Thherav - 8 books and stories free download online pdf in Gujarati

ઠહેરાવ - 8

વીરા, વરંડામાં ચાલતા-ચાલતા સાહિલ સાથે થયેલ પ્રથમ મુલાકાત અને પછી બંને વચ્ચે થયેલ મૈત્રી વિશે વિચારી રહી હતી. મૈત્રીથી પ્રેમના ઈકરારની વાત કંઈક આવી હતી જે વીરાની યાદોમાં એટલી જ તાજી છે જાણે હમણાં જ બની હોય. ચાલો વાંચીએ, ઠહેરાવ - 8 માં.

વીરા અને સાહિલ એકબીજાના મનને ઠહેરાવ આપી રહ્યા હતા , મંઝિલ વિશે એમને ખબર ન હતી પણ આ રસ્તો , આ સાથ એમને ખૂબ આનંદ આપી રહ્યો હતો. સાહિલ અને વીરા બેમાંથી કોઈએ સપને પણ નહોતું વિચાર્યું કે એક એવો દિવસ આવશે જયારે બન્ને એકબીજા માટે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરશે. સાહિલને વીરાના લગ્નજીવનની સચ્ચાઈ વિશે ખબર ન હતી એટલે એ કદાચ ક્યારેય પોતાના પ્રેમની કબૂલાત ના કરત તો બીજી તરફ વીરા તો હજી એ જ નક્કી ન કરી શકતી હતી કે એને સમય સાથેના લગ્નમાં રહેવું જોઈએ કે નહિ? કદાચ એ એમ માનતી હતી કે પોતે જ વધારે વિચારી રહી છે. જો ગિરિશ પપ્પાનો લેટર ના મળ્યો હોત તો એ પોતાના લગ્ન વિશે આટલી નેગેટિવ ન હોત.

સાહિલને મળી પછી, વીરાની અંદર છુપાયેલી અપેક્ષાઓ જાગૃત થઇ રહી હતી. એની સંવેદના જાગી રહી હતી. જીવનસાથી સાથે પ્રેમ હોય તો, જીંદગી સરળ થઇ જાય. કોઈ બોજ ના રહે. હસતા રમતાં ક્યારે જીવી જવાય, એ ખબર પણ ના પડે. વીરા હવે ઘણીવાર સાહિલને પોતાના જીવનસાથીના રૂપમાં જોવા લાગી હતી. કેટલીય વાર એ પોતાના વિચારોમાં, સાહિલ અને પોતે સાથે હોય એવી કલ્પના કરી લેતી. સાહિલ જો પહેલા મળ્યો હોત તો જીંદગી ખરેખર સુંદર હોત.મનુષ્યને લાગે છે કે એને બધું ખબર છે, એનો પોતાની જીંદગી પર પૂરો કંટ્રોલ છે પણ આપણે ખરેખર કઠપૂતળી છીએ અને કઈ કઠપૂતળી ક્યારે કોને મળવી જોઈએ એ નક્કી કરનાર મદારી બધું જ જાણે છે. દરેક કઠપૂતળીને કોઈક ઉદેશથી બીજી કઠપૂતળી જોડે મળાવે છે. હવે સાહિલ અને વીરાનો વારો હતો.

શહેરમાં કન્સ્ટ્રકશન ઉધોગમાં થયેલ પ્રગતિને ઉજવવા માટે એક મોટુ ફંકશન યોજવામાં આવ્યું હતું, જેમાં ડિઝાઈનર, બિલ્ડર્સ , શહેરના મેયર, બઘી હસ્તી આવેલ હતી. સમયને ખબર હતી કે આ ફંકશનમાં એન્જીનિયર, ડિઝાઈનર, આર્કિટેક્ટ એમ દરેક કેટેગરીમાં એવોર્ડ આપવાનો હતો. અવોર્ડનું નામ ગીરીશભાઈના નામ પરથી રાખવામાં આવ્યું હતું એટલે સમયને એમ હતું કે એ એવોર્ડ એને જ મળશે, અથવા મળવો જોઈએ, વળી સાહિલ અને વીરાનું ફર્મ, અમદાવાદમાં ઘણું જાણીતું હતું. દિલ્હીથી એ સીધો એવોર્ડમાં આવવાનો હતો. વીરા આજે ખુશ હતી, ખુબ ખુશ હતી. વીરાને એવોર્ડ વિશે કાંઈ જ ખબર ન હતી પણ આવું કોઈ ફંકશન થાય એવી ગિરિશ પપ્પાની ઈચ્છા હતી જે હવે પૂરી થઇ રહી હતી. વીરા આજે કોઈની દીકરી, કોઈ પત્ની નહીં પણ એક સફળ ડિઝાઈનર તરીકે જવાની હતી. વીરાને આવા ફંકશનમાં એથનિક વેર ટ્રાય કરવાં હતા. વીરાએ, કુર્તી અને મેચિંગ પેન્ટ પહેરીને જવાનું નક્કી કર્યું હતું. સમય હંમેશા વીરા વેસ્ટર્ન કપડા પહેરે એવો આગ્રહ રાખતો, પણ આજે વીરા, પોતાની મરજીથી તૈયાર થઇને જવાની હતી.

વીરાએ પેસ્ટલ ગ્રીન કલરનો સ્યુટ પહેર્યો હતો. જોડે ડાયમંડની કડી, બ્રેસલેટ અને અને એનું ફેવરિટ નાનું "V" લેટર વાળું, હીરાનું પેન્ડન્ટ. સાહિલ આવવાનો હતો કે નહિ એની ખબર ન હતી, પણ મનમાં એક ઈચ્છા હતી કે, સાહિલ આવે તો કેટલું સારું. વીરા અને તારા મોમ સમય પહેલાં પહોંચી ગયા હતા. તારા મોમ, ગિરીશભાઈના વખતના લોકોને, એમની પત્નીને મળી રહ્યા હતા તો લોકો સામેથી વીરાને મળી રહ્યા હતા. વીરા બધાની સાથે વાત કરતી આંખોથી સાહિલને શોધી રહી હતી. વીરાની પીઠ દરવાજા તરફ હતી. કોઈ અદમ્ય ખેંચાણથી વીરાએ દરવાજા તરફ જોયું એ જ વખતે સાહિલ દાખલ થયો. હોલમાં ઉપસ્થિત બધાની નજર સાહિલ તરફ ખેંચાઈ. નેવી બ્લુ સૂટમાં, સાહિલનો ગોરો વર્ણ ઉભરીને આવતો હતો. પોતાની ફિટનેસ પ્રત્યે સભાન સાહિલ કોઈ ફિલ્મના હીરોથી જરાય ઉતરતો લાગતો ન હતો. એની ધંધાકીય સૂઝ અને સાહસિક સ્વભાવના કારણે ખૂબ ટૂંકા સમયમાં એ અમદાવાદમા ખાસ્સો પ્રચલીત થઈ ગયો હતો.

આખા હોલની નજર એની તરફ હતી જ્યારે સાહિલની નજર વીરા તરફ. વીરાને હમેશા વેસ્ટર્ન કપડામા જોવા ટેવાયેલ સાહિલે વીરાને આવી રીત જોઈને ફરી એકવાર એનાથી પ્રેમ થઇ ગયો. એ સીધો વીરા પાસે આવ્યો અને એની આંખમા જોઈને કોઈ બીજું ના નોંધી શકે એમ, ઇશારાથી વીરાને કહી દીધું કે એ આજે કેટલી સુંદર લાગે છે! વીરા આ ઇશારાથી મલકી ઉઠી.બીજા લોકો સાથે વાત કરતા બંને ચોરી ચોરી એકબીજાંને જોઈ રહ્યા. વીરા અને સાહિલ કોઈક બીજી જ દુનિયામાં હતા જ્યાં એમના સિવાય કોઈ બીજા માટે જગ્યા ન હતી.


તારા મોમ, વીરાની બાજુમાં આવી બોલ્યા કે સમય લિફ્ટમાં જ છે બસ એક મિનિટમા આવી જશે, તું તો સમયને ભૂલી ગઈ. વીરા થોડી ખાસિયાણી પડી ગઈ. એ સાચે જ ભૂલી ગઈ હતી કે, સમય એના જીવનમાં છે. કોઈક ગુન્હાના ભારથી કે દોસ્તીના લીધે, એ સમયને આવકારવા દરવાજા પાસે જઈને ઉભી રહી. સમય લિફ્ટમાંથી બહાર નીકળ્યો, સફેદ સૂટમાં એ સારો લાગી રહ્યો હતો. વીરા એને કોમ્પ્લીમેન્ટ કરે કે બોલે એ પહેલાં, સમયે કહ્યું કે 'આ શું દેશી ચંપા બનીને આવી છે? તારા નહિ તો અમારા સ્ટેટ્સનું ધ્યાન રાખતી હોય તો?' કેટલી વાર તને કીધું કે વેસ્ટર્ન કપડાં પહેર. કોઈ સાતમા આકાશમાં હોય અને એકદમ જમીન પર પછડાય ત્યારે એની જે હાલત થાય એવી હાલત વીરાની થઈ. એક ક્ષણ પહેલાં સાહિલ સાથે પોતાને સૌથી ભાગ્યશાળી સ્ત્રી માનનાર વીરા, સમયની સાથે પોતાને સૌથી કમભાગી સ્ત્રી માનવા લાગી હતી. સમયને કોઈ ફેર ના પડતો હોય એમ એ તારા મોમ તરફ ગયો. વીરાએ પરાણે પોતાની આંખોમાં આવતા આંસુને રોક્યા અને નકલી હસતી-હસતી સમયની પાછળ ચાલવા લાગી. સાહિલથી વીરાની આંખોમાં આવીને રોકાઈ ગયેલ આંસુ છૂપા ન રહ્યા. વીરાના ચહેરા પર આવેલ ઉદાસી એને ઘણું કહી ગઈ.

વીરા, ફ્રેશ થવા માટે વોશરૂમ તરફ ગઈ, સાહિલ પણ એની પાછળ ગયો. હોલ પછી એક પેસેજ હતો જ્યાંથી વોશરૂમ તરફ જવાતું હતું. પેસેજ લાંબો હોવાથી, હોલથી જોઈ શકાતો ન હતો. વીરા વોશરૂમમાં જઇને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. કાજલ સરખું કરતી એ બહાર નીકળી, ત્યાં એણે સાહિલને પેસેજની વચ્ચે ઉભેલો જોયો. સાહિલ, વીરાને આવતી જોઈ રહ્યો. એને લાગ્યું કે, એ વીરાને કાંઈ પણ કહેશે તો વીરા તૂટી પડશે એટલે એણે મજાક કરવાનું નક્કી કર્યું, જેથી વીરાનો મૂડ સારો થઇ જાય. વીરાને, રોકીને, એણે વીરાની આંખોમા જોઈને કહ્યું, 'ચાલ, ભાગી જા મારી સાથે.' સાહિલના આશ્ચર્ય વચ્ચે વીરાએ કહ્યું , 'ચાલ, ભગાડી જા મને.' બન્ને એકબીજાની એટલા નજીક હતા કે એમનાં શ્વાસઃ એકબીજાને અડકી રહ્યા હતા. એ નજરમાં ન સાહિલને કોઈ મજાક દેખાયો, ન તો વીરાને. હા, વીરા સમયે કરેલ અપમાનને અવગણીને આગળ વધવા મનને મનાવી શકી. દૂરથી પગલાંનો અવાજ આવતા, સાહિલ, વીરાથી દૂર ખસ્યો અને ઊંધો ફરીને વોશરૂમ તરફ ચાલવા માંડ્યો તો વીરા હોલ તરફ આવી.



હોલમાં, સમયે, વીરાની તરફ જોવા સુધ્ધાંની દરકાર ના લીધી. મેયરે ડાયસ પર ચઢીને અવોર્ડનું નામ ઘોષિત કરતા કહ્યું , ડિઝાઇનિંગ ક્ષેત્રે પોતાનું કાઠું કાઢનાર યંગ ટેલેન્ટ માટેના આ અવોર્ડનું નામ છે, ગિરિશર એવોર્ડ જે આપણાં માટે લેજન્ડ સમાન ગિરીશ મહેતા અને શિશિર જોશીના નામ પરથી રચવામાં આવ્યો છે. આ એવોર્ડના સૌ પ્રથમ હકદારને સન્માનીત કરવા હું સ્ટેજ પર બોલાવું છું, ખૂબ ઓછા સમયમાં અમદાવાદમાં, પોતાનું વર્ચસ્વ જમાવી લેનાર ખ્યાતનામ બિલ્ડર, સાહિલ મહેરાને.....

CA આનલ ગોસ્વામી વર્મા

વધુ આવતા અંકે....
ખાસ નોંધ: ધારાવાહિકમાં આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.