DNA. - 5 books and stories free download online pdf in Gujarati

ડીએનએ (ભાગ ૫)

બે ઘટનાઓ એક સાથે બની રહી હતી. ઇન્સ્પેક્ટર પરેશ પટેલની ટુકડી ગુજરાત વિદ્યાપીઠ સ્નાનાગાર જવા માટે રવાના થઈ ને મુકુંદભાઈ નિરામયભાઈને લઈને ઘર તરફ રવાના થયા.

ઇન્સ્પેક્ટર પરેશ હજી પણ ઘટનાને સહજ લઈ રહ્યા હતા અને તેમને હતું કે હમણાં બંને ઘરે જઈને ફોન કરશે કે તેમની છોકરી ઘરે આવી ગઈ છે. પોલીસ ખાતામાં જોડાયાને તેમને ત્રણ વર્ષ થવા આવ્યા હતા. અને આ ત્રણ વર્ષ દરમિયાન મોટેભાગે એવું જ બનતું હતું કે ખોવાયેલ વ્યક્તિના ઘરના નાહક પરેશાન થતા હોય, એકાદ બે કલાકમાં જ ખોવાયેલ વ્યક્તિ ઘરે આવી જતી હતી. કોઈ કોઈ કેસમાં બે કે ત્રણ દિવસે આવી જાય. ઘરે નાનકડી બાબતમાં બોલચાલ થઈ હોય અને વ્યક્તિ ગુસ્સામાં ઘર છોડીને જતી રહે, ગુસ્સો ઠંડો થાય એટલે ઘરે આવી જાય.

પોલીસ ટીમ ગુજરાત વિદ્યાપીઠ સ્નાનાગાર પહોંચી. રાતના પોણા નવ થવા આવ્યા હતા. વરસાદના હળવા ફોરાં પડતા હતા. સ્નાનાગારનો પ્રવેશદ્વાર બંધ હતો. એક હવાલદારે દરવાજો ખખડાવ્યો, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. તેણે ફરીવાર દરવાજો ખખડાવ્યો. એક ચોકીદાર દોડતો આવ્યો. તેણે પોલીસને જોઈ એટલે થોડોક ગભરાયો. તેણે ફટાફટ ઉતાવળ કરીને દરવાજો ખોલ્યો. દરવાજાના આગળામાં કાટ લાગી ગયો હતો એટલે કચડ... કચડ... અવાજ થતો હતો. દરવાજો ખુલ્યો.

એક હવાલદારે ચોકીદારને ધમકાવતા પૂછ્યું, “ક્યાં ગયો હતો? નોકરી કરવા આવે છે કે રખડવા?”

ચોકીદાર પણ પાછો પડે એમ ન હતો, તેણે હિંમતભેર જવાબ આપ્યો, “જરા શાંતિથી વાત કરો. માણસ પેશાબ કરવા પણ જાય કે નહીં.”

હવાલદારને તેનો મિજાજ ગમ્યો નહીં. તે ચોકીદારને કંઈ કહેવા જતો હતો, પણ ઇન્સ્પેકટરે તેને રોક્યો અને ચોકીદારને શાંતિથી પૂછ્યું, “અંદર સ્ટાફમાં કોઈ છે?”

ચોકીદારે અદબ સાથે જવાબ આપ્યો, “ના સાહેબ, સાડા આઠ સુધીમાં તો બધા જતા રહે છે.”

       ઈન્સ્પેક્ટરે પોતાના મોબાઈલમાં પથુજીએ મોકલેલો ફોટો બતાવતા પૂછ્યું, “આ છોકરીને ઓળખે છે?”

ચોકીદારે ફોટો જોઈને કહ્યું, “હા સાહેબ, આને કોણ ના ઓળખે. અહીં બધા ઓળખે છે.”

ઇન્સ્પેક્ટરના ભવાં તંગ બન્યા, “કેવી રીતે?”

ચોકીદારે સહજતાથી જવાબ આપ્યો, “આનું નામ મૈત્રી જોશી છે. બહુ સારી છોકરી છે. આણે તો બબ્બે વાર ગુજરાતનું નામ રોશન કર્યું છે. બે મેડલ લાવી છે સ્વીમીંગમાં.”

ઈન્સ્પેક્ટરના મગજમાં ઝટકો વાગ્યો. તે જેને સામાન્ય છોકરી સમજતા હતા એ તો ખાસ હતી. તેમને અચાનક કંઈ આત્મજ્ઞાન થયું હોય એમ એકદમ ગંભીર બન્યા. એમને અંદાજો આવી ગયો હતો કે જો છોકરીને કંઈ થાય તો આ કેસ હાઈ પ્રોફાઈલ બની શકે છે અને તેમના પર ત્વરિત તપાસ ન કરવા અંગેના છાંટા ઉડી શકે છે.

તે હવે સજાગ બન્યા. ચીકીદારને ગંભીરતાથી પૂછ્યું, “છેલ્લે તેં આ છોકરીને ક્યારે જોઈ હતી?”

ચોકીદારે તરત જવાબ આપ્યો, “આજે સાંજે.”

ઈન્સ્પેક્ટરે બીજો સવાલ પૂછ્યો, “કેટલા વાગ્યે?”

ચોકીદારે કહ્યું, “આજે સાંજે સાત વાગ્યે. ઘરે જતા. એ રોજ લગભગ સાતની આસપાસ ઘરે જવા નીકળે છે.”

ઈન્સ્પેકટરે આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કરવા નજર ફેરવી. રસ્તો સુમસામ હતો. ચોકીદાર સામે જોઈને પૂછ્યું, “કોઈની સાથે ગઈ હતી કે એકલી?”

ચોકીદારે કહ્યું, “એ રોજ એકલી જ આવે છે. આજે પણ એકલી જ ગઈ હતી. દરવાજા બહાર નીકળ્યા પછી કોઈની સાથે ગઈ હોય તો ખબર નથી. શું થયું છે સાહેબ?”

ઈન્સ્પેક્ટરે પોતાની આદત મુજબ શંકાશીલ નજરે ચોકીદાર સામે જોયું અને કહ્યું, “આ છોકરી અહીંથી નીકળ્યા પછી હજી સુધી ઘરે નથી પહોંચી? તને કંઈ ખબર પડે તો પોલીસને જાણ કરજે.” એટલું કહી તેઓ ટીમ સાથે ગાડીમાં ગોઠવાયા અને ડ્રાઈવરને ગાડી મુખ્ય રસ્તા પરથી લઈ જવાને બદલે એમની નજર સામે દેખાતા સુમસામ રસ્તા પર લઈ લેવા કહ્યું. રસ્તાની આજુબાજુ આલીશાન બંગલા હતા. પણ કોઈ બહાર દેખાતું ન હતું. કોઈક ઘરમાંથી ટીવીનો ધીમો અવાજ કાને પડતો હતો.

આ રસ્તો મુખ્ય માર્ગ સાથે જોડાતો હતો, ત્યાંથી પોલીસની ગાડી ડાબી તરફ વળી. ઇન્સ્પેક્ટર પરેશનો ફોન રણક્યો. ઈન્સ્પેક્ટરે ફોન ઉપાડી, “તમે જમી લેજો. મારે થોડું મોડું થશે. એક તપાસમાં નીકળ્યો છું.” કહ્યું. ફોન મુકીને ડ્રાઈવરને કહ્યું, “સામંતસિંહ કોઈ ચાની લારી પર ઉભી રાખ.” થોડેક આગળ જતા જ એક લારી દેખાઈ. સામંતસિંહ લારીવાળાને પાંચ ચાનો ઓર્ડર આપી આવ્યો.

મુકુંદભાઈ નિરામયભાઈ સાથે તેમના ઘરમાં દાખલ થયા. નિરામયભાઈને જોતા જ કુમુદબેન સોફામાંથી સફાળા ઊભા થઈ તેમની પાસે પહોંચી સવાલોનો મારો ચલવવા લાગ્યા, “શું થયું? મૈત્રી મળી? ક્યાં છે?”

મુકુંદભાઈએ સાંત્વના આપતા કહ્યું, “ભાભી શાંત થાઓ. મૈત્રી મળી જશે.”

નિરામયભાઈએ સાંત્વનામાં ઉમેરો કર્યો, “પોલીસ શોધી લેશે. તું ચિંતા ના કર. કંઈ નહિ થાય એને. કંઈ નહિ થાય આપણી મૈત્રીને.” નિરામયભાઈના ગળામાં પણ ડૂમો ભરાઈ આવ્યો.

મુકુંદભાઈના પત્ની ભાનુબેન પણ બંને જણા પોલીસ સ્ટેશને ગયા ને તરત કુમુદબેન પાસે આવી ગયા હતા. તે પાણી લઈ આવ્યા અને બંનેને આપ્યું, પણ કુમુદબેને પાણી પીવાની ના પાડી. 

હવાલદાર ઝાલાએ બંને ભ્રમરો એકબીજા સાથે ભેગી કરતાં ઇન્સ્પેકટરને સવાલ કર્યો, “સર, છોકરી જાય ક્યાં? કોઈની સાથે ભાગી જાય? પણ સોળ વર્ષની છોકરી...”

બીજો હવાલદાર રમેશ વચ્ચે બોલ્યો, “ઝાલા, અત્યારે તો ૧૨ વર્ષની છોકરીઓય જવાન થઈ જાય છે. મારું મોઢું ના ખોલાવ, છોકરીઓ કેવા કેવા કાંડ કરે છે એની મને બરાબર ખબર છે?”

ડ્રાઈવરે પોતાનું જ્ઞાન પ્રકાશતા કહ્યું, “ખરેખર કળિયુગ છે. મારે ત્યાં એક છોકરી છે, સાહેબ હજી દસમાં ધોરણમાં છે મેં એને એક દિવસ એક છોકરા સાથે... જવા દો ને સાહેબ, મને તો બોલતાંય શરમ આવે છે.”

ચાવાળો ચા આપી ગયો. બધાએ ચા લઈને ચૂસકીઓ લેતા વાત આગળ વધારી.

ઇન્સ્પેક્ટર પરેશે કહ્યું, “પણ મને આ છોકરી એવી નથી લાગતી. એના પપ્પાને જોઈને લાગે છે કે પરિવાર સંસ્કારી છે.”

ચૌહાણે પણ ઝંપલાવ્યું, “સાહેબ, સંસ્કારી હવે રહ્યું છે કોણ? હમણાં બે મહિના પહેલાં મારી સોસાયટીમાં એક છોકરી ભાગી ગઈ. મને મારા છોકરાએ કહ્યું કે લીના ભાગી ગઈ. પહેલાં તો મને ખબર ના પડી કે લીના કોણ? અને જયારે એણે કહ્યું કે એ હજી તો ૧૩ વરસની જ છે. મારા તો માન્યામાં નહતું આવતું. અને એના પપ્પા બિચારા ગરીબ ગાય જેવા છે.”

ડ્રાઈવર ચાની છેલ્લી ચુસકી લેતા બોલ્યો, “ચૌહાણ, સંસ્કાર મરી પરવાર્યા છે.”

ઝાલા પણ ઉમેર્યું, “હા, સાવ સાચી વાત છે.”

ઇન્સ્પેકટર પરેશે ચાનો કપ ફેંકીને ટીમને ઉદ્દેશીને કહ્યું, “એક કામ કરો બધા છોકરીનો ફોટો આસપાસના લારી ગલ્લાવાળાને બતાવી પૂછો કે કોઈએ એને જોઈ છે.”

પોલીસ ટીમ તરત કામે લાગી ગઈ. વિદ્યાપીઠની આસપાસના વિસ્તારમાં દુકાનો, પાન પાર્લરો, લારીઓ, ફેરિયાઓ, આવતા જતા રાહદારીઓ બધાને મૈત્રી સંબંધિત પૂછપરછ શરૂ કરી.

એકાદ કલાક પછી પૂછપરછ કર્યા પછી પણ મૈત્રીની કોઈ ખબર કે તેના વિશે કોઈ પુરાવો ન મળ્યો. પોલીસ ટીમ અવાવરું ને બંધિયાર જગ્યાઓએ પણ તપાસ કરી આવી. છેક સાબરમતી રીવરફ્રન્ટ સુધી તપાસ કરી પણ કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નહીં.

ઇન્સ્પેકટર પરેશે વાયરલેસ પર મૈત્રીના દેખાવનું વર્ણન કરતો એક મેસેજ વહેતો મુક્યો. જુદી જુદી જગ્યાના વાયરલેસ રણકી ઉઠ્યા. પોલીસના વ્હોટસ અપ ગ્રુપમાં મૈત્રીના ફોટા વાયરલ થવા લાગ્યા. થોડીવારમાં આખા અમદાવાદની પોલીસને મૈત્રીની ગુમશુદગીની જાણ થઈ ગઈ. 

 મીડિયામાં પણ ફોટા પહોંચી ગયા હતા. થોડાક ન્યુઝ ચેનલવાળાએ તેના ફોટા વાયરલ કર્યા હતા. પણ હજી સુધી પોલીસ તરફથી પાક્કા સમાચાર ન હતા મળ્યા કે ખરેખર ગુમ થઈ છે કે કયાંક ગઈ છે, પણ જેવા મીડિયામાં સમાચાર પહોંચ્યા એટલે અમુક ન્યુઝ ચેનલમાં મૈત્રીના ફોટા દેખાડવાના શરૂ થયા હતા. અને જેવી મીડિયાને ખબર પડી કે મૈત્રી એક નેશનલ સ્વીમર છે, તેમણે સમાચારોને વેગ આપ્યો હતો. થોડીકવારમાં જ મૈત્રીના ગુમ થવાના સમાચાર આખા અમદાવામાં વાયરલ થઈ ગયા હતા.

નિરામયભાઈને ઘરે આવ્યાને લગભગ ત્રણેક કલાક હશે. તેમના ઘરની બહાર લાઈટનો લાલ અને વાદળી પ્રકાશ રેલાયો.