Varasdaar - 40 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 40

વારસદાર પ્રકરણ 40

મંથનને મળીને કેતાનું દિલ ભરાઈ આવ્યું હતું. એ ખૂબ જ લાગણીશીલ છોકરી હતી અને મનોમન મંથનને ખૂબ જ પ્રેમ કરતી હતી. મંથને આજે જે રીતે એની સામે ખુલાસો કર્યો એ સાંભળ્યા પછી એને લાગ્યું કે મંથનનો કોઈ દોષ ન હતો. એ સાચો જ હતો.

મંથન હંમેશા એને સુખી કરવાની પૂરી કોશિશ કરતો હતો અને આજે એટલે જ એણે આખા પરિવારને મુંબઈ શિફ્ટ કરી દેવાની વાત કરી. આ દુનિયામાં કોણ કોઈના માટે આટલું બધું વિચારે છે !! મારે શીતલને સમજાવવી જ પડશે કે કે મંથને કોઈ જ વિશ્વાસઘાત કર્યો નથી.

ઘરે પહોંચ્યા પછી રાત્રે એણે શીતલને પોતાની પાસે બોલાવી.

" શીતલ આજે મારે તને એક સરપ્રાઈઝ આપવું છે. બોલ શું હોઈ શકે ? " કેતા બોલી.

" તમારા મનમાં શું ચાલે છે દીદી એ મને કેવી રીતે ખબર પડે ? અને મને હવે કોઈ સરપ્રાઈઝ માં રસ નથી. " શીતલ બોલી.

" તને અને આપણા આખા પરિવારને મુંબઈ શિફ્ટ કરવા માટે આજે મંથન નડિયાદમાં આવ્યા છે અને હોટલમાં રોકાયા છે હું આજે એમને મળીને જ આવી છું. " કેતા બોલી.

" જેમને હું ભૂલી ચૂકી છું દીદી એમને ફરી ફરી શું કામ યાદ કરાવો છો ? મને હવે એમનામાં કે મુંબઈ જવામાં કોઈ રસ નથી. " શીતલ બોલી.

" ઠીક છે તો પછી હું એમને ફોન ઉપર ના પાડી દઉં છું કે શીતલને તમારામાં કોઈ રસ નથી અને તમે સવારે મુંબઈ જવા નીકળી જાઓ. " કેતા બોલી.

" હા. કહી દો એમને કે મને હવે કોઈ રસ નથી. " શીતલ બોલી.

" ઓકે બાબા. હું ફોન કરીને કહી દઈશ રિલેક્સ. તારા માટે લાગણી હતી એટલે સ્પેશિયલ બિચારા તને મળવા છેક મુંબઈથી નડિયાદ આવ્યા છે. એમને શું ખબર કે તારા મનમાં આટલી બધી નફરત છે ! બપોરે મને ફોન કરેલો કે હું નડિયાદ આવું છું તો શીતલ હોટલમાં મને મળવા આવશે ? મેં જ ના પાડી કે તમારી સાથે એ વાત કરવા નથી માગતી. હું જ આવી જઈશ. " કેતા બોલી.

" તમે એવી વાત કરી એમની સાથે ? તમે મને પૂછ્યું પણ નહીં !! " શીતલ બોલી.

" એવી જ વાત કરું ને ! હું તને જ્યારે અત્યારે કહી રહી છું ત્યારે પણ તું ક્યાં એમને મળવા જવા તૈયાર છે ? તો પછી મુંબઈ પાછા જવાનું જ કહી દઉં ને !! " કેતા બોલી.

" દીદી મને સાચી વાત કરો ને. એ કેમ આટલા સમય પછી નડિયાદ આવ્યા છે ? કેમ એક વર્ષ સુધી આપણને ભૂલી ગયા ?" શીતલનો ગુસ્સો હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો.

" અરે બાબા એ જ તો હું કહી રહી છું. એ ખરેખર તને મુંબઈ લઈ જવા માંગે છે. અત્યારે મુંબઈના બહુ મોટા બિલ્ડર બની ગયા છે. કરોડોની સ્કીમો ચાલે છે અને ઇન્ટિરિયર ડિઝાઇનનું એમની પાસે એટલું બધું કામ છે કે તું પહોંચી પણ નહીં વળે. મને કહે કે મારે શીતલની જરૂર છે. " કેતા ઠાવકાઈથી બોલી.

" એ હજુ પણ મને પ્રેમ કરે છે ? " શીતલ બોલી.

" એ તો મને કેમ ખબર પડે ? તારે જાતે જ પૂછી લેવાનું. અને લગન કરે કે ના કરે પણ તારું કેટલું મોટું કેરિયર બને છે એ તો વિચાર !! એમની પોતાની જ સ્કીમમાં આપણને એક ફ્લેટ આપી દે છે. મુંબઈમાં ગયા પછી તારી આખી લાઈફ સ્ટાઈલ બદલાઈ જશે. તારું વર્ષોનું સપનું મંથન જ પૂરું કરી શકે એમ છે. સમાધાન કરવામાં જ સાર છે શીતલ. " કેતાએ એને સમજાવી.

" સારુ તો હું કાલે સવારે ૯ વાગે પહોંચી જઈશ. પહેલાં તો એમનો બરાબર ક્લાસ લઈશ. આપણી લાગણીઓ સાથે આવું કેમ કર્યું એમણે ?" શીતલ બોલી.

" તારે જે બદલો લેવો હોય તે લેજે. પરંતુ આ તક ચુકી જવા જેવી નથી. એક વર્ષ પહેલાં આવ્યા ત્યારે પણ ૫૦૦૦૦ રૂપિયા આપીને ગયા હતા. કેટલા વિશાળ દિલના એ માણસ છે !" કેતા બોલી.

બીજા દિવસે સવારે નવ વાગે શીતલ હોટલ સાયપ્રસ પહોંચી ગઈ. કેતાએ ફોન કરી દીધો હતો કે શીતલ નવ વાગ્યા આસપાસ આવશે.

શીતલે હોટેલ પહોંચીને મંથનના રૂમનો દરવાજો ખટખટાવ્યો એટલે મંથને દરવાજો ખોલ્યો. સામે શીતલ ઉભી હતી.

" વેલકમ. તારી જ રાહ જોતો હતો. " મંથન હસીને બોલ્યો.

" હું તો તમારી સાથે વાત જ કરવા માગતી ન હતી પરંતુ કેતાએ મને જબરદસ્તી મોકલી." કેતાએ બેડ ઉપર બેસવાના બદલે સામે ખુરશી ઉપર બેઠક લીધી.

મંથને આ ફેરફારની નોંધ લીધી. ગયા વખતે એ મંથનની નજીક બેડ ઉપર બેસી ગઈ હતી.

શીતલે પણ માર્ક કર્યું કે આજે મંથન વધુ હેલ્ધી અને વધુ રૂપાળો દેખાતો હતો. શ્રીમંતાઈની લાલી એના આખા વ્યક્તિત્વ ઉપર છવાઈ ગઈ હતી.

"કેતાએ તને વાત નથી કરી કે હું કેમ તારા રોમેન્ટિક મેસેજોનો જોઈએ એવો પ્રત્યુતર નહોતો આપતો ? મેં તો કેતા સાથે કાલે બધો જ ખુલાસો કર્યો હતો. " મંથન બોલ્યો.

" મેં દીદીને કંઈ પૂછ્યું નથી. ગયા વખતે આવ્યા ત્યારે મેં મારા પ્રેમનો એકરાર કર્યો હતો. તમને ભાવિ પતિ માનીને તમારી નજીક આવવાની પણ કોશિશ કરી હતી. તમે ત્યારે પણ મને ના પાડી શકતા હતા કે મને તારી સાથે લગ્ન કરવામાં કોઈ રસ નથી. મને ઉલટાનું રાહ જોવાનું કહ્યું હતું. " શીતલ બોલી.

" તારી બધી જ ફરિયાદ સર આંખો પર શીતલ. તારી જગ્યાએ તું સાચી છે મારી જગ્યાએ હું સાચો છું. આ બધા નસીબ નસીબના ખેલ છે. તું માને કે ના માને પરંતુ મેં તારી સાથે કોઈ જ વિશ્વાસઘાત કર્યો નથી. હું તારી લાગણીઓ સાથે પણ રમ્યો નથી. મારા જીવનમાં સંજોગો જ એવા ઊભા થયા કે હું તારી સાથે આગળ ના વધી શક્યો. " મંથન બોલ્યો.

" એક વર્ષનો સમય થઈ ગયો મંથન. જે ખુલાસો તમે આજે કરવા માંગો છો તે મને પહેલાં પણ કહી શક્યા હોત. તમારા સંજોગોનો કોઈ જ ઉલ્લેખ તમે મેસેજમાં પણ નથી કર્યો. " શીતલ બોલી.

" બધા જ જવાબો આપું છું. તું થોડી શાંત થઈ જા. હું ખાસ તારા માટે જ મુંબઈથી આવ્યો છું. હું તારું રિસ્પેક્ટ કરું છું એ તને પણ ખબર છે. તારી હાલત કેતા જેવી ના થાય એટલા માટે હું તારી સાથે આગળ વધ્યો ન હતો એ પણ તું જાણે છે. " મંથન બોલ્યો.

" હું બધું જ જાણું છું અને એટલા માટે તો હું તમને અહીં મળવા આવી છું. મને તમારા માટે માન છે. માંડ માંડ ડિપ્રેશનમાંથી બહાર આવી છું. તમારી સાથેનો મારો પહેલો પ્યાર હતો." શીતલ બોલી. એની આંખો ભીની થઈ ગઈ.

"હું તને મારો આખો ભૂતકાળ સંભળાવું છું. એ વગર તને મારી વાત નહીં સમજાય. મેં મારા પિતાજીને જન્મથી જ જોયા નથી. એ મુંબઈના મોટા બિલ્ડર હતા. મારી માતાએ એક ગેરસમજના કારણે મારા જન્મ પહેલાં જ પતિનું ઘર છોડી દીધેલું અને મુંબઈ છોડીને અમદાવાદ આવેલી. એણે લોકોનાં કામ કરીને મને મોટો કર્યો. હું સિવિલ એન્જિનિયર બની ગયો. અચાનક મારી માતાનું અવસાન થઈ ગયું. હું સાવ એકલો પડી ગયો. મને નોકરી પણ નહોતી મળતી. હું મારી જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો ત્યાં જ મારી કિસ્મતે કરવટ બદલી. " મંથન બોલી રહ્યો હતો અને શીતલ ધ્યાનથી સાંભળી રહી હતી.

"અચાનક મારા ઉપર મુંબઈથી કોઈ એડવોકેટ ઝાલાનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે તમારા પિતાજી તમારા માટે કરોડોનો વારસો મૂકી ગયા છે અને તમારા નામનું વીલ બનાવીને ગયા છે. એમણે મારું એડ્રેસ પૂછ્યું અને ત્રણ દિવસ પછી એ મારા ઘરે આવ્યા. વીલના તમામ કાગળો મને આપ્યા. જરૂરી દસ્તાવેજો ઉપર મારી સહી લીધી. મારા પિતા મારા માટે મલાડ સુંદરનગર નો ત્રણ બેડરૂમનો ફ્લેટ મૂકી ગયા હતા.બેંકમાં લગભગ ૨૫ કરોડ હતા. મારા જીવનમાં આ સૌથી મોટો ચમત્કાર હતો. " મંથન બોલતો હતો.

" હું મુંબઈ ગયો ત્યારે મને એક દિવસ જાણવા મળ્યું કે મારા પિતાજીએ હું જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે જ મારી સગાઈ એમના પાર્ટનર એડવોકેટ ઝાલાની દીકરી અદિતિ સાથે કરી હતી. મારા પિતાની ઈચ્છા હતી કે હું અદિતિ સાથે લગ્ન કરું. ઝાલાએ પ્રમાણિકતાથી મારો વારસો મને સોંપ્યો હતો. એમની જ દીકરીની જિંદગીનો સવાલ હતો. " મંથન બોલતો હતો.

"મેં ઘણું મનોમંથન કર્યું. મારા પિતાએ મને નવી જિંદગી આપી હતી. કરોડોનો વારસો આપ્યો હતો. એમના વચનને હું કઈ રીતે મિથ્યા કરી શકું ? હું ઝાલા સાહેબના ઘરે જ ચાર દિવસ રોકાયેલો. મેં ચાર દિવસ સુધી અદિતિને સમજવા પ્રયત્ન કર્યો." મંથન બોલ્યો.

" મુંબઈમાં ઉછરી હોવા છતાં એ ખૂબ જ સંસ્કારી છે. એને જ્યારે આ નાનપણની સગાઈની ખબર પડી ત્યારે એણે મને જોયા વગર જ પિતાના વચન ખાતર આ સગાઈ માન્ય રાખી અને લગ્ન માટે તૈયાર થઈ. આ બધા કિસ્મતના ખેલ છે શીતલ. એક વર્ષ પહેલા જ મેં એની સાથે લગ્ન કરી લીધાં. " મંથને કહ્યું.

" ઘણીવાર મેં વિચાર કર્યો કે તારી સાથે આ બાબતે ફોન ઉપર વાત કરું. પરંતુ અમુક વાતો ફોન ઉપર ના કરી શકાય એટલે રૂબરૂ મળવાની ઈચ્છા હતી. પરંતુ એક પછી એક નવી સ્કીમો મને મળતી ગઈ અને કામ એટલું બધું વધી ગયું કે મને અહીં આવવાનો ટાઈમ જ ના મળ્યો. અત્યારે કરોડોની મારી ચાર સ્કીમો ચાલી રહી છે. " મંથને કહ્યું.

"મારી લક્ઝુરિયસ સ્કીમોમાં ઇન્ટિરિયર ડિઝાઇનરનું અત્યારે એટલું બધું કામ છે કે મને તારી જરૂર છે. તારી પ્રેક્ટિસ લાખોની થઈ જશે. અને મારી પોતાની સ્કીમમાં જ તમને લોકોને ફ્લેટ પણ આપું છું." મંથન બોલ્યો.

એ પછી મંથને પોતાના મોબાઈલમાં અદિતિના ફોટા બતાવ્યા. હિરોઈનને પણ ટક્કર મારે એવી અદિતિ દેખાતી હતી.

" કાશ તમે આ વાત મને પહેલાં કહી દીધી હોત. હું તમારા ઉપર ખૂબ જ ગુસ્સે હતી. પ્રેમમાં નિષ્ફળતા મળવાથી હું ડિપ્રેશનમાં પણ સરી ગઈ હતી. હું તો તમારી સાથે લગ્નનાં સપનાં જોવા લાગી હતી. ચાલો હવે તમને હું માફ કરી દઉં છું. તમારો પણ કોઈ વાંક નથી. " શીતલ બોલી.

" હા શીતલ તું મને ખરેખર ગમી ગઈ હતી. મેં તને સમયની રાહ જોવાની વાત કરી હતી કારણ કે એ વખતે હું ઘણા મનોમંથનમાં હતો. ઘટનાઓ એટલી ઝડપથી બનતી ગઈ કે મારે તત્કાલ લગ્નનો નિર્ણય લેવો પડ્યો. છતાં તમારા પરિવાર તરફ મારી લાગણી છે અને એટલે જ મારી ઈચ્છા છે કે તમે લોકો મુંબઈ આવી જાવ. " મંથન બોલ્યો.

" ઠીક છે. એકાદ મહિનાનો સમય આપો. વતન છોડીને મુંબઈની વાટ પકડવી એટલું સરળ નથી. ઘણી બધી તૈયારી અને વ્યવસ્થા કરવી પડે. તમે આટલું બધું કહો છો તો અમે ચોક્કસ આવીશું. " શીતલ બોલી.

" મને આનંદ થશે. હું એક સારું લોકેશન તમારા માટે રિઝર્વ કરી દઉં છું. એમાં ફર્નિચર બનાવવાનું પણ કહી દઉં છું. બે ત્રણ મહિનામાં તમામ સગવડો સાથે ફ્લેટ રહેવા જેવો થઈ જશે. " મંથન બોલ્યો.

" તમે અમારા માટે કેટલું બધું વિચારો છો !! ગયા જન્મનો કોઈ તો ઋણાનુબંધ આપણી વચ્ચે હશે જ. તમને જોઉં છું ને મને કંઈનું કંઈ થઈ જાય છે મંથન. મારી જાત ઉપર હું કાબુ રાખી શકતી નથી. " શીતલ બોલી.

" તારું મન બહુ ચંચળ છે શીતલ. એમાં તારો વાંક નથી. દરેક છોકરીના જીવનમાં ૧૮ થી ૨૨ વર્ષની વચ્ચે મુગ્ધાવસ્થાનો આ એક તબક્કો આવે છે જેમાં હોર્મોન્સ ચેન્જ થવાના કારણે વિજાતીય આકર્ષણ વધી જાય છે. કેતા પણ આ ઉંમરમાં ફેસબૂકનો પ્રેમ કરી બેઠી હતી. બોલ હવે તારા માટે શું મંગાવું ? જમવાની ઈચ્છા હોય તો બપોરે સાથે જમીએ. " મંથન બોલ્યો.

" અરે સોરી સોરી. હું તો ભૂલી જ ગઈ. દીદીએ ખાસ જમવાનું તમને કહ્યું છે. મને કહે કે જઈને તરત પૂછી લેજે એટલે રસોઈ કરવાની ખબર પડે." શીતલ બોલી.

" આપણે બધાં સાથે જ જમીશું પરંતુ તારા ઘરે નહીં. અહીં હોટલમાં જ. કેતાને ફોન કરીને કહી દે કે ૧૧:૩૦ સુધીમાં હોટલે આવી જાય. મમ્મીની ઈચ્છા હોય તો મમ્મી પણ આવી શકે છે. " મંથન બોલ્યો.

" મમ્મી તો નહીં આવે. દીદી એકલી આવશે. મમ્મી તો એમના જેટલું બનાવી દેશે. " શીતલે કહ્યું.

" અહીં તમારા નડિયાદમાં બેસ્ટ રેસ્ટોરન્ટ કઈ છે ? " મંથને પૂછ્યું.

" રાજસ્થાન ગાર્ડન રેસ્ટોરન્ટ અને વુડલેન્ડ સારી છે. બંનેમાં હું એક બે વાર ગયેલી છું. " શીતલ બોલી.

" તો પછી આપણે રાજસ્થાન ગાર્ડનમાં જઈએ. કેતાને ફોન કરીને બોલાવી લે." મંથને કહ્યું.

શીતલે કેતાને ફોન કર્યો અને હોટલ સાયપ્રસમાં આવી જવાનું કહ્યું.

અડધા કલાકમાં કેતા પણ તૈયાર થઈને આવી ગઈ. મંથને સદાશિવને ગાડી બહાર કાઢવાનું કહ્યું. મંથનની સાથે બંને બહેનો નીચે ઊતરી.

મંથનને જોઈને ડ્રાઇવર ગાડીમાંથી બહાર નીકળ્યો અને એણે મર્સિડીઝનો દરવાજો ખોલ્યો. મંથને બંને બહેનોને પાછલી સીટ ઉપર બેસવાનું કહ્યું અને પોતે આગળની સીટ ઉપર બેસી ગયો.

મર્સિડીઝને જોઈને જ કેતા અને શીતલ ચકિત થઈ ગઈ. શીતલે ગાઈડ કર્યું એ પ્રમાણે ગાડી રાજસ્થાન ગાર્ડન રેસ્ટોરન્ટ તરફ લીધી. ગાડી પાણીના રેલાની જેમ દોડતી હતી.

બંને બહેનોને લાગ્યું કે મંથન હવે ખરેખર બહુ જ મોટો માણસ થઈ ગયો છે ! અને છતાં જૂના સંબંધોને એ ભૂલ્યો નથી !! ભલે મંથનના સંજોગો બદલાયા હતા પરંતુ મંથન એનો એ જ હતો !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

Share

NEW REALESED