Varasdaar - 61 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 61

વારસદાર પ્રકરણ 61

મંથન સમય પ્રમાણે સાંજે ચાર વાગે ગડાશેઠની મુલુંડની ઓફિસે પહોંચી ગયો. મંથન ગડાશેઠનો પાર્ટનર હોવાથી ઓફિસમાં એને કોઈએ રોક્યો નહીં અને સડસડાટ એ દલીચંદ ગડાની ચેમ્બરમાં દાખલ થયો.

ગડાશેઠને મળવું હોય તો અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડે અને એ લીધા પછી પણ ઓફિસમાં જઈને વેઇટિંગમાં બેસવું પડે. મંથન માટે સીધા ચેમ્બરમાં જવાની છૂટ હતી.

મંથન મહેતાને જોઈને ગડા શેઠ ઊભા થઈ ગયા અને મંથન સાથે પ્રેમથી હાથ મિલાવ્યો. એ પછી બંને પોતપોતાની ચેર ઉપર બેસી ગયા.

ગડા શેઠનો પ્રભાવ કોઈની પણ આંખો આંજી નાખે એવો હતો. કડક ઈસ્ત્રી કરેલો ક્રીમ કલરનો ઝભ્ભો, ગળામાં સોનાની જાડી ચેઈન, સોનેરી ફ્રેમના ચશ્મા, હાથમાં વિદેશી ઘડિયાળ અને મોંઘા પર્ફ્યુમની સુગંધ એમની આગવી પ્રતિભા ઉભી કરતી હતી.

"આજે ઘણા દિવસ પછી મારી ઓફિસે પધાર્યા મહેતા સાહેબ." દલીચંદ હસીને બોલ્યા.

" મને સાહેબ ના કહો. આપના દીકરાની ઉંમરનો છું. આપ મારા વડીલ છો અને આજે હું જે પણ કંઈ છું એ માત્ર આપના આશીર્વાદથી જ છું. " મંથન નમ્રતાથી બોલ્યો.

" તમે સાહેબ કહેવાને યોગ્ય છો. યોગ્યતા માટે ઉંમર જોવાતી નથી. તમે તમારી જાતને સાબિત કરી બતાવી છે. મને તમારા માટે ઘણો ગર્વ છે." ગડા શેઠ બોલ્યા અને એમણે બેલ મારીને એમના એટેન્ડન્ટને બોલાવ્યો.

" મહેતા સાહેબ ગરમ ફાવશે કે ઠંડુ ? કે પછી નાસ્તો કરવાની ઈચ્છા છે ? અમારા કોમ્પ્લેક્સમાં સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. ઢોંસા બહુ સરસ બનાવે છે. " ગડા શેઠે મંથનને પૂછ્યું.

" જી આભાર પણ નાસ્તાની તો કોઈ ઈચ્છા નથી. કારણ કે બપોરે જ જમ્યો છું. ઠંડુ કંઈ પણ ચાલશે. " મંથન બોલ્યો.

"તો પછી આઈસ્ક્રીમની જ મોજ માણીએ. બે આઈસ્ક્રીમ લઈ આવ. મારો ફેવરિટ લાવજે. " ગડા શેઠે એટેન્ડન્ટને હુકમ કર્યો.

" હવે બોલો સાહેબ. શું સેવા હતી ? કોઈપણ જાતનો પ્રોબ્લેમ હોય તો વિના સંકોચે મને કહી શકો છો. " ગડા શેઠ બોલ્યા.

ગડાશેઠની આટલી બધી મહેમાનગતિ જોઈને મંથન મનોમન બહુ જ મૂંઝાઇ રહ્યો હતો. છૂટા થવાની વાત ગડાશેઠને કરવી જ કઈ રીતે ? ગડાશેઠ સાથેની મીટીંગનો આ એક ખૂબ જ નાજુક તબક્કો હતો. પોતાનો નિર્ણય જાહેર કરવાનો હતો. ગુરુજીનું સૂચન છે એટલે મન મક્કમ કરીને પણ કહેવું તો પડશે જ !!

" શેઠ ફરી ફરીને કહું છું કે આજે જે પણ છું એ આપના જ કારણે છું. તમે મારો હાથ પકડીને મને બહુ જ ઊંચાઈ ઉપર મૂકી દીધો છે. અને ઈશ્વરકૃપાથી હું પણ ઘણું કમાયો છું. પરંતુ કેટલાંક અંગત કારણોસર હવે હું આપની કંપનીમાંથી છૂટો થવા માંગું છું. એટલે કે આપની ભાગીદારીમાંથી અલગ થવા માંગું છું." બોલતાં બોલતાં મંથનને પરસેવો વળી રહ્યો હતો.

" એનો અર્થ એવો બિલકુલ નથી કે હવે હું એકલા હાથે આ કન્સ્ટ્રક્શન લાઈનમાં આગળ વધવા માગું છું. ઈશ્વરે મને જે પણ આપ્યું છે એ હવે લોકોના કલ્યાણ માટે વાપરવા માગું છું. કન્સ્ટ્રકશનની પ્રવૃત્તિ ઓછી કરવા માગું છું. મારે ધનાઢ્યોની કોઈ હરીફાઈ કરવી નથી. " મંથન બોલ્યો.

"અરે પણ મંથન શેઠ... આ ઉંમરે આટલો બધો વૈરાગ્ય શા માટે ભલા માણસ ? રૂપિયા માટે તો લોકો કેટલી મજૂરી કરે છે !! જ્યારે તમને સામે ચાલીને કુદરતે ખોબો ભરી ભરીને આપ્યું છે. તમારા જેવું કિસ્મત બહુ ઓછા લોકોનું હોય છે. તમારી પાસે બુદ્ધિ છે, આવડત છે. " ગડા શેઠ મંથનને સમજાવી રહ્યા હતા.

"તમારે જોઈએ તો બીજા ૫૦૦ કરોડ લઈ જાઓ. તમને શેરિંગ ઓછું પડતું હોય તો આપણે ૬૦ ૪૦ ટકાની જગ્યાએ ૫૦ ૫૦ ટકાની ભાગીદારી કરીએ. પરંતુ ભાગીદારી છોડવાની વાત મને મંજૂર નથી. " ગડાશેઠ થોડા નારાજ થઈને બોલ્યા. મંથનના કારણે છેલ્લા દોઢ વર્ષમાં એ મબલખ કમાયા હતા.

" શેઠ મને આપનાથી કોઈ પ્રોબ્લેમ નથી. વધારે પૈસાની પણ મને જરૂર નથી. મારી માનસિક પરિસ્થિતિ થોડી બદલાઈ ગઈ છે. આપના જૈન સમાજમાં જેમ કરોડો રૂપિયા છોડીને વ્યક્તિ દીક્ષા લઈ લે છે એમ મારું પણ એવું જ કંઈક સમજો. મને ખરેખર રૂપિયાનો મોહ નથી." મંથન બોલતો હતો.

" હવે મારી જાત માટે, મારા પોતાના આત્મા માટે હું કંઈક કરવા માગું છું. આપનો સાથ સહકાર તો મને આજ સુધી મળેલો જ છે. હું આપનો સદા ય ઋણી રહીશ. પરંતુ આપની કંપનીની ભાગીદારીમાંથી મને મુક્ત કરો. " મંથન બે હાથ જોડીને બોલ્યો.

" મહેતા સાહેબ હજુ ફરીથી વિચાર કરી જુઓ. મને એવું લાગે છે કે તમે કોઈના પ્રભાવમાં આવી ગયા છો. આજે થોડા ઈમોશનલ લાગો છો. આ તમારું નાદાન પગલું છે. મેં જિંદગી જોયેલી છે. તમને અત્યારે તક મળી રહી છે ત્યારે તમારે પૈસા કમાવા જ જોઈએ. ચારે બાજુ તમારું મોટું નામ છે." ગડાશેઠ શિખામણ આપી રહ્યા હતા.

" ધંધાની આ લાઈનમાં અલ્પવિરામ પણ ભારે પડે છે ત્યારે તમે તો પૂર્ણવિરામ સુધી પહોંચી ગયા ! આ મુંબઈ છે મહેતા સાહેબ ! મુંબઈની આ ફળદ્રુપ ધરતી ઉપર તમારા જેવા કાબેલ માણસોએ તો રૂપિયાની વાવણી કરવી જોઈએ ! અબજો રૂપિયા લણવાની તાકાત છે તમારામાં. મુંબઈમાં લગડી જેવા પ્લોટો મારી પાસે છે. પૂરેપૂરા પૈસા લગાવવા હું તૈયાર છું. હાલ પૂરતો તમે આ નિર્ણય મોકૂફ રાખો. પાંચેક વર્ષ બીજાં જવા દો. પછી તમે ધંધામાંથી દીક્ષા લઈ લેજો." ગડા શેઠ હસીને બોલ્યા.

મંથન થોડીવાર વિચારતો બેસી રહ્યો. એટલામાં આઈસ્ક્રીમના બે મોટા બાઉલ આવી ગયા.

" આઇસ્ક્રીમ જમો અને ઠંડા કલેજે વિચાર કરો. " કહીને ગડા શેઠે પોતાનો આઈસ્ક્રીમનો બાઉલ હાથમાં લીધો.

મંથને આઈસ્ક્રીમ ખાતાં ખાતાં ગુરુજીને દિલથી યાદ કર્યા. જેથી એને કોઈ સંકેત મળે કે હવે શું કરવું ? ગડા શેઠ એને છોડવાના મૂડમાં બિલકુલ ન હતા.

"ગડાશેઠના પૈસાનો ઉપયોગ કરવામાં કોઈ જ વાંધો નથી. ધંધો બંધ કરવાની પણ જરૂર નથી. પરંતુ તું એમની કંપનીમાંથી છૂટો થઈ જા. પેપર ઉપર ભાગીદારી પણ છૂટી કરી દે." અચાનક મંથનના મગજમાં આ ફ્લેશ આવી ગયો.

" એક રસ્તો થઈ શકે ગડાશેઠ. જો તમને મારી ઉપર વિશ્વાસ હોય તો. " આઇસ્ક્રીમનો બાઉલ ટેબલ ઉપર મૂક્યા પછી મંથન બોલ્યો.

" અરે મહેતા સાહેબ. તમારી ઉપર તો આંધળો વિશ્વાસ છે. તમે હુકમ કરો આ દલીચંદ છે. " ગડા શેઠ બોલ્યા.

"હું નવી સ્કીમો કરવા તૈયાર છું. આપની ૬૦ ટકા ભાગીદારી પણ પ્રમાણિકપણે ચાલુ રહેશે. પરંતુ પેપર ઉપર નહીં ! આપની કંપનીમાંથી મને કાયદેસર છૂટો કરી દો. પેપર ઉપર જે પણ ભાગીદારી એગ્રીમેન્ટ કરેલું એ પણ મને પાછું આપી દો. આપણી વચ્ચે કોઈ જ એગ્રીમેન્ટ પાર્ટનરશીપનું નહીં થાય." મંથન બહુ વિચારી વિચારીને બોલતો હતો.

" આપ મને જે પણ પૈસા આપવા હોય તે આપી શકો છો અને હું નવી સ્કીમો બનાવીને આપનો બે નંબરનો પ્રોફિટ આપ જ્યાં કહો ત્યાં પહોંચાડી દઈશ. એક નંબરના વાઈટ પ્રોફિટ ના પૈસા મારી કંપનીનો એક અલગ જ એકાઉન્ટ ખોલાવીને હું એમાં જમા કરીશ જેના ઉપર પ્રમાણિકપણે આપનો હક રહેશે."

"હવે પછી મારી તમામ સ્કીમો સંપૂર્ણપણે મારી ગાલા બિલ્ડર્સ કંપનીના નામે જ થશે. ભલે આપના પૈસા રોકાયેલા હોય. હું પ્રમાણિકપણે એક એક રૂપિયાનો હિસાબ આપીશ પરંતુ આપની કંપનીમાં ક્યાંય પણ મારું નામ ના હોવું જોઈએ. આપને મંજૂર હોય તો બોલો. " મંથને પોતાની વાત પૂરી કરી.

ગાલા શેઠ ચાર પાંચ મિનિટ ઉંડા વિચારમાં ડૂબી ગયા.

" મંજૂર !! તમે જ્યાં કહો ત્યાં પૈસા પહોંચી જશે. કોઈપણ જગ્યાએ એની નોંધ નહીં હોય. કંપનીમાંથી તમારું નામ દૂર કરવાનું મારા સી.એ.ને કહી દઉં છું. ભૂતકાળમાં આપણા બંને વચ્ચે ભાગીદારીના જે પણ કરાર થયા હતા એ પણ હું તમને પાછા આપી દઈશ. મારી પાસે એક પણ કોપી નહીં રહે. બોલો હવે ? " ગડાશેઠ હસીને બોલ્યા.

" ખૂબ ખૂબ આભાર આપનો. ઈશ્વરના દરબારમાં આપણી ભાગીદારી ચાલુ રહેશે. હું એકદમ પ્રમાણિક છું. આપને આપનો હિસ્સો મળતો રહેશે." મંથન બોલ્યો.

" એવું લાગે છે કે તમે બહુ જ ઊંડા પાણીમાં રમી રહ્યા છો મહેતા સાહેબ. આ બધું કરવા પાછળ તમારી શું ગણતરી છે એ હું સમજી શકતો નથી પરંતુ મને તમારા ઉપર જબરદસ્ત વિશ્વાસ છે. એટલે એક મરદની જેમ તમારી સાથે ઉભો છું. " ગડા શેઠ બોલ્યા.

" તમારા વિશ્વાસને હું ક્યારેય પણ ખોટો નહીં પડવા દઉં શેઠ " મંથન બોલ્યો.

" હવે મારી વાત ધ્યાનથી સાંભળો મહેતા સાહેબ. વાલકેશ્વરમાં મારા એક મિત્ર રહે છે. લોઅર પરેલમાં એમની પોતાની એક મીલ હતી. મીલ તો એમની વેચાઈ ગઈ છે અને ત્યાં સ્કીમો પણ બની ગઈ છે પરંતુ ગોડાઉનનો ૧૨૦૦૦ ચોરસ વારનો ટુકડો લોઅર પરેલમાં હજુ ખાલી છે. ફિનિક્સ મિલ બસ સ્ટેન્ડ થી પેલેડિયમ મોલ તરફ આગળ જતાં આ ખાલી પ્લોટ આવે છે. ઘણા બિલ્ડરોની નજર એના ઉપર છે. એકદમ ડેવલપીંગ એરિયા છે. વિશાળ જગ્યા છે. " ગડાશેઠ બોલતા હતા.

"ત્યાં આરામથી ૧૨ ૧૩ માળનાં ચાર પાંચ ટાવર તમે ઊભાં કરી શકો. સ્વિમિંગ પૂલ, ગાર્ડન, ટેનિસકોર્ટ વગેરે બનાવી આપો તો આખી સ્કીમ તમને કરોડો રૂપિયા કમાવી આપે. સારા લેવિશ ફ્લેટ ૧૦ થી ૧૫ કરોડમાં વેચાય એવું એ લોકેશન છે. મારે અઠવાડિયા પહેલાં જ મારા મિત્ર સાથે વાત થઈ છે. એમને હવે એ જગ્યા વેચી દેવી છે. " દલીચંદ ગડા બોલ્યા.

" એમનો લગભગ ૩૦૦૦ ચોરસ વારનો વાલકેશ્વરનો બંગલો પણ વેચવાનો છે. ત્યાં પણ નાની સ્કીમ મૂકી શકાય. " ગડા શેઠ બોલ્યા.

"મને મંજુર છે. આપ આગળ વધી શકો છો. લોઅર પરેલમાં આપણે આલા ગ્રાન્ડ સ્કીમ મૂકીશું. આપ મારા પાર્ટનર તો રહેવાના જ છો એટલે એનું માર્કેટિંગ પણ આપ કરી શકો છો. આપનું ગ્રુપ ઘણું મોટું છે એટલા માટે કહું છું. " મંથન બોલ્યો.

"ફ્લેટો તો ચપોચપ વેચાઈ જશે મહેતા સાહેબ. એટલા માટે જ મેં આ વાત તમને કરી. પૈસા કમાવા માટે તો મારી પાસે ઢગલા રસ્તા છે. તમારા જેવો બુદ્ધિશાળી અને મહેનતુ યુવાન મારી પડખે હોય એટલે બસ. " ગડા શેઠ બોલ્યા.

" ભલે શેઠ.. તો હું હવે રજા લઉં. " મંથન બોલ્યો અને ઉભો થયો.

ગડાશેઠની ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે મંથન ઘણો જ આનંદમાં હતો. ગુરુજીની સૂચના પ્રમાણે હવે કાયદેસર રીતે એ ગડાશેઠની કંપનીમાં ભાગીદાર રહેવાનો ન હતો. બીજો પ્લસ પોઈન્ટ એ હતો કે ગડાશેઠે પોતાની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ મૂક્યો હતો અને કરોડોની સ્કીમ બનાવવા માટે સપોર્ટ કર્યો હતો.

મંથન પોતાની ઓફિસે પહોંચ્યો ત્યારે સાંજના ૬:૩૦ વાગી ગયા હતા. એની સેક્રેટરી સિવાય તમામ સ્ટાફ નીકળી ગયો હતો. મંથને સેક્રેટરીને સૂચના આપી કે બે દિવસ પહેલાં જ છૂટા કરેલા એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને ફોન કરીને કાલથી ઓફિસ પાછા બોલાવી લે.

એ પછી મંથન સુંદરનગર જવા માટે રવાના થઈ ગયો. મંથને ગાડીમાંથી જ પોતાના સસરા ઝાલા સાહેબને ફોન કર્યો. કારણ કે ઝાલા સાહેબ મંથન સાથેની વાતચીત પછી થોડા અપસેટ હતા

" પપ્પા છેવટે તમારી વાત મેં સ્વીકારી લીધી છે અને બિઝનેસને વાઈન્ડ અપ કરવાનો વિચાર માંડી વાળ્યો છે. આજે જ હું ગડા શેઠને મળીને આવ્યો છું અને લોઅર પરેલમાં ૧૨૦૦૦ ચોરસ વાર જગ્યા ઉપર ટાવરો બનાવી રહ્યો છું."

" તમારી આ નવી સ્કીમ માટે હૃદય પૂર્વક હું આશીર્વાદ આપું છું. તમે ખૂબ જ આગળ વધો એ જ મારી ભાવના છે. તમારો આ નિર્ણય મને ખૂબ જ ગમ્યો છે. આ જ ઉંમર કમાઈ લેવાની હોય છે. બેસ્ટ ઓફ લક. " ઝાલા સાહેબ બોલ્યા.

એ પછીના એક અઠવાડિયામાં જ ગડા શેઠે લોઅર પરેલની જગ્યાનાં તમામ પેપર્સ મંથનની ઓફિસમાં મોકલી આપ્યાં અને ગડાશેઠે પોતે જ પ્લોટનું ટાઈટલ ક્લિયર કરવા માટે અને એનઓસી માટે પોતાનાં ચક્રો ગતિમાન કરી દીધાં.

લગભગ એક મહિનાના સમયગાળામાં જ તમામ પરમિશનનો આવી ગઈ. એ પછી મંથને લોઅર પરેલની એ સાઈટ ઉપર જઈને વિઝિટ પણ કરી. ચારે બાજુ જબરદસ્ત ડેવલપમેન્ટ હતું.આ પ્લોટ તો ખરેખર એકદમ લગડી હતો.

મંથને પોતાના આર્કિટેકને ૧૩ માળનાં ૫ ટાવર, એક સ્વિમિંગ પુલ, ગાર્ડન અને ટેનિસ કોર્ટની ડિઝાઇન બનાવવાનો ઓર્ડર આપી દીધો. દરેક ટાવરમાં એક્સરસાઇઝ માટે નીચે જીમ બનાવવાની પણ સૂચના આપી.

સવા મહિનો થઈ ગયો હતો એટલે અદિતિ પણ હવે સુંદરનગરના ઘરે આવી ગઈ હતી.

લોઅર પરેલની સાઈટ ઉપર સૌ પ્રથમ સાફસફાઈ કરાવી દીધી અને પ્લોટ એકદમ મેદાન જેવો કરી દીધો. એ પછી આજુબાજુ કમ્પાઉન્ડ વૉલ વગેરે બનાવવાનું ચાલુ કરી દીધું. મંથને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ એન્ટ્રી અને એક્ઝિટનો પ્લાન બનાવ્યો.

લગભગ ત્રણેક મહિના પછી અખાત્રીજના દિવસે સારા મુહૂર્તમાં ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ થઈ ગયું. નવી સ્કીમનું નામ "અભિષેક એન્કલેવ" રાખ્યું.

ગડાશેઠે પોતે વચન આપ્યા પ્રમાણે બીજા ૫૦૦ કરોડની વ્યવસ્થા મંથનને કરી આપી !

સમયને પસાર થતાં વાર નથી લાગતી. દિવસો ઉપર દિવસો પસાર થયા. બીજા પાંચ મહિનાનો સમય પસાર થઈ ગયો. દિવાળી પણ નજીક આવી. નવી સ્કીમ 'અભિષેક એનકલેવ' ના પાંચે પાંચ ટાવરના પાયા પણ ખોદાઈ ગયા.

નવા ઘટના ક્રમમાં મુંબઈમાં ડ્રગ્સના કેસ ઘણા વધી ગયા હતા એટલે નાર્કોટિક ડિપાર્ટમેન્ટ એક્શનમાં આવી ગયું હતું. મુંબઈ પોલીસની પણ લાલ આંખ થઈ હતી. બાંદ્રાના બહેરામપાડા વિસ્તારમાં નસીરખાનનો ડ્રગ્સનો કરોડોનો જે વ્યાપાર ચાલતો હતો એની ખબર ઉચ્ચ લેવલના પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ગઈ હતી. અચાનક એક દિવસ સાંજે નસીરખાનને ત્યાં મોટી રેડ પડી.

એ જ દિવસે રાત્રે ૧૦ વાગે મંથન ઉપર દલીચંદ શેઠનો ફોન આવ્યો.

" મહેતા સાહેબ કાલે સવારે ૭ વાગે જાતે ગાડી ચલાવીને મુલુંડ મારી ઓફિસે એકલા આવી જાઓ. સાથે ડ્રાઇવરને ના લાવતા અને વિલંબ પણ ના કરતા. હું તમારી રાહ જોઇશ. " દલીચંદ ગડા ગભરાયેલા હતા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)