Varasdaar - 74 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 74

વારસદાર પ્રકરણ 74


" અરે તર્જની તું !!! " અદિતિ બોલી.

"અરે અદિતિ !! ઓ માય ગોડ !! વ્હોટ આ પ્લેઝંટ સરપ્રાઈઝ !!! " તર્જની બોલી.

બંને એકબીજાને જોઈને ખૂબ જ આશ્ચર્ય પામી ગયાં. મંથનને તો કલ્પના પણ ન હતી કે બંને એકબીજાને આ રીતે ઓળખતાં હશે ! એકદમ નજીકની ઓળખાણ હોય એ રીતે બંનેના ચહેરા ઉપર આશ્ચર્ય અને ખુશી બંને છલકાઈ રહ્યાં હતાં.

"મને તો કલ્પના જ નહીં કે તર્જની જ હવે મારી નણંદ બનીને આવશે. " અદિતિ બોલી.

" હા ભાભી. હવે તો મારે ભાભી તરીકેનું રિસ્પેક્ટ આપવું જ પડશે. ખરેખર આ દુનિયા ખૂબ જ નાની છે. ક્યારે કોની ક્યાં મુલાકાત થઈ જશે આપણે કલ્પના પણ કરી શકતાં નથી." તર્જની ઘરમાં પ્રવેશ કરતાં બોલી.

"અરે તમે લોકો મને કંઈક કહો તો ખરાં કે તમે એકબીજાને કેવી રીતે ઓળખો છો ?" છેવટે મંથન બોલ્યો.

"અરે અમારી તો બહુ જૂની ઓળખાણ છે. જો કે આ ઓળખાણ થોડા કલાકોની જ છે પરંતુ હંમેશાં એકબીજાને યાદ રહી જાય એવી છે." અદિતિ બોલી.

"તમને તો ખબર છે જ કે હું પારલામાં મીઠીબાઈ કોલેજમાં ભણેલી છું. રોજ ટ્રેઇનમાં બોરીવલીથી પારલા અપડાઉન કરતી હતી. " અદિતિએ વાત શરૂ કરી.

"ચારેક વર્ષ પહેલાં હું એકવાર કોલેજ છૂટી ગયા પછી ટ્રેઇન પકડવા માટે પારલા સ્ટેશને ઉભી હતી ત્યારે પ્લેટફોર્મ ઉપર અચાનક જ મને ચક્કર આવી ગયેલા. હું નીચે પડી ગઈ. ચક્કર એટલા બધા આવતા હતા કે હું ઉભી જ થઈ શકતી ન હતી. એ વખતે આ તર્જની પણ ત્યાં પ્લેટફોર્મ ઉપર મારી બાજુમાં ઉભી હશે તો એણે કોઈની મદદ લઈને મને રિક્ષામાં બેસાડી અને પોતાના ઘરે લઈ ગઈ." અદિતિ બોલી.

" તર્જનીએ પોતાના ફેમિલી ડોક્ટરને ફોન કરીને બોલાવ્યા. ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું. મારુ સોડિયમ ઘટી ગયું હતું. એકાદ કલાક પછી મને ભાન આવ્યું. મેં પપ્પાને ફોન કરીને બોલાવી લીધા અને એ મને ઘરે લઈ ગયા. એ પછી તો ટ્રીટમેન્ટથી મને સારું થઈ ગયું પરંતુ એ દિવસ હું ભૂલી શકી નથી. " તર્જનીએ પોતાની વાત પૂરી કરી.

"તો એ વખતે તારા મમ્મી સુજાતા માસી ઘરે ન હતા ?" મંથને પૂછ્યું

" ત્યારે મમા જોબ કરતા હતા ને ? એ સવારે ૯ વાગે નીકળી જાય તો સાંજે ૬ વાગે આવે. મારે અંધેરી થોડું કામ હતું તો ટ્રેઇનમાં અંધેરી જવા નીકળી હતી. ત્યાં મારી બાજુમાં જ ઉભેલાં અદિતિ ભાભીને અચાનક ચક્કર આવી ગયા અને પડી ગયાં." તર્જની બોલી.

"તર્જનીએ એ દિવસે મારી ખૂબ જ સેવા કરેલી. મુંબઈમાં પ્લેટફોર્મ ઉપર સૌને પોતપોતાની જોબ ઉપર કે ઘરે જવાની ઉતાવળ હોય છે. એટલે કોઈને કોઈના માટે સમય નથી હોતો. જ્યારે તર્જનીએ એકલીએ મને સપોર્ટ આપ્યો. થોડા મહિના સુધી તો અમારી વચ્ચે ફોન ઉપર પણ વાતચીત થતી હતી. પણ પછી સંબંધો વિસરાતા ગયા. એ વખતે સાદા ફોન હતા." અદિતિ બોલી.

"આનું નામ ઋણાનુબંધ ! ભવિષ્યમાં તમે લોકો નણંદ ભાભી બનવાનાં હતાં એટલે ઈશ્વરે તમને બંનેને એક બીજાનું ઇન્ટ્રોડક્શન કરાવી દીધું. " મંથન હસીને બોલ્યો.

" હા મંથન તમારી વાત સાચી છે. હું તર્જનીને બહુ સારી રીતે ઓળખી ગઈ છું. અને આજે એ મારી નણંદ બનીને આવી છે ત્યારે મને એના માટે ગર્વ છે. તમે વ્યક્તિને જોઈને જ ઓળખી લો છો. તમારી ચોઇસ ખૂબ ઉંચી હોય છે." અદિતિ બોલી.

" મેં તો માત્ર મારી ફરજ બજાવી હતી ભાભી. કોઈને પણ હું દુઃખી જોઈ શકતી નથી. સાવ સાચું કહું તો મારી ઈચ્છા તો નર્સ બનવાની હતી પરંતુ મમા ગયા પછી સંજોગો બહુ જ પ્રતિકૂળ બની ગયા. " તર્જની બોલી.

" હવે તારે કંઈ જ કરવાની જરૂર નથી. સુશીલામાસીની સેવા જ હવે તારો ધર્મ છે. એમણે તને દીકરી તરીકે અપનાવી લીધી છે. ગડાશેઠની હવે તું જ એકલી વારસદાર છે. કરોડોની માલકીન તું બની ચૂકી છે. " મંથન બોલ્યો.

"ભાઈ આ બધું તમારા કારણે જ શક્ય બન્યું છે. તમે જ મને નવી જિંદગી આપી છે. ચાલો હવે બીજી બધી વાતો પછી.... મારો અભિષેક ક્યાં છે ? " તર્જની બોલી.

" અત્યારે તો ભાઈસાહેબ ઘોડિયામાં સૂતા છે. હમણાં ભૂખ લાગશે એટલે અડધા કલાકમાં કેસેટ ચાલુ થઈ જશે." અદિતિ બોલી.

"ના પણ મારે પહેલાં એને એક વાર જોવો છે ભાભી." તર્જની બોલી.

અદિતિ એને પોતાના બેડરૂમમાં લઈ ગઈ. તર્જની વહાલથી અભિષેકને જોઈ રહી. એકદમ દેવાંશી બાળક હતો ! એને ખૂબ જ વ્હાલ ઉભરાઈ આવ્યું પરંતુ અભિષેકને અત્યારે જગાડવો યોગ્ય ન હતું.

"તારે આજે રાત્રે અહીં જ રોકાવાનું છે. કાલે શાંતિથી હું તને મૂકી જઈશ. તમે બંને નણંદ ભાભી રાત્રે વાતો કર્યા કરજો." મંથન બોલ્યો.

અભિષેક જાગ્યો એટલે અદિતિએ સૌથી પહેલાં એને સ્તનપાન કરાવ્યું. માતાના દૂધથી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી હોતું. અદિતિના એ સંસ્કાર હતા !

એ પછી એણે અભિષેકને તર્જનીના ખોળામાં મૂક્યો. તર્જનીએ પોતાના સગા ભત્રીજાના ગાલ ઉપર દિલ ભરીને ચૂમીઓ ભરી. ખૂબ જ વહાલ કર્યું. ખોળામાં બેસાડીને સામે ડૉગી નું ટોય મૂકી દીધું અને બટન દબાવ્યું. જમ્પિંગ કરતા ડૉગીને જોઈને અભિષેક ખૂબ જ ખુશ થતો હતો ! તર્જનીએ એને ટેડીબેર પણ ભેટ આપ્યું.

"તમે સરસ ટોયઝ પસંદ કર્યાં છે તર્જની. નણંદ બનાવ્યા પછી હવે હું તું નહીં કહી શકું. સંબંધોનાં સમીકરણો હંમેશા બદલાતાં જ રહે છે." અદિતિ બોલી.

તર્જની માટે અદિતિ અને વીણામાસીએ ભેગાં થઈને આજે સ્પેશિયલ રસોઈ બનાવી હતી. મા વિનાની તર્જનીને પ્રેમથી જમાડી. એક બેડરૂમ ખાલી જ હતો. મંથન આજે એમાં સૂઈ ગયો અને તર્જનીને અદિતિના બેડરૂમમાં સૂવાનું કહ્યું.

"અદિતિ આજે તારે તર્જનીને પહેરવા માટે સારામાં સારા ડ્રેસીઝ અપાવવાના છે. ઘરમાં પહેરવા બે ત્રણ ફોર્મલ ડ્રેસ પણ અપાવવાના છે. શો રૂમમાં જઈને થોડી જ્વેલરી પણ એને અપાવી દે. ભાઈના ઘરે એ પહેલી વાર આવી છે. જમીને તારી ગાડીમાં ઇન્ફીનિટી મોલમાં જ લઈ જજે. " મંથન બોલ્યો.

બીજા દિવસે વહેલી સવારે મંથન ચાર વાગે ઉઠી ગયો અને ધ્યાનમાં બેસી ગયો. આજે એને ગુરુજીનો આભાર માનવાની ઈચ્છા હતી કારણ કે ગુરુજીની કૃપા વગર આ બધું શક્ય જ ન હતું. પોતાના તમામ પાસા પોબાર પડતા હતા.

ધીમે ધીમે એ આલ્ફા લેવલમાં થઈને થીટા લેવલમાં પહોંચી ગયો અને સતત સ્વામીજીનું ચિંતન કરતો રહ્યો. આ સમયે ગુરુજી રોજ ધ્યાનમાં જ હોય છે એટલે એમની વેવલેન્થ પકડવા એ કોશિશ કરતો રહ્યો. ધ્યાનમાં ખૂબ ઊંડા ખોવાઈ ગયા પછી જ ગુરુજીનો અનુભવ થઈ શકતો હતો.

થોડીક મિનિટો પછી ગુરુજી સાથે વાર્તાલાપ થઈ શક્યો.

" ગુરુજી ખૂબ ખૂબ આભાર આપનો. જે પણ ઘટનાઓ બની તે આપની કૃપા વગર શક્ય જ ન હતી. તલકચંદ પોતાના પરિવારને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા. પોતાનો કરોડોનો બંગલો મૃદુલામાસીને આપવા માટે તૈયાર થઈ ગયા. સુશીલા શેઠાણી મારી વાત માનીને સુજાતા દેસાઈની દીકરી તર્જનીને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયાં. આ બધા ચમત્કાર તમે જ કર્યા છે. " મંથન નમ્રતાથી બોલ્યો.

" આ બધી ઘટનાઓ માટે મારી કૃપા કરતાં તને મળેલી સિદ્ધિઓ વધારે જવાબદાર છે. એટલા માટે જ મેં તને ઓખા મોકલ્યો હતો. જે પણ ઘટના ચક્રો નજીકના ભવિષ્યમાં આકાર લેવાનાં હતાં એમાં ગોપાલદાદાના આશીર્વાદ તને મળવા બહુ જ જરૂરી હતા. એમણે તને આપેલી સિદ્ધિઓ આ કામ કરી ગઈ છે. હું તો માત્ર પ્રેક્ષક રહ્યો છું. કોઈને પણ તારો આદેશ માનવો જ પડે એવી સિદ્ધિ તને મળેલી છે." ગુરુજી બોલ્યા.

"તેં જે પણ કાર્યો કર્યાં છે એ માટે તારા દલીચંદ શેઠનો આત્મા ખૂબ જ ખુશ છે. દલીચંદને પોતાની પુત્રી વિશે ખબર જ હતી. તને એમના ઘરે મોકલવા પાછળનો આશય તું એમની દીકરીને મળે અને એને પોતાના મુલુંડના બંગલે લઈ જાય એ જ હતો ! પોતાની દીકરીને મુલુંડ મોકલવાની પ્રેરણા એ જ તને આપી રહ્યા હતા. " ગુરુજી બોલતા હતા.

" એની પાછળનું કારણ એ જ છે કે સુજાતા સાથે કરેલા અન્યાયનું થોડું પ્રાયશ્ચિત થઈ જાય અને એમની અબજોની મિલકતનો વારસદાર મળી જાય. કારણકે સુશીલા શેઠાણીનું આયુષ્ય હવે બહુ લાંબુ નથી. શેઠનો આત્મા અહીંથી એ બધું અગાઉથી જાણી શકે છે. અહી એમની મુલાકાત સુજાતાના આત્મા સાથે પણ થઈ ગઈ છે. તર્જનીને એમના બંગલે મોકલ્યા પછી સુજાતાએ પણ એમને માફ કરી દીધા છે. સુજાતાનો આત્મા ત્રીજા લેવલ ઉપર છે. એ એમને મળવા માટે છેક નીચે આવ્યો હતો. " ગુરુજી બોલતા હતા.

" શેઠ તારી સાથે કંઇક વાત કરવા માંગે છે પરંતુ આવતીકાલે સવારે તું ધ્યાનમાં બેસીને એમનું આવાહન કરજે. આજે અત્યારે એમને તને મળવાની પરમિશન નથી મળી રહી. ગાયત્રીમંત્ર ની માળા ચાલુ રાખજે જેથી તને મળેલી બધી સિદ્ધિઓ સચવાઈ રહે. " ગુરુજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

ધીમે ધીમે મંથન જાગૃતિમાં આવ્યો. ધ્યાનમાં કરેલી તમામ વાતચીત મંથનને યાદ રહી જતી હતી. શેઠાણીનું આયુષ્ય બહુ લાંબુ ના હોય તો પછી તર્જની માટે મારે કંઈક વિચારવું પડશે. તર્જની તો કાચી ઉંમરની સાવ નાની બાલિકા જેવી છે. એના હકની સુરક્ષા મારે કરવી જ પડશે - મંથન વિચારી રહ્યો.

એ પછી નાહી ધોઈને એણે ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી. ત્યાં સુધીમાં ઘરના બધા સભ્યો ધીમે ધીમે જાગી ગયા હતા.

જમ્યા પછી અદિતિ તર્જનીને લઈને શોપિંગ મોલમાં ગઈ અને મંથન ઓફિસે ગયો. આર્કિટેકટ પરમાર સાહેબ સાથે પણ થોડી ચર્ચા કરવાની હતી.

સાંજે પાંચ વાગે એ ઘરે આવી ગયો કારણ કે તર્જનીને પારલા મૂકી આવવાની હતી.

" ભાઈ તમારે ધક્કો ખાવાની જરૂર નથી. હું રિક્ષામાં સ્ટેશને પહોંચી જઈશ અને ત્યાંથી ટ્રેન પકડીને અડધા કલાકમાં પારલા પણ પહોંચી જઈશ. ટ્રેઇનની મુસાફરીની મને આદત છે. " તર્જની બોલી.

" પણ તારી પાસે આજે શોપિંગનો કેટલો બધો સામાન છે ? સાથે જ્વેલરી પણ છે. આજે ટ્રેઇનમાં જવાનું રિસ્ક ના લેવાય." મંથન બોલ્યો.

"એક કામ કરો મંથન. હું જ એમને મૂકી આવું છું. બે કલાકમાં તો આવી જઈશ. હમણાં જ દૂધ પીવડાવ્યું છે એટલે વાંધો નહીં આવે. અને માસી સાથે એને સારું ફાવે છે. " અદિતિ બોલી.

" અરે અદિતિ સાંજનો ટ્રાફિક તને ખબર જ નથી ! ચક્કા જામ હોય છે. તું તારે અભિષેકને સાચવ. હું મૂકીને આવું છું. " મંથન બોલ્યો અને જવા માટે તૈયાર થઈ ગયો.

મંથન તર્જનીને એના ઘરે મૂકી આવ્યો. ઘરે આવ્યો ત્યારે સાંજના સાડા સાત વાગી ગયા હતા.

આજે બાજુમાં ધનલક્ષ્મીબેન ના ઘરે સત્યનારાયણની કથા રાખી હતી અને બધાને જમવાનું પણ એમણે આમંત્રણ આપ્યું હતું. અત્યારે કથા ચાલુ હતી એટલે સૌથી પહેલાં તો મંથન એમના ઘરે જઈને સત્યનારાયણ ભગવાનનાં દર્શન કરી આવ્યો. એણે એકદમ દિલથી દર્શન કર્યાં અને ભગવાનના ચરણોમાં ₹ ૫૦૦ ની નોટ મૂકી.

જ્યારે પણ ઈશ્વરનાં દર્શન કરવા જાઓ ત્યારે આશીર્વાદ મેળવવા યથાશક્તિ રકમ અર્પણ કરવી જોઈએ અથવા છેવટે કોઈ ફળ કે ફૂલ પણ મૂકવું જોઈએ. ઈશ્વરને પૈસાની કોઈ જરૂર નથી પરંતુ જગતમાં આદાન પ્રદાનનો નિયમ બધે જ કામ કરે છે ! આપે છે એને મળે જ છે.

સત્યનારાયણ એ સાક્ષાત ભગવાન વિષ્ણુ છે અને દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં વર્ષમાં એકવાર સત્યનારાયણ ભગવાનની કથા રાખવી જ જોઈએ. કથા રાખ્યા પછી એક વર્ષ સુધીમાં પરિવારની ઘણી પ્રગતિ થાય છે.

કથામાં દર્શન કરી આવ્યા પછી જાણે ગુરુજી આ બધું મંથનને સમજાવી રહ્યા હતા એવી અનુભૂતિ થઈ !

રાત્રે જમણવાર પૂરો થયો ત્યારે ૧૧ વાગી ગયા હતા. મંથન નામસ્મરણ કરતો કરતો સૂઈ ગયો.

પોતાના નિત્ય ક્રમ પ્રમાણે મંથન વહેલી સવારે ૪ વાગે ઉઠી ગયો. આજે ગડા શેઠનો આત્મા એને મળવા માગતો હતો એવું ગુરુજીએ ગઈ કાલે એને કહેલું.

મંથને ઉંડા ધ્યાનમાં જઈને સતત ગડાશેઠ નું સ્મરણ કર્યું અને એમને પોતાના માનસપટલ ઉપર આવવા આમંત્રણ આપ્યું.

દસેક મિનિટમાં જ મંથનને ગડાશેઠની હાજરીનો અનુભવ થયો. અવાજ ખૂબ જ ધીમેથી આવતો હતો. એ જાણીતી પર્ફ્યુમની સુગંધ પણ આવી.

"ગડાશેઠ મારો અવાજ તમને સંભળાય છે ? " મંથને માનસિક રીતે વાતચીત કરવાની શરૂઆત કરી. આજે મંથનનો આત્મા સૂક્ષ્મ લોકમાં ન હતો એટલે તે દિવસની જેમ ગડાશેઠને એ સ્પષ્ટ જોઈ શકતો ન હતો. બસ અનુભવી શકતો હતો.

" હા મને સંભળાય છે હું તમારી સામે જ છું. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. તમે મારી દીકરીને પોતાની સગી બહેન માની અને જે લાડ પ્યાર બતાવ્યાં એનાથી હું ખૂબ જ ખુશ છું. મારી પ્રેરણાથી તમે એને સુશીલા પાસે લઈ ગયા ત્યારે પણ હું ત્યાં હાજર હતો. અમે સૂક્ષ્મ લોકમાંથી અમારી નજીકની વ્યક્તિનું આયુષ્ય જાણવા માગતા હોઈએ તો એ વ્યક્તિનું આયુષ્ય અમારા ગાઈડ દ્વારા જાણી શકીએ છીએ. મેં સુશીલાનું આયુષ્ય જાણવા કોશિશ કરી તો મને ખબર પડી કે એનું આયુષ્ય ટૂંકુ છે અને એક વર્ષની અંદર જ એનો આત્મા અહીં ઉપર આવી જશે. " ગડાશેઠનો અવાજ મંથન ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

"તમારે મારું એક કામ કરવાનું છે. તમારે સુશીલાને કહેવાનું છે કે એ મારી તર્જનીને કાયદેસર દત્તક લઈ લે. જેથી કરીને એના અવસાન પછી મારી અબજોની સંપત્તિ માટે એને કોઈ તકલીફ ના થાય. જો એમ નહીં થાય તો તર્જની તકલીફમાં મુકાઈ જશે. મારી પત્નીને સમજાવીને તમે મારા સોલિસિટર મુનશીનો સંપર્ક કરજો. એ તમને બધી મદદ કરશે. એ સિવાય મારાં તમામ બેંક ખાતાઓમાં નોમીની તરીકે તર્જનીનું નામ દાખલ કરાવજો. તમામ ખાતાઓની વિગત સુશીલા પાસે છે. બસ આટલું કહેવા માટે જ મેં તમારા ગુરુજીને વિનંતી કરી હતી. " ગડાશેઠનો આત્મા આટલું બોલ્યો અને દૂર થઈ ગયો !

મંથન થોડીવાર ધ્યાનમાં એમ જ બેસી રહ્યો. મૃત્યુ પછી પણ માણસ પોતાની માયાનો ત્યાગ કરી શકતો નથી અને એનો જીવ પોતાની મિલકતમાં જ ભટક્યા કરે છે ! આ પણ કેવી કરુણતા છે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)