Khuni Khel - 1 books and stories free download online pdf in Gujarati

ખૂની ખેલ - 1

પ્રકરણ ૧


નાનપણથી જ પરિધિ હસમુખી અને બોલકી હતી. કોઈને પણ મળે થોડી જ ક્ષણોમાં એ સામેની વ્યક્તિનું દિલ જીતી લેતી. તેના હાસ્યમાં અને તેની નજરમાં એક જાતનું સંમોહન હતું. તેનામાં એક અદભુત વાક્છટા હતી, જે સામેની વ્યક્તિને મીનીટોમાં કન્વીન્સ કરી દેતી! જેને મળતી તેને બધાંને પોતાનાં બનાવી દેતી! આજે તેની પહેલી જોબનો ઈન્ટરવવ્યુ હતો. તે એકદમ એક્સાઈટેડ હતી. ‘જોબ મળશે? નહીં મળે?’ અને મળી જાય તો પછી? તેનું પરફોર્મન્સ કેવું હશે? તેના બોસને તેનું જોબનું પરફોરમન્સ ગમશે? એને જોબ પર ફાવશે? બોસ સારાં હશે કે મીન? બીજાં બધાં એમ્પ્લોઈઝ કેવાં હશે? મનમાં જાતજાતનાં પ્રશ્નો ઉદભવતાં અને તે સમયે તેની પાસે તેના જવાબો ના હોવાથી પાછાં તેની અંદર જ સમાઈ જતાં!


તેનો ઈન્ટરવ્યુ સવારે ૧૦ વાગ્યે હતો. એણે મમ્મીપપ્પા અને ભગવાનનો આશીર્વાદ લઈ સમય કરતાં થોડાં વહેલાં જ કાયનેટીકને કીક મારી. કોલેજમાં તો તે બેફિકર રહેતી. પણ આજે તે થોડી નર્વસ હતી. ખબર નહીં, બીજાં કેટલાં લોકો હશે ઈન્ટરવ્યુમાં!? જ્યારે તે પહોંચી, બીજાં બેત્રણ જણાં અલરેડી આવી ત્યાં રીસેપ્સનરૂમમાં બેસી ગયાં હતાં. બેઠાં પછી થોડીવારે સ્વસ્થ થઈ એણે આજુબાજુ જોવાં માંડ્યું. ઓફીસ એકદમ મોટી અને મોર્ડન ટેક્નોલોજીવાળી દેખાતી હતી. ફર્નિચર અને ડેકોરેશન કોન્ટેમ્પરરી! તેની બાજુમાં જ એક સુંદર યુવતી બેઠી હતી. તે પણ ઈન્ટરવ્યુ માટે આવી હશે, તે અનુમાન કરવું અઘરું નહોતું! બંનેએ નજર મળતાં એકબીજાને સ્માઈલ આપી.


ઈન્ટરવ્યુ ઝટપટ પતી ગયાં. એ ઘેર પહોંચી ત્યાં સુધીમાં તો તેને હાયર કર્યાંનો ફોન પણ આવી ગયો! તેની ખુશીનો પાર ના રહ્યો! હજુ તો હમણાં ત્રણ મહીના પહેલાં જ તો તેણે માસ્ટર્સ પૂરું કર્યું હતું ને આ જોબ મળી ગઈ! અફકોર્સ, તેનાં કોલેજનાં પ્રીન્સીપાલે તેનો રેફરન્સ આપ્યો હતો. અને આપે જ ને! તે હમેશાં છેકથી છેક નંબર વન સ્ટુડન્ટ રહી હતી. દરેક સ્કૂલ કોલેજની એક્ઝામ હોય કે એકસ્ટ્રા કયુરીકલમ એક્ટીવીટીઝ, ડીબેટ કોમ્પીટીશન હોય કે બહારની કોઈ એક્ઝામ હોય, તે એટલે નંબર વન. તેનાં માતાપિતા, તેનાં ટીચર્સ, બધાંને તેનાં પર પ્રાઉડ થતું. બધાંને જ ટ્રસ્ટ હતો કે એ જે કાંઈ પણ કરશે, એક્સેલન્ટ કરશે! જીવનમાં સફળ જ થશે. અને તેને આ પહેલી જ જોબ ૱૩૦,૦૦૦નાં પગારની મળી ગઈ! મમ્મીપપ્પાએ તેને જોબ મળવાની ખુશીમાં થોડાં નજીકનાં સગાંવ્હાલાં અને મિત્રોમાં પાર્ટી આપી.


જોબનાં પહેલાં દિવસે પણ તે થોડી વહેલી ઓફીસે પહોંચી ગઈ. આછી સફેદ સ્ટ્રીપ્સવાળું નેવી બ્લ્યુ પેન્ટ, એવું જ એક બટન બંધ કરેલું જેકેટ, અંદર સફેદ ટોપ, હાઈ હીલ્સવાળાં ચપ્પલ, અને થોડો મેક’પ. થોડાં વાળ આગળ લટકતાં રહેવા દઈ તેણે બાકીનાં વાળ પાછળ ટ્વીસ્ટ કરી ઉપર ક્લીપ કર્યાં હતાં. તેની સુંદરતા અને સાદગી જોઈ માણસ પહેલી નજરમાં ઈમ્પ્રેસ થઈ જાય. અને ઉપરથી તેનું સંમોહક વ્યક્તિત્વ અને હાસ્ય. બસ, પછી તો પૂછવું જ શું, તેની જેમ ઓફીસે વહેલાં આવનાર સાથે તેણે મૈત્રી કરવાનું ચાલું કરી દીધું. ઓફીસ ચાલું થતાં સુધીમાં તો તેણે પંદર-વીસ જણાં સાથે ઓળખાણ કરી લીધી હતી.


એ પીઆરઓ આસીસ્ટન્ટ હતી. તેને મીડીયા, મેનેજમેન્ટ અને ક્લાયનટ્સ સાથે સીધા સંપર્કમાં રહેવાનું થવાનું હતું. તે જાણતી જ હતી કે તેને મેક્સીમમ લોકોને અપ્રોચ કરવાનું થશે. તેણે પહેલાં જ દિવસથી ઝડપથી કામ શીખવાં માંડ્યું. તેણે એ પણ નોટિસ કર્યું કે તેને ઈન્ટરવ્યુ વખતે મળેલ પેલી સુંદર છોકરીને પણ નોકરી મળી ગઈ હતી. અને તે પણ તેની સાથે એ દિવસથી જ ઓફીસમાં જોઈન્ટ થઈ હતી. તે જનરલ મેનેજરની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઈ હતી. તેનું નામ રીચલ હતું.


બહુ ટૂંક સમયમાં તેણે પોતાની કામની આવડતથી બધાંને ખુશ કરી દીધેલાં. અને બધાંની સાથે સારી રીતે હળીમળી ગઈ હતી. ઓફીસનો બધો સ્ટાફ લગભગ સાથે લંચરૂમમાં લંચ કરવાં બેસતો. જો કે એ દરરોજ તો લંચ માટે લંચરૂમ જઈ શકતી નહીં. પણ જ્યારે જ્યારે ચાન્સ મળતો તે જરૂર પહોંચી જતી. બધાંને ઓળખવાનો એ સારો મોકો છે એમ તેને લાગતું. કદી કદી રીચલ પણ આવતી. જો કે એ એનાં જેવી બોલકી નહોતી. તેને વારંવાર જોયાં પછી તેને થયું કે તે જ્યારે પણ તેને જુએ છે ત્યારે તેને લાગે છે કે જાણે કાંઈક વિચિત્ર છે. તેને કશું સમજાતું નહોતું. કશું ક્લીઅર પણ નહોતું, જસ્ટ, તેને કશુંક ન સમજાય તેવું થતું. જોકે એ તેનાં ધ્યાન પર શરૂઆતમાં તો આવેલું પણ નહીં. પણ, બીજી એક વાત એનાં ધ્યાન પર જરૂર આવેલી. કે, રીચલ જીએમ સાથે બહુ બોલતી- હસતી, બહુ નજીક હોય તેવી રીતે વર્તતી.


પણ એમ જુઓ તો, ઓફીસમાં તે પણ તો તેના પીઆરઓ સાથે વધારે વાતો કરતી. ઓબ્વીયસલી, એ તેનાં ઈમીડીએટ બોસ હતાં, તેમની જ ઓફીસમાં એ બેસતી, તેમને જ તેણે પોતાનાં બધાં કામનો રીપોર્ટ કરવાનો રહેતો, તેમની પાસેથી જ એ શીખતી, તે જ એને બધું કામ સોંપતાં, આથી વધારે બોલવાનું થાય એ સ્વાભાવિક જ હતું, એમ, રીચલનાં ઈમીડીએટ બોસ જીએમ હતાં તો એને પણ તો એમની સાથે વધારે બોલવાનું થાય ને! છતાં ઊંડેઊંડે તેને કશુંક ખુંચ્યાં કરતું હોવાની અનુભૂતિ થતી.


એક દિવસ પીઆરઓ ઓફીસે નહોતાં આવ્યાં. તેને એક મીડીયા સાથે મીટીંગ હતી. તેને થયું કે તે એકવાર જીએમ સાથે ડીસ્કસ કરી લે. તે જીએમની ઓફીસની અંદર ગઈ તો તેને લાગ્યું કે જીએમ થોડાં અસ્વસ્થ છે. શું હશે? તે વિચારતી વિચારતી પોતાની કેબીનમાં આવી અને મીટીંગનાં પોઈન્ટ્સ, ફેક્ટ્સ, પોસીબલ ટારગેટ્સ વિગેરે પ્રીન્ટ કરવાં માંડી. પણ જીએમનો અસ્વસ્થ ચહેરો તેની સામે ઘડીઘડી આવવાં લાગ્યો. તેને કામ પર ધ્યાન આપવાનું મુશ્કેલ થતું હતું. તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. તેને થયું કે કોઈની બાબતમાં આટલી બધી પંચાત કરવી સારી નહીં. કદાચ જીએમ બિમાર હશે! કદાચ એમની વાઈફ સાથે ઝઘડો થયો હશે! કદાચ ઓફીસનો કોઈ પ્રોબ્લેમ હશે! કદાચ એન્યુઅલ મીટીંગ નજીક આવી રહી છે તેનું ટેન્શન હશે! અરે! કશું પણ હોય, તેને શું! અને આખી ઓફીસમાં તો કોઈને એવું લાગ્યું નથી, પછી એ શું કામ એનું માથું દુખાડતી હશે?!


સાંજે ઓફીસ છૂટવાનાં સમયે તેને વળી પાછી જીએમની ઓફીસમાં જવાનું થયું. તે અંદર ગઈ તો તેણે રીચલને જીએમની ખૂબ નજીક ઊભેલી જોઈ. તેને થયું કે તે ખોટાં સમયે અંદર આવી ગઈ એટલે તે પાછી વળવા જતી જ હતી ને રીચલ ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ. એટલે તે ત્યાં જ સજ્જડ થઈ ગઈ. બોલવું? ચૂપ રહેવું? અંદર જઈ જે કામ માટે આવી હતી તે વાત કરી લેવી કે પાછાં ચાલ્યાં જવું? કઈ રીતે વર્તવું તેની તેને સમજ ના પડી. તે બાઘી બની જેમની તેમ ઊભી રહી ગઈ!