Jivansangini - 19 books and stories free download online pdf in Gujarati

જીવનસંગિની - 19

પ્રકરણ-૧૯
(બેરંગ જીવન)

નિધિના મૃત્યુ પછી મેહુલના ઘરમાં બધાં ખૂબ જ દુઃખી હતા. નાનકડા વીરને ધીમેધીમે સમજાઈ રહ્યું હતું કે, એની માતા હવે આ દુનિયામાં નથી રહી.

નિધિના અંતિમ સંસ્કાર પછી એના મૃત્યુ પછીની બધી વિધિ કરવામાં આવી. એ બધી જ વિધિ પૂરી થતાં સુધીમાં વીરને ઘણી સમજ આવી ગઈ હતી. જ્યારે ઈશ્વર દુઃખ આપે છે ત્યારે સાથે સાથે એ દુઃખને સહન કરવાની શક્તિ પણ આપે છે. વીરને પણ કુદરતે નાની ઉંમરમાં જ ઘણી સમજ આપી દીધી હતી અને એ ખૂબ જ સમજદારી દાખવવા માંડ્યો હતો. એને હવે એ સમજ આવી ચૂકી હતી કે, એણે જ હવે ઘરના બધાંને સંભાળવાના છે અને હિંમત આપવાની છે. ખાસ કરીને એના પિતા મેહુલને.

*****
નિધિના મૃત્યુને હવે એક વર્ષ પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ મેહુલ હજુ પણ એના દુઃખમાંથી બહાર આવ્યો નહોતો. નિધિના મૃત્યુ પછી એણે પ્રણ લીધું હતું કે, એ હંમેશા સફેદ જ કપડાં પહેરશે. કારણ કે, નિધિના જવાની સાથે જ એના જીવનમાંથી બધાં જ રંગ જતાં રહ્યાં હતાં. એનું જીવન જાણે બેરંગ બની ગયું હતું. એણે મીઠાઈ ખાવાનું પણ છોડી દીધું હતું. કારણ કે, એને નિધિ વિનાનું પોતાનું જીવન પણ બેસ્વાદ લાગતું હતું. નાનકડો વીર પિતાની આવી હાલત જોઈ શકતો નહોતો પણ એને સમજમાં નહોતું આવતું કે, એ એવું શું કરે જેથી એના પિતા ખુશ રહે.

મેહુલના ઘરના લોકો મેહુલને હવે વારંવાર બીજા લગ્ન કરવા માટે સમજાવી રહ્યાં હતાં. પણ મેહુલ હજુ પણ નિધિના ગમમાંથી બહાર નહોતો આવ્યો. એ હંમેશા બીજા લગ્ન માટે ના જ પાડી રહ્યો હતો. એ નિધીને ભૂલી શકતો જ નહોતો. મંજુબહેન એને વારંવાર સમજાવતાં કે, "તારા માટે નહીં પરંતુ કમ સે કમ તારા આ દીકરા માટે તો બીજા લગ્નનું વિચાર. વીર હજી ઘણો નાનો છે. એને મા ની જરૂર છે."

મેહુલ આ વાત સાંભળીને એવો જવાબ આપતો કે, "પણ તમે બધા છો ને એને રાખવા માટે!" ત્યારે મંજુબહેન મેહુલને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહેતાં કે, "હા! બેટા! અમે તો વીરને રાખીએ જ છીએ. પણ હવે અમારી પણ ઉંમર થઈ છે. અમે ક્યાં સુધી જીવવાના હવે બેટા! એક ને એક દિવસ તો બાળકને મા ની જરૂર પડવાની જ છે ને! માટે હું તને કહું છું બેટા! એક નજર તારા આ બાળક સામે પણ નાખ. તું તારા દુઃખમાંથી બહાર નહિ આવે તો એને કેવી રીતે સાચવી શકીશ? આ ધોળાં કપડાં પહેરવાનું બંધ કર અને જીવનમાં થોડાં રંગ ભર હવે. જે હવે જતી જ રહી છે એ હવે ફરી નહીં આવે. પણ જે તારી પાસે છે એની તો કદર કર નહિ તો ક્યાંક એવું ન બને કે, તારો દીકરો પણ તારાથી દૂર ન થઈ જાય!"

મા ની આવી વાતો સાંભળીને મેહુલ ખિન્ન થઈને બોલી ઉઠતો, "મા! આ તું કેવી વાતો કરે છે? હું કંઈ નહીં થવા દઉં મારા દીકરાને. પણ મહેરબાની કરીને મને બીજા લગ્ન કરવાનું ના કહેશો. અને એ વાતની પણ શું ખાતરી છે કે, જે કોઈ છોકરી આ ઘરમાં વીરની મા બનીને આવશે એ એને સારી રીતે જ રાખશે? સાવકી મા ક્યારેય સગી મા ન બની શકે. હું મારા છોકરાને એકલો જ સાચવી લઈશ. કોઈ સાવકી મા ના હાથમાં મારે મારા દીકરાને નથી સોંપવો." મેહુલની આવી વાતો સાંભળીને મંજુબહેન એને વધુ કંઈ કહી શકતાં નહિ પણ એની નજર સામે વીરનો એ ઉદાસ ચેહરો તરવરતો અને એ જોઈને એ દુઃખી થતાં. એ પ્રભુને પ્રાર્થના કરતાં કે, મારા મેહુલના જીવનમાં કોઈ એવી સ્ત્રી આવે જે મેહુલ અને વીર બંનેને સંભાળી લે. એમની પાસે હવે ઈશ્વરને પ્રાર્થના કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ ક્યાં હતો!

*****
અનામિકા અને નિશ્ચયનો દીકરો આકાશ પણ હવે મોટો થવા લાગ્યો હતો. એ પણ હવે શાળાએ જવા લાગ્યો હતો. આકાશના જન્મ પછી નિશ્ચય હવે પોતાની જવાબદારી નિભાવી રહ્યો હતો. એ જાણતો હતો કે, અનામિકા અને આકાશ બંને મારી જવાબદારી છે એમ સમજીને એ પોતાની જવાબદારી નિભાવે જતો હતો. પણ નિશ્ચય અને અનામિકાના સંબંધમાં પ્રેમની હૂંફ જે દરેક પતિપત્નીના સંબંધમાં હોય છે એનો બિલકુલ અભાવ જોવા મળતો હતો. કહેવાય છે ને કે, માતાપિતાના સંબંધની અસર બાળકના મન ઉપર ખૂબ પડે છે. આકાશના બાળમાનસ ઉપર પણ આ બંનેના સંબંધની આડઅસર પડી રહી હતી. આકાશને એના માતાપિતા બંનેનો પ્રેમ તો મળતો પણ અલગ અલગ. એને માતાપિતાનો પ્રેમ એકસાથે ક્યારેય મળતો નહીં. નિશ્ચય અને અનામિકા બંને પોતપોતાની અલગ જ દુનિયામાં જીવી રહ્યાં હતાં. અને આકાશ પણ એના માતાપિતાના પ્રેમના અભાવ વચ્ચે જ જાણે બંને માટે માત્ર એક જવાબદારી જ બનીને રહી ગયો હતો.

નિશ્ચયને પ્રમોશન મળ્યા પછી એણે લોન લઈને પોતાના નામે ઘર લીધું. એણે ઘર તો લીધું પણ એ સાથે સાથે એણે એક ખોટો નિર્ણય પણ લીધો અને એ પણ માત્ર અનામિકાની કુંડલીના ભરોસે! અને એ નિર્ણય હતો નોકરી છોડવાનો નિર્ણય. નિશ્ચયે અનામિકાની કુંડળી જોઈને માની લીધું હતું કે, અનામિકાની કુંડળીમાં તો રાજયોગ છે જ તો પછી એને બિઝનેસમાં પણ સફળતા જ મળશે એમ માનીને એણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. અનામિકા એને વારંવાર નોકરી ન છોડવા માટે સમજાવતી રહી પણ નિશ્ચયે એનું એકવાર પણ ન સાંભળ્યું. અને એને પોતાના પર બિઝનેસ ચાલુ કરવાનું ભૂત વળગ્યું હતું એને એ પૂરું કરીને જ જંપ્યો.

*****

શું નિશ્ચય એના બિઝનેસમાં સફળ થશે? શું હશે આકાશનું ભવિષ્ય? શું મેહુલ પુનઃવિવાહ માટે તૈયાર થશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.