Varasdaar - 43 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 43

વારસદાર પ્રકરણ 43

મયુર ટાવરમાંથી નીચે ઉતરીને મંથન સૌથી પહેલાં સાઈટ ઉપર ગયો. ત્યાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સાથે થોડીક ચર્ચા કરવી હતી. એ પછી એણે બી ટાવરના સાતમા આઠમા માળે એક ચક્કર લગાવ્યું. ત્યાં ટાઇલ્સનું કામ ચાલતું હતું. એ પછી એ નીચે ઉતરી ગયો.

અદિતિ ટાવર્સની સાઈટ ઉપર લગભગ અડધો કલાક એ રોકાયો અને એ પછી એને કંઈક યાદ આવ્યું એટલે એ ડૉ. ચિતલે ના ક્લિનિક ઉપર ગયો.

"મારે ડોક્ટરને પાંચ મિનિટ મળવું છે." એણે રિસેપ્શનીસ્ટ યુવતીને કહ્યું.

" દસ મિનિટ બેસો. અંદર પેશન્ટ બેઠેલા છે. " રિસેપ્શનીસ્ટ બોલી.

દસેક મિનિટ પછી બે સ્ત્રીઓ બહાર આવી એટલે મંથન અંદર ગયો.

" બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે ડોક્ટર. અદિતિ એના બેડરૂમમાં પુરાઈ ગઈ છે અને રડી રહી છે. તમારે આ વાત કરવા જેવી ન હતી. એનીવેઝ...
તમે મને કેમ બોલાવ્યો હતો ? મને અદિતિએ કહ્યું હતું કે સાહેબ તમને રૂબરૂ મળવા માંગે છે. " મંથન બોલ્યો.

" અદિતિ માટે ખરેખર હું દિલગીર છું. એને આઘાત આપવા આ વાત મેં નહોતી કરી. એ મને મળવા આવશે તો હું એને સમજાવીશ. તમને એટલા માટે બોલાવ્યા હતા કે અદિતિ નો કેસ ગંભીર છે. હોર્મોન્સની ટ્રીટમેન્ટથી એને પ્રેગ્નન્સી તો આવી શકે પરંતુ એનું ગર્ભાશય ખૂબ જ સંકોચાયેલું છે એટલે અંદર ગર્ભ ડેવલપ ના થઈ શકે. આઈ એમ સોરી પણ એ મા નહીં બની શકે." ચિતલે બોલ્યા.

" ઓહ . આજનો દિવસ જ ખરાબ લાગે છે. એક પછી એક શોકિંગ ન્યુઝ મળે છે. એ તો મા બનવા માટે થનગની રહી છે. આ સમાચાર પણ એને કેવી રીતે કહેવા ? આનું બીજું કોઈ સોલ્યુશન ? " મંથન બોલ્યો.

" બીજો કોઈ જ રસ્તો નથી. ગર્ભ તો ધારણ કરી શકશે પણ પછી સરોગેટ મધરની સહાય લેવી પડે. આજકાલ તો આ બધું કોમન થઈ ગયું છે. કોઈ બીજી સ્ત્રીના ગર્ભાશયમાં આ ગર્ભનું સ્થાનાંતર કરવું પડે. આ લાસ્ટ ઓપ્શન છે ! આ વાત હું એમને કહી શકું તેમ ન હતો એટલે મેં તમને બોલાવેલા. " ડોક્ટર બોલ્યા.

" ઠીક છે. હવે આમાં તમે પણ શું કરી શકો ? જોઈએ હવે. ચાલો રજા લઉં " કહીને મંથન ઉભો થયો અને બહાર નીકળી ગયો.

એણે મોબાઇલમાં જોયું તો સાંજના ૬:૩૦ વાગ્યા હતા. એણે સદાશિવને ગાડી ફરી અદિતિ ટાવર્સમાં લેવાની સૂચના આપી.

ત્યાં પહોંચીને એ સીધો બી ટાવરની લિફ્ટ પાસે ગયો અને પાંચમા માળે જવા માટે બટન દબાવ્યું.

૫૦૧ નંબરના ફ્લેટ પાસે જઈને એણે ડોરબેલ વગાડ્યો. શીતલે દરવાજો ખોલ્યો. મંથનને જોઈને એ આશ્ચર્ય પામી ગઈ. એ લોકો રહેવા આવ્યા પછી ક્યારે પણ મંથન આવ્યો ન હતો.

" આવો સર. તમે તો એકદમ સરપ્રાઈઝ આપ્યું. " શીતલ બોલી અને ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેસવાનો ઇશારો કર્યો.

મંથનના અદિતિ સાથે લગ્ન થઈ ગયા પછી શીતલે સંબોધન બદલી નાખ્યું હતું. મંથન હવે મુંબઈનો જાણીતો બિલ્ડર હતો અને એના થકી શીતલને લાખોની પ્રેક્ટિસ ચાલુ થઈ હતી એટલે મંથન એના બૉસ જેવો હતો. એણે જીજુ ના બદલે હવે સર કહેવાનું ચાલુ કર્યું હતું.

" અરે દીદી મંથન સર આવ્યા છે. " શીતલે બૂમ પાડી અને પોતે પાણી લેવા માટે ગઈ.

કેતા કિચનમાંથી બહાર આવી. એ સાંજની રસોઈની તૈયારી કરી રહી હતી. મમ્મી બેડરૂમમાં સૂતી હતી.

" અરે તમે આવ્યા છો ? ભલા આજે આ બાજુ ભૂલા પડ્યા !! " કેતા બોલી.

" અરે એક પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે મારે તને મળવા માટે આવવું પડ્યું. " મંથન પાણી પીને બોલ્યો.

" એવો તો શું પ્રોબ્લેમ થયો છે કે મારી જરૂર પડી ? " કેતા બોલી. એને કંઈ સમજાયું નહીં.

" મારે તને માંડીને બધી વિગતવાર વાત કરવી પડશે. તું સોફા ઉપર સામે બેસ." મંથન બોલ્યો એટલે કેતા એની સામે સોફા ઉપર બેઠી. બાજુમાં શીતલ પણ બેઠી.

" અમારા લગ્નને એક વર્ષ થઈ ગયું તેમ છતાં અદિતિને પ્રેગ્નન્સી નથી આવતી એટલે એ થોડાક મહિનાથી બોરીવલી ચંદાવરકર રોડ ઉપર ગાયનેક ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવે છે. હોર્મોન્સનાં ઇન્જેક્શન લીધાં એટલે હવે તો એનું ગર્ભાશય નોર્મલ થયું છે પરંતુ ડોક્ટરને મારી સાથે કંઈક વાત કરવી હશે એટલે એણે અદિતિને કહ્યું કે હવે નેક્સ્ટ ટાઈમ તમારા મિસ્ટરને સાથે લઈને આવજો " મંથન બોલ્યો.

" હમ્...." કેતા ધ્યાનથી સાંભળી રહી હતી.

"આજે સાંજે ચાર વાગે હું અને અદિતિ ડોક્ટરની ચેમ્બરમાં ગયાં એટલે ડોક્ટર મને તરત ઓળખી ગયા. આ એ જ ડોક્ટર હતા કેતા જેના ત્યાં તારું એબોર્શન કરવા આપણે ગયેલાં. અદિતિએ ડોક્ટરને મારી ઓળખાણ કરાવી તો ડોક્ટર બોલી ગયા કે એમને તો હું ઓળખું છું. એ પહેલાં પણ એક યુવતીનું એબોર્શન કરાવવા દોઢ વર્ષ પહેલાં આવી ગયા છે." મંથન બોલ્યો.

" અરે બાપ રે !! પછી ? " કેતા ચિંતામાં પડી ગઈ.

"અદિતિના માથે તો જાણે વીજળી પડી. એને જબરદસ્ત શૉક લાગ્યો. એ ઊભી થઈને સીધી ઘરે જતી રહી. હું પણ પાછળ ને પાછળ ગયો પરંતુ એણે તો બેડરૂમનો દરવાજો જ અંદરથી બંધ કરી દીધેલો. એની મમ્મીએ દરવાજા પાસે ઊભા રહીને એને ઘણી સમજાવી પરંતુ એ તો રડી રહી હતી. હું તો એ પછી નીકળી ગયો. હવે એને સમજાવવા તારે જ મારી મદદે આવવું પડશે કેતા. સત્યની તું એક માત્ર સાક્ષી છે. " મંથન બોલ્યો.

" તમારા માટે હું ગમે તે કરવા તૈયાર છું. તમે તમારું ટેન્શન હવે છોડી દો. તમારા મનમાં કોઈ પાપ નથી. તમે નિર્દોષ છો પછી ગભરાવાની કોઈ જરૂર નથી. ઈશ્વર તમારી સાથે છે. " કેતા બોલી.

" દીદી તો ચોક્કસ આવશે પરંતુ ડોક્ટરે આવી વાત કરવાની જરૂર શું હતી ? એને ભાન નથી કે કોઈની પત્નીની સામે આવી વાત ના કરાય ? અદિતિની જગ્યાએ કોઈ પણ હોય તો પણ આવું જ રિએક્શન આવે. " શીતલ સહેજ ગુસ્સાથી બોલી.

" ચાલો જે થયું તે. હવે વાત કરી જ દીધી છે તો પછી મારે અદિતિની શંકા દૂર કરવી જ પડશે. અત્યારે જ નીકળવું છે ? " કેતા બોલી.

" હા. ૧૦ ૧૫ મિનિટમાં નીકળીએ. સાત વાગે ઝાલા અંકલ પણ ઘરે આવી જાય છે એટલે સાડા સાત વાગ્યાની ગણતરી રાખીને આપણે નીકળીએ. એમની હાજરીમાં જ બધા ખુલાસા થાય એ વધુ યોગ્ય રહેશે. " મંથન બોલ્યો.

" તમે પહેલીવાર મારા ઘરે આવ્યા છો તો શું લેશો ? ચા ફાવશે કે કોલ્ડ્રીંક્સ ? નાસ્તાની ઈચ્છા હોય તો પણ તમારું જ ઘર છે. બટેટાપૌંઆ બનાવી દઉં. " કેતા બોલી.

" ઠીક છે બટેટાપૌંઆ જ બનાવી દે. ભૂખ તો નથી લાગી પરંતુ પેટમાં કંઈક નાખવાની ઈચ્છા છે. " મંથન બોલ્યો.

" દીદી ત્યાં સુધીમાં તમે કપડાં બદલી લો. હું જ બનાવી દઉં છું." કહીને શીતલ સીધી કિચનમાં ગઈ.

દસેક મિનિટમાં જ બટેટાપૌંઆની ડીશ લઈને શીતલ આવી. એની પાછળ પાછળ કેતા પણ તૈયાર થઈને એના બેડરૂમમાંથી બહાર આવી.

" સુપર્બ ! બટેટાપૌંઆ દાળઢોકળી અને થેપલાંની એ ખાસિયત છે કે દરેક ઘરનો અને દરેક ગુજરાતી સ્ત્રીના હાથનો ટેસ્ટ અલગ જ હોય !!" મંથન બટેટાપૌંઆ ચાખીને બોલ્યો.

" અમારી આ શીતલ રસોઈ સરસ બનાવે છે. તમને ક્યાં કદી ટાઈમ મળે છે જમવા આવવાનો ? " કેતા બોલી.

" ના ખરેખર ટેસ્ટી ડીશ બનાવી છે. " મંથન બોલ્યો.

" થેન્ક્સ..." શીતલ બોલી.

" ચાલો હવે આપણે જઈએ. " મંથન બોલ્યો અને ઉભો થયો.

" મમ્મીને હજુ ખબર નથી લાગતી કે તમે આવ્યા છો. દરવાજો બંધ રાખે એટલે બહાર શું ચાલે છે એની કંઈ ખબર ના પડે. " કેતા બોલી.

" મમ્મીને ફરી ક્યારેક મળીશ. અત્યારે આપણે નીકળી જઈએ. " મંથન બોલ્યો અને બહાર નીકળ્યો. કેતા પણ એની પાછળ પાછળ લિફ્ટ પાસે ગઈ.

પંદરેક મિનિટમાં તો એ લોકો મયુર ટાવર પહોંચી ગયાં.

ડોરબેલ વાગી એટલે ઝાલા અંકલ પોતે જ ઊઠીને દરવાજો ખોલવા આવ્યા. સામે મંથન અને કેતા ઉભાં હતાં.

મંથને જોયું કે ડ્રોઈંગ રૂમમાં અદિતિની ગેરહાજરી હતી. એ હજુ બેડરૂમમાં જ હશે એમ મંથને માની લીધું. મંથન જઈને સોફા ઉપર બેઠો અને એણે કેતાને પણ બેસવાનું કહ્યું.

"પપ્પા તમને મમ્મી એ બધી વાત કરી જ હશે. અદિતિએ બહુ મોટી ગેરસમજ કરી છે. એણે મને સાંભળવાની તક જ નથી આપી. તમે પ્લીઝ એને બહાર બોલાવો તો મારી સચ્ચાઈ હું એને બતાવું. " મંથન બોલ્યો.

ઝાલાસાહેબ મંથનને બહુ સારી રીતે ઓળખતા હતા કે મંથન ક્યારે પણ ખોટું ના બોલે. વળી અત્યારે જમાઈ મુંબઈના એક જાણીતા બિલ્ડર બની ચૂક્યા હતા. એમનું રિસ્પેક્ટ રાખવું જ પડે. પોતાની દીકરીનું લગ્નજીવન જલ્દી થાળે પાડવું જ પડે. આ રીતે રિસાઈને એ કાયમ માટે મમ્મી પપ્પાના ઘરે રહે એ યોગ્ય નથી.

ઝાલા સાહેબ ઊભા થઈને બેડરૂમમાં ગયા. બેડરૂમનો દરવાજો ખાલી આડો કરેલો હતો.

" બેટા મંથન કુમાર આવ્યા છે. એ તારા હસબન્ડ છે. તારે એમને એકવાર સાંભળવા જ જોઈએ. તું એમને આટલો બધો પ્રેમ કરે છે. તું આટલી ડાહી દીકરી થઈને પૂરી વાત સમજ્યા વિના આ રીતે રિસાઈ જાય એ યોગ્ય નથી. એમની સાથે કોઈ યુવતી પણ આવી છે. તુ જલ્દી ફ્રેશ થઈને બહાર આવી જા. " કહીને ઝાલા બહાર નીકળી ગયા.

દસેક મિનિટમાં ગંભીર ચહેરે અદિતિ બહાર આવી અને સોફાની બાજુમાં રાખેલી ખુરશીમાં બેઠી. એણે કેતા સામે જોયું. એ તરત ઓળખી ગઈ કે આ કેતા છે જે એક દિવસ જમવા માટે એની બહેન શીતલ સાથે આવી હતી.

એણે બે હાથ જોડી નમસ્કાર કર્યાં. અત્યારે એ મહેમાન તરીકે આવી હતી એટલે અદિતિ વિવેક ના ચુકી.

" અદિતિ બેન તમે તો મને ઓળખી ગયાં જ હશો. મારું નામ કેતા ઝવેરી છે. મૂળ તો હું નડિયાદની છું પરંતુ તમારી સ્કીમમાં મેં ફ્લેટ લીધો છે અને અત્યારે અદિતિ ટાવર્સ માં જ રહું છું. મારે અહીં એટલા માટે આવવું પડ્યું કે ડૉ. ચિતલેએ જેનું એબોર્શન કરેલું એ હું જ હતી. તમારા પતિ તો દેવપુરુષ છે. તમે દોઢ વર્ષમાં પણ એમને ના ઓળખી શક્યાં ? " કેતાએ અદિતિ ઉપર સીધો મર્માઘાત કર્યો.

" અમારો પરિચય તો માત્ર એક જ દિવસનો હતો. છતાં હું એમને ઓળખી ગઈ કે આ માણસ કળિયુગનો નથી. કોઈના પ્રેમમાં હું ફસાઈ ગઈ હતી. કુંવારી પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. અમારી મુલાકાત ટ્રેનમાં થઈ હતી. એ પણ મુંબઈ આવી રહ્યા હતા. મને આટલી બધી ટેન્શનમાં જોઈને એમણે મને પૂછ્યું એટલે મેં એમને બધી વાત કરી." કેતા બોલી રહી હતી. અદિતિની સાથે સાથે ઝાલા સાહેબ અને સરયૂબા પણ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

" મુંબઈમાં હું પહેલીવાર આવતી હતી. પેલા હરામીએ મુલુંડનું કોઈ એડ્રેસ આપ્યું હતું. મુલુંડ કેવી રીતે જવાય એની પણ મને કોઈ જ ગતાગમ ન હતી. સવાર સવારમાં હું એકલી મુંબઈમાં ક્યાં રખડીશ એટલે સરે મારી દયા ખાઈને બોરીવલીની એક હોટેલમાં મને રૂમ લઈ આપ્યો. " કેતા બોલી.

" સાંજે ચાર વાગે એ ફરી હોટલ ઉપર આવ્યા અને પોતાનો સમય બગાડીને મને મુલુંડ લઈ ગયા. પેલાએ એડ્રેસ જ ખોટું આપ્યું હતું. ત્યાં તો બીજું જ કોઈ ફેમિલી રહેતું હતું. અમને ધક્કો પડ્યો. પેલાએ એના મોબાઈલ નંબર પણ બદલી નાખ્યા હતા. આવી હાલતમાં હું નડિયાદ પાછી જઈ શકું એમ ન હતી. મને તો આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. એમણે મને બહુ સમજાવી. છેવટે મેં એમને કોઈ ગાયનેક ડોક્ટર શોધી કાઢવા ખૂબ જ વિનંતી કરી. " કેતા બોલતી હતી.

" એ પણ મુંબઈમાં નવા હતા. ગૂગલ માં સર્ચ કરીને બોરીવલીનું જ એક ક્લિનિક શોધી કાઢ્યું અને મને ત્યાં લઈ ગયા. ડોક્ટરને એમણે મારી પરિસ્થિતિ સમજાવી અને એબોર્શન માટે વિનંતી કરી. ડોક્ટરે અમને બીજા દિવસે સવારે આવવાનું કહ્યું એટલે હું રાત હોટલમાં રોકાઈ. " કેતા બોલી.

" બીજા દિવસે સવારે આવીને એ મને ક્લિનિક ઉપર લઈ ગયા અને મારું એબોર્શન પણ થઈ ગયું. એ તો નીકળી ગયા હતા એટલે ક્લિનિકની નર્સ મને હોટલ ઉપર મૂકી ગઈ. સાંજે એ મને મળવા આવ્યા અને બીજા દિવસની મારી નડિયાદ સુધીની શતાબ્દીની ટિકિટ બુક કરી આપી. " કેતા બોલતી હતી.

" હું ખોટું નહીં બોલું પરંતુ મારા માટેની આટલી બધી લાગણી જોઈને હું એમની તરફ આકર્ષાઈ અને મેં એમને મારી નજીક બેસવા આમંત્રણ આપ્યું પરંતુ હોટલના એકાંતમાં પણ એ દૂર જ રહ્યા. એમણે મારો કોઈ જ ગેરલાભ ન લીધો ! એક અંતર રાખીને જ એ વાત કરતા હતા. " કેતા આવેશમાં આવીને બોલતી હતી.

" કેટલા જન્મનાં પૂણ્ય કર્યા હોય ત્યારે આવા પતિ મળે અદિતિ બેન. માફ કરજો પણ માત્ર ડોક્ટરની વાત સાંભળીને તમને એમના ચારિત્ર્ય ઉપર શંકા આવી એ તમારા પ્રેમની કચાશ છે. એ અત્યારે મારા ઘરે મને મળવા માટે આવ્યા ત્યારે એમની વાત સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો કે મારા કારણે તમારા લગ્ન જીવનમાં કડવાશ પેદા થઈ. " કહેતાં કહેતાં કેતાની આંખો ઉભરાઈ આવી અને ગળે ડૂમો ભરાઈ ગયો.

સરયૂબા તરત જ ઊભાં થઈને પાણીના બે ગ્લાસ લઈ આવ્યાં. કારણ કે અદિતિ પણ રડી રહી હતી.

" તમને હજુ પણ શંકા હોય તો કાલે સવારે મારી સાથે મુલુંડ આવી શકો છો. અમે જે ઘરે ગયાં હતાં એ બેનને પણ મારી આખી સ્ટોરી ખબર છે. એ પણ સરનાં વખાણ કરતાં હતાં કે આ જમાનામાં કોણ કોઈના માટે થઈને આટલી દોડાદોડી કરે ? " પાણી પીને થોડી સ્વસ્થ થઈ કેતા બોલી.

" અમારે એવી કોઈ જ તપાસ કરવી નથી. અમને તારી વાત ઉપર વિશ્વાસ છે બેટા અને અમારા જમાઈ ઉપર પણ વિશ્વાસ છે. અદિતિ થોડી નાદાન છે અને થોડી પઝેસીવ છે એટલે એણે વધારે પડતું રિએક્શન આપ્યું. એ પોતે પણ મંથનકુમાર ને ખૂબ જ પ્રેમ કરે છે. તારી વાતમાં સચ્ચાઈ છે એ તો ખ્યાલ આવી જ જાય છે. " ઝાલા બોલ્યા.

" મને માફ કરી દો મંથન ! " અદિતિ રડતાં રડતાં એટલું જ બોલી શકી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)