Varasdaar - 50 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 50

વારસદાર પ્રકરણ 50

કેતા ઝવેરી શીતલને લઈને મંથનના ઘરે સુંદરનગર ગઈ ત્યારે એ માત્ર અદિતિને મળવા અને મંથનનો સંસાર ફરી નોર્મલ થયો કે નહીં એ જોવા જ ગઈ હતી. પરંતુ ત્યાં ગયા પછી અદિતિએ જે વાત કરી અને મંથને સરોગેટ મધર બનવા માટે સારું પાત્ર મળે તો જ સંતાન માટે વિચારવું એવું જે કહ્યું એ પછી કેતાએ તરત જ નિર્ણય લઈ લીધો હતો.

મંથનનું પોતાના માથે બહુ મોટું ઋણ હતું. એક તો એણે સાથે રહીને એના ગર્ભપાત કરાવવામાં મદદ કરી એની જિંદગી બચાવી હતી. બીજું પોતાના પરિવારને બોરીવલી શિફ્ટ કરી અઢી કરોડનો ફ્લેટ ગિફ્ટ આપ્યો હતો.

આ ઋણને ચૂકવવાનો આ એક સરસ મોકો હતો. આમ પણ એ મનોમન મંથનને ચાહતી હતી પરંતુ એનો પ્રેમ મીરાં જેવો હતો. મંથનના બાળકની સરોગેટ મધર બનવાથી મંથન સાથે એનો કાયમી અંગત સંબંધ બંધાતો હતો. એના માટે આ એક સૌભાગ્યની વાત હતી. એટલે જ એણે તરત જ નિર્ણય લઇ લીધો અને અદિતિની પાછળ ને પાછળ કિચનમાં ગઈ અને
પોતાના મનની વાત એણે અદિતિને કરી દીધી.

કેતાની વાત સાંભળીને અદિતિ આશ્ચર્ય પામી ગઈ. કેતાએ બહુ મોટી વાત કરી દીધી હતી. અદિતિ એ જાણતી હતી કે કેતાબેને એકવાર ગર્ભપાત કરાવેલો હતો. પરંતુ આજના સમાજમાં આવું તો ઘણીવાર બનતું હોય છે. આવા પાત્રને સ્વીકારનાર કોઈને કોઈ તો મળી જ આવે છે. અને એ પોતે ખૂબસૂરત પણ હતાં !

છતાં પોતાના ભાવિનો વિચાર કર્યા વગર એ આટલો મોટો ભોગ આપવા તૈયાર થઈ ગયાં. અને એમને બદલામાં કોઈ જ લાલચ ન હતી. અદિતિ કેતાના વિચારોમાં ચડી ગઈ હતી.

શીતલ માટે એક સરસ મુરતિયો શોધ્યો છે એવી મંથનની વાત સાંભળીને કેતા શીતલને સમજાવી રહી હતી. શીતલની પણ હવે લગ્નની ઉંમર થઈ ગઈ હતી અને કેતાને માથે મોટી બહેન તરીકે એને પરણાવવાની જવાબદારી હતી.

કેતાને ખાતરી હતી કે મંથન હંમેશા શીતલનું સારું જ ઈચ્છતા હતા. એમણે જ મુંબઈ લાવીને એની લાખોની પ્રેક્ટિસ ચાલુ કરાવી દીધી હતી.

" સરે તારા માટે કોઈ પાત્ર શોધ્યું હોય તો એ સરસ જ હોય ! આંખ બંધ કરીને હા પાડી દેવાની શીતલ. મુરતિયો જોવાની પણ જરૂર ના હોય. " કેતા બોલી.

" વાહ કેતાબેન ! મંથન ઉપર કેટલો બધો વિશ્વાસ છે તમારો. જેમ જેમ તમને જાણું છું એમ મારા મનમાં તમારા પ્રત્યે આદરભાવ જાગતો જાય છે." અદિતિ બોલી.

અદિતિને પણ વાતમાં રસ પડ્યો હતો. એ પાત્ર કોણ છે એ જાણવા એ પણ અધીરી થઈ ગઈ હતી.

" હા પણ તમે એ પાત્ર કોણ છે એ તો વાત કરો !! " અદિતિ બોલી.

" હમણાં જ કેતાએ સર્ટીફીકેટ આપી દીધું છે. હું પસંદ કરું પછી કંઈ જોવાનું જ ના હોય. સો ટચનું સોનુ છે. મારો અંગત મિત્ર છે. " મંથન બોલ્યો.

" એ નામ નહીં આપે શીતલબેન. એમને હું ઓળખું ને ! તમે હા પાડો પછી જ એ ઠામ ઠેકાણું આપશે. " અદિતિ બોલી.

" સર હું સાચું કહું ને તો અત્યારે મારી લગ્ન કરવાની ખરેખર કોઈ ઈચ્છા નથી. એક પાત્ર હતું પરંતુ કિસ્મતે સાથ ના આપ્યો. મારા મનને હું બીજે વાળી શકતી નથી. " શીતલ બોલી.

" તું આવી વાતો ના કર શીતલ. તું યુવાન છે. લગ્ન માટેનો આ યોગ્ય સમય છે. મનગમતું પાત્ર મળવું ના મળવું એ તો પ્રારબ્ધના ખેલ છે. સર તારા માટે આટલું બધું વિચારે છે તો તારે એકવાર એ પાત્ર વિશે જાણવું તો જોઈએ જ." કેતા બોલી.

" ઠીક છે. હું સરનું રિસ્પેક્ટ કરું છું એટલે ના નથી પાડતી. પરંતુ પાત્ર જોયા પછી જ હું લગ્નનો નિર્ણય લઈશ. " શીતલ બોલી.

" યે હુઈ ના બાત !! ઉપરવાળાએ એની સાથે જ તારાં લગ્ન ફિક્સ કરી દીધાં છે. તારે તો ખાલી એને જોવાની ફોર્માલિટી જ કરવાની છે શીતલ. " મંથન હસીને બોલ્યો.

મંથનની આવી અકળ વાત સાંભળીને કેતા અને અદિતિ બંનેને આશ્ચર્ય થયું. ઉપરવાળાએ લગ્ન ફિક્સ કરી દીધાં છે એવું મંથન કેમ બોલ્યા ? પરંતુ આ રહસ્ય મંથન જ જાણતો હતો.

શીતલને લગ્નની પ્રપોઝલ આપી ત્યારે મંથનના માનસમાં રાજન દેસાઈ જ રમતો હતો ! ગુરુજીએ જ રાજનને લગ્ન કરી લેવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે એના લગ્નનો ઉકેલ મંથન પાસે છે. મંથન જ નિમિત્ત બનશે. ગયા જન્મનો બેઉનો સંબંધ હતો એવું પણ ગુરુજીએ કહેલું.

" એ પાત્રને તું ઓળખે છે. એ પાત્ર તરફ તારી નાદાન ઉંમરમાં તું એકવાર આકર્ષાઈ પણ હતી. એનું નામ રાજન દેસાઈ છે. શ્રીમંત ઘરનો મુરતિયો છે અને મુંબઈમાં ડાયમંડનો બિઝનેસ છે." મંથન બોલ્યો અને શીતલ અવાક થઈ ગઈ.

શીતલ અવાક એટલા માટે થઈ કે એ નડિયાદ જ્યારે મિતાલીના ઘરે જતી હતી ત્યારે કસરતી શરીરવાળો એનો હેન્ડસમ ભાઈ રાજન એને ગમી ગયો હતો. ક્યારેક ક્યારેક કોઈ વિષય ન સમજાતો હોય ત્યારે જોડે બેસીને રાજન એને ટ્યુશન પણ આપતો હતો. જોકે એણે ક્યારે પણ રાજનને પોતાના દિલની વાત કરી ન હતી તો પછી મંથન સરને કેવી રીતે ખબર ?

શીતલ જ શું કામ ખુદ મંથનને જ નવાઈ લાગી કે પોતે આવું કઈ રીતે બોલી ગયો !! આવી તો કોઈ વાત રાજને પણ નહોતી કરી.

" સર તમને આ બધી ખબર કેવી રીતે પડી ? મેં તો મારા મનની વાત રાજનને પણ ક્યારેય કળાવા દીધી નથી. નાદાન ઉંમરનું મારું એક તરફી ખેંચાણ હતું. " શીતલ આશ્ચર્યથી બોલી.

" હું ઘણું બધું જોઈ શકું છું શીતલ અને એટલા માટે જ મેં તને કહ્યું કે તારા લગ્ન ઉપરવાળાએ ફિક્સ કરી દીધાં છે. તારે તો એને જોવાની માત્ર ફોર્માલિટી જ કરવાની છે." મંથન હસીને બોલ્યો.

" વાહ !! સર તમે ખરેખર રહસ્યમય છો. તમે હવે નક્કી જ કરી દીધું છે તો મારે કંઈ જ કહેવાનું નથી. " શીતલે છેવટે પોતાનાં હથિયાર હેઠાં મૂકી દીધાં.

કેતાને મંથનની વાતથી ખૂબ જ આશ્ચર્ય થયું. કેતા મિતાલીના ભાઈ તરીકે રાજનને ઓળખતી હતી. એ ખૂબસૂરત યુવક હતો એ પણ એને ખબર હતી. શીતલ એના તરફ આકર્ષાઈ હતી એ એને હજુ સુધી ખબર નહોતી. સહુથી મોટું આશ્ચર્ય તો એ હતું કે મંથન રાજન દેસાઈને કઈ રીતે ઓળખતા હશે !!

" હું હવે રાજન સાથે વાત કરીને તમારી મીટીંગ ગોઠવી દઉં છું. મેં તને કહ્યું તેમ માત્ર ફોર્માલિટી જ કરવાની છે. રાજનની પણ હા જ છે. " મંથન બોલ્યો.

શીતલને રાજન ગમતો જ હતો અને મંથન જ્યારે કહ્યું કે રાજનની પણ હા છે ત્યારે મનોમન એ રોમાંચિત થઈ ઉઠી.

એ પછી આડી અવળી વાતો કરીને બંને બહેનોએ મંથનનો ફરી આભાર માન્યો અને વિદાય લીધી.

કેતાની વાત સાંભળીને અદિતિ ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી. આશાનું એક મોટું કિરણ પ્રગટ થયું હતું. જો મંથન આ વાત સ્વીકારે તો સરોગેટ મધરનો પ્રશ્ન હલ થઈ જતો હતો. પરંતુ મંથન કેતાબેન માટે હા પાડશે ? એ એક યક્ષ પ્રશ્ન હતો !

એ રાત્રે જ અદિતિએ મંથન આગળ એ વાત છેડી. કેતાબેન જ્યારે તૈયાર થઈ ગયાં છે ત્યારે હવે વિલંબ કરવાની કોઈ જરૂર નથી. લગ્નને પોણા બે વર્ષ થઈ ગયાં છે અને મમ્મી પપ્પાની પણ તીવ્ર ઈચ્છા છે.

" મંથન હવે સંતાન જન્મની તૈયારી કરો. ડોક્ટર પાસેથી આઈવીએફ માટે ડેટ લેવી પડશે. મને અઠવાડિયામાં પિરિયડ આવી જશે એ પછી દસ દિવસ છોડીને કોઈ ડેટ લેવી પડશે. સરોગેટ મધર માટે એક સરસ પાત્ર મને મળી ગયું છે. " અદિતીએ એકદમ જ ધડાકો કર્યો.

" અરે અદિતિ અચાનક તને શું થઈ ગયું ? હજુ સુધી તો સરોગેટ મધર માટે કોઈ સંસ્કારી ખાનદાન પાત્ર આપણને મળ્યું નથી. અચાનક તારા ઉપર કોઈનો ફોન આવ્યો ? કે પછી તેં મારાથી છાના માના તપાસ કરીને કોઈ પાત્ર શોધી કાઢ્યું ? " મંથન બોલ્યો. એને અદિતિની વાતથી આશ્ચર્ય થયું હતું.

" પાત્ર સામે ચાલીને આવ્યું છે સાહેબ. અને એવું પાત્ર છે કે તમે પોતે પણ એના માટે ના નહીં પાડો. સંસ્કારી છે ખાનદાન છે અને દેખાવડાં પણ છે. બસ તમે પપ્પા બનવાની તૈયારી કરો. " અદિતિ હસીને બોલી.

" ઓકે બાબા... પરંતુ હવે તો મગનું નામ મરી પાડો !! મને નામ તો આપો." મંથન પણ હસીને બોલ્યો.

" કેતાબેન ઝવેરી ! " અદિતિ મંથનની આંખોમાં આંખો પરોવીને બોલી.

"વ્હોટ ! " મંથન એકદમ ચમકી ગયો.

" હા મંથન. એટલા માટે જ એ મારી પાછળ ને પાછળ કિચનમાં આવ્યાં હતાં. મને કહે કે હું સરોગેટ મધર બનવા તૈયાર છું. મારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી. તમે ડોક્ટરની અપોઈન્ટમેન્ટ લઈ લો. " અદિતિ બોલી.

" અરે અદિતિ એ લાગણીમાં આવીને ભલે તૈયાર થઈ ગઈ પરંતુ આપણાથી એનો ઉપયોગ ના કરાય. હજુ તો એ ભરયુવાન છે. એનાં લગ્ન પણ બાકી છે. ગર્ભપાત કરાવ્યો તેથી શું થઈ ગયું? આજના જમાનામાં ઘણાં પાત્રો આવી બધી બાબતોને ઇગ્નોર કરતાં હોય છે. એણે એની ખાનદાની બતાવી તો આપણે આપણી ખાનદાની પણ બતાવવી જોઈએ. " મંથન બોલ્યો.

મંથનની વાત સાંભળીને અદિતિ નિરાશ થઈ ગઈ. છેક કિનારે આવેલું વહાણ ડૂબતું હોય એવો અહેસાસ થયો. મંથન હંમેશા બીજાનો જ વિચાર કરતા હોય છે. કેતાબેન બિચારા તૈયાર છે તો પણ મંથન ના પાડી રહ્યા છે.

એ પછી અદિતિ કંઈ બોલી નહીં એ પડખું ફેરવીને સૂઈ ગઈ. પરંતુ મંથનને એમ ઊંઘ આવે એવી ન હતી. એ વિચારોમાં ચડી ગયો.

કેતાને તો હજુ આજે જ અદિતીએ ગર્ભાશયના પ્રોબ્લેમની વાત કરી છે તો અચાનક જ એણે આવો નિર્ણય લઈ લીધો ? એણે પોતાના ભવિષ્ય વિશે જરા પણ વિચાર ના કર્યો ? એની મમ્મી એને હા પાડશે ? અને મેં એના માટે અને એની ફેમિલી માટે જે પણ કર્યું છે. એની સામે પોતાની જિંદગીનું બલિદાન ?

મારે કેતાને એકવાર મળવું જ પડશે. અને એને સમજાવવી જ પડશે. લાગણીમાં આવીને એ આ પગલું ભરી રહી છે. પરંતુ મારે તો વિચાર કરવો જોઈએ ને !

" તું ટેન્શનમાં ના આવી જઈશ. શાંતિથી સૂઈ જા. હું એકદમ કેતા માટે હા ન પાડી શકું. મારે એકવાર એની સાથે ચર્ચા કરવી પડે. એ પછી જ હું નિર્ણય લઈ શકું. " મંથને કહ્યું અને પછી એ સૂઈ ગયો.

મંથને બીજા દિવસે જ કેતાને મળવાનું નક્કી કર્યું. ઓફિસેથી જ એણે ત્રણ વાગે કેતાને ફોન કર્યો અને ચાર વાગે નીકળી પાંચ વાગે બોરીવલી અદિતિ ટાવર્સ પહોંચી ગયો.

" મને ખાતરી જ હતી કે તમે મને મળવા આવશો જ. પરંતુ મારો નિર્ણય એકદમ ફાઇનલ છે સર. "

મંથન સોફા ઉપર બેઠો પછી પાણીનો ગ્લાસ આપીને કેતાએ વાત શરૂ કરી.

" અરે પણ કેતા તારી આખી જિંદગીનો સવાલ છે. લગ્ન કરવાની તારી ઉંમર છે અને કોઈને કોઈ પાત્ર તને મળી જ આવશે. એબોર્શન આજના સમાજમાં કંઈ મોટો ગુનો નથી ગણાતું. અને હું તો કહું છું કે તારે એબોર્શનને ભૂલી જ જવાનું. બહુ સત્યવાદી બનવાની જરૂર નથી. સરોગેટ મધર બન્યા પછી લગ્નના દરવાજા તારા માટે બંધ થઈ જશે એનું કંઈ ભાન છે ? " મંથન બોલ્યો.

" મારા દિલની વાત તમે નહીં સમજી શકો સર. બધું વિચાર્યા પછી જ મેં નિર્ણય લીધો છે. મેં તમને દિલથી પ્રેમ કર્યો છે. તમે આ જીવનમાં મને મળો કે ના મળો પણ મનોમન મેં તમને મારા પોતાના માની લીધા છે. અને આ દિલમાં હવે બીજા કોઈના માટે કોઈ સ્થાન નથી. તમે ગમે તેટલું સમજાવશો તો પણ આ બાબતમાં હું કંઈ પણ સાંભળવાની નથી. તમારા બાળકની મા બનવાની તક ઈશ્વર જ મને આપી રહ્યો છે એવું હું તો સમજુ છું. " કેતા બોલી.

" તું વધુ પડતી ઈમોશનલ થઈ ગઈ છે કેતા. જિંદગી આમને આમ એકલા જીવાતી નથી. શીતલ તો કાલે પરણીને સાસરે જતી રહેશે. મમ્મી પણ હવે કેટલાં વર્ષ ? એટલે તું આવેશમાં આવીને આવો કોઈ નિર્ણય ના લઈશ. તારા નિર્ણયનો હું આદર કરું છું પરંતુ તને મારા માટે આટલો મોટો ભોગ હું નહીં આપવા દઉં. " મંથન બોલ્યો.

" મારો નિર્ણય અફર છે સર. અને ગઈકાલે રાત્રે મમ્મી સાથે પણ મારે વાત થઈ ગઈ છે. શરૂઆતમાં મમ્મી તૈયાર ન હતી પરંતુ મેં એને સમજાવી દીધી છે. તમે જે મારા પરિવાર માટે કર્યું છે એ બધી વાત મેં એને કરી. એટલે એણે પણ મને હા પાડી દીધી છે." કેતા બોલી.

"શીતલને ઘરે આવીને મેં જ્યારે વાત કરી ત્યારે એણે મારી સાથે ઘણી દલીલો કરી. પરંતુ મેં એને કન્વીન્સ કરી દીધી. મારામાં અને એનામાં ઘણો ફરક છે સર. એ થોડી વધુ પ્રેક્ટીકલ છે જ્યારે મારામાં માત્ર સમર્પિત ભાવ છે. એ બુદ્ધિથી વિચારે છે હું દિલથી વિચારું છું. તમે હવે આ બાબતમાં કોઈ જ ચર્ચા ના કરશો. તમે અને અદિતિબેન ડોક્ટરની તારીખ લઈ લો. તમે જ્યારે પણ બોલાવશો ત્યારે હું ક્લિનિક ઉપર હાજર થઈ જઈશ." કેતા એકી શ્વાસે બોલી ગઈ.

" કેતા હું તને શું કહું ? મારી પાસે કોઈ શબ્દો જ નથી. " મંથન બોલ્યો.

" તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી સર. જે પોતાના હોય એનો આભાર માનવાનો ના હોય. તમારા ઘરમાં રમતું બાળક મારું પણ બાળક હશે એ વિચારથી જ હું રોમાંચિત થઈ જાઉં છું. એ બધી વાતો છોડો. બોલો હવે ચા પીશો કે ઠંડુ ? બધી જ વ્યવસ્થા છે. આઈસ્ક્રીમ પણ ફ્રિજમાં છે. " કેતા બોલી.

" તેં મને ખરેખર ચૂપ કરી દીધો છે. આ જનમમાં તો જોડાઈ ના શક્યાં પરંતુ મને લાગે છે કે આવતા જન્મમાં આપણે એકબીજાનાં ચોક્કસ થઈશું કેતા. આ એક બહુ મોટો ઋણાનુબંધ છે. ટ્રેનમાં અચાનક મળ્યાં એની પાછળ પણ ઈશ્વરનું કેટલું મોટું પ્લાનિંગ હશે !! " મંથન બોલ્યો.

" તમારી વાત સાચી છે. ઋણાનુબંધ તો જબરદસ્ત છે. હું તમને કહી શકતી નથી. હવે મને કહો શું લઈ આવું તમારા માટે ? " કેતા બોલી.

" ઉનાળાની સિઝન છે. કોલ્ડ્રીંક્સ જ આપી દે " મંથને કહ્યું.

અને કોલ્ડ્રીંક્સના ઘૂંટડે ઘૂંટડે મંથન કેતાની લાગણીઓની મીઠાશ માણી રહ્યો હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)