Ek Chahat ek Junoon - 7 books and stories free download online pdf in Gujarati

એક ચાહત એક ઝનૂન - ભાગ 7


(આગળનાં ભાગમાં વાર્તાની શરૂઆતથી વર્ણવેલો રાશિનાં બાળપણનો ભૂતકાળ પૂર્ણ થાય છે. કઈ રીતે રાશિનું બાળ માનસ ઘડાયું હતું તેનો ચિતાર અને આજે રાશિ શું છે? કેવી રીતે છે? તે જોયું. હવે આગળ..)

એમ.બી.એ. કરવા મુંબઈ આવી ત્યારે રાશિને એમ થતું હતું કે સમયને પકડી રાખું. હવે વેકેશન પૂરું થશે પછી ઘરેથી ફરી દૂર હોસ્ટેલ જવા મળશે તેવી કોઈ શક્યતા ન હતી. તેમજ જેનાં તરફ માત્ર નફરત હતી એવાં બાપ સાથે રહેવું પડશે એ વિચારે તેને ગુંગળામણ થતી. તે અતડી અને બેરુખ બનીને ફર્યાં કરતી. એ દરમિયાન તે સૌ પ્રથમ તૃષાનાં પરિચયમાં આવી. બે દિવસ સખત તાવમાં હતી ત્યારે તૃષાએ તેની રૂમમેટ બનીને નહીં પણ બહેન બનીને તેને સાચવી હતી. રાશિને મા યાદ આવી ગઈ હતી. તે પછી તૃષાનાં ગૃપની અન્ય ત્રણે છોકરીઓ રિયા, હેતા અને બીનીએ પણ રાશિને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં બનતી મદદ કરીને તેનાં બંધ રાખેલ હૃદયનાં દરવાજે દસ્તક દઈ શકી હતી. જોકે રાશિનું અમુક વર્તન તેમની સમજણથી પરે હતું પણ તેઓ તેને નિભાવી જતાં.

એમ.બી.એ. પૂરું કરી ઘરે આવવાને ચાર દિવસની વાર હતી. પાંચેય બહેનપણીઓ એક અઠવાડિયાંની ટૂર પર સાથે જવાની હતી. ત્યાં જ ઘરેથી ફોન આવ્યો કે રાજેશને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તબિયત ગંભીર થઈ ગઈ છે. અચાનક આવો ફોન આવતાં રાશિનાં મનમાં સર્જાયેલ આશ્ચર્ય હોસ્પિટલ પહોંચી તો ઉદ્વેગમાં પરિણમ્યું. કેમકે રાજેશને એઈડ્સ થયો હતો!

રાજેશ જાણે છેલ્લે સુધી રાશિને પોતાનાં રોગની ખબર ન પડે તે માટે મળવા ન્હોતો માંગતો. આખરે તેને એમ થયું કે હવે શ્વાસ સાથ નહીં આપે ત્યારે તેણે રાશિને બોલાવવાનું નક્કી કર્યું. અંતિમ સમયે રાજેશે કૃશકાય હાથ જોડી તેની નિસ્તેજ વહેતી આંખોથી રાશિની માફી માંગી. તે લથડતાં અવાજે બોલ્યો," મને માફ કરજે, બેટા! મને મારા કર્મોની સજા મળી ગઈ છે. તું હવે આ સઘળો કારોબાર સાચવી લેજે. એક વાત બીજી પણ કહી દઉં કે આ બિઝનેસમાં મારો એક અમેરિકા સ્થિત મિત્ર પણ સાયલન્ટ પાર્ટનર છે. તે અથવા તેનો દીકરો જો મારા પછી આમાં ન જોડાવાનું પસંદ કરે તો તેને 35%હિસ્સો આપી દેજે. મેં બધી વ્યવસ્થા વકીલ દ્વારા કરાવી લીધી છે. તું નચિંત થઈ બસ આચાર્ય પ્લાસ્ટોને સાચવજે. તને પ્રેમ કરે તે છોકરા સાથે પરણજે. ઓફિસનો તમામ વહીવટ અંગે કોઈ પણ તકલીફ હોય તો તું એ માટે આપણાં જૂના કર્મચારી લલિત શર્માની સલાહ લેજે. એ આપણી કંપનીનાં વિશ્વાસુ માણસ છે." રાજેશની આંખોમાંથી અવિરત પણે પશ્ચાતાપનાં આંસુ ખરી રહ્યાં હતાં. રાશિ જડવત્ બધું સાંભળતી હતી. તેનાં ચહેરા પર મરતાં પિતાને જોઈ એક પણ તકલીફની રેખા ન અંકાઈ. કારણકે તેની સામે માની લોહીની ન રોકાતી ધાર, પોતે અનુભવેલ લાચારી, પારકી સ્ત્રીને ઘરમાં લાવી અય્યાશ કરતો પિતા બધું કાલની વાત હોય તેમ નજર સમક્ષ ફરી વળ્યું.

ફરી એકવાર રાશિ તરફ કરગરતી નજર કરી રાજેશ બોલ્યો, "બેટા, સમય નથી મારી પાસે! મરતા બાપની એક વાત માનીશ? મને બસ માફ કરી દે એકવાર અને મને અગ્નિદાહ...."

રાજેશે વચન માટે લંબાવેલ હાથ એમ જ નીચે પડી ગયો. ન રાશિ તેને વચન આપી શકી કે ન માફ કરી શકી. હા, તેણે અગ્નિદાહ આપ્યો કેમકે તેને જન્મ આપવા માટે આખરે આ જ માણસ કારણભૂત બન્યો હતો!

રાશિએ જે દિવસે આચાર્ય પ્લાસ્ટોમાં પગ મૂક્યો ત્યારે જ નક્કી કરી લીધું હતું કે તે કઈ રીતે કંપનીને ચલાવશે. તે પછીનાં દિવસોમાં રાશિ આચાર્ય એક સંપૂર્ણ રીતે પ્રોફેશનલ જીવન જીવતી થઈ ગઈ. ધંધાકીય બાબતોને લગતી અને આચાર્ય પ્લાસ્ટોને લગતી તમામ આંટીઘૂંટીઓ સમજી લીધી. મનનો માત્ર એક ખૂણો ભીનો હતો જેમાં ક્યાંક મા શોભાની યાદો હતી અને ક્યાંક ચારેય બહેનપણીઓ સાથે સમજણી થયાં પછીનો વીતેલ સમય.

એમાં પણ તૃષા સાથે રાશિને વધુ લગાવ હતો તેથી જ જ્યારે તેને ખબર પડી કે તૃષા કોઈ પ્રવેશ પંડ્યાને ચાહે છે, ત્યારે સુષુપ્ત મનમાં પડેલ પૂર્વગ્રહો જાગી ઊઠ્યાં. તેને એમ હતું કે દુનિયાની દરેક સ્ત્રીને પુરુષ પોતાની મિલકત સમજે છે. ખરેખર કોઈ પુરુષ સ્ત્રીને તેનાં શરીરથી ઉપર ઊઠીને આત્માને પ્રેમ કરી જ નથી શકતો. તેણે નક્કી જ કર્યું હતું કે તે પ્રેમનું નાટક કરી યુવકોને પોતાનાં સુધી ખેંચશે અને પછી તેને પોતાનાં ઈશારે નચાવશે ને આખરે તેને છોડી દેશે. જાણે કે બાપ તરફની નફરતનો બદલો આખી પુરુષજાત સાથે લેવાનું એક ઝનૂન મન પર સવાર થઈ ગયું હતું.

રાશિની આ માનસિકતાથી અજાણ બહેનપણીઓ તેને સામાન્ય જ સમજતી હતી. તેથી તૃષાએ સ્વપ્ને ય ન્હોતું વિચાર્યુ કે
રાશિ તેનાં જીવનમાં કેવાં વમળો ઊભાં કરશે!

ક્રમશઃ...
જાગૃતિ 'ઝંખના મીરાં'...

Share

NEW REALESED