Varasdaar - 12 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 12

વારસદાર પ્રકરણ 12

બોરીવલી સ્ટેશને ઉતરીને મંથને રીક્ષા કરી અને નાઈસ સ્ટે હોટલે પહોંચી ગયો.

આજે સવારે ૯ વાગે કેતાનું એબોર્શન થવાનું હતું પરંતુ પોતે ઝાલા અંકલ સાથે મલાડ હતો એટલે હાજર રહી શકયો ન હતો.

એણે કેતાના રૂમ પાસે જઈને દરવાજો ખટખટાવ્યો. કેતાએ તરત જ દરવાજો ખોલ્યો. એ એની રાહ જ જોતી હતી.

" કેમ છે તબિયત હવે ? બધું સરસ રીતે પતી ગયું સવારે ? " મંથને પલંગ સામે રાખેલી ખુરશી ઉપર બેઠક લેતાં પૂછ્યું.

" હા ડોક્ટર સારા હતા. અડધી કલાક મને ત્યાં જ આરામ કરવાનું કહ્યું અને ૧૧ વાગ્યે નર્સને મારી સાથે મોકલી. ડોક્ટરની વાત સાચી હતી. એબોર્શન પછી ખૂબ જ નબળાઈ આવી ગઈ હતી. " કેતા બોલી.

" ચાલો તમારી ચિંતા દૂર થઇ ગઇ એ જ મોટી વાત છે. હવે હું તમારી કાલ સવારની શતાબ્દીની ટિકિટ તત્કાલમાં લઈ લઉં છું. ખૂબ જ સારી ટ્રેન છે. સવારે ૭ વાગ્યે બોરીવલીથી ઉપડે છે ૧૨:૧૫ વાગે તો નડિયાદ પહોંચી જશો." મંથન બોલ્યો.

" તમારે રોકાવાનું છે હજુ ? " કેતાએ પૂછ્યું.

" મારે હવે વધારે રોકાવાનું તો નથી જ પરંતુ કાલ સવારે તો હું નહીં નીકળી શકું. કદાચ કાલે સાંજે અથવા પરમ દિવસે સવારે નીકળું. " મંથન બોલ્યો.

એ પછી મંથને કેતાની નડિયાદ સુધીની ટિકિટ ઓનલાઇન બુક કરાવી દીધી.

" તમારી પાસે પૈસા છે કે હજુ બીજા આપું ? હોટલનું બીલ તો અત્યારે જ ચૂકવી દઉં છું કાલ સવાર સુધીનું એટલે તમારે ચાવી આપીને નીકળી જવાનું. સાંજે જમવાના પૈસાની જરૂર પડશે. " મંથન બોલ્યો.

" તમે આપેલા પૈસામાંથી હજુ વધ્યા છે. હવે બીજા પૈસાની જરૂર નથી. તમે મારા માટે ઘણું કર્યું છે. તમે ટ્રેનમાં ના મળ્યા હોત તો મારી હાલત શું થાત ? નીલેશ ઉપર મને એટલો તો ગુસ્સો આવે છે કે સામે મળે તો ગોળી જ મારી દઉં ! " કેતા બોલી.

" રિવોલ્વર લાવી આપું ? " મંથન હસીને બોલ્યો.

" શું તમે પણ મારી મજાક કરો છો મંથન ? મને ખરેખર એ માણસ ઉપર બહુ જ ગુસ્સો છે. " કેતા બોલી.

" નીલેશ હવે તમારી જિંદગીમાં ક્યારે પણ નહી આવે. એનો ફોન ક્યારે પણ ચાલુ નહીં થાય. ભૂલી જાઓ. હવે નવેસરથી તમારી લાઈફ વિષે વિચારો." મંથન બોલ્યો.

" એક વાત પૂછું ? તમે સાચો જવાબ આપશો ? " કેતા બોલી.

" હા હા પૂછો ને " મંથન બોલ્યો.

" તમારી લાઇફમાં કોઈ છે ? " કેતા બોલી.

" ના. અત્યારે તો કોઈ નથી. એક પાત્ર હતું પણ એની સગાઈ થઈ ગઈ. " મંથન બોલ્યો.

"તમારી લાઈફમાં હું એન્ટર થઈ શકું ? તમને હું લાઈક કરવા લાગી છું પરંતુ મારી સાથે જે બની ગયું છે એના કારણે કહેવાની મારી હિંમત ચાલતી નથી. અત્યારે તો હું જાઉં છું પરંતુ તમારા જવાબનો ઈન્તજાર કરીશ. મારો સ્વીકાર કરશો તો એને મારું સૌભાગ્ય માનીશ અને માત્ર તમારી બનીને રહીશ. " કેતા બોલી.

" તમારી લાગણીની હું કદર કરું છું. મને થોડો સમય આપો. થોડા દિવસોમાં મારો નિર્ણય હું તમને જણાવીશ. તમારો નંબર પણ મેં સેવ કરી લીધો છે. " મંથન બોલ્યો. કેતા ખૂબ જ આકર્ષક હતી.

" હું જાઉં હવે ? " જવાનું મન થતું ન હતું છતાં મંથન બોલ્યો.

" ના. થોડીવાર તો બેસો. શું ઉતાવળ છે ? હવે ફરી ક્યારે મળીશું ? અને તમે આમ દૂર દૂર ના બેસો. અહીં બેડ ઉપર મારી પાસે બેસો ને ? " કેતા ધીરેથી બોલી.

કોણ જાણે કેમ મંથનને પણ એનું સાનિધ્ય ગમતું હતું. એ જઈને કેતાની પાસે બેઠો. કેતાના યુવાન શરીરની સુગંધ એને વિહ્વળ બનાવી રહી હતી. પરંતુ એ થોડો શરમાળ હતો એટલે હિંમત કરી શકતો નહીં.

કેતાએ મંથનનો હાથ પોતાના હાથમાં લીધો અને ક્યાંય સુધી વહાલથી પંપાળતી રહી.

" હું તમને ખૂબ જ પ્રેમ કરવા લાગી છું મંથન. મારી લાગણીઓ હું તમને બતાવી શકતી નથી. મારું હૈયું અત્યારે મારા કાબૂમાં નથી. તમને હું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં. " કેતા બોલી.

" આપણે ચોક્કસ મળીશું કેતા. હું કોઇ કમિટમેન્ટ કરીને વિશ્વાસઘાત કરવા માગતો નથી એટલે ચૂપ છું. " મંથન બોલ્યો.

" એક સેલ્ફી લઈ લઉં ? " કેતા બોલી.

" એ થોડું રિસ્કી થઈ જશે. એના કરતાં હું તારો સ્નેપ લઈ લઉં અને તું મારો લઇ લે. સિંગલ ફોટો હોય એટલે ચિંતા નહીં. " મંથન બોલ્યો.

કેતાએ કપડાં વ્યવસ્થિત કર્યાં અને ખુરશી પર બેસીને જુદી જુદી મુદ્રામાં બે ત્રણ પોઝ આપ્યા. મંથને પણ વ્યવસ્થિત થઈને બે પોઝ આપ્યા.

" અને હવે તમે મને 'તમે તમે' કહેવાનું બંધ કરો. તમે મને તું કહી શકો એટલો અધિકાર તો મેં તમને આપી જ દીધો છે." કેતા બોલી.

" ઠીક છે. તો હવે હું જાઉં ? " મંથને કેતાનો હાથ પકડીને પૂછ્યું.

" ઓકે ડિયર." કેતા બોલી. હવે એ વધારે રોકી શકે તેમ ન હતી.

મંથન બાય કહીને રૂમમાંથી બહાર નીકળી ગયો. નીચે રિસેપ્શનમાં આવીને એણે કાલ સવાર સુધીનો તમામ હિસાબ ચૂકવી દીધો.

એ પછી મંથન બહારથી રીક્ષા કરીને ઝાલા અંકલના ઘરે જવા માટે નીકળી ગયો. છ વાગવા આવ્યા હતા.

" આવી ગયા તમે ? " મંથને ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કર્યો એટલે ઝાલા અંકલે પૂછ્યું.

" હા જી. મળી લીધું ફ્રેન્ડને. હવે તમારી સેવામાં હાજર. " મંથન હસીને બોલ્યો.

" તમારે હાથ પગ ધોઇને ફ્રેશ થવું હોય તો થઈ જાઓ અને થોડો આરામ કરવો હોય તો પણ કરી લો. સવારથી આજે દોડાદોડ જ ચાલે છે." ઝાલા અંકલ બોલ્યા.

" આરામ તો અત્યારે નથી કરવો પરંતુ હાથ-પગ ધોઈને થોડો ફ્રેશ થઈ જાઉં." મંથન બોલ્યો અને એ બેડરુમમાં થઈને પોતાના બાથરૂમમાં ગયો.

" હવે સાંજે શુ જમવાની ઇચ્છા છે ?" મંથન પાંચ મિનિટ પછી બહાર આવી ગયો એટલે ઝાલા અંકલે પૂછ્યું. ત્યાં સુધીમાં અદિતિ પણ આવી ગઈ હતી.

" મારા મનની વાત અદિતિને વધારે ખબર પડે છે. અદિતિ જે કહે તે ફાઈનલ ! " મંથન અદિતિની સામે જોઇને બોલ્યો.

" અરે એને બહુ માથે ના ચડાવો. એ એને મનપસંદ જે હશે એ જ બનાવ્યા કરશે. " ઝાલા અંકલ હસીને બોલ્યા.

" શું પપ્પા તમે પણ ? કાલે ઢોંસા મારી પસંદગી પ્રમાણે બનાવ્યા હતા કે એમની ? " અદિતિ છણકો કરીને બોલી.

" હા અંકલ. અદિતિની વાત એકદમ સાચી છે. કાલે ઢોંસાની પસંદગી મારી હતી. તો આજે અદિતિની પસંદ પ્રમાણે કરવા દો ને ! " મંથને અદિતિનો પક્ષ લીધો.

" ચાલો ભાઈ એમ રાખો. " અંકલ બોલ્યા.

" તમને પાણીપુરી ફાવશે ? ઘરે જ બનાવી દઉં. " અદિતિએ સીધું મંથનને જ પૂછ્યું.

" બનાવી દો. એ પણ મારી ફેવરેટ તો છે જ. " મંથન બોલ્યો.

" યે હુઈ ના બાત !! થેંક યુ. " અદિતિ બોલી. અંકલ અને સરયૂબા બંને હસી પડ્યાં.

અદિતિ ઉભી થઈને બધી તૈયારી કરવા માટે કિચનમાં ગઈ.

"મંથનભાઈ તમને વાંધો ન હોય તો મારે તમારી સાથે થોડી અંગત વાત કરવી છે. " ઝાલા અંકલ ધીમે રહીને બોલ્યા.

" અંકલ તમારો મારી ઉપર અધિકાર છે. તમારે મારી સાથે વાત કરવા માટે રજા લેવાની ના હોય ! " મંથન બોલ્યો.

" આવો. આપણે તમારા બેડરૂમમાં જ બેસીએ. " અંકલ બોલ્યા અને ઊભા થઇને બેડરૂમમાં ગયા.

ઝાલા અંકલ બેડ ઉપર જઈને તકિયાને અઢેલીને બેઠા. મંથન બરાબર તેમની સામે ખોળામાં ઓશીકું લઈને બેઠો.

" બોલો અંકલ... શું કહેતા હતા ? " મંથન બોલ્યો.

" મારી વાતથી તમે જરાપણ ખોટું ના લગાડશો. વાત જ એવી છે કે મને કહેતાં પણ સંકોચ થાય છે. હું તમને જે વાત કહી રહ્યો છું એ તદ્દન સાચી છે અને મારી એકની એક દીકરીના સોગંદ ખાઈને કહી રહ્યો છું. " ઝાલા અંકલ બોલ્યા.

" અંકલ મને ક્યારેય પણ ખોટું નહીં લાગે. હું અલગ જ ટાઇપનો વ્યક્તિ છું. અને તમારે અદિતિના સોગંદ ખાવાની જરૂર નથી. તમે જે પણ કહેવાના છો તે સત્ય જ કહેવાના છો અને મને પૂરેપૂરો વિશ્વાસ છે " મંથન બોલ્યો.

" જુઓ મારા અને તમારા પપ્પા વિજયભાઈના સંબંધો લગભગ ૨૮ વર્ષ જૂના છે. ૨૮ વર્ષ પહેલાંના ભૂતકાળની તમને આજે હું વાત કરી રહ્યો છું......
********************
૨૮ વર્ષ પહેલાં મુંબઈના અંધેરી વિસ્તારમાં ગાલા બિલ્ડર્સનો દબદબો હતો. કોઈપણ સ્કીમ મુકાય એ સાથે જ તમામ ફ્લેટ બુક થઈ જતા. ગાલા બિલ્ડર્સની વર્કમેનશીપ આજે પણ લોકો યાદ કરે છે. માલસામાનમાં કે મકાનોના ફિનિશિંગમાં જરા પણ કોમ્પ્રોમાઈઝ નહીં.

ગાલા બિલ્ડર્સ કંપની મૂળ તો રવિન્દ્રભાઈ ગાલાની પણ પછી એ એમના જમાઈ વિજયભાઈ મહેતા જ સંભાળતા. એમાં પાછળથી એમના ખાસ મિત્ર એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા ૧૦ ટકાના સાઇલેન્ટ પાર્ટનર તરીકે જોડાયા. બંનેના મૈત્રી સંબંધો ખૂબ જ ગાઢ હતા. કંપનીનું તમામ લીગલ કામ ઝાલા સંભાળતા.

આ એ સમયની વાત છે જ્યારે ગૌરી વિજયભાઈ નું ઘર છોડીને ચાલી ગયેલી. એ સમયે એમની પત્ની કોમલ સાથે રોજ ઝઘડા થતા હતા અને બાદમાં ડિવોર્સનો કેસ પણ દાખલ થયેલો. વિજયભાઈનો કેસ પણ આ ઝાલા જ લડતા હતા.

ધંધો તો ત્યારે સારો જ ચાલતો હતો પણ ૩ વર્ષ પછી અનિરુદ્ધસિંહના ઘરે જેવો અદિતિનો જન્મ થયો કે તરત જ ગાલા બિલ્ડર્સનું જાણે નસીબ ખુલી ગયું. સાવ સસ્તા ભાવે એક વિશાળ જમીન મળી ગઈ અને એમાં જે સ્કીમ મુકી એ એવી તો ઉપડી કે એક વર્ષમાં તો વિજયભાઈ માલામાલ થઈ ગયા.

સમૃદ્ધિના આ દિવસોમાં એક દિવસ રાત્રે વિજયભાઈ એડવોકેટ ઝાલાના ઘરે બેસવા આવ્યા. અગાઉથી જ ઢોંસાનો ઓર્ડર આપી દીધેલો એટલે જમવાનું પણ ઝાલા ના ઘરે જ હતું. અદિતિની ઉંમર ત્યારે ત્રણેક વર્ષની !!

" ઝાલા કાલે આપણા પેલા જમીનના કેસમાં કોર્ટનું જજમેન્ટ આવી જશે. શું લાગે છે ? સામેવાળો વકીલ પણ પાવરફૂલ છે." વિજયભાઈ બોલ્યા.

"બહુ ચિંતા નહીં કરવાની વિજયભાઈ. આમ પણ આપણા દિવસો સારા ચાલે છે. પૈસાની તમને કોઈને ખોટ નથી. હારશું કે જીતશું તેનાથી બહુ ઝાઝો ફરક પડવાનો નથી. હારી જઈએ તો દસ બાર લાખ ભૂલી જવાના. જો કે મેં દલીલો સચોટ કરેલી છે એટલે મને જીતવાની આશા છે." એડવોકેટ ઝાલા બોલ્યા.

" ઝાલા પૈસા તો ઠીક પણ ઈજ્જતનો પણ સવાલ છે ને ? હાર થાય એ કોને ગમે ? " વિજયભાઈ બોલ્યા.

" તમે બહુ ચિંતા ના કરો. આપણી આ અદિતિના જન્મ પછી આપણને બધે સફળતા જ મળી છે. એક કામ કરીએ. કાલે સવારે કોર્ટ જતા પહેલાં આ અદિતિનું મોં મીઠું કરાવી દઈશ. એને આઇસ્ક્રીમ ખવડાવી દઈશ. એ ખુશ એટલે કેસ આપણી તરફેણમાં " ઝાલા બોલ્યા.

અને ખરેખર બન્યું પણ એવું જ. ઝાલા એ કોર્ટ જતા પહેલાં અદિતિને એનો મનપસંદ આઈસક્રીમ ખવડાવ્યો અને સાંજે કેસ જીતીને આવ્યા. એ રાત્રે ઝાલા એમનાં પત્નીને લઈને જાતે વિજયભાઈના ઘરે સુંદરનગર ગયા અને મોડે સુધી રોકાયા.

"ઝાલા ખોટું ના લગાડો તો એક વાત કહું ? જ્યારથી તમારી અદિતિનો જન્મ થયો છે ત્યારથી ઉત્તરોત્તર આપણી પ્રગતિ થઈ છે એટલે મને એક વિચાર આવે છે. તમારી આ દીકરીને હું મારા ઘરની લક્ષ્મી બનાવી દઉં તો ? મારા દીકરા સાથે અદિતિની સગાઈ તમને મંજુર છે ? વચન આપશો ?" વિજયભાઈ બોલ્યા.

" અરે પણ ગૌરી ભાભીનો તો કોઇ પત્તો નથી. એમને દીકરો જન્મ્યો છે કે દીકરી એ પણ તમને કે મને કંઈ ખબર નથી. પછી આ વચનનો કોઈ મતલબ ખરો ? " ઝાલા બોલ્યા.

" હું સમજુ છું ઝાલા. પણ મારી ત્રણ પેઢીમાં દીકરાઓ જ જન્મ્યા છે. મારા પરદાદા ને દીકરો હતો. મારા દાદાને દીકરો હતો અને મારા પિતાનો પણ હું દીકરો જ છું. અમારી પેઢીમાં કન્યાનો જન્મ થયો જ નથી. અને માની લો કે કન્યાનો જન્મ થયો હશે તો આ વચનમાંથી તમે છુટ્ટા !! " વિજયભાઈ બોલ્યા.

" માની લો કે દીકરો જન્મ્યો હશે પરંતુ આટલા વર્ષોમાં ગૌરી ભાભીનો કોઈ જ પત્તો લાગ્યો નથી. લાગશે કે નહીં એ પણ ખબર નથી તો વચન લેવાનો શું મતલબ ? મારે ક્યાં સુધી રાહ જોવી ? " ઝાલાએ દલીલ કરી.

" મને વિશ્વાસ છે કે એક દિવસ ગૌરીનો અને મારા દીકરાનો પત્તો ચોક્કસ લાગશે. મારો વારસદાર મને ચોક્કસ મળશે જ. અદિતિની ઉંમર ૨૫ વર્ષની થાય ત્યાં સુધી જ તમારે રાહ જોવાની. એ ૨૫ વર્ષ પુરાં કરે એ દિવસે તમે પણ છુટ્ટા હું પણ છુટ્ટો ! બોલો હવે ?" વિજયભાઈ બોલ્યા.

" ભાભી હું ખરેખર ગંભીર છું. આજે મારી જે પણ પ્રગતિ થઈ રહી છે એમાં તમારી દીકરી અદિતિનું નસીબ જોર કરે છે. અદિતિનાં પગલાં સાક્ષાત લક્ષ્મીનાં પગલાં છે. તમે જો હા પાડો તો કાલે એકાદશીનો શુભ દિવસ છે. મારા દીકરા સાથે અદિતિના સગપણના ગોળધાણા આપણે બંને ખાઈ લઈએ." વિજયભાઈએ સરયૂબાને સંબોધીને કહ્યું.

એ રાત્રે ઝાલા અને સરયૂબાએ ઘણી દલીલો કરી,ચર્ચા કરી પણ વિજયભાઈ ના માન્યા. છેવટે અનિરુદ્ધસિંહ તૈયાર થયા અને બીજા દિવસે એકાદશીના દિવસે જ વિજયભાઈના ગુમનામ પુત્ર અને અદિતિની સગાઈના ગોળધાણા બંને પરિવારોએ સામસામે ખાધા.

" જુઓ વિજયભાઈ... હું આ સંબંધનો ગંભીરતાથી સ્વીકાર કરું છું પણ ગમે તેમ તોય દીકરીનો બાપ છું. એટલે આપણા કુટુંબ સિવાય આપણે બહાર કોઇ જાહેરાત નહીં કરીએ. આપણા સ્ટાફમાં પણ કોઈ ચર્ચા આ બાબતે ન થવી જોઈએ. અને આ સંબંધની ચર્ચા જ્યાં સુધી અદિતિ યુવાન ન થાય ત્યાં સુધી એની સાથે પણ આપણે નહીં કરવાની. " ઝાલા બોલ્યા.

વિજયભાઈ ને પણ ઝાલાની વાત સાચી લાગી એટલે એમણે પણ વચન આપ્યું.

અત્યાર સુધી તો આ વાત ભુલાઈ ગઈ હતી. પરંતુ જ્યારે વિજયભાઈએ થોડા મહિના પહેલાં ખુશખબર આપ્યા કે ગૌરીના ખબર મળ્યા છે અને એ અમદાવાદમાં છે અને એનો એક યુવાન દીકરો પણ છે ત્યારે ઝાલા થોડા બેચેન બની ગયા. એમને પેલું વચન યાદ આવી ગયું.

અદિતિ હવે ૨૪ વર્ષની યુવાન કન્યા થઈ ગઈ હતી. આટલા વર્ષોમાં જમાનો પણ બદલાઈ ગયો હતો. એને તો આ વેવિશાળ અંગે કંઈ જ ખબર ન હતી. કાલ ઊઠીને વિજયભાઈ જો એ વાત યાદ કરાવે તો અદિતિ આ સગપણ ને માન્ય રાખે કે નહીં એ પણ પ્રશ્ન હતો.
વિજયભાઈનો પુત્ર કેવો છે, કેવો નહીં એ પણ કંઈ જ ખબર નથી.

પરંતુ અનિરુદ્ધસિંહ ઝાલાની આ ચિંતા લાંબો સમય ટકી નહીં. ઘટના ચક્રો એવાં આકાર લેતાં ગયાં કે છ સાત મહિનામાં તો આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. વિજયભાઈએ અચાનક આત્મહત્યા કરી લીધી !

જે દિવસે વિજયભાઈ છેલ્લે છેલ્લે ઝાલાને મળવા આવ્યા હતા અને વીલ ની વાત કરી હતી ત્યારે એમણે વચન યાદ ચોક્કસ કરાવ્યું હતું.

" ઝાલા હવે કાયદેસર રીતે મંથન મારો વારસદાર બની જશે. તમે મને અદિતિ માટે વચન આપેલું છે છતાં જમાનો ઘણો બદલાઈ ગયો છે. મને કદાચ કાલે કંઈ થઈ જાય તો તમે બંને બાળકોને નાનપણના સગપણની વાત ચોક્કસ કરજો. પરંતુ કોઈ જાતનું દબાણ ના કરશો. જો એમને મંજૂર ના હોય તો તમે વચનમાંથી છુટ્ટા !! "

*************************
વિજયભાઈ ના અવસાન પછી અને વીલ થઈ ગયા પછી ઝાલા જ્યારે અમદાવાદ જઈને મંથનને રૂબરૂ મળ્યા ત્યારે એમને છોકરો ગમી ગયો. હવે એ કરોડો રૂપિયાનો માલિક પણ છે અને સંસ્કારી પણ છે. અદિતિ અને મંથનની જોડી શોભે એવી છે.

મંથન મુંબઈ આવે એટલે સગપણની આ બધી જ વાત મંથનને કરવાનો ઝાલા સાહેબે નિર્ણય લીધો.

હવે મંથન મુંબઈ આવી ગયો હતો એટલે બેડરૂમનો દરવાજો બંધ કરીને ઝાલા અંકલે મંથનને ભૂતકાળની અથ થી ઇતિ સુધીની આ બધી જ વાત કરી દીધી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)