DNA. - 11 books and stories free download online pdf in Gujarati

ડીએનએ (ભાગ ૧૧)

શ્રેયા ઇન્સ્પેકટર મનોજ સાથે જેલની કોટડી તરફ જઈ રહી હતી.


શ્રેયાએ મનોજને પૂછ્યું, “શું નામ છે એનું?”


મનોજે કહ્યું, “તારીક”


મનોજ અને શ્રેયા બંને કોટડીમાં પ્રવેશ્યા. કોટડીમાં પીળો પ્રકાશ પાથરતો બલ્બ સળગી રહ્યો હતો. શ્રેયાની નજર કોટડીમાં બેઠેલા એક પચ્ચીસેક વર્ષના યુવાન પર પડી. યુવાન ગભરાયેલો હતો. યુવાને સાદા કપડાં પહેર્યા હતા. તેણે કાળા કલરનું જીન્સ અને આછી લીલાં રંગની ટીશર્ટ પહેરેલી હતી. કોટડીની ગરમી અને પોલીસે તેને પકડ્યો હતો તેના ડરથી તેના ચેહરા પર પરસેવો વળી રહ્યો હતો. તે વારેવારે પોતાના બાજુને ચેહરા પર ફેરવી પરસેવો લુછી લેતો હતો. શ્રેયા તેને ઘડીકવાર જોઈ રહી.


શ્રેયાએ મનોજને પૂછ્યું, “ટ્રાન્સલેટર કેટલીવારમાં આવી જશે?” થોડીવારમાં એક હવાલદાર એક મહિલાને લઈને પ્રવેશ્યો.


મનોજે આવનાર મહિલા સામે જોઈને કહ્યું, “મેડમ. ટ્રાન્સલેટર આવી ગયા છે.” શ્રેયાએ મહિલા સામે જોયું. મહિલા આશરે ચાલીસેક વર્ષની દેખાતી હતી. મહિલાએ ઘાટા વાદળી રંગની લાલ પાલવ વાળી દક્ષિણી ઢબે સાડી પહેરી હતી. સાડી સાથે મેચિંગ થાય એવો વાદળી રંગનો બ્લાઉઝ પહેર્યો હતો અને કપાળમાં બે ભ્રમરો વચ્ચે નાનકડો સફેદ ચંદનનો ચાંદલો કર્યો હતો. તેને જોતા જ ખબર પડી જાય કે તે દક્ષિણ ભારતના કોઈ રાજ્યની છે.


શ્રેયાએ આવનાર મહિલાને પુછ્યું, “આપનું નામ”


મહિલાએ જવાબ આપ્યો, “સુજાથા નાયર.”


શ્રેયાએ મહિલા વિશે જાણવા બીજો સવાલ કર્યો, “કામ શું કરો છો.”


સુજાથાએ કહ્યું, “બાળકોને મલયાલમ ભનાવું છું.” શ્રેયાએ નોધ્યું કે મહિલા ‘ણ’ ને ‘ન’ બોલે છે.


શ્રેયાએ પૂછ્યું, “કેટલા વર્ષથી ગુજરાતમાં રહો છો?”


સુજાથાએ કહ્યું, “હું અહીં અમદાવામાં જ મોટી થઈ છું.”


શ્રેયાએ ફક્ત ઠીક છે કહ્યું. મનોજને સંબોધીને કહ્યું, “પૂછપરછ ચાલુ કર.”


મનોજે સુજાથાને કહ્યું, “એને પૂછો કે એનું આખું નામ શું છે? તે ક્યાંનો રહેવાસી છે? અને અહીં અમદાવાદમાં કેટલા સમયથી રહે છે?”


સુજાથાએ તારીકને મલયાલમ ભાષામાં મનોજે પુછેલા તમામ સવાલ પૂછ્યા. તારીકે પણ એજ ભાષામાં જવાબ આપ્યા.


સુજાથાએ મનોજને તારીકે આપેલા જવાબ કહેવા માંડ્યા, “એ કહે છે કે એનું નામ તારીક અહેમદ છે. તે કેરાલાના પલક્કડ તાલુકાના મન્નુર ગામનો છે અને અમદાવાદમાં બે વર્ષથી રહે છે.”


મનોજે બીજો સવાલ કર્યો, “અમદાવાદમાં ક્યાં રહે છે?”


સુજાથાએ તારીકને પૂછીને મનોજને કહ્યું, “શાહઆલમ”


મનોજે ત્રીજો સવાલ પૂછ્યો, “કામ શું કરે છે?”


સુજાથાએ તારીકને પૂછ્યું અને તેનો જવાબ આપતા મનોજને કહ્યું, “તે એક કંપનીમાં ટેમ્પો ગાડી ચલાવે છે.”


મનોજે કહ્યું, “એને એ જે કંપનીમાં નોકરી કરે છે એનું નામ પૂછો.”


સુજાથાએ પૂછીને મનોજ સામે જોઇને કહ્યું, “શર્મા સ્ટીલ ફેબ્રીકેશન.”


મનોજે સુજાથાને પૂછ્યું, “ક્યાં છે આ ફેક્ટરી?”


સુજાથાએ પૂછીને કહ્યું, “વટવા”


મનોજે સુજાથાને કહ્યું એને પૂછો કે એ ફોન ઉપર કઈ છોકરીની વાત કરતો હતો.


સુજાથાએ એને પૂછીને એનો જવાબ મનોજને કહેતા કહ્યું, “કઈ છોકરી? તમે શું કહો છો? કોની વાત કરો છો?”


મનોજ દરેક વાત એક કાગળ પર નોંધી રહ્યો હતો. મનોજે પૂછ્યું, “એ જ છોકરી કે જેની તે ફોન ઉપર વાત કરી રહ્યો હતો?”


સુજાથાએ તારીકને પૂછીને મનોજને કહ્યું, “એ કહે છે કે તમારી ભૂલ થાય છે એને કોઈ છોકરી વિષે કોઈ ખબર નથી.”


મનોજે પૂછ્યું, “તો પછી તું ફોન પર કોઈની સાથે વાત કરતો હતો અને રડતાં રડતાં કહેતો હતો કે ખુદા મને માફ કરે... મેં એ છોકરીને નથી મારી. કેમ?”


સુજાથાએ તારીકને પૂછ્યું. તારીકના ચેહરાની રેખાઓ બદલાઈ. તેના કપાળ પર પરસેવો આવી ગયો. તેણે બાંયથી પરસેવો લૂછ્યો. શ્રેયા અને મનોજે તેની આ હરકતો નોંધી. તારીક કંઈક બોલ્યો, પણ શ્રેયા અને મનોજ એ સમજી શક્યા નહીં. બંનેએ સુજાથા સામે જોયું.


સુજાથાએ કહ્યું, “એ કહે છે કે પોલીસ એને ફસાવવા માંગે છે.”


મનોજે તારીક સામે ધારદાર નજરે જોઈને પૂછ્યું, “અમારી પાસે રેકોર્ડીંગ છે.”


સુજાથાએ તારીકને કહ્યું. તારીકની આંખમાં આંસુ આવી ગયા. તે રડવા લાગ્યો અને બબડવા લાગ્યો.


સુજાથાએ મનોજને સંબોધીને કહ્યું, “સર, એ એમ કહે છે કે તેણે એવું કહ્યું જ નથી. એને કોઈ છોકરી વિશે ખબર નથી.”


મનોજની આંખમાં ગુસ્સો તરી આવ્યો અને તે તારીકને મારવા જતો હતો પણ શ્રેયાએ તેને રોક્યો. સુજાથા પણ મનોજથી ગભરાઈ ગઈ. સુજાથાનો ગભરાયેલો ચેહરો શ્રેયાએ જોયો.


સુજાથાએ શ્રેયાની સામે જોયું અને ગભરાતા ગભરાતા પૂછ્યું, “હું જાઉં મેડમ?”


મનોજને શ્રેયાએ પૂછ્યું, “મનોજ તારે કંઈ પૂછવું કે આમને જવા દઉં?”


મનોજે સુજાથાને કહ્યું, “એને પૂછો કે સાચે સાચું કહી દે નહીંતર જો અમે અમારી રીતે પુછીશું તો પછી શરીરના બધા સ્પેરપાર્ટ તૂટી જશે.”


સુજાથા મનોજની વાતથી ડરી ગઈ. તેણે કહ્યું, “મેડમ તમે બીજા કોઈની પાસે ટ્રાન્સલેશન કરાવી લેજો. મારાથી નહીં થાય.”


શ્રેયાએ મનોજની સામે જોયું અને પછી સુજાથાને કહ્યું, “કંઈ વાંધો નહીં તમે જઈ શકો છો. પણ એનું સરનામું લઈ લો.” સુજાથાએ તારીકને એનું સરનામું પૂછ્યું અને તારીક બોલતો ગયો તેમ તે મનોજને લખાવતી ગઈ.


સુજાથા ઉતાવળા પગલા ભરતી ત્યાંથી નીકળી ગઈ. બહાર જઈને તે પાછી આવી અને થોથવાતા અવાજે શ્રેયાને કહ્યું, “મેડમ, એવું પણ બની શકે કે એ સાચું બોલતો હોય. એ અલ્લાર બોલીમાં અમુક શબ્દો બોલે છે જે મને પણ સમજાતા નથી. મેં ટ્રાય કર્યો. પણ તમે કોઈ સારા જાણકાર પાસે રેકોર્ડીંગ ચકાસી જોજો.”


શ્રેયાએ ઠીક છે કહ્યું અને સુજાથા નીકળી ગઈ.


શ્રેયાએ બે ઘડી શાંત રહીને તારીકની સામે જોયું. તે ઊભી થઈ અને જેલની કોટડીમાંથી બહાર નીકળી ગઈ. તારીક હજી ગભરાયેલો હતો. મનોજે તેની તરફ જોયું અને તે પણ બહાર નીકળી ગયો.


શ્રેયાની સાથે ચાલતાં ચાલતાં મનોજે કહ્યું, “મેડમ એના ઘરે તપાસ કરી જોઈએ. કદાચ કંઈ કડી મળી જાય કે બીજું કંઈ જે આપણને કામ લાગે એવું મળી જાય.”


શ્રેયાએ કહ્યું, “ઠીક છે. એને પણ લઈ જાઓ સાથે. અને હા ધ્યાન રાખજે મીડિયામાં તારીક વિશે કોઈ વાત ન ફેલાય. નહીંતર ધર્મના ધંધાદારીઓ વેપાર ચાલુ કરશે.”


મનોજ જી મેડમ કહીને પાછો વળી ગયો અને શ્રેયા પોતાની ઓફીસ ચાલી.


શ્રેયાને કંઇક યાદ આવ્યું હોય તેમ તેણે પાછા ફરીને મનોજને પાછો બોલાવ્યો અને કહ્યું, “રેકોર્ડીંગનું ટ્રાન્સલેશન બીજા કોઈ પાસે ફરી કરાવી જો.”


મનોજ તારીકને લઈને પોતાની ટીમ સાથે તારીકના ઘરે જવા રવાના થયો.


મનોજને લઈને તારીક એક શાહઆલમની ઝુંપડપટ્ટીમાં આવ્યો. વારેવારે બકરીના બેં બેં અવાજ, ક્યાંક ક્યાંક કુકડા અને મરઘીઓના અવાજ, હિન્દી અને ગુજરાતીને મિશ્ર કરી બોલાતી કસ્બાતીમાં વાતો કરતાં લોકોના અવાજો, ક્યાંક ક્યાંક ગંદી ગાળોના અવાજો મનોજના કાને અથડાતા હતા. જ્યાં ત્યાં થયેલી ગંદકીના લીધે સડી ગયેલા પદાર્થોની અપ્રિય વાસ આવતી હતી.


એક ઓરડીની અંદર પ્રવેશી મનોજ અને તેની ટીમ ઘરનો તમામ સમાન ઉથલાવી રહ્યા હતા. અચાનક એક હવાલદારના હાથમાં એક ચાદર આવી. તે ચાદર લઈને મનોજની પાસે આવ્યો. ચાદર પરના ડાઘ જોઈને મનોજની આંખ ચમકી.


તેણે શ્રેયાને ફોન લગાડ્યો, “મેડમ, તારીકના ઘરેથી એક ચાદર મળી છે. તેના પર લોહીના ડાઘ છે.”


શ્રેયાએ મનોજને કહ્યું, “એને ફોરેન્સીકમાં મોકલ અને ડોક્ટરને તાત્કાલિક રીપોર્ટ મોકલવાનું કહે.” મનોજે ફોન મૂકી ચાદરને પુરાવા તરીકે નોંધીને પેક કરી ફોરેન્સિક લેબમાં તપાસ માટે રવાના કરી.


લગભગ કલાક પછી શ્રેયાના ફોનની રીંગ વાગી. તે તેના ટેબલ પર પડેલી ફાઈલમાં અન્ય એક કેસની વિગતો વાંચી રહી હતી.


તેણે ફોન ઉપાડી કહ્યું, “બોલ રેશ્મા.”


રેશ્માએ કહ્યું, “મેડમ, સીસીટીવી કેમેરામાં એક સફેદ ટેમ્પો ગાડી મૈત્રી ગુમ થઈ એ સમય દરમિયાન ત્યાંથી નીકળતી દેખાય છે.”