Chorono Khajano - 15 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 15

બીજો ટુકડો મળ્યો


અજીબ લાગતી દુનિયાનો અમુક હિસ્સો અહી ક્યાંથી અને કેવી રીતે આવ્યો હશે તેના વિશે અત્યારે ડેની વિચારી રહ્યો હતો. પોતાના બે સાથીઓ ખોયા પછી પણ સુમંતમાં પહેલાની જેમ હિંમત હજી સુધી જળવાઈ રહી હતી. સિરતે પોતાના સાથીઓ ખોયા હતા પણ તેને કદાચ અત્યારે તેમના વિશે વિચારવા કરતા પેલી સ્ત્રીઓને સંભાળવી અને બાકીના લોકોનું સાચી દિશામાં માર્ગદર્શન કરવું વધારે યોગ્ય લાગતું હતું. તેમાંય ડેની એ જ્યારે પહેલી સોલ્વ કરી લીધી એટલે હવે સિરતના મનમાં ડેની જ ઘૂમી રહ્યો હતો.

જ્યારે તેઓ ગુફામાં દાખલ થયા ત્યારે ગુફામાં અતિશય અંધારું હતું. બધાએ પોતપોતાની ટોર્ચ કાઢી અને લાઈટ કરી. હવે બધા ધીમે ધીમે આગળ વધ્યા. ગુફાની અંદર એકસાથે બધાના જવાના લીધે જે અવાજ થયો તેણે અંદર આરામથી ઉલ્ટા લટકીને સૂઈ રહેલ અમુક ચામાચીડિયાંઓને જગાડી દીધા અને તેઓ બધા એકસાથે જ ઉડતા બહારની તરફ ઉડવા લાગ્યા. હવે ગુફાની અંદરથી અનેક ચામાચીડિયાંઓ બહાર નીકળવા લાગ્યા. તે ચામાચીડિયાંઓ બહાર નીકળતી વખતે પોતાના સાથીઓ માંથી કોઈને ખેંચી ન જાય એટલા માટે સિરતે જોરથી ચિલ્લાઈને દીવાલ સાથે ચીપકી જવા માટે કહ્યું. બધા એ તેમ જ કર્યું.

જ્યારે બધા જ ચામાચીડિયાંઓ ગુફાની બહાર નીકળી ગયા ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો. અત્યારે કોઈ જાણતું નહોતું કે તેમને રસ્તામાં હવે બીજી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે કે નહિ. બધા સાવચેતી પૂર્વક આગળ વધવા લાગ્યા.

અંધારી ગુફામાં તેઓ હાથમાં રહેલી ટોર્ચના અજવાળે લગભગ વીસેક મિનિટ સુધી ચાલ્યા. આગળ જતાં ગુફામાં ચઢાણ આવ્યું. જ્યારે તેઓ ચઢાણ ચડી રહ્યાં હતાં ત્યારે અચાનક જ તેમના કાને કંઇક અવાજ પડ્યો. આ અવાજ એવો હતો જાણે પાણી ખળખળ વહી રહ્યું હોય. પણ અહી ગુફામાં તેમને પાણી ક્યાં મળવાનું એ વિચાર તેમાંના દરેકને આવ્યો. થોડીવાર ચઢાણ ચડ્યા પછી તેઓ એક મોટા ખંડ જેવી જગ્યા માં આવી ગયા. આ ખંડ અંદાજિત આઠ થી દસ હજાર માણસો આરામથી સમાઈ શકે એટલો પહોળો હતો. આ ખંડને જોઇને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ખંડની બિલકુલ વચ્ચે જ એક અંદાજિત દસેક મીટરની પહોળાઈ વાળો સ્તંભ ઊભો કરેલો હતો. તેઓ અત્યાર સુધી ચાલ્યા પણ દરેક જગ્યાએ રસ્તામાં ટોર્ચનું અજવાળું પણ ખૂબ આછું લાગે તેવું ઘમઘોળ અંધારું હતું. પણ અહી આછું આછું અજવાળું આવી રહ્યું હતું. આ અજવાળું ઉપરથી આવી રહ્યું હતું.

ઉપરથી આવી રહેલા અજવાળા સિવાય તેમને જે અવાજ આવી રહ્યો હતો તે સાચે જ પાણીના વહેવાનો અવાજ હતો. તે ખંડની એક બાજુએ એક મોટા કૂવા જેવો ખાડો હતો. નવાઈની વાત એ હતી કે અહી પાણી કૂવામાં ન્હોતું જઈ રહ્યું પણ તેના બદલે કૂવામાંથી પાણી ઉપરની તરફ જઈ રહ્યું હતું. ઉપર કેટલે ઊંચે જઈ રહ્યું હતું તે અહીંથી દેખાઈ ન્હોતું રહ્યું. પણ કઈક એવી સિસ્ટમ ગોઠવેલી હતી જે આ કૂવાનું પાણી ઉપર લઇ જઇ રહી હતી.

આ બધું કેવી રીતે અને કોણે કર્યું એ કોઈને પણ સમજાઈ ન્હોતું રહ્યું. તેઓના મનમાં અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા હતા પણ સૌથી મોટો સવાલ એ હતો કે અહી નકશાનો બીજો ભાગ કંઈ જગ્યાએ છુપાવેલો હશે?..

આ ખંડ એટલે ગુફાનો છેડો હતો પણ હવે અહી આવ્યા પછી તેમને ક્યાંય પણ નકશાને લગતી જાણકારી મળી નહિ. તેમના મનમાં વધારા ના બીજા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. તેમ છતાં એટલે સુધી આવ્યા પછી તેઓ હાર માને એમ નહોતા એટલે આખા ખંડમાં તેઓ કઈંક અલગ હોય તેવું શોધવા લાગ્યા. અચાનક જ તેમાંના એક સાથી સાથે કઈક અજીબ બન્યું.

તેમની સાથે આવેલો એક સાથીદાર તરસ્યો થયો એટલે તેણે પાણી પીવા માટે પોતાના બેગમાંથી પાણીની બોટલ બહાર કાઢીને પાણી પીવા માટે બોટલ ઉપર કરી. બોટલમાંથી પાણી તેના મોં તરફ નીચે પડવાને બદલે પેલા કૂવાના પાણીની જેમ જ બોટલનું પાણી પણ ઉપરની તરફ જવા લાગ્યું. તે જોઇને બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. ડેનીને એ સમજતા વાર ન લાગી કે નક્કી અહી કોઈ એવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી છે જેના લીધે પૃથ્વીના પેટાળમાં રહેલી કોઈ નદીને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ઉપરની તરફ લઈ જઈને તેના પાણીને ઉપરથી ઝરણાં મારફતે ચંબલ નદી સુધી દોરી જવામાં આવ્યું છે. એ જ પદ્ધતિના કારણે માત્ર તે નદી જ નહીં પરંતુ બોટલમાં રહેલું પાણી પણ ઉપરની તરફ જઈ રહ્યું હતું.

ડેનીને તરત જ મનમાં જાણે જબકારો થયો. તે હવે સમજી ગયો હતો કે નકશાનો બીજો ટુકડો તેનાથી બહુ દૂર નથી. તેણે પોતાનું માથું ઉપર કર્યું અને છત કેટલી દૂર છે તે જોવા લાગ્યો. પણ છત દૂર દૂર સુધી ક્યાંય દેખાતી નહોતી. તેને પોતાનો ચેહરો ફેરવીને પેલા સ્તંભ તરફ જોયું. પછી તે નીરખી નીરખીને સ્તંભને જોવા લાગ્યો. તે એટલું તો સમજી ગયો હતો કે આ સ્તંભ વડે ઉપર જવાનો કોઈ ને કોઈ રસ્તો જરૂર હશે જ.

ડેની ઝડપથી લગભગ દોડતો હોય તે રીતે બે થી ત્રણ વાર સ્તંભની ફરતે ફરી વળ્યો. અચાનક એક જગ્યાએ તેને એક નાના બારણા જેવું દેખાયું. પણ ક્યાંય તે બારણું ખોલવા માટેનો કોઈ કી-હોલ કે કોઈ હેન્ડલ ન દેખાયું. માત્ર આખા બારણાની ફરતે એક ખાળ જેવું હતું. એવું લાગી રહ્યું હતું જાણે તે ખાળ વડે જ દરવાજો સ્તંભની દીવાલથી અલગ પડતો હતો. ડેનીએ એકદમ નીરખીને જોયું તો દરવાજાની ઉપર કંઇક લખેલું હતું.

" प्यासे को एक घूंट अमृत का। "

ડેનીએ ઘણીવાર સુધી વિચાર્યું. તે સમજી ગયો હતો કે એનો જવાબ પાણી જ છે. તેણે તરત જ તેમના એક સાથી પાસે પાણી મગાવ્યું.

દરવાજાના ઉપરના ભાગ પરથી ડેનીએ
પાણીની બોટલ નમાવીને પાણી રેડ્યું. તેના આશ્ચર્ય વચ્ચે જ તે પાણી નીચે જવાને બદલે ઉપર જવા લાગ્યું. ડેનીએ થોડીવાર રાહ જોઈને ફરી વાર પાણી રેડ્યું. આ વખતે પણ પાણી નીચે જવાને બદલે ઉપર જવા લાગ્યું. થોડીવાર ડેની કંઇક વિચારવા લાગ્યો. અંતે છેલ્લી વાર ટ્રાય કરવા માટે તેણે દરવાજાની ઉપર પાણી રેડવાને બદલે નીચે બોટલ રાખીને દરવાજાની નીચેના ભાગે પાણી રેડવાનું ચાલુ કર્યું. આ વખતે નીચે રેડાયેલું પાણી ઉપર જ ગયું પણ તે દરવાજા ની બંને સાઈડ માં રહેલી ખાળમાં ઉપર ગયું અને છેવટે આખી ખાળમાં પાણી ફરી વળ્યુ.

થોડી ક્ષણોમાં જ એક કર્કશ અવાજ સાથે દરવાજો ખુલ્યો. ડેનીની સામે જ અતિશય લાંબી અને ઉપર તરફ જઈ રહેલી એક સીડી દેખાઈ. ડેની એ એક સ્માઈલ સિરત તરફ કરી અને પછી બધાને પોતાની પાછળ આવવા માટે ઈશારો કર્યો. બધા વારાફરતી સીડી ચડતા ઉપર તરફ જવા લાગ્યા.

લગભગ અગિયારસો જેટલી સીડીઓ ચડ્યા પછી એક મોટા મેદાન જેવી જગ્યામાં તેઓ એકસાથે ઊભા હતા. આ સ્તંભ ની છત પર ખૂબ મજબૂતીથી બાંધેલી અગાસી હતી. તે એક મોટા મેદાન જેવી લાગતી હતી. પણ તેની ઉપર ઊભા રહીને ઊંચે જોતા જે દ્રશ્ય દેખાઈ રહ્યું હતું તે જોઇને સૌની આંખો ફાટી રહી. તેમનાથી થોડે જ ઉપર કંઇક વિચિત્ર રીતે હવામાં તરતું અને પાણીથી ભરેલું એક અદભુત તળાવ હતું. તે તળાવ કઈ રીતે આમ હવામાં તરી રહ્યું હતું, તે હજી સુધી કોઈને સમજાઈ ન્હોતું રહ્યું. પણ કોઈક રીતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને ઓછું કરીને તેના કરતાં વધારે બળની મદદથી નીચેના પાણીને ઉપર લાવી અહી એકસરખી ઊંચાઈએ તળાવ સ્વરૂપે સ્ટોર કરીને તેને ઝરણાના સ્વરૂપે પર્વતોની નીચે વહાવી ચંબલ નદીમાં પ્રવાહિત કરવા માં આવી રહ્યું હતું. વળી આ બળ પાણી સિવાય બીજી કોઈ વસ્તુને પોતાની તરફ ખેંચતું નહોતું એ વાત તો સાવ અજીબ હતી. તેમ છતાં એક વાત તો કહી શકાય કે આ કરિશ્મા જેણે કર્યો હશે એ જરૂર વિજ્ઞાન નો કોઈ માસ્ટર માઈન્ડ જ રહ્યો હશે.

અચાનક જ ડેની ની નજર એક પેટી જેવી વસ્તુ પર પડી. તે દોડતો જ તે પેટી પાસે ગયો. એના પહેલા કે તે પેટી ખોલે સિરતે તેને સાવધાન રહેવા ઈશારો કર્યો. જ્યારે ડેનીએ પેટી ખોલી તો તેમા બે વસ્તુઓ રાખવામાં આવી હતી. એક કંઇક પત્થર જેવું હતું અને બીજી એક પ્લાસ્ટિકની કોથળીમાં નકશાનો બીજો ટુકડો હતો. ડેનીને સમજાયું નહિ કે નકશાના ટુકડા સાથે આ પત્થર કેમ રાખ્યો હશે. વિચારતા વિચારતા જ તેણે તે પત્થર પોતાના હાથમાં લઈને ઊંચો કર્યો. બધાના મોઢામાંથી એકસાથે ચીસ નીકળી ગઈ. કેમકે આ પત્થર જ હતો જેણે તેમની ઉપર સ્ટોર કરેલા તળાવને એક જગ્યાએ સ્થિર રાખેલું હતું પણ ડેનીએ જ્યારે પેલો પત્થર ઊંચો કર્યો તો તે તળાવની સ્થિરતામાં જાણે ખલેલ પહોંચી અને તેમાંનું પાણી એકદમ હિલોળા સાથે આમથી તેમ ડોલવા લાગ્યું. એવું લાગ્યું જાણે તે પાણી હમણાં જ તેમના પર જ ઠલવાઈ જશે. બધાએ ચીસ પાડી એટલે ડેનીએ તરત જ ઉપર નજર કરી અને જે દ્રશ્ય જોયું તેનાથી બે ઘડી ડેની પણ ડરી ગયો અને તરત જ તેણે તે પત્થરને તેની મૂળ જગ્યાએ પાછો રાખી દીધો. થોડીવારમાં ઉપરના તળાવનું પાણી આમથી તેમ ડોલતું રહ્યું અને વળી પાછું સ્થિર થઈ ગયું.

સ્તંભની અગાશી પર ઉભેલા બધાને થોડી રાહત થઈ. હવે તેઓ બને એટલી જલ્દી નકશાનો બીજો ભાગ લઈને આ અજીબ જગ્યામાંથી બહાર નીકળવા માંગતા હતા. એટલે ઝડપથી સીડીઓ ઉતરી અને ગુફાની બહાર નીકળ્યા. હવે તેમની પાસે નકશાનો બીજો ટુકડો હતો એટલે બીજી કોઈ ચિંતા હતી નહિ. તેઓ ઝડપથી પોતપોતાની ગાડીઓમાં બેસીને ગાડીઓ ધોલપૂર તરફ ભગાવી મૂકી.

શું તેમને નકશાના બાકીના ટુકડાઓ મળશે કે નહિ??
પેલા ચોર ખજાનો લઈને ક્યાં ગયા હતા?
પેલો માસ્કધારી માણસ કોણ છે?
પેલા બીજ શેના હતા?

આવા પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'

Share

NEW REALESED