Dubai pravas - 5 books and stories free download online pdf in Gujarati

દુબઈ પ્રવાસ - 5

5.
સવારે ઉઠી મેં ચેક કર્યું. ગુજરાતી લોકોમાં સ્ટાન્ડર્ડ કહેવાતી કેસરી ટ્રાવેલમાં કવર થતી બધી જ જગ્યાઓ અને વધુ જોઈ લીધેલું. સેન્ડ ડયુન તો મસ્કતથી ઓમાનમાં જોઈ હતી.
આજે સવારે કોઈ જ પ્રોગ્રામ ન હોઈ પુત્ર અને પુત્રવધુ હોટેલના જીમમાં ગયાં. સાધનો વાપરવા ફ્રી માં મળે. તમારે હોટેલના રૂમમાં એન્ટર થતી વખતે કાર્ડ નાખો છો તે અહીંના ડોરમાં નાખવાનું. મેં ટુંકી મુલાકાત લીધી. પીઠ પાછળ રોડ રાખી ખેંચાય તે અને બીજી એક કસરતની ઝલક લીધી. ટ્રેડમિલ માટે ચોક્કસ શૂઝ જોઈએ. ફોર્મલ શૂઝ કે ફ્લોટરમાં ન થાય તેથી બહાર સ્વિમિંગપુલ પર બેઠો. આજે તો ચડ્ડી પણ તરીને ભીની થાય એમ નહોતું. નીકળવાનું હતું.
પુત્ર અને પુત્રવધુ બજારનું કોઈ કામ પતાવવા ગયાં અને હું હોટેલના રિસેપ્શન પાસે બેઠો. દસેક વાગ્યે લોકો ચેકઆઉટ કરવા લાગેલા તેમની ટેક્સીઓ આવીને ઊભી હતી. મેં પેલું કાકડી ઓરેન્જ નું પાણી બે ગ્લાસ પીધું અને પેપર વાંચવા સોફામાં લંબાવીને બેઠો. ચેકઆઉટ કરતા અમુક 'કપલો' (!) એ મારું ધ્યાન ખેંચ્યું. ગોરા, અમેરિકન કે યુરોપિયન કાકાઓ, દેખીતી રીતે 50 વર્ષ ઉપરનાઓ અને સાથે સુડોળ શરીર કે મુખાકૃતિ વાળી 20 થી 25 વર્ષ વચ્ચેની કન્યા. ગાઈડ હોય તો તેમની રૂમમાંથી સાથે આવે? મીની લલિત મોદીઓ અને તેમની … જવા દો. એકાદી તો કાકા પેમેન્ટ કરતા હતા ત્યારે એમનું બાવડું પકડીને ઊભેલી.
હરવા ફરવાનાં સ્થળો માટે આ કોમન છે.

બપોરે નજીકમાં આશિષ રેસ્ટોરાંમાં ગયાં . બપોરે 2 થી 3 ના ડોલ્ફિન શો માં જવું હતું. સાડાબારે ગયાં અને એકને પાંચ સુધી ઓર્ડર ન આવ્યો. મારે જઈને કહેવું પડ્યુ કે ક્યાંક જવું છે, જલ્દી કર.
ટેક્સી કરી ડોલ્ફિન શો જોવા ગયા જે એક મોટાં ગાર્ડનની અંદર એક ઓડિટોરિયમ માં છે.
પાછળ મોટા સ્ક્રીન પર સ્ટેજ પર જે ચાલતું હોય તે બતાવે. અમને તો બીજી રો માં જગ્યા મળી ગયેલી. કદાચ પુત્રએ હાયર કલાસની ટિકિટ બુક કરેલી. સ્ટેજ સરકસના સ્ટેજ જેવું હતું અને આગળ મોટો હોજ હતો.
ડોલ્ફિન અને સી લાયનના અદભૂત ખેલ બતાવ્યા. તેઓ બે સી લાયન એક બીજાને વળગીને નૃત્ય કરે, માણસ ડોલ્ફિનની પીઠ પર બેસી સવારી કરતો ચારે તરફ ફરે, ડોલ્ફિન નાકથી ફૂટબોલ રમતી ઊંચે ટાર્ગેટ પર મારે, માણસ અને ડોલ્ફિન તથા બે ડોલ્ફિન સામસામા ફુટબોલથી રમે, સિલ આપણા હાથમાં બુકે આપી જાય, ડ્રો માં વિજેતા થાય તેની ચિઠ્ઠી ડોલ્ફિન ઉપાડે અને તેની રો ના કિનારા સુધી આપી આવે, મોં માં બ્રશ પકડી ડોલ્ફિન પેઇન્ટિંગ કરે વગેરે અને ઘણું વધુ એ સવા કલાકના શો માં જોયું. બહાર આવતાં બપોરે સાડાત્રણનો તડકો મોં પર વાગતો હતો તેથી બાગમાં ચિલ્ડ્રન પ્લે એરિયા આધુનિક અને સરસ હોવા છતાં મુલતવી રાખ્યું અને નજીકના રોડની દુકાનોમાં ફરી હોટેલ પાછા.

રાતે એરપોર્ટ જવા બર્જવાન સ્ટેશનથી મેટ્રો પકડી. કાર્ડ ખરીદેલું તેમાં સ્ટેશન પરથી બેલેન્સ એક એટીએમ જેવા કિઓસ્ક પર મેપ જોતાં પુત્રએ નાખ્યું અને તેમાં જરૂરી બેલેન્સ કર્યું. સીધી એરપોર્ટ ટર્મિનલ 1 સુધીની મેટ્રો પકડી જે ઘણીખરી ભૂગર્ભમાંથી ગઈ. અમુક રસ્તે પાટા કે પૂલ પરથી ગઈ તો દુબઈની રાતની રોશની જોવા મળી. રસ્તે ઘણી ખરી જગ્યાએ પીળી સોડિયમ લાઈટો હતી.
ટર્મિનલ 1 સ્ટેશને ઉતર્યા પછી એરપોર્ટના
A,B,C.. J સુધીના ભાગ છે. અમારી ટર્મિનલ D 36 હોઈ D ટર્મિનલ જતી બીજી મેટ્રો અંદરથી જ પકડી. તેની ટિકિટ મેટ્રો ટિકિટમાં આવી ગઈ.
D ટર્મિનલ ઉતર્યાં અને સખત ભીડ વચ્ચે D 36 ટર્મિનલ ગોતી ગયાં જ્યાં ચેકઈન, ઇમિગ્રેશન, સિક્યોરિટી ચેક પતાવ્યાં. સમય હોઈ ડ્યુટી ફ્રી શોપ્સ ની આખી બજારની મુલાકાત લીધી. રોલેક્સ, ગૂચી અને એવી મોંઘી ચીજોની શોપ્સ, પરફયુમ, વિદેશી ચોકલેટો અને સ્વીટ, બુક્સ, ટોયસ, શર્ટ કે ટીશર્ટ ની અને થોડી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દુકાનો ઝાકઝમાળ હતી. લોકો ખરીદી તો કરે પણ હેન્ડ બેગેજ સાત કિલોથી જરા પણ વધી જાય તો પાછો મુકાવતા હોઈ બીજા પેસેન્જરોને ' ભાઈ આ જરા બસમાં ચડીએ ત્યાં સુધી રાખ ને! ' એવી વિનંતીઓ કરતા ગોતતા હોય. લેવામાં જોખમ. છેલ્લી ઘડીએ કોઈ ડ્રગ કે દાણચોરીનું મળે અને છેક બસમાં બેસતાં જ એરેસ્ટ થાય એવું પણ બને. મેં કોઈની વિનંતી સ્વીકારી નહીં. કોઈએ ' આપણા લોકો આપણને કામ ન આવ્યા ' એમ કાઠીયાવાડીમાં સાંભળું એમ કહ્યું પણ ખરું. હું ફેવર કરવાનું જોખમ લેવા માગતો ન હતો.
આખરે કહેવાયા મુજબ હિથ્રો પછીનાં સહુથી બીઝી એરપોર્ટ પરથી ફ્લાઇટ ઉપડી અને અમદાવાદ આપ સહુ સાથે.
કેટલીક વસ્તુઓ વિસ્તારથી કહી છે જેથી પોતાની રીતે જવા માગતા હોય તેમને કામ આવે.
અસ્તુ.
(સમાપ્ત.)
***