DNA. - 21 books and stories free download online pdf in Gujarati

ડીએનએ (ભાગ ૨૧)

મનોજે રમેશ પાસેથી જે માહિતી મેળવી તે તેણે શ્રેયાને ફોન કરીને જણાવી દીધી. શ્રેયાને એ વાતનો આનંદ થયો કે તેની મહેનત સફળ થઈ રહી છે અને તેની તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી.


મીડિયાને ખબર નહીં ક્યાંથી જાણ થઈ કે ક્રાઈમ બ્રાંચની ટીમ મૈત્રી જોશીના હત્યારાનું પગેરું શોધતી શોધતી સુરત પહોંચી છે. મીડિયામાં ખબર વહેતી થઈ. તાજા ખબર નામની ટીવી ન્યુઝ ચેનલે પ્રસારિત કર્યું, મૈત્રી જોશીના હત્યારાની શોધનું પગેરું શોધતાં શોધાત પોલીસ હત્યારાની માની શોધમાં સુરત પહોંચી છે.


શ્રેયાને જયારે તાજા ખબર ન્યુઝ ચેનલની આ હરકત વિશે જાણ થઈ ત્યારે તેનો ગુસ્સો તેની પર ફાટી પડ્યો. શ્રેયાએ ન્યુઝ ચેનલની ઓફિસમાં જઈને તમામ લોકો કે જે આ ખબર ફેલાવવા માટે જવાબદાર હતા તેમનો અને ન્યુઝ ચેનલના માલિકનો ઉધડો લઈ લીધો.


પ્રતાપને પાંચ દિવસ પછી રમેશે સામેથી ફોન કર્યો કે તેના માતાપિતા ચારધામની યાત્રાથી પાછા આવી ગયા છે અને આવતીકાલે બાર વાગ્યા પછી મારા પપ્પા ઘરે જ હશે તો તમે આવીને જે પણ જાણકારી લેવી હોય એ પૂછી લેજો.


પ્રતાપ અને મનોજ બીજે દિવસે બાર વાગ્યે રમેશના ઘરે પહોંચ્યા. ઘરની અંદર જે ઓરડામાં બંને બેઠા હતા તેમાં તેમની સામે શોકેસમાં ટીવી મુકેલું હતું જે અત્યારે બંધ હતું. દીવાલમાં પડતા ખૂણાને સમાંતરે બંને બાજુ લાકડાના પલંગ ગોઠવેલા હતા. એક પલંગ પર પ્રતાપ અને મનોજ ને બીજા પલંગ પર ગોવિંદભાઈ બેઠા હતા.


ગોવિંદભાઈના ચેહરા પરની કરચલીઓ જોઈ એ અંદાજ આવી જતો હતો કે તેમની ઉંમર આશરે સિત્તેરની આસપાસ હશે. મનોજે સમય બગડ્યા વિના ગોવિંદભાઈના ઘરે બનાવેલી ચા પીને તુરંત કાનાભાઈ વિષે જાણકારી મેળવતા પહેલાં મૈત્રી જોશીના હત્યારાની તપાસ અહીં સુધી કેવી રીતે લઈ આવી તેની સંપૂર્ણ જાણકારી આપી.


ગોવિંદભાઈ પોતે આખી ઘટના સાંભળીને અચંબિત થઈ ગયા અને પોલીસ પ્રત્યે તેમને માન પણ થઈ આવ્યું. અત્યાર સુધી તે પોલીસને હપ્તા ખાઉં જ સમજતા હતા, પણ આ કેસમાં તેમણે જે કામગીરી અત્યાર સુધી કરી હતી એ ખરેખર સરાહનીય હતી. ગોવિંદભાઈએ કાનાભાઈ વિશે તેમની પાસે જે પણ જાણકારી છે તે આપવાનું વચન આપ્યું.


મનોજે તેમને પૂછ્યું કે તેઓ કાનાભાઈને કેવી રીતે ઓળખે છે અને તેમના વચ્ચેના સંબંધો કેવા હતા, જેના જવાબમાં ગોવિંદભાઈએ કહ્યું કે કાનાભાઈ લગભગ ચાર વર્ષ અહીં રહ્યા હતા અને અહીં રહ્યા એ પહેલાં કોઈ બીજી જગ્યાએ એકાદ વર્ષ સુરતમાં જ રહ્યા હતા. કાનાભાઈને ભજનનો જબરો શોખ અને મને પણ એટલે ભજનમાં અમે સાથે જ જતા.


મનોજે પૂછ્યું, “કાનાભાઈ કેવા માણસ હતા?”


ગોવિંદભાઈએ કહ્યું, “કાનાભાઈ બહુ ભલો માણસ હતો. અહીં એક કંપનીની બસ ચલાવતો હતો. રોજ અહીંથી પેસેન્જર લઈને કંપનીમાં જાય અને કંપનીમાંથી ઘરે લઈ આવે. અમારી ચાલીના અને આજુબાજુની ચાલીઓના લોકો સચિનની એક દવાની કંપનીમાં કામ કરવા જતા. એજ એના પેસેન્જર હતા.”


મનોજે પૂછ્યું, “તમે કોઈ દિવસ એમની પત્નીને મળ્યા છો?”


ગોવિંદભાઈએ કહ્યું, “મંજુલાભાભીને. હા બે ત્રણ વાર અમદાવાદ ગયેલો ત્યારે મળેલો. પણ એને તો ઘણા વર્ષ થઈ ગયા. એમનો એક નાનો ભાઈ ઝેણાભાઇ અહીં રહેવા આવતો. ઝેણાભાઈ વર્ષમાં એકાદ બે વાર દસ પંદર દિવસ માટે રહેવા આવતો.”


પ્રતાપે ગોવિંદભાઈને પૂછ્યું, “કાનાભાઈને અહિયાં કોઈ અન્ય સ્ત્રી સાથે કોઈ સંબંધ હોય અને તમને એની જાણ હોય એવું કંઈ?”


ગોવિંદભાઈએ કહ્યું, “સાહેબ મને ખબર છે ત્યાં સુધી તો સીધો માણસ હતો, પણ ક્યાંક કુંડાળામાં પગ પડ્યો હોય તો તેની મને ખબર નથી. એમણે મને કોઈ દિવસ કંઈ વાત કરી નથી.”


મનોજે પૂછ્યું, “તમારા સિવાય એમના કોઈ ભાઈબંધ હતા ખરા?”


ગોવિંદભાઈએ જવાબ આપતા કહ્યું, “એ માણસ એવો હતો કે એની સાથે ભાઈબંધી કરવી ગમે. એને ઘણા લોકો સાથે ઉઠક બેઠક હતી.”


પ્રતાપે પૂછ્યું, “અહિયાં એમના જેવા બીજા પણ લોકો હશેને કે જે બસ ચાલવતા હશે.”


ગોવિંદભાઈએ કહ્યું, “ઘણા હતા?”


પ્રતાપે તરત પૂછ્યું, “એમાંથી કોઈ અહીં રહે છે?”


ગોવિંદભાઈએ કહ્યું, “હા ઘણા હજી અહિયાં જ રહે છે અને અમુક મરી પણ ગયા છે, તો ઘણા પોતાને વતન જતા રહ્યા છે.” બંને જણાએ ગોવિંદભાઈ પાસેથી ત્યાં જ સુરતમાં રહેતા અને કાનાભાઈને ઓળખાતા જે જે લોકોના નામ અને સરનામાં ગોવિંદભાઈને યાદ હતા તે લઈને તેમનો આભાર માની તેમની વિદાય લીધી.


મનોજ અને પ્રતાપ પાસે ગોવિંદભાઈએ આપેલા બાર નામ હતા. બંને જણાએ છ છ લોકોના નામ વહેંચી લઈને તપાસ શરૂ કરી જેથી સમય બચાવી શકાય. તપાસ દરમિયાન મનોજને એક વ્યક્તિ કે જે કાનાભાઈ સાથે પરિચય ધરાવતો હતો તેણે જે માહિતી આપી એ ખરેખર આ કેસ માટે ખુબ જ ઉપયોગી સાબિત થવાની હતી. પણ તેને ખબર ન હતી કે તે જેને ઉપયોગી માની રહ્યો હતો તે કેસને વધુ પેચીદો બનાવી મુકશે.


કાનાભાઈના એ મિત્ર જેઠાભાઈ પાસેથી મનોજને જાણવા મળ્યું કે કાનાભાઈ સચીનમાં આવેલી એમજી ફાર્માસ્યુટીકલ કંપનીની બસ ચલાવતો હતો અને તે સુરતથી પેસેન્જર લઈ જતો અને લઈ આવતો. તેની બસમાં મોટેભાગે મહિલાઓ જ મુસાફરી કરતી હતી. તેની બસમાં જ રોજ અપડાઉન કરતી સરલા નામની મહિલા સાથે તેને અફેર હતું. બીજી પણ બે ત્રણ સ્ત્રીઓ તેને ગમતી હતી પણ તેમની સાથે એટલો બધો મનમેળ ન હતો જેટલો સરલા સાથે હતો.


પ્રતાપને પણ કાનાભાઈ સાથે જ બસ ચલાવતો હતો તેની પાસેથી આવી જ માહિતી મળી હતી, પણ તેમાં મહિલાનું નામ સાવિત્રી હતું. મનોજ અને પ્રતાપ માટે એ નક્કી કરવું મુશ્કેલ બન્યું હતું કે એ મહિલાનું નામ સરલા હતું કે સાવિત્રી.


શ્રેયાને તેઓ આ વાતની જાણકારી આપે છે ત્યારે તેના માટે પણ આ પરિસ્થિતિ પેચીદી સાબિત થઈ હતી. પણ શ્રેયા તેમને સુચના આપે છે અને તપાસ આગળ વધારવાની દિશા આપે છે. તે તેમને ત્યાંની લોકલ પોલીસની મદદ લઈને સુરતમાં રહેતી તમામ સરલા અને સાવિત્રી નામની મહિલાઓનું લીસ્ટ બનાવવાનું કહે છે. સાથે સાથે ત્યાં એકલી રહેતી અને અનાથાશ્રમમાં રહેતી મહિલાઓની માહિતી એકઠી કરવાનું કહે છે.