the ego books and stories free download online pdf in Gujarati

અહંકાર

અહંકાર

ટે…ટુ…..ટે….ટુ કરતી સાયરન વગાડતી ગાડી સભાના સ્થળે આવીને ઊભી રહી. એની આજુબાજુ બીજી આઠ-દસ ગાડીઓ ગોઠવાઈ ગઈ હતી. એક ગાડીમાંથી કમાન્ડો રાઈફલ લઈને દોડતા આવીને ઊભા રહયા. કાળા કાચવાળી ગાડીમાંથી મેડમ મમતા વર્મા સડસડાટ ઊતરીને મંચ સુધી પહોંચ્યાં. પણ મંચના પગથિયાં ચડતાં ચડતાં તેમણે પહેરેલ કાળા ચશ્માંની પારથી કંઈક પરિચિત ચહેરો નજરમાં આવ્યો. સાઈડમાંથી દેખાતો એ ચહેરો તેમને કંઈક પરિચિત લાગતો હતો. પણ એ ચહેરાના ચિત્રને પોતાના મગજના કોમ્પ્યુટરમાં ગોઠવે તે પહેલાં ભીડમાં એ ચહેરો કયાંક ખોવાઈ ગયો. કોણ હતું એ ? મંચ ઉપર સ્થાન લેતાં પહેલા એમણે ભીડમાં એ ચહેરો ફરીથી શોધવા પ્રયાસ કર્યો, પણ ન જોઇ શક્યા...પોતાની ઉતાવળ કે અસ્વસ્થતા કોઈની નજરે ન ચઢે એ માટે બોટલમાંથી થોડું પાણી પીધું અને પછી સભા આયોજક સાથે કંઈક મસલત કરી.

થોડીવારમાં બધાનાં આશ્ચર્ય વચ્ચે મેડમ મમતા વર્મા જેવા મંચ પર ચડ્યા હતાં, એવા જ બધાની સામે હાથ જોડતાં-જોડતાં સભાને સંબોધ્યા વગર જ પોતાની ગાડીમાં બેસીને સભા સ્થળેથી રવાના થઈ ગયાં.

"મેડમજી, આ બરાબર ન થયું. આપણી પાર્ટી માટે અને તમારા માટે. આમ તમે સભાને સંબોધ્યા વગર કેવી રીતે આપણા પક્ષ માટેની વોટબેંક ઊભી કરી શકશો ? લઘુમતિ તરફની ચીડને કારણે એમના વોટ તો પહેલેથી જ ગુમાવી ચૂકયા છો અને હવે બાકી રહેતાં સવર્ણોના વોટ માટે કરેલા આ બધા ધતિંગ, લાખોનો ધુમાડો ને લાંબી યાત્રા...હં...બધું પાણીમાં ગયું." વાતાનુકૂલિત ગાડીમાં પણ પરસેવે રેબઝેબ થતાં મેડમ મમતા વર્માના પી.એ. બોલી ઉઠયા.

"કેમ પાણીમાં ગયું ?" આપણે અહિંયા બે દિવસ માટે રોકાણ કર્યુ છે ને ? તમે જોઈ લેજો આવતીકાલે મારા ચોટદાર ભાષણ અને દમદાર દલીલોના બળે એકીસાથે બે દિવસની કસર પૂરી થાય છે કે નહીં !” ગાડીમાંથી ઉતરતાં–ઉતરતાં મેડમ મમતા વર્મા બોલ્યા, “પણ અત્યારે થોડા સમય માટે મારે એકલા રહેવું છે માટે મહેરબાની કરીને મને કોઈ ડિસ્ટર્બ ન કરે એની તકેદારી રાખજો.”

વિસ્તાર પ્રમાણમાં નાનો હોવા છતાં પણ મેડમ મમતા વર્મા એક મોટું માથું હોવાને નાતે એમના ઉતારાની ખૂબ જ સુંદર અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી હતી. સંપૂર્ણ વાતાનુકૂલિત મોટો રૂમ, ફર્શ પર કાશ્મીરી ગાલીચો, છત પર લટકતાં ઇટાલિયન ઝુમ્મર, રાજસ્થાની કલાકૃતિવાળું ફર્નિચર અને રિમોટ વડે ચાલુ-બંધ થતી લાઈટો...

જોકે, આ બધી સાજ-સજાવટ જોવા કે માણવાના એમને હોશ જ કયાં હતા! “ના...ના...મારો કંઈ વહેમ હશે... એ વળી કયાંથી હોય અહિંયા ?” ઉચાટભર્યા હૈયે આમથી તેમ આંટા મારતા તેઓ સ્વગત બબડયા.

ઠક...ઠક...ઠક.... મેડમ મમતા વર્માને થયું કે, જાણે વેદનાને કારણે એમનું હૃદય ફાટવાની તૈયારીમાં છે એટલા જોરથી ધડકી રહયું છે. એમણે બંને હાથ પોતાની છાતીએ દબાવી દીધાં. છતાં પણ ફરી પાછો એ જ અવાજ ઠક... ઠક... ઠક...

જોકે, વાસ્તવિકતાનો અણસાર આવતાં આટલી વેદના વચ્ચે પણ એમના મુખ પર ક્ષણિક હાસ્ય ધસી આવ્યું. “ઓહ! આ તો દરવાજો... કોણ છે ? મારે અત્યારે કોઈને પણ મળવું નથી. જે હોય તે જઈ શકે છે.”

પરંતુ વળતા જવાબમાં પોતાની વિશ્વાસપાત્ર વ્યક્તિનો અવાજ સાંભળી “શું છે ?” એમ ચિડાતા ચિડાતા એમણે બારણું ખોલ્યું.

“મેડમજી, અમે ઘણી ના પાડી છતાં પણ બેન...બા...” બાકીના શબ્દો આંગતુકને જોયા બાદ મેડમ મમતા વર્માના કાને પડ્યાં જ નહીં.

“તું...? અહિંયા...? કેમ...? કેવી રીતે...? શા માટે...? પોતાના વિશ્વાસપાત્ર માણસોને હાથેથી જવાનો ઇશારો કર્યા બાદ આગંતુક સામે પ્રશ્નોની ઝડીઓ મેડમ મમતા વર્માએ વરસાવી દીધી.

સપ્રમાણ દેહ, ગૌરવર્ણ, ઊંડી ઉતરી ગયેલી આંખો, ફફડતા હોઠ અને ધડકતું હૈયું... મેડમ મમતા વર્મા આભા જેવા બનીને જોઈ રહયા. એમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન બેઠો. આ આગંતુકને જોતાં જ આજે એમણે ભીડમાં જોયેલા એ ચહેરાનું ચિત્ર અને એનો તાગ સ્પષ્ટ થઈ ગયો.

"કેમ છો ? જો કે આવું પૂછવું યોગ્ય ન ગણાય કારણકે, તમે તો કાયમ મજામા જ રહો છો. તેમ છતાં આટલા વર્ષે રૂબરૂ મળ્યા એનો મને આનંદ થાય છે.” ભિનાશવાળી આંખોને હથેળી વડે દબાવતાં, આવનાર અંદાજે ત્રીસેક વર્ષની યુવતી બોલી.

બંને જાણે દરવાજાની વચ્ચોવચ્ચ જડાઈ ગયા. થોડી મિનિટો તો આમને આમ પસાર થઈ ગઈ. બંનેની આંખો એકબીજાને મનભરીને માણી રહી હતી. કેટલુંએ કહેવું હતું ને કેટલુંએ પૂછવું હતું, પણ અત્યારે વાણીના વિરામ વચ્ચે મૌન દ્વારા વેદના-સંવેદનાની આપ-લે થઈ રહી હતી.

અને અચાનક... મેડમ મમતા વર્માના ચહેરા અને આંખોનો રંગ બદલાવા લાગ્યો, “તું... અહિંયા શું કરે છે ? એ પણ ઇલેક્શનના સમયમાં...? તને ખબર નથી કે હું તને મારી જિંદગીમાંથી ક્યારની બાકાત કરી ચૂકી છું ? તું મારી ગુનેગાર છો, મારા ધર્મની અને મારા દેશની પણ ગુનેગાર છો તો પછી તારી હિમ્મત પણ કેવી રીતે થઈ આમ મારી સામે આવવાની ?”

“ગુનેગાર? હં... ઉં... મેં પ્રેમ કર્યો છે અને પ્રેમ કરવો એ કોઈ ગુનો તો નથી!”

“પ્રેમ... છી...તે પ્રેમ નહીં પણ પાપ કર્યું છે, દગો કર્યો છે પાંખી...પાંખી...તે એક એવો ગુનો કે જેને હું મારા જીવન પર્યંત કયારેય માફ નહીં કરી શકું.”

“તારી નજરમાં ભલે એ દગો હોય કે પાપ હોય, પણ મેં તો પ્રેમ કર્યો છે પવિત્ર પ્રેમ મોહસીન સાથે.”

“પવિત્ર પ્રેમ ? રહેવા દે હવે. એક પરધર્મી, લઘુમતિ કોમ, એક આતંકવાદી સાથે... રામ... રામ... મને તો બોલતાં પણ શરમ આવે છે એક કુંવારી માતા...” આરામ ખુરશીમાં ફસડાતાં મેડમ મમતા બોલ્યા.

“તું જેને લઘુમતિ કોમનો સમજીને ઉપેક્ષા કરશ ને એ જ મોહસીને, એ જ સજ્જને મને સ્વીકારી. તેં તો મને પોતાની વોટબેંક બચાવવાના ચક્કરમાં પોતાનાં ઘર અને જીવનમાંથી બાકાત કરી નાખી, પણ મોહસીને મને પત્નિ બનાવીને ગૌરવ અપાવ્યું. હા, હું માનું છું કે મુગ્ધાવસ્થામાં અમે ભૂલ કરી બેઠાં, પણ એ ભૂલને સુધારીને અમે અમારું જીવન પણ સુધારી તો લીધું જ ને ! તારી જેમ કાંઈ...” બોલતી વખતે પાંખીના ચહેરા પર વેદના સ્પષ્ટ ડોકાચીયાં કરી રહી હતી.

ફાટફાટ થતાં હૈયે તેણે પોતાની વાતનું અનુસંધાન સાધી લીધું, “તારા રાજકારણનો ભોગ ન લેવાય એ માટે પહેલા મારો અને ત્યારબાદ મારા વિયોગે મારા સહૃદયી પિતાનો ભોગ લેવાયો.” બોલતાં બોલતાં પાંખી ચોધાર આંસુએ રડવા લાગી. એનાં ડૂસકાથી ઓરડાનું વાતાવરણ એકાએક બોઝિલ બની ગયું.

પોતે ક્યાંક ચૂકી ગયા હતા એ વાતનો આછેરો અણસાર આવતાં મેડમ મમતાની આંખના ખૂણા ભીનાશ અનુભવી રહ્યા હતા, ગળે ડૂમો બાઝી ગયો હોય અને મગજ જાણે બહેર મારી ગયું હોય એવું લાગતા અને ક્યાંક હૃદયની અભિવ્યક્તિ આંખો દ્વારા બહાર ન આવી જાય એ માટે એમણે આંખો પર કાળા કાચના ચશ્માં ચડાવી લીધાં.

ગમે તેવી પરિસ્થિતિમાં પણ મેડમ મમતાનું મગજ ગજબની કોઠાસૂઝથી કામ કરતું. તેમણે તરત જ સ્વસ્થતાથી અને પોતાની આગવી કરડાકી સભર અદાએ સાંચીને કહ્યું, “વર્ષો પહેલા જે સંબંધ પર હું ધૂળ નાખી ચૂકી છું એને નવેસરથી અપનાવવામાં મને કોઈ જ રસ નથી માટે તું જઈ શકે છે અહીંથી...”

“તો... અહીં બેસવાએ કોણ નવરું છે? આ તો મારી નસેનસમાં વહેતાં મારા પિતાના લોહીની અપીલને કારણે તને ચેતવવા માટે આવી છું.”

“ચેતવવા એટલે?”

“એટલે એમ કે, તારી ઝેડ કેટેગરીની સુરક્ષા વચ્ચે પણ તારા પર મરણતોલ પ્રહાર થવાની શકયતા છે.”

"હા.. હા.. હા.. મરણતોલ. શું કહ્યું ? મરણતોલ પ્રહાર... અરે ! કોની આટલી હિમ્મત છે કે સમતાવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મેડમ મમતાનો વાળે વાંકો કરે ?” પાંખીની એકદમ નજીક જઈને તેઓ બોલ્યા, “ક્યાંક પેલો તારો પતિ મોહસીન તો નથી કરવાનોને પ્રહાર..? કરી પણ શકે, એનો થોડી ભરોસો થાય ? આજે ભીડમાં એની આછેરી ઝલક જોઈ ત્યારે જ મારે સમજી જવું જોઈતું’તું આખરે તે જાત...”

“બસ, મ...મ્મી...બસ..., તારી ફિલોસોફી તારી જ પાસે રાખ. એ જરૂરી નથી કે દર વખતે તું જે વિચાર તે વસ્તુ અને વ્યક્તિ એવી જ હોય. ખેર, મને એમ હતું કે સમયની લપડાકને કારણે તારા સ્વભાવ અને વર્તનમાં કોઈ ફરક આવ્યો હશે પણ નહીં... તું જે છો એ જ રહીશ એટલે તને કંઈ કહેવું કે તારા માટે કંઈ વિચારવું એ તો અસંભવ વાત છે તેમ છતાંય તારી કૂખ અને તારા દૂધના અહેસાન રૂપે એટલું તો જરૂર કહીશ કે, આવતીકાલનો દિવસ તારા માટે ભારે છે માટે સંભાળીને રહેજે.”

પળ બે પળ માટે મેડમ મમતા સડસડાટ જતી પાંખીને જોઈ રહ્યાં. અસંખ્ય વિચારો એમનાં મગજમાં આવ્યાં ને વહી ગયા. શું સાચું અને શું ખોટું એની ગણતરીઓ કરતાં-કરતાં કયાંય સુધી પડખાં ફેરવતાં તેઓ પથારીમાં પડયા રહ્યા.

બીજે દિવસે ફરી પાછાં એ જ સભા સ્થળે રોજની જેમ સાયરન વગાડતી ગાડીઓના કાફલા સાથે આવેલા મેડમ મમતા સડસડાટ ઉતરીને મંચ સુધી પહોંચ્યા. એક દિવસમાં જ બે દિવસની કસર પૂરી કરવાના હેતુસર માઈક હાથમાં લઈને ભાષણ આપવાની તૈયારીઓ કરવા લાગ્યા. ત્યાં અચાનક સભા આયોજકે આવીને કંઈક મસલત કરી અને મેડમ મમતા વર્મા કાળા કાચના ચશ્માં ઉતારીને મંચનું એક પગથિયું ઉતરીને ઊભા રહી ગયા.

એક નાનકડી બાળા હાથમાં હાર લઈને એમની તરફ આવતી દેખાઈ. નિર્દોષ હાસ્ય, ચંચળ આંખો અને ગુલાબની પાંદડીઓ સમાન હોઠોવાળી કન્યાની પાછળ આવનારને જોઈને એમનું હૃદય ધબકારો ચૂકી ગયું. એમણે સભા આયોજકને ઈશારાથી પોતાની પાસે બોલાવ્યાં, “તમે તો કહેતા’તા ને કે...”

સ...ન...ન...ન...

વાક્ય પૂરું થાય એ પહેલાં જ મેડમ મમતાની જડબેસલાક સુરક્ષાને ચીરતી એક ગોળી બંદૂકમાંથી છૂટી અને મેડમ મમતાના આડંબરને ભાંગીને ભૂક્કો કરતી એક વીરની છાતી સોંસરવી ઉતરી ગઈ અને સાથે-સાથે બીજે દિવસે વર્તમાન પત્રની હેડલાઈન્સમાં એક બ્રેકિંગ ન્યૂઝ ચમકાવતી ગઈ...

“સમતાવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મેડમ મમતા વર્માના જીવનની રક્ષા કરતાં કરતાં ભારત સરકારના સંનિષ્ઠ, દિલેર અને જાંબાઝ અંડર કવર ઓફિસર શ્રી પીઠાવાલાએ શહીદી વ્હોરી.”