Jivansangini - 14 books and stories free download online pdf in Gujarati

જીવનસંગિની - 14

પ્રકરણ-૧૪
(સહજ સ્વીકાર)

અનામિકાનું છેલ્લું વર્ષ હતું અને એ પૂરું થવામાં હવે થોડો જ સમય બાકી રહ્યો હતો. પરીક્ષા આવવાને પણ થોડા જ સમયની વાર હતી એટલે અનામિકા પોતાનું બધું જ ધ્યાન ભણવામાં લગાવી રહી હતી. એ ખૂબ જ મહેનત કરતી હતી.
થોડાં દિવસ પછી એને રીડિંગ વેકેશન પડ્યું એટલે એ હવે પોતાના સાસરે અમદાવાદ જવાની હતી. લગ્ન પછી એ અને નિશ્ચય ઘણાં સમય બાદ વધુ દિવસ સુધી સાથે રહેવાના હતા. અનામિકા આ કારણે ખૂબ જ ખુશ હતી. પણ એની આ ખુશી વધુ ટકવાની નહોતી એ વાતથી એ અજાણ હતી.

*****
અનામિકા હવે વાંચવા માટે અમદાવાદ આવી પહોંચી હતી. એને હતું કે નિશ્ચય એનું ઉમળકાભેર સ્વાગત કરશે. પરંતુ એમાંનું કશું જ બન્યું નહીં અને ઊલટું એણે તો અનામિકા પાસે અત્યાર સુધીમાં તેણે કરેલા ખર્ચનો હિસાબ માગ્યો અને બાકીના વધેલા પૈસા પાછા માંગ્યા. અનામિકા માટે આ ઘટના બિલકુલ અકલ્પનીય હતી. છતાં પણ અનામિકાએ હિસાબ આપ્યો અને કહ્યું કે, મારી પાસે હવે કોઈ જ પૈસા બચ્યાં નથી. એ તો બધા વપરાઈ ગયા છે. ત્યારે નિશ્ચયે એને પૂછ્યું, "અરે! આટલો બધો ખર્ચ કઈ રીતે થાય?"
"ખાવા પીવાનો, ઘરમાં જરૂરી વસ્તુ લાવવાનો એ બધો ખર્ચ તો થાય ને! બાકી એ સિવાય મેં બીજો કોઈ ખર્ચ નથી કર્યો." અનામિકાએ કહ્યું.
"ઠીક છે. ચાલ. આ વખતે પહેલીવાર છે એટલે જવા દઉં છું પણ બીજીવાર ખર્ચ કરતી વખતે આ બાબતે ધ્યાન રાખજે." નિશ્ચય બોલ્યો.
અનામિકાએ ક્યારેય વિચાર્યુ નહોતું કે નિશ્ચય એની પાસે આવી રીતે હિસાબ માગશે. આજ સુધીમાં મનોહરભાઈએ પણ ક્યારેય એની પાસે હિસાબ નહોતો માંગ્યો. પણ હા, મનોહરભાઈએ એને હિસાબ લખવાની આદત જરૂર પાડી હતી. એટલે એ પોતાની ડાયરીમાં હિસાબ લખી રાખતી.
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અનામિકાને નિશ્ચયના સ્વભાવનો ખ્યાલ આવતો ગયો.
અનામિકા ઘરે આવી તો રીડીંગ માટે હતી. પરંતુ લગ્ન પછી એ પહેલી જ વાર વધુ દિવસ રોકવા માટે આવી હતી એટલે એના સાસુ સસરા પણ ત્યાં જ એમની સાથે રહેવા આવી ગયા હતા. અને ઘરમાં નવી વહુના આવવાના હરખમાં ને હરખમાં રોજ કોઈને કોઈ મહેમાનને જમવાનું આમંત્રણ આપી માટે આવતાં. એટલે અનામિકા મહેમાનોની સેવા ચાકરી કરવામાંથી જ નવરી નહોતી થતી. એટલે દિવસ દરમિયાન વાંચન માટે એ પૂરતો સમય ન કાઢી શકતી. એટલે એ જ્યારે પણ પોતાનું પરીક્ષાનું વાંચવા માટે રાતે જાગતી તો નિશ્ચય એને લાઈટ ચાલુ છે તો મને ઊંઘ નહીં આવે એમ કહીને નિશ્ચય એને સુવા માટે મજબૂર કરી દેતો. અનામિકા હવે બહુ બોલતી નહીં. બોલવાથી ઘરમાં કંકાસ થાય એના કરતાં મૌન રહેવું વધુ સારું એમ માનીને એ હવે ચૂપચાપ પોતાની બધી જ ફરજ નિભાવે જતી હતી.

*****
રીડીંગ વેકેશન પૂરું થઈ ગયું હતું. અનામિકાએ હવે ફાઈનલ પરીક્ષા આપી. ઘણા વિઘ્નો આવવા છતાં પણ તે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ ગઈ. કોલેજ હવે પૂરી થઈ ગઈ હતી અને હવે એ હંમેશા નિશ્ચય સાથે રહેવા જવાની હતી. પણ આ વખતે એ દર વખતની જેમ ખુશ નહોતી. આ વખતે એ માત્ર પોતાનો પત્નીધર્મ નિભાવવા માટે જવાની હતી.
*****
નિધિ અને મેહુલ બંને આયુર્વેદીક ડૉક્ટર પાસે ગયાં. ડૉક્ટરે બંનેની તપાસ કરી અને કહ્યું, "તમારાં બંનેના બધાં રિપોર્ટ તો નોર્મલ જ છે. પણ નિધિબેન! તમને કોઈ ચિંતા હોય એવું મને તમારી સાથેની વાતચીત દરમિયાન લાગ્યું છે. તમે કોઈ તણાવમાં રહેતા હો એવું લાગે છે. અને એને કારણે જ કદાચ તમે કન્સીવ નથી કરી શકતાં. મારું માનો તો હું તમને ચિંતાની ગોળીઓ લખી આપું છું. એ લેવાથી તમારું મન પણ સ્વસ્થ રહેશે અને તમે સ્વસ્થ રહેશો તો જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકશો. હા, થોડીવાર જરૂર લાગશે પણ પરિણામ ચોક્કસ મળશે."
ડૉક્ટરની આ વાત સાંભળીને મેહુલે નિધિની સામે જોયું. નિધિએ હકારમાં માથું ધુણાવ્યું. એ દવા લેવા માટે રાજી થઈ ગઈ હતી. નિધિ ખુદ તો જાણતી જ હતી કે એ મેહુલના શંકાશીલ સ્વભાવને કારણે જ ચિંતામાં રહેતી હતી. પણ એ એ પણ જાણતી હતી કે, મેહુલ એને પ્રેમ પણ કરે છે. એટલે એ મેહુલની ખુશી માટે પોતાની દવા કરાવવા માટે રાજી થઈ ગઈ હતી.
ઘરે આવીને મેહુલે નિધીને પૂછ્યું, "તને શું ચિંતા છે નિધિ? તું મારી સાથે ખુશ નથી? શું વાત છે તારા મનમાં? ડૉક્ટરે કેમ આવું કહ્યું તને?" મેહુલને નિધિની ચિંતાનું કારણ સમજાતું નહોતું.
"એવી કોઈ જ વાત નથી. એ તો આપણને બાળક થશે કે નહીં એની જ ચિંતા છે મને. અને જો મારા દવા લેવાથી આપણી જિંદગીમાં સંતાનનું આગમન થતું હોય તો હું મારો ઈલાજ કરાવવા તૈયાર છું." નિધિએ કહ્યું. પણ એ મેહુલને કહી ન શકી કે, મારી ચિંતાનું સાચું કારણ તો તમે છો મેહુલ! તમારો આ શંકાશીલ સ્વભાવ છે. પણ આટલાં સમયથી સાથે રહેવાના કારણે નિધિ એ વાત સારી રીતે સમજી ચૂકી હતી કે કોઈપણ માણસનો મૂળ સ્વભાવ ક્યારેય બદલાતો નથી. જે જેવા હોય એવા જ આપણે એને સ્વીકારવા પડે છે. અને નિધીએ મેહુલને એ જેવો હતો એવો જ સ્વીકારી લીધો હતો. અને એટલે જ એ મેહુલની ખુશી માટે ઈલાજ કરાવવા તૈયાર થઈ ગઈ હતી.
ડૉક્ટરે હવે નિધિની સારવાર શરૂ કરી. દવાની અસર ધીમે ધીમે દેખાવા લાગી હતી. અને એ હવે પહેલાં કરતાં થોડી ખુશ પણ રહેવા લાગી હતી.

*****
શું અનામિકા પોતાનો પત્નીધર્મ સારી રીતે નિભાવી શકશે? શું નિશ્ચય ક્યારેય પણ અનામિકાને સમજી શકશે? શું નિધિ અને મેહુલના જીવનમાં સંતાનનું આગમન થશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.