદાચ સારું લાગે એમ વિચારતી વીરા બગીચામાં આવી અને ટહેલવા લાગી. પોતે ખરેખર એટલી મજબૂર હતી કે આ પરીસ્થિતિમાંથી બહાર ન આવી શકે? સમય જેવા કેટલા લોકો છે જે પ્રેમના બહાના હેઠળ, પત્નીને બદલી નાખવા માંગે છે અને મુગ્ધ વયની છોકરી જ્યારે આ સમજી શકે ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હોય છે. સગાઈ પછી સમય, પોતે વીરાને કેટલો પ્રેમ કરે છે એમ કહીને એના માટે અલગ અલગ ગિફ્ટ લાવવા માંડ્યો જેમાં મોટા ભાગે કપડાં અને ઘરેણાં હતાં. જોઈએ તો ખરા તું એમાં કેવી લાગે છે, એવું કહીને એ એવો આગ્રહ રાખતો કે દરેક બિઝનેસ પાર્ટીમાં વીરા એ જ કપડાં અને ઘરેણાં પહેરે જે સમય એના માટે લાવ્યો હોય. હેરકટથી લઈને બેલીસ સુધી સમયે વીરાને પોતાન રંગમાં રંગી નાખી. લગ્નમાં પહેરવાના કપડાથી લઈને હનીમૂનની ઇટરી સુધી ફક્ત સમયના પ્રમાણે જ થયું. વીરાને તો એ પણ યાદ નથી કે બેડ પર પણ સમયે ક્યારે વીરા વિશે વિચાર્યું હોય? શું વિરાને ખુશી થઇ, શું એને સંતોષ મળ્યો? સમય માટે આંખ પૃથ્વીનું કેન્દ્રબિંદુ એ પોતે જ હતો. કદાચ સમય માટે વીરા, એક સફળ ડિઝાઈનર અને બિઝનેસ પાર્ટનર અને પત્ની માત્ર હતી પણ એથી વિશેષઃ એનું કોઈ અસ્તિત્વ ન હતું.

વીરાને આ બધું સમજતા વાર લાગી. એનું ભોળું મન એમ સમજતું હતું કે સમય એને ખૂબ પ્રેમ કરે છે એટલે જ એ એની આટલી કાળજી લે છે પણ દરેક વખતે કામ પતી જતાં મોઢ ફેરવી લેવાની એની આદત વીરાને ડંખવા લાગી. વીરાને પોતાના જીવનસાથી પાસેથી તાજમહેલની અપેક્ષા ન હતી. વીરાની ઈચ્છા સીમિત હતી અને સપના નાના. વીરાને હાથમાં હાથ નાખીં ભીના ઘાસ પર ચાલવું હતું. નદી કિનારે બેસીને વાતો કરતાં-કરતાં કાંકરા પાણીમાં નાખવું હતા. આંખોમાં આંખો નાખીને ઈશારામાં વાતો કરવી હતી. ક્યારેક હા નો જવાબ મલકાઈને તો, ના નો જવાબ પાંપણ નીચે ઢાળીને આપવો હતો. ગમતા ગીતના બોલ સાથે ગાવા હતા તો ક્યારેક, વગર સંગીતે નાચવું હતું. વરસાદમા હાથમાં હાથ નાખીને છબછબીયાં કરવા હતા તો ક્યારેક બસ ભેટી પડીને ભીંજાવું હતું. વીરા ખુદને પૂછી બેસતી કે શું મારી અપેક્ષા એટલી વધારે છે કે, પૂરી ના થઈ શકે! જ્યાં સુધી ગિરીશ પપ્પાનો વીલ સાથેનો લેટર મળ્યો ન હતો ત્યાં સુધી એ મનને એમ મનાવતી રહી કે પોતે ખુશ નથી તો કંઈ નહિ, ગિરીશ પપ્પાની ઈચ્છા તો પૂરી થઇ પણ જ્યારથી એને ખબર પડી કે, ગિરીશ પપ્પા આવું ક્યારેય ઇચ્છતા ન હતા, ત્યારે વીરા અંદરથી તૂટી ગઈ. વીરાએ, સમય અને તારા મોમ બંનેને આ પત્ર વિશે વાત કરી હતી, જવાબ મળ્યો, જે ઘરે તારા માટે આટલું કર્યું એ ઘર છોડીને તારે વળી બીજે ક્યાં પરણવું હતું? સમયે કહ્યું, બિઝનેસ માટે એ વખતે તારું મારી સાથે જોડાવું જરૂરી હતું જેથી પપ્પા અને શિશિરકાકાની જેમ આપણી પણ એક સફળ જોડી બનીએ તો એમાં ખોટું શું છે. વિરાની પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો.

✍️CA આનલ ગોસ્વામી વર્મા

વધુ આવતા અંકે....

ખાસ નોંધ: ધારાવાહિકમાં આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.