Ghalkhadh in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - ઘાલખાધ

Featured Books
Categories
Share

ડાયરી - સીઝન ૨ - ઘાલખાધ

 

શીર્ષક : જીવનના ખાતાની ઘાલખાધ     

©લેખક : કમલેશ જોષી

 

અગિયારમું-બારમું ભણતા ત્યારે અકાઉન્ટમાં એક શબ્દ આવતો: 'ઘાલખાધ' એટલે કે ડૂબેલું લેણું. વેપારી પાંચ-પચ્ચીસ ગ્રાહકોને માલ ઉધાર આપતો હોય તો એવું બને કે એકાદ-બે ગ્રાહક સાચા કે ખોટા કારણોસર ઉધારી ચૂકવે નહિ, એ રકમ એટલે કે વેપારીનું નુકસાન, ડૂબેલી રકમ, ડૂબેલું લેણું, ઘાલખાધ. પચ્ચીસમાંથી બાવીસ કે ચોવીસ ગ્રાહકો ઈમાનદારીથી ઉધારી ચૂકવી જતા હોય એટલે ઉધારનો ધંધો આમ તો ફાયદાકારક જ હોય પણ બે'ક જણાં એવા નીકળે જે સંજોગોવશાત અથવા જાણીજોઈને સીધા ન ચાલે, ઠાગાઠૈયા કરે તો એ નુકસાન માટે વેપારીએ તૈયાર રહેવું જોઈએ.

દરેક જગ્યાએ પ્રસંગોમાં, સંબધોમાં અને દરેક વ્યવહારમાં આવી દસ-પંદર ટકા નકારાત્મક, નુકસાનકારક, દુઃખદાયક પરિસ્થિતિની કલ્પના આપણે પણ જો કરી રાખીએ તો દુઃખ ઓછું થાય અને મજા ન બગડે. લગ્નમાં એકાદ સગું વટકે, મુસાફરીમાં વ્હીકલમાં પંચર પડે, સંબંધમાં કોઈ બે'ક વાક્યો ન બોલવા જેવા બોલે, ચોવીસ કલાકમાંથી એકાદ કલાક નબળી જાય, જિંદગીમાં એકાદ મહિનો કે વર્ષ કે દશકો નબળો જાય, એ તમામને સહજતાથી સ્વીકારી શકીએ તો બાકીનો નફો મબલખ હોય છે. દસ ટકાને બાદ કરો તો નેવું ટકા લોકો, ખૂબ સારા, સાચા અને ઉધારી સમયસર ચૂકવનારા હોય છે. 

 

જેમ ઘાલખાધ શબ્દ છે એમ ઘાલખાધ અનામત શબ્દ પણ નામામાં શીખવવામાં આવતો. વેપારી અગાઉથી જ દસ કે વીસ ટકા રકમ ઘાલખાધ અનામત ખાતે જમા કરતો જાય એટલે જે દિવસે નબળો ગ્રાહક ભટકાઈ જાય તે દિવસે પેલી અનામત રકમમાંથી બધું સરભર થઈ જાય. જીવનમાં પણ અનેક લોકો, પ્રસંગો અને સંબધો સુખ, શાંતિ અને સંતોષ આપતા હોય છે. કોઈ શિક્ષક આપણને જ્ઞાનના સાગરમાં છેક તળીયે સુધી લઈ જતા હોય છે, તો કોઈ મિત્ર આપણને હસાવી-હસાવીને બેવડ વાળી દેતો હોય છે, કોઈ પડોશી ખરે સમયે અડતાલીસ કલાક આપણી પડખે ઉભો રહી બાકીના તમામ સગાઓને પાછળ પાડી દેતો પહેલો સગો બની જતો હોય છે તો ક્યારેક કોઈ સંતની વાણી આપણને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી જતી હોય છે. આવા સજ્જનો સાથે ગુજારેલી બે-પાંચ મિનીટ કે બે પાંચ કલાક પણ આપણને પ્રસન્નતાની ટોચ પર પહોંચાડી દેતા હોય છે. જીવનમાં જયારે કોઈ ઉઠમણાંબાજ કે ફૂલેકાબાજ ઉધારીયા ગ્રાહક જેવો વ્યક્તિ ભટકાય અને આપણા આનંદના લેણાને ડુબાડતો હોય ત્યારે સંતો-સજ્જનો સાથેની મિનિટોમાં કમાયેલી પ્રસન્નતાની અનામત યાદ કરી લઈએ તો દુઃખ, પીડા ઓછી ચોક્કસ થાય.

 

વીજળીનું બિલ વધુ આવતા દુઃખી થવાને બદલે આખો દિવસ મફતમાં પ્રકાશ આપતા સૂર્યના ઉપકારને યાદ કરી સુખી થઈ લેવું, પંખો બગડે ત્યારે વહેતા પવનની ખુશીની અનામત વાપરવી, કોઈ સંબધ તૂટે ત્યારે આપણો શ્વાસ ચાલુ રાખનાર ઈશ્વર સાથે પ્રમાણિક સંબંધ ગાઢ હોવાનો દમ ભરવો, કોઈ કડવું બોલે ત્યારે કોયલના મીઠા ટહુકા યાદ કરવા. કેટકેટલી બાજુથી આપણી ઉપર સુખ વરસી રહ્યું છે! ઓફિસમાં સાહેબે ભલે ઠપકો આપ્યો પણ ઘરે તો શ્રીમતીજીએ કેરીનો મીઠો રસ પ્રેમથી પીરસ્યો છે ને? સમાચાર ચેનલો ભલે રડાવતી, પણ તારક મહેતા તો હસાવે છે ને? રીમોટ કંટ્રોલ તો આપણી પાસે છે ને? 

 

બસ આ રીમોટ કંટ્રોલ જ ઈમ્પોર્ટન્ટ છે. આપણા આનંદને દુઃખમાં ફેરવવાનું બટન બીજા કોઈના હાથમાં હોય તો આપણને કોઈ સુખી કરી શકે નહિ. આપણે આપણું રીમોટ કન્ટ્રોલ કોઈને આપવું નહિ. બીજા પાસેથી જેટલી અપેક્ષા ઓછી એટલું નુકસાન ઓછું. નફાની લાલચમાં ઉધાર માલ જેટલો વધુ વેચાય એટલું ઘાલખાધનું જોખમ વધે. આપણી ખુશી, સુખ, આનંદ, હાસ્ય, મૌજ-મજા જેટલી બીજાના હાથમાં, બીજા પર આધારિત એટલું જોખમ વધુ. જિંદગીના ચોપડામાં હિસાબ લખતી વખતે ગાડી, બંગલા, નોકર-ચાકરના સરવાળા બાદબાકી નથી કરવાના, એ ચોપડે તો સુખ, શાંતિ, ધ્યાન, ખુશી, આંનદ, પ્રસન્નતાનો હિસાબ લખવાનો છે. હિસાબમાં બે'ક આંકડા સાચા ખોટા લખી પાંચ-પંદર હજાર કમાઈ લેવાની બેઈમાની કરવા કરતા મંજીરા લઈ રામમંદિરે રામધૂન ગાઈ પરમાત્માની ભક્તિ કરવાનો નફો જિંદગીના ચોપડામાં ખૂબ મોટો છે. બે'ક ગ્રાહકને છેતરીને ઘરે શીખંડ પૂરી ખાવા કરતા આખો દિવસ તનતોડ મહેનત કરી કકડીને ભૂખ લાગે ત્યારે ભાજી અને રોટલી ખાવાની મજા અનેક ગણી વધુ હોય છે. જિંદગીના ચોપડાના હિસાબો સાવ જુદા જ છે.

ગરીબ સુદામાના બે મુઠ્ઠી તાંદુલ ખાઈ મહેલોના મહેલો ખડકી દેનાર કાનુડાની કૃપાનો નફો પાંડવોના હકનું પચાવી પાડનાર દુર્યોધનને ક્યાંથી થાય? ભીતરે કાવા-દાવાની કાળાશ ભરી બત્રીસ જાતના ભોજન આરોગતા દુર્જનના ઘરે કાનુડો જમવા આવશે કે મૂંગા મોઢે મફતમાં સેવાના કામે લાગેલા વિદુર જેવા સાદા-સરળ-સીધા સજ્જનના ઘરે ભાજી ખાવા? ગામની વચ્ચે સોનાનો મહેલ બનાવી બેઠેલાના ઘરે રામ આવશે કે જંગલમાં ખરા હૃદયથી મીઠા બોર એકઠા કરી રહેલી શબરીના ઘરે? ઇન્કમ ટેક્ષ વિભાગ અને ઈશ્વર ટેક્ષ વિભાગની ચોપડા ચેક કરવાની નીતિ-રીતિ સિસ્ટમ જુદી છે.

 

ઈશ્વર પાસેથી ઉધારમાં ‘શ્વાસો’ લઈ આવેલા આપણે સૌ ‘છેલ્લો શ્વાસ’ વપરાઈ જાય એ પહેલા, ઈશ્વરનું ઋણ ચૂકવવાનું પ્લાનિંગ કરીએ તો? એક સાથે ઋણ ન ચૂકવી શકીએ તો ઈ.એમ.આઈ. તરીકે રોજના થોડા-થોડા શ્વાસ, એકાદ ભજન, એકાદ આંખના આંસુ લૂછીને કે એકાદ નિરાશ હૃદયમાં આશા પ્રગટાવીને કે એકાદ મહિનો કે વર્ષ કે દશકો ઈમાનદારીથી જીવીને ચૂકવવા માંડીએ તો કેવું? આપણામાં ઈશ્વરની ઘણી મૂડી સલવાયેલી છે. શું કરવું એવો પ્રશ્ન સતાવતો હોય તો ઈશ્વરના લાડકા સંતોના કે ઋષિઓના કે અવતારોના જીવનચરિત્રો આપણને ચોક્કસ દિશા નિર્દેશ આપશે. બાકી વિલ વિલ ફાઈન્ડ અ વૅ...      

 

-kamlesh_joshi_sir@yahoo.co.in