Ayana - 34 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 34)

' એની સાથે ખુશ રહે છે તો ભલે ને રહેતી...'
' યાર પણ મને કેમ નથી પસંદ પડતું એ...એની ખુશી જોઇને મને કેમ ખુશી નથી થતી...'
વિશ્વમ એકલો એકલો બબડી રહ્યો હતો ...

"જળકુકડો...." બોલીને ક્રિશય મોટે મોટેથી હસવા લાગ્યો ...

ટેબલ ઉપર ઊંધો ફરીને ક્રિશય લેપટોપ માં જોઈ રહ્યો હતો ... વિશ્વમ એની સામે બેસીને મોટા મોટા ડોળા ફાડીને ટેબલ ઉપર પડેલ બે ફાઇલોને જોઈ રહ્યો હતો...જાણે એક દેવ્યાની અને એક રૂદ્ર હોય ...

ક્રિશય ને હસતા જોઇને દેવ્યાની અને રૂદ્ર વાળી ફાઈલો માંથી વિશ્વમ નું ધ્યાન હલી ગયું...
વિશ્વમ પોતાની સામે જોવે છે એનાથી બેખબર ક્રિશયનું ધ્યાન લેપટોપ માં જડેલું હતું...

"તો અયાના પણ જળકૂકડી કહેવાય ને..." ક્રિશય ની પાછળ આવતા દરવાજા ના કાચમાંથી અયાના ને આવતા જોઇને વિશ્વમે તક ઝડપી લીધી...

"કેમ એ...." અયાના નું નામ આવતા જ ક્રિશયે લેપટોપ માંથી નજર હટાવી ને ઉપર કરી ...

"તમે બંને ડેટ ઉપર જઈ રહ્યા છો તો..ઓ..ઓ..." અયાના ને જોઇને વિશ્વમે એનું વાક્ય વધારે લંબાવ્યું...

"એવું કંઈ નથી... એણે જ કહ્યું ને તને...એને કંઈ ફરક નથી પડતો ..." ક્રિશય બોલ્યો તો ખરા પરંતુ એ જાણતો હતો કે એ કે બોલે છે એમાં કંઇક તો ખોટું છે...

"અચ્છા હા...તું અમારી પાછળ જ ઊભો હતો કેમ...મે જ્યારે એને પૂછ્યું ત્યારે તું શું વિચારીને ત્યાં ઊભો હતો ..." વિશ્વમ જાણે આજે ક્રિશય પાસે બોલાવીને અયાનાને સંભળાવી દેવા માંગતો હોય એ રીતે પૂછી રહ્યો હતો...

વિશ્વમ ના સવાલ નો જવાબ પણ જાણે અયાના ને જાણવો હોય એ રીતે શ્વાસ નો પણ અવાજ ન આવે એમ ચૂપચાપ દરવાજા પાસે ઉભી રહી ...

"એનો જવાબ ના હતો...એટલે હવે તારે વાતને વધારે આગળ લઈ જવાની જરૂર નથી ..." ક્રિશય બોલ્યો અને ટેબલ ઉપર થી નીચે ઉતરી ગયો....

રૂમમાં હાજર ત્રણેય જાણતા હતા કે આ જવાબ માં કંઇક તો એવું અધૂરું હતું ...પરંતુ કોઈ એકબીજા ને કહી શકે એમ નહતા...

રૂમમાં શાંતિ છવાતાં અયાના એ બારણાને ટકોરા માર્યા અને અંદર આવી...

ક્રિશયે પાછળ નજર કરી...બંનેની આંખો એકબીજાને જોતી રહી ગઈ....
હોઠ ગોળ કરીને સિટી વગાડતો વિશ્વમ બહાર જઈ રહ્યો હતો જાણે બંનેને એકલા છોડી દેવા માંગતો હોય ...

"ક્યાં...." વિશ્વમ ના શર્ટ નો કોલર પકડીને ક્રિશયે ખેંચીને કહ્યું...

"અ... અયાના તું કેમ અહીંયા...કંઇક જરૂરી વાત કહેવા આવી છે...?" આ સાંભળીને ક્રિશયે વિશ્વમ સામે ડોળા ફાડ્યા...

અયાના પોતે પણ જાણતી નહતી ...એ તો વિશ્વમ નું દુઃખ ઓછું કરવા આવી હતી પરંતુ અહીંયા તો કંઇક અલગ જ રામાયણ ચાલતી હતી ...

"બોલ...શું કામ છે...." ક્રિશયે પૂછ્યું...

ક્રિશય અયાના ની આંખોમાં જે રીતે જોઈ રહ્યો હતો એ અયાના થી સહન ન થયું ...
પોતાની નજર ફેરવીને મનમાં શબ્દો ગોઠવવાનું ચાલુ કર્યું...એ અહીંયા ક્રિશય ને મળશે એવું એણે ધાર્યું નહતું...

સમીરા સાથે આજે તારી પહેલી ડેટ છે....આ ખબર હોવા છતાં એકવાર ક્રિશય ના મોઢેથી સાંભળી લેવાની ઈચ્છા અયાના ને થઈ આવી...

"મારે વિશ્વમ નું કામ હતું..."

"ઓકે ફાઈન...." સાંભળીને ક્રિશય ને ગમ્યું નહિ એટલે એ બોલીને ત્યાંથી બહાર જવા લાગ્યો....

"ક્રિશય....તારી ડેટ નો ટાઇમ શું છે..." અયાના ની હાજરી માં આ વાત કરવી વિશ્વમ ને અનિવાર્ય લાગ્યું...

આ સાંભળીને અયાના અને ક્રિશય બંનેની નજર એકમેકને મળી ...

બોલ્યો હું અને આ બંને કેમ એકબીજાને જુએ છે ...એવું વિચારી ને વિશ્વમને મનમાં હસુ આવી ગયું....

"હા , આજે મારી પહેલી ડેટ છે...સમીરા સાથે..." સમીરા નામ બોલવા ઉપર ક્રિશયે થોડો ભાર મૂક્યો...

"ઓહ...રિયલી...આઇ એમ સો હેપી ફોર યુ...એટલે જ સમીરા વહેલા ઘરે જતી રહી છે એમ ને ..." બતાવી શકાય એટલી ફેક ખુશી બતાવી ને અયાના બોલી...

"કંઈ જગ્યાએ છે એ તો પૂછ...." વચ્ચે વિશ્વમે કહ્યુ ...

"ડાયમંડ હોટેલ...." ક્રિશયે તુરંત જવાબ આપી દીધો...

કદાચ એ બંનેને ડિસ્ટર્બ ન થાય એટલે જ ભગવાને અયાના માટે એક પણ ટેબલ ખાલી રાખ્યું નહતું...એ બંનેની કહાની માં ભગવાન પણ એનો સાથ આપે છે ....એવું વિચારીને અયાના સાવ ચૂપ થઈ ગઈ ...
ઊભા ઊભા ક્રિશય અયાના ના ચહેરા ઉપર ફરતા હાવભાવ ને જોઈ રહ્યો હતો...

અયાના ની પરિસ્થિતિ વિશ્વમ પૂરેપૂરી રીતે સમજી રહ્યો હતો...સ્માઇલ કરીને એ ત્યાંથી બહાર નીકળી ગયો...

ક્રિશય હજુ પણ ફાઇલોને તાકી રહેલ અયાના ને જોઈ રહ્યો હતો....
અયાના તરફ જ નજર રાખીને ક્રિશયે એના પગ એની તરફ ઉપાડ્યા...

અયાના ની છઠ્ઠી ઈન્દ્રિય એને કહી રહી હતી કે ક્રિશય એની નજીક આવી રહ્યો છે અને કંઇક તો અજુગતુ થવાનું હતું ...એનું મગજ બમણી ઝડપે ચાલવા લાગ્યું....એના હ્રદય ના ધબકારા વધી ગયા હતા... ક્રિશય તો જાણે મંત્રમુગ્ધ બની ગયો હોય એ રીતે એની તરફ આવી રહ્યો હતો....

બંને વચ્ચે બે ફૂટનું અંતર રહી ગયું હતું ત્યાં ક્રિશય અટકી ગયો... અયાના ની નજર હજુ પણ એ ફાઈલો ઉપર હતી...
છ ફૂટના ક્રિશય સામે પાંચ ફૂટની અયાના સાવ નીચી લાગી રહી હતી...
ત્યાંથી દૂર જઈને ક્રિશય ટેબલ પાસે આવ્યો અને ફાઇલોને ધક્કો મારીને એક બાજુ કરવા લાગ્યો...
ક્રિશયને પોતાના થી દુર જતા જોઇને અયાના ને હાશકારો છૂટી ગયો ... એણે રાહતનો શ્વાસ લીધો...એ રાહત નો શ્વાસ હજુ પૂરો થાય એ પહેલા મોટા પગલે ચાલીને ક્રિશય એની નજીક આવ્યો અને બંને હાથેથી કોઈ નાના છોકરા ને ઉઠાવતો હોય એમ અયાના ને ઉઠાવીને ટેબલ ઉપર બેસાડી ...

"આહ...શું કરે છે...." ધડામ દઈને બેસાડતા અયાનાના મોઢામાંથી શબ્દો નીકળી ગયા...

"શશ્......." મરુન રંગેલા અયાનાના હોઠ ઉપર આંગળી મૂકીને ક્રિશય બોલ્યો ...એ જુકીને ટેબલ પાસે ઊભો હતો અને બંને વચ્ચે ખાલી પવન ની અવરજવર થઈ શકે એટલી જ જગ્યા વધી હતી...

અયાનાના વધી ગયેલા શ્વાસ વધારે વધી ગયા... ક્રિશય એટલો નજીક હતો જેથી એના શ્વાસ થી અયાનાના ગાલ ઉપરની લટ હવામાં ફરફરી રહી હતી...એ લટ ને વચ્ચેથી દૂર કરવા માટે ક્રિશયે આંગળીના ટેરવે એ લટને કાન પાછળ કરી...
અયાનાની આંખો બંધ થઈ ગઈ હતી...
બંને હાથથી ટેબલ ઉપર ટેકો રાખીને જુકેલો ક્રિશય અયાનાની બંધ આંખો તરફ અને , એના મરુન રંગેલા હોઠ તરફ અને એના ચહેરા ને ખૂબ જીણવટ થી જોઈ રહ્યો હતો ...

"જો તો....." પોતાની ઉપર પીળો ભભકો કલરનો ડ્રેસ રાખીને દેવ્યાની સમીરા ને પૂછી રહી હતી...
છેલ્લી અડધી કલાક થી દેવ્યાની એ પસંદ કરેલા ઢગલો એક કપડા વારાફરતી પહેરીને સમીરા ને બતાવી રહી હતી...

"બસ હવે આ ફાઈનલ કર....હજુ મારા માટે પણ જોવાના બાકી છે..." કંટાળીને સમીરા બોલી...

"યાર...હું પહેલી વાર રૂદ્ર જોડે બહાર જાઉં છું પ્લીઝ સરખું જોને ....હું બીજી ટ્રાય કરીને આવું...."

ટ્રાયલ રૂમની બહાર ઊભેલી મોલમાં કામ કરતી કર્મચારી પણ દેવ્યાની થી હવે કંટાળી ગઈ હતી...પરાણે મોઢા ઉપર સ્માઇલ કરીને એ સમીરા અને દેવ્યાની ને જોઈ રહી હતી...

ગુલાબી રંગનું ગોઠણ સુધીના વનપીસ ટાઈપનું પહેરીને દેવ્યાની ધીમા પગલે બહાર આવી...એ કોઈ ગુલાબના ફૂલની પાંદડી લાગી રહી હતી...લાઈટ ગુલાબી રંગના કારણે એનો મેકઅપ વગરનો ચહેરો થોડો કાળાશ પડતો લાગતો હતો એના ચહેરા ઉપરથી દેખાઈ આવતું હતું સતત ડ્રેસ બદલવાથી હવે એ પણ કંટાળી ગઈ હતી...એને આ ડ્રેસ ફાઈનલ કરવો હતો...એના ખુલ્લા વાળ વિખરાઈ ગયા હતા...

"મેમ, તમારી ઉપર આ ડ્રેસ ખૂબ સારો લાગી રહ્યો છે...."
" હા , જાણે આ ડ્રેસ તમારી માટે જ બનાવ્યો હોય એવું લાગે છે...." રૂમ ટ્રાયલ ની બહાર ઊભેલ મોલમાં કામ કરતી બે છોકરીઓએ વારાફરતી કૉમેન્ટ કરી...

"સમીરા ...." બંને ભવા ઊંચા કરીને દેવ્યાની એ સમીરા ને પૂછ્યું...

પહેલી આંગળી અને અંગુઠા નું રાઉન્ડ કરીને ત્રણ આંગળી સીધી રાખીને સમીરા એ દેવ્યાની ને બતાવ્યું....
દેવ્યાની દોડીને આવી અને સમીરા ને ભેટી પડી...

બંને શોપીંગ કરીને ત્યાંથી નીકળ્યા...સમીરા એ એના માટે ઘણા ડ્રેસ જોયા પરંતુ એને એક પણ પસંદ ન પડ્યો...
દેવ્યાની એ ડ્રેસ ને મેચ થતાં સેન્ડલ થી લઈને મેચ થતી લિપસ્ટિક પણ ખરીદી લીધી હતી...

મોલથી નીકળીને બંને સમીરા ના ઘર તરફ નીકળી પડ્યાં...વચ્ચે આવતી દુકાનોમાં નજર ફેરવતી સમીરા ને એક નાની દેખાતી દુકાન ની બહાર પહેરાવેલ લાલ રંગનો ડ્રેસ જોઇને ગાડીને બ્રેક લગાવી....
દેવ્યાની રૂદ્ર ના ખ્યાલો માંથી એક ઝટકામાં બહાર આવી ગઈ...

(ક્રમશઃ)