DNA. - 19 in Gujarati Thriller by Maheshkumar books and stories PDF | ડીએનએ (ભાગ ૧૯)

ડીએનએ (ભાગ ૧૯)

મનોજે શ્રેયાને જે જાણકારી આપી તેનો શ્રેયાએ એવો અર્થ કર્યો કે જો કાનાભાઈનો ડીએનએ મૈત્રીના હત્યારા સાથે જશવંતના બાકીના સગાસંબંધીઓ કરતાં વધુ મેચ થાય છે એટલે કે કાનાભાઈના છોકરાઓમાંથી જ કોઈ મૈત્રીનો હત્યારો છે. કાનાભાઈ હયાત નથી એનો અર્થ કે તેમના સંતાનોમાંથી જ કોઈ હત્યારો હોઈ શકે.

મનોજ અને પ્રતાપને કાનાભાઈના છોકરાઓ વિશે માહિતી એકઠી કરવાનો શ્રેયાએ આદેશ આપ્યો એટલે બંને જણા તેની કામગીરીમાં લાગી ગયા. કાનાભાઈનો ડીએનએ તેમને મળ્યો ન હતો એટલે તેમણે તેમના સંતાનોમાંથી પણ કોઈના ડીએનએ સેમ્પલ લીધા ન હતા.

મનોજ અને પ્રતાપે ફરીથી મંજુલાબેનને મળીને તેમના સંતાનો વિષે માહિતી એકઠી કરી તો જાણવા મળ્યું કે કાનાભાઈ અને મંજુલાબેનના ત્રણ સંતાનો છે, એક દીકરી અને બે દીકરા. દીકરીના લગ્ન કડીમાં થયા હતા અને એક દીકરો તો અમદાવાદના ગોતામાં જ રહેતો હતો, પણ બીજો દીકરો વડોદરા પરિવાર સાથે સ્થાયી થયો હતો.

મનોજ પોતે કડી જઈ આવ્યો અને મંજુલાબેનની દીકરી આશાને મળ્યો. મનોજનો કડીનો ફેરો તેની ભૂલને કારણે વ્યર્થ થયો. મનોજ મંજુલાબેનને તેમના સંતાનો વિષેની વિગતો પૂછવાનું ભૂલી ગયો હતો. તેણે મંજુલાબેનને ફક્ત તેમના સંતાનો વિષે જ પૂછ્યું પણ તેમના સંતાનોના સંતાનો વિષે કોઇપણ માહિતી લીધી ન હતી. મનોજને કડી જઈને આશાના સંતાનો વિષે ખબર પડી ત્યારે તેને તેની ભૂલ સમજાઈ. આશાને બે દીકરા હતા, પણ તેમાં એકની ઉંમર આઠ વર્ષ અને બીજાની ઉંમર દસ વર્ષ હતી, જે ખૂન કરવા માટે અસમર્થ હતા.

કડીની ભૂલ વિષે મનોજે પ્રતાપને માહિતી આપી હતી એટલે પ્રતાપે પહેલેથી જ મંજુલાબેનને મળીને વડોદરા રહેતા દીકરાની પુરેપુરી માહિતી લઈને પછી જ વડોદરા જવાનું નક્કી કર્યું.

મનોજે અમદાવાદ રહેતા અને પ્રતાપે વડોદરા રહેતા કાનાભાઈ અને મંજુલાબેનના સંતાનોના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી ફોરેન્સિક વિભાગમાં જમા કરાવી દીધા અને રીપોર્ટની રાહ જોવા લાગ્યા.

જે દિવસે મનોજે અને પ્રતાપે પોતાનું ડીએનએ સેમ્પલ લેવાનું કામ પુરૂ કર્યું એના બીજા દિવસે રેશ્મા પર વી. એસ. હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે અહીં એક લેટર મળ્યો છે. રેશ્મા હોસ્પિટલ પહોંચી અને તેને કોલ કરનાર નર્સને મળી. નર્સે રેશ્માને તે લેટર આપ્યો જેના વિષે તેણે ફોન પર જણાવ્યું હતું. લેટરમાં મોટા અક્ષરે ફક્ત એટલું જ લખ્યું હતું કે મૈત્રીનો હત્યારો હમણાં અહિયાં જ હતો. રેશ્માએ આટલું વાંચીને તરત શ્રેયાને ફોન કરીને જાણ કરી.

શ્રેયા અને તેની ટીમના સદસ્યોની મુશ્કેલીઓ તેમનો પીછો જ છોડવા ન માંગતી હોય તેમ ફોરેન્સિક વિભાગે મોકલેલા રીપોર્ટ પરથી લાગતું હતું. શ્રેયાની પરેશાની એકવાર ફરીથી વધી ગઈ હતી જયારે ડોકટરે જણાવ્યું કે કાનાભાઈના એકપણ પુત્ર કે પ્રપૌત્રમાંથી કોઈનો પણ ડીએનએ કાનાભાઈ જેટલો મેચ થતો નથી. બીજી બાબત એ કે મૈત્રીના હત્યારાના ડીએનએ સાથે મંજુલાબેનનો ડીએનએ મેચ થતો નથી. મૈત્રીના હત્યારાના ડીએનએ સાથે ફક્ત કાનાભાઈનો જ ડીએનએ મેચ થાય છે. એનો સીધો અર્થ એ થતો હતો કે મૈત્રીના હત્યારાના પિતા કાનાભાઈ છે પણ માતા મંજુલાબેન નથી.

શ્રેયાની ટીમની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે એવી હતી. માંડ એક આશાનું કિરણ ચમકે અને ફરી તેની પર નિરાશાનો અંધકાર છવાઈ જાય. આખા શહેરના લોકોના ડીએનએ એકઠા કરવામાં ખાસ્સો સમય અને ખર્ચ થઈ ગયો હતો, પણ કંઈપણ સકારાત્મક પરિણામ મળવાની જગ્યાએ નિષ્ફળતા જ હાથ લાગતી હતી.

જશવંતનો ડીએનએ મેચ થયો ત્યારે એવું લાગ્યું કે કેસ ઉકેલાઈ ગયો. પણ એના પછી જશવંતના તમામ ફેમીલીના સદસ્યોના ડીએનએ સેમ્પલ લીધા પછી પણ ફરી શ્રેયા અને તેની ટીમના હાથ ખાલીને ખાલી જ રહ્યા.

હવે આગળ શું કરવું તેની યોજના શ્રેયાના મગજમાં રમવા માંડી હતી. રેશ્મા, પ્રતાપ અને મનોજ ત્રણેય શ્રેયાની ઓફિસમાં શ્રેયાની સામે બેઠા હતા. ઓફિસમાં એકદમ સન્નાટો છવાયેલો હતો.

રૂમની શાંતિ ભંગ કરતાં મનોજ બોલ્યો, “મેડમ હવે આગળનો પ્લાન?”

શ્રેયા ઊંડા વિચારોમાં ગરકાવ હતી. તેણે મનોજનો અવાજ સાંભળ્યો ન હતો. મનોજે ફરીથી પૂછ્યું, “મેડમ હવે આગળ શું કરવાની ગણતરી છે?”

શ્રેયા ઝબકીને જાગી પણ તેનો અંદાજો ત્રણેયને ન આવે એ રીતે તેણે પોતાની જાતને સંભાળી લીધી. શ્રેયાએ કહ્યું, “હત્યારાનો ડીએનએ કાનાભાઈના ડીએનએ સાથે સૌથી વધુ મેચ થાય છે એટલે એ તો ચોક્કસ છે કે મૈત્રીનો હત્યારો કાનાભાઈનું જ સંતાન છે. પણ મંજુલાબેન સાથે મૈત્રીના હત્યારાનો ડીએનએ મેચ નથી થતો એનો સીધો મતલબ છે કે કાનાભાઈને બીજી પત્ની હોવી જોઈએ કે પછી...”

પ્રતાપે ઉમેર્યું, “મેડમ આ વિષે મંજુલાબેને કંઈ માહિતી આપી નથી. મતલબ કે એમને એના વિષે ખબર નથી એ પાક્કું.”

રેશ્માએ કહ્યું, “પુરુષ ક્યાં ક્યાં લશ્કર લડાવતો હોય છે એ તો એને જ ખબર હોય છે. દરેક પત્નીને તો બિચારીને એમ જ હોય છે કે મારો પતિ સીધો સાદો છે.”

મનોજ અને પ્રતાપ બંનેએ રેશ્મા સામે જોયું. રેશ્માએ સુધારતા કહ્યું. “એટલે મારો કહેવાનો અર્થ એ નથી કે બધા પતિ એવા હોય છે પણ મોટેભાગે...”

મનોજે ખીજમાં કહ્યું, “મોટેભાગે શું?”

પ્રતાપે પણ ઝુકાવ્યું, “તો બધી સ્ત્રીઓ સહુકાર હોય છે એમ..”

શ્રેયાએ તેમને ટોકતા કહ્યું, “બસ કરો. અહીં આપણે ફિલોસોફી ચર્ચવા ભેગા નથી થયા.” ત્રણેયે વારાફરથી શ્રેયાની માફી માંગી. એમને પણ લાગ્યું કે વાત ખોટા રસ્તે જઈ રહી છે.

ચર્ચા ચાલતી જ હતી ત્યાંજ મનોજનો ફોન રણક્યો. મનોજે ફોન ઉપાડી હલ્લો કહ્યું તો સામેથી એક પુરુષનો અવાજ આવ્યો, “સર હું ઇન્સ્પેક્ટર મોહિત જાદવ બોલું છું, બાવળા પોલીસ સ્ટેશનથી.”

મનોજે પ્રત્યુત્તર આપતા કહ્યું, “હા બોલો.”

સામેથી મોહિત જાદવે ફોન કરવાનું કારણ જણાવતા કહ્યું, “સર અમને એક લેટર મળ્યો છે”

મનોજ સજાગ થયો અને તેણે ત્યાં હાજર ત્રણેયની સામે વારાફરથી જોયું અને બોલ્યો, “શું લખ્યું છે એમાં?”

જાદવે જવાબ આપતા કહ્યું, “સર મૈત્રી જોશી વિશે લખ્યું છે.”

મનોજે કંટાળા સાથે કહ્યું, “અરે પણ શું લખ્યું છે એ તો કહો?”

જાદવે કહ્યું, “સર, લખ્યું છે કે હું મૈત્રી જોશીના ખૂની વિષે જાણું છું. મારી પાસે પુરાવા છે. પણ હું મારી ઓળખ ગુમનામ રાખવા માગું છું.”

મનોજે પૂછ્યું, “બસ આટલું જ લખ્યું છે.”

જાદવે કહ્યું, “હા સર.”

મનોજે વધુ માહિતી મેળવવાના ઈરાદે પૂછ્યું, “કોણ આપી ગયું એ લેટર?”

જાદવે કહ્યું, “સર એક નાનકડો છોકરો આપી ગયો હતો.”

મનોજે કહ્યું, “ક્યાં છે એ છોકરો?”

જાદવે કહ્યું, “ખબર નથી સર.”

મનોજે ગુસ્સેથી કહ્યું, “ખબર નથી. એનો શું મતલબ છે. નશો કરીને પોલીસ સ્ટેશન આવો છો કે શું?” મનોજને આમ ગુસ્સે થતો જોઈ ત્યાં બેઠેલા ત્રણેય જણા અચરજ પામ્યા અને એ જાણવા ઉત્સુક બન્યા કે શું બન્યું છે કે જેનાથી મનોજ ગુસ્સે થયો હતો.

જાદવે ગભરાતા ગભરાતા કહ્યું, “સર એ છોકરો લેટર અમારા એક હવાલદારને આપી ગયો હતો.”

મનોજે વાત ટૂંકાવતા કહ્યું, “લેટર મને વ્હોટ્સ અપ કર.”

મનોજે ફોન કટ કર્યો એટલે શ્રેયાએ પૂછ્યું, “શું વાત છે?”

મનોજે આખી હકીકત જણાવી. શ્રેયાને વી.એસ. હોસ્પીટલમાંથી રેશ્માએ મેળવેલો અને જાદવને મળેલો લેટર કોઈ ચાલનો હિસ્સો લાગ્યા.

શ્રેયાએ પોતાની ટીમને સમજાવતા કહ્યું, “મને એમ લાગે છે કે કોઈ આપની તપાસ ને આડેપાટે ચડાવવા માંગે છે અને આ લેટરો તેનો જ હિસ્સો લાગે છે. હત્યારો સજાગ થઈ ગયો હોય એમ લાગે છે અથવા કોઈ આપની સાથે મજાક કરી રહ્યું છે. આપણે જે દિશામાં જઈએ છીએ એ જ તરફ જઈશું. ફોરેન્સિક વિભાગે ખાતરી આપી છે કે મૈત્રીના હત્યારાનો બાપ કાનાભાઈ છે. તો હવે આપણે આપની તપાસની દિશા બદલવી પડશે. આપણે હવે મૈત્રીના હત્યારાના બાપને બદલે તેની માંને શોધવી પડશે.”


Rate & Review

Hetal Togadiya

Hetal Togadiya 1 year ago

Sukesha Gamit

Sukesha Gamit 1 year ago

Umesh Shah

Umesh Shah 1 year ago

nice story

Bhakti

Bhakti 1 year ago

Mital

Mital 1 year ago