Ek Chahat ek Junoon - 5 books and stories free download online pdf in Gujarati

એક ચાહત એક ઝનૂન - ભાગ 5


(આગળનાં ભાગમાં આપણે જોયું કે રાશિએ તમામ કેન્ડિડેટનાં ઈન્ટરવ્યુસ લઈ લીધા પછી છેલ્લે પ્રવેશને બોલાવ્યો. તેનો પણ ઈન્ટરવ્યુ લીધો. જોકે તે પ્રવેશને જ પસંદ કરવાની હતી. પાંચેય બહેનપણીઓ સાથે ફરવા જાય છે. જ્યાં તૃષાએ તેનો પહેલો પ્રેમ જાહેર કરવાની હોય છે. હવે આગળ..)

પાંચે બહેનપણીઓ મજાક મસ્તી કરતી સોમનાથ પહોંચી. રસ્તામાં દરેક પોતપોતાની આખા અઠવાડિયામાં બનેલ ઘટનાઓ અને તે પરથી હસી મજાકનાં પટારા ખોલીને બેઠી હતી. તૃષા વારંવાર વિચારમાં ડૂબી જતી હતી. તે જોઈ રિયાએ પૂછ્યું, "શું વાત છે તુસી, તું કિસકે ખયાલોમેં યુ ખોઈ..ખોઈ..લગતી હૈ!"

બીનીએ સૂર પૂરાવ્યો," પ્યાર હુઆ...ઇકરાર હુઆ...હૈ...પ્યાર સે ફિર ક્યોં ડરતા હૈ દિલ..."

તો હેતાએ આગળ લંબાવ્યું," કહેતા હૈ દિલ..રસ્તા મુશ્કેલ..માલુમ નહીં કહા મંજિલ.."

એક હાસ્યનું મોજું ફરી વળ્યું પણ એ ત્રણનાં મોઢે જ! રાશિ એક લાક્ષણિક સ્મિત ચિપકાવી ચૂપ હતી. જ્યારે તૃષા આવા કોઈ મોકાની શોધમાં!

તેણે તરત વાતનો દોર પકડી લીધો અને કહ્યું, "ના, મને ખબર છે મારી મંજિલ...બસ થોડો સમય લાગશે ત્યાં પહોંચવા માટે."

રાશિને આ સાંભળી બહુ વિચિત્ર લાગવા માંડ્યું. તે એકદમ ચૂપચાપ વિચારોમાં ગુમ થઈ ગઈ.

હેતાએ પૂછ્યું, શું વાત છે તુસી, કોણ છે એ ખુશ નસીબ? અમને કહેવાનું છે...કે...સસ્પેન્સ?"

"કહેવાનું છે એટલે તો આમ બોલી હેતુ, કમ ઓન...યાર...એ એમ.બી.એ. છે. સપનાં બહુ છે તેનાં. હી ઇઝ વેરી એમ્બિસિયસ..બટ લવ્સ મી અ લોટ..ઇઝ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ મેટર ફોર મી." તૃષા એકદમ ભાવુક થઈ બોલી પડી.

હેતાતો કારમાં જ તેને ભેટી પડી. રિયા અને બીનીએ પણ તેને બેસ્ટ વિશીસ આપી પણ રાશિ ચૂપ હતી.

તૃષાને રાશિ તરફ વધારે લગાવ હતો તેથી તેણે રાશિ તરફ ઉત્સુક અને અપેક્ષિત નજર કરી. રાશિ એકદમ સપાટ ચહેરો રાખી બોલી," તુસી, આ પ્રેમ બ્રેમ બધા નાટકોથી દૂર રહે તો સારું. કોઈ કોઈને પ્રેમ નથી કરતું. બસ દેખાડા હોય છે. નફરત છે મને આ દંભથી."

રાશિ, એવું નથી યાર..તે મને સાચે બહુ ચાહે છે. તેણે નક્કી કર્યુ છે કે તે એકવાર સેટ થઈ જશે પછી જ તે આગળ કંઈ વિચારશે. તે માને છે કે તે મને બેટર લાઈફ આપી શકે ત્યારે જ.."

"અને ત્યાં સુધીમાં તેને તારાથી કોઈ બેટર ચોઇસ મળશે તો તને ભૂલી જશે. આ વાત પણ સાચી છે. યાદ રાખજે." રાશિ રીતસર ગુસ્સો કરતી બોલી ઉઠી.

બધા આશ્ચર્યથી રાશિ સામે તાકી રહ્યાં. આખરે કેમ તે આવું કહી રહી છે! પછી વાત અલગ રસ્તે જતી રહેતા તૃષા એકદમ ઝંખવાઈ ગઈ. એટલે બીની બોલી, "તુસી, નામ તો બોલ યાર..."

"પ્રવેશ,... પ્રવેશ પંડ્યા.."

"વાહહહહ, મતલબ તૃષા મેડમનાં જીવનમાં પ્રવેશનો પ્રવેશ થઈ ગયો છે. એમ જ ને? વેરી ગુડ, ચાલો આજનું લંચ અને ડિનર તો હવે તુસી જ આપશે."

સોમનાથ આવી ગયું. સૌએ મજા કરી. દર્શન કરતી વખતે તૃષાની ભીની આંખો, ભાવુકતા અને શિવનાં વાહન નંદીનાં કાનમાં કરેલો ગણગણાટ બધું રાશિ માટે અકળાવનાર હતું. તેમ છતાં તેણે મનોમન કશુંક વિચારી એટલું નક્કી કરી નાખ્યું કે તે હવે આ વિષય પર કશું કહેશે નહીં. બસ કરી બતાવશે.

******
સટાક કરતો એક તમાચો શોભાનાં ગાલને તો લાલ કરી ગયો પણ સાથોસાથ તેર વર્ષની રાશિને પણ તમ્મર ચડાવતો ગયો. દારુનાં નશામાં ધૂત રાજેશ આજે ઘરમાં રોજ કરતાં વહેલો આવી ગયો. શોભા પૂરી તકેદારી રાખતી કે રાજેશનો અને રાશિનો આમનો-સામનો ન થાય. કેમકે રાશિનાં તરુણ મન પર આ બધી વાતોની કેટલી અવળી અસર પડશે તે વિચારથી પણ તે ડરતી.

અધૂરામાં પૂરું તે રાત્રે રાજેશ તેની નવી સેક્રેટરી રૂબીને ઘરમાં લઈને આવ્યો હતો. તે પણ પીધેલ હાલતમાં હતી. બંને અડધા હોંશમાં હતાં. ગંદા ચેનચાળા અને ઈશારા કરતા હતાં. શોભાએ તરત જ રાશિનું બાવડું પકડીને તેને તેના રૂમમાં ધકેલી. હેબતાઈ ગયેલ રાશિ આમ તો બધું સમજતી જ હતી પણ નજર સામે આ રૂપ જોઈને તેનું લોહી ખદખદવા માંડ્યું.

તે બારણા પાછળ લપાઈને બારીમાંથી જોવા લાગી. શોભા રાજેશની આડી ઊભી રહી ગઈ. તેને હાથ જોડી બહાર જતાં રહેવા વીનવવા લાગી. રાજેશ તેને હડસેલતો ઉપર બેડરૂમ તરફ રૂબીની બાંહોમાં ઝૂલતો અને ગંદી હરકતો કરતો જતો હતો. શોભા ફરી રાજેશને કરગરી જેનાં જવાબમાં રાજેશે શોભાને એક થપ્પડ મારી. શોભા સીધી કાચનાં ટેબલ સાથે અથડાય ગઈ. તેનાં પર રાખેલ ફ્લાવરવાઝ શોભાનાં માથા પર પડ્યો. લોહીની ધાર લાલ જાજમને મરૂન કરી રહી ને રાશિ આ જોઈ ચીસ પાડીને બોલી...
"મા........ "
ક્રમશઃ...

જાગૃતિ, ઝંખના મીરાં