Dubai pravas - 4 books and stories free download online pdf in Gujarati

દુબઈ પ્રવાસ - 4

દુબઈ પ્રવાસ 4
ત્રીજે દિવસે ઊઠીને ઝટપટ બ્રંચ વગેરે પતાવી 8.40 વાગતાં તો ચાલતા બુર્જમાન મેટ્રો સ્ટેશન તરફ જવા નીકળી પડ્યા. રસ્તે ઓફિસ જતા લોકો પણ ખૂબ હતા. બુર્જમાન સ્ટેશનની કઈ બાજુ જવું? ત્યાં અલ ખલીજ મોલ જોયો. એનું બિલ્ડિંગ પણ બહારથી ઢળતું સરસ હતું. દોડીને મોલની અંદરથી ક્રોસ કરી સામે આવ્યા તો ટુરિસ્ટ બસ આવવામાં જ હતી.
બસમાં એક આફ્રિકન કપલમાં યુવતી કાળી અને જાડા હોઠ વાળી હોવા છતાં નજર ચોંટી જાય તેવી સુંદર હતી. ઢીંગલીઓ જેવી પાતળી કમર, તીણું નાક, સ્લિમ પગ.
એક યુરોપિયન મહાશય હતા જે કાંઈક જમીનનો ધંધો કરવા આવ્યા હોય તેમ ગાઇડને જમીન અને ફલેટના દરેક એરિયામાં ભાવ પૂછતા હતા. એક સુરતી કુટુંબ પણ હતું.
સહુને લઈ પહેલાં ગયા જૂમેરા બીચ. આસપાસ વૈભવી મોટી હોટલો અને સામે ખુલ્લો ભૂરો દરિયો, સફેદ રેતી.
ત્યાંથી બસ નીકળી અને બેઠા ઘાટના બંગલાઓ વચ્ચેથી પસાર થઈ. ગાઈડના કહેવા મુજબ આ દેશના મૂળ રહેવાસીઓને દરેકને રહેવા સરકાર એક બંગલો ફ્રી આપે છે. એનો છોકરો પુખ્ત થઈ પરણે તો ક્યાંક પણ તેને બીજો બંગલો. તે બધાની બહાર ઊંચાં વૃક્ષો અને બોગનવેલ જેવી વેલો. એમનું રહેવા, ભણવા, મેડિકલ બધું રાજ્ય તરફથી.
દેશ ખુદ 1971 થી જ અસ્તિત્વમાં આવ્યો હોઈ તે બધાની બીજી પેઢી છે. 1972માં છ આરબ રજવાડાએ એકત્ર થઈ યુનાઈટેડ આરબ અમિરાત દેશ કરેલો.
જુમેરા માર્કેટ પણ જોઈ. એક હેન્ડીક્રાફ્ટ શો રૂમ માં લઇ ગયા. દરેક ટુરિસ્ટ ગાઈડ નો એ ધંધો છે. ત્યાં ખૂબ મોંઘી ટેરાકોટા જેવી,
ચીનાઈ માટી પર પેઇન્ટિંગ કરેલી વસ્તુઓ, કિંમતી પત્થરનાં ઘરેણાં વગેરે બતાવ્યું. અમુક પેઇન્ટિંગ આપણી ફ્લોર જેવડાં થી માંડી અઢી બાય ત્રણનાં બતાવ્યાં જે તેમના કહેવા મુજબ કારીગરોએ બે ત્રણ મહિનાની મહેનતે બનાવેલાં હતાં અને તેમાંની બારીક ડિઝાઈનો સાચાં સોનાં, ચાંદી અને વ્હાઈટ ગોલ્ડ ની હતી. તેમણે લાઈટ બંધ કરી એ ચળકે છે તે બતાવ્યું. સાથેનાં કોઈકે ખરીદ્યું પણ ખરું પણ સર્ટિફિકેટ આપતી વખતે કેટલા કેરેટનું ને કેટલા ગ્રામ, ઔંસ સોનું છે તેને બદલે woven in gold thread લખેલું. તેમણે કદાચ એ પાછું આપી દીધું.
અહીથી ગયા ઉમ્મ સુકીમ બીચ અને કાઈટ બીચ, જ્યાંથી બુર્જ અલ આરબ નું વહાણના સઢ આકારનું બિલ્ડિંગ નજીકમાં હતું. તે કોઈ વૈભવી હોટેલ હોઈ બહારથી જ જોઈ શકાય છે. બીચ પર ચાલવાનો સરસ રસ્તો છે અને નહાવાની પણ વ્યવસ્થા છે.
ત્યાંથી ગયા JBR એટલે જુમેરા બીચ રિસોર્ટ જ્યાં લાલ પત્થરનો વોક વે છે અને પહોળા પાથ પર બેસવા માટે છત્રીઓ, સામે પામ ટ્રી ની હાર છે. દૃશ્ય રમણીય છે. અહીં થી ગયા અલ સીફ.
અહીં સુંદર પાલ્મ ટ્રી ની હાર હતી. બધાં ટ્રી એક સરખાં હોઈ કદાચ કૃત્રિમ હશે. સારો એવો લાંબો વોક વે હતો. નજીક ચંપાનાં વૃક્ષો હતાં. સામે જ ભૂરા દરિયાની બીજી તરફ મોટાં, ઊંચાં સુંદર મકાનોની હાર દેખાતી હતી. એક ઊંધી વ્હેલ આકારના શેડમાં ઉપરથી નાનો ધોધ પડતો હતો તેમાં પલળીને આગળ જવાનો આનંદ માણ્યો.
હવે પાલ્મ આટલાંટીસ નામની જગ્યાએ ગયા. ત્યાં સામે એક તરફ મહેલ જેવા આકારની મોટી હોટેલ છે તો બીજી તરફ point લખેલા અક્ષરો સાથે ફોટો પડાવવા લોકો ઉભે છે. અમે પણ ફોટા પાડ્યા. અંગ્રેજી U ની હાર કે સર્પાકાર બાંકડે બેસવાની પણ મઝા લીધી.
આખરે પામ બીચ આવી પહોંચ્યા. તે પ્રાઇવેટ હોટેલનો બીચ છે. તે વૈભવી હોટેલ પાલ્મમાં આમ તો એન્ટ્રી નથી. બસના ટૂરિસ્ટો ને ગાઈડ અંદર કમ્પાઉન્ડમાં લઇ ગયો અને એકદમ અદભૂત સ્થળના ફોટાઓ લીધા. એક મેટ્રો જેવી ટ્રેન માત્ર તે હોટેલમાં ઉતરનાર લોકોને સામે લઈ જવા છે તે જોઈ. હોટેલનો સુંદર બગીચો, વચ્ચે હોજ અને પામ ટ્રી ઉપરાંત અલગ અલગ વૃક્ષોથી ગાર્ડન બનાવ્યું છે તે જોયું અને બસ ઉપડી.
આશરે દોઢ વાગ્યા આસપાસ પહોંચ્યા દુબઈ ફ્રેમ. ત્યાંની ટિકિટ લેવાની હતી જે બસમાં બેઠે મારા પુત્રએ ઓનલાઇન લીધી. પેલાં આફ્રિકન કપલ ની અમારી સાથે જ બુક કરી. તેઓ અમારી સાથે ટિકિટ સ્કેન કરાવી એન્ટર થયા અને પોતાની રીતે આગળ ગયા.
દુબઈ ફ્રેમ જુઓ તો AIN દુબઈ જવાની જરૂર નહીં. બેય દુબઈને ઊંચાઈએથી બતાવે છે. દુબઈ ફ્રેમ હું સમજ્યો તેમ યોગ્ય proportion માં 4:3 ના પ્રમાણમાં બનાવી છે. સોનેરી ડિઝાઇનમાં વચ્ચે કાચ વાળાં બે વિશાળ પિલ્લરો એક બીજાથી વચ્ચે બ્રિજ દ્વારા જોડાયેલ છે. તેમાં પણ ઉપર લિફ્ટથી જવાનું. રસ્તે જૂની ઊભા સળિયા વાળી બારીઓની અંદર જૂની સંસ્કૃતિ બતાવે. અમે નાનપણમાં જોયેલ તેવું. દળવાની ઘંટી, હાથ સિલાઈ નું સિંગર મશીન, પગ મશીન પર સિવતો દરજી અને કપડાંનું માપ લેવાની ટેપ અને કાતર, ધમણથી ગરમ લોઢું ફૂંકતો લુહાર વગેરે જોયાં.
ઉપર લાંબી ગ્લાસ ફ્લોર પર ચાલતાં નીચે હોટેલ આસપાસનું ગાર્ડન વગેરે ખૂબ નાનાં દેખાય. આ જગ્યા 500 ફૂટ ઊંચી છે એટલે 51મે માળથી જોવા બરાબર. ત્યાં પણ મોટી ગ્લાસ વોલ્સ માંથી ચારે તરફનું દુબઈ, દૂર રણ, દરિયા કાંઠો વગેરે દેખાય. ત્યાં પક્ષીની પાંખો જેવી જગ્યાઓમાં ઊભી સેલ્ફી લેવાના પોઇન્ટ પણ હતાં. ટીવી સ્ક્રીન માં દેખાતાં નીચેના દૃશ્યને આંગળીઓથી ઝૂમ કરવાની પણ વ્યવસ્થા હતી. એનો પણ બુર્જ ખલીફા ની જેમ અલગ જ અનુભવ થયો.
નીચે મોટો બાગ છે પણ ત્યાં બપોરે ફરવું નકામું. સામે જ ગ્રીન પ્લેનેટ નામે બાગ છે.
અમે બસ લેવા આવી તેમાં બેસી તેને મીના બજાર ઉતારવા કહ્યું અને હાફ ડે ટુર પૂરી કરી.
ત્યાં વેગી લેન્ડ નામની ગુજરાતી રેસ્ટોરાંમાં ગુજરાતી થાળી, રસ પૂરી વગેરે ખાધું. પાંચ વ્યક્તિઓનું બિલ 100 દીરહામ એટલે 2000 રૂ. જેવું થયું જે બરાબર કહેવાય. તેણે કોઈ સ્વીટ અને પાણીની 125 ml બોટલ કોંપ્લીમેંટ્રી આપી. અહીં દુબઈમાં પીવાનું પાણી ખૂબ મોંઘું છે.
ખાઈને ઊંઘ આવતી હોવા છતાં મીના બજારની લટાર મારી. દુબઈના રહેવાસીઓ માટે હોય તેવા 1 રીયાલ શોપમાંથી દુબઈની બીજી જગ્યાઓ કરતાં સસ્તું મળે તેવી ચીજોમાંથી પૌત્ર માટે ગેઇમ, સ્ટોરી બુક્સ, એક બે બાળકોનાં કપડાં ને એવું લીધું. પુત્ર નજીકની ઇલેક્ટ્રોનિક્સની દુકાનોમાં ફર્યો. બ્રાન્ડેડ વસ્તુઓની કીમતમાં મસ્કત, કદાચ ભારત કરતાં બહુ ફરક નહોતો. જાપાન, કોરિયા ની ઘણી સસ્તી, લગભગ બ્રાન્ડેડના 60 ટકા કિંમતે મળતી હતી પણ તેનું ગેરંટીનું શું?
ત્યાં પણ ગુજરાતીઓની દુકાનો સારી એવી હતી.
નજીકમાં ચા પીવા ગયાં. અહીં પણ ચા ને કરક કહે છે. રેસ્ટોરાંની વેઈટ્રેસ કહે કરકમાં condensed મિલ્ક હશે, બીજી ટી માં રેગ્યુલર. બેય વચ્ચે પૈસામાં ખાસ ફેર નહોતો.
ચા પીને પહેલાં ફરીથી હોટેલ પર જઈ આરામ કર્યો. પૌત્ર તો સ્વિમિંગ પાછળ ગાંડો થએલો. થોડો આરામ કર્યો. અંધારું થતાં 7.30 આસપાસ ફરીથી એ જ દુબઈ ફ્રેમની સામે જ, ગાર્ડન ઓફ ગ્લો જોવા ગયાં. જેમને વિવિધ ફૂલોની કમાલ જોવી હોય તેમણે દિવસે ગ્રીન પ્લેનેટ આવવું. સાંજના પાંચ આસપાસ આવો તો પહેલાં તે અને અંધારું થતાં સાંજે 7 થી શરૂ થતું ગાર્ડન ઓફ ગ્લો જોઈ શકાય. બેય માં સારી એવી રકમની ટિકિટ છે.
અમે રાત્રે 8 વાગે ગાર્ડન ઓફ ગ્લો અને તેની સાથે ડાયનોસોર પાર્ક જોયો. ડાયનોસોર જાણે ભાંભરતા હોય તેવા અવાજો સાથે તેમના ગળા અને પેટની ચામડી પણ થરકે. ઘણું વાસ્તવિક જેવું લાગ્યું. કોઈ ડાયનોસોર મિટીયોરાઈટ અથડાવાથી પડી ગયું હોય અને બીજાં તેની આસપાસ ટોળે વળ્યાં હોય કે મા ડાયનોસોર બેબી ડાયનોસોર સાથે ઊભી અવાજો કરતી હોય તેવું જોયું.
પછી તરત જ ગયા ગ્લો ગાર્ડન. અલગ અલગ ડિઝાઈનો વાળાં ડોમ વાળાં રસ્તાઓમાંથી પસાર થવાનું, રંગબેરંગી વિશાળ સુરાહી, મોર, વિશાળ ફૂલો અને તેની રંગોળીઓ વગેરે રંગબેરંગી લાઈટથી બનાવેલું. બધી જ ડિઝાઈનો અદભુત હતી.
પૂરું કરતાં સાડા નવ વાગી ગયા. ટેક્સી બોલાવી હોટેલ પહોંચતાં દસ.
ફરી તે ગોલ્ડનસેન્ડ 5 નજીકની શેરીમાં નજીક આશિષ રેસ્ટોરાં ગયા. જમવામાં વસ્તુઓ સારી પણ વાર ખૂબ લગાડે. સવારની ગુજરાતી થાળીમાં જેણે કઢી મગાવી તેને ભાત ને બદલે ખીચડી આવેલ જે બંધાવી લાવેલ. મેં તે ગરમ કરાવી ખાધાં.
કાલે અમારે અમદાવાદ રાતની ફલાઇટમાં જવાનું હતું. સેન્ડ ડ્યુન મસ્કતમાં ખૂબ જોઈ હતી અને અમારી કારમાં જ તેમાં ફરેલાં. અબુ ધાબી સાત આઠ કલાકમાં જઈને અવાય એમ કહેલું પણ જે રીતે મસ્કત થી સાડાચાર કલાક કહેવાયેલું ને સાત કલાક થએલા તેવું થાય તો ફ્લાઇટ ચૂકાય તેમ બને.
અમે ક્યાંય જવાને બદલે ચોથે દિવસે માત્ર ડોલ્ફિન શો જોવાનું નક્કી કરી દિવસ 3 પૂરો કર્યો.