Dhun Lagi - 11 books and stories free download online pdf in Gujarati

ધૂન લાગી - 11





"ક્રિષ્ના! વિજય! તમે અહીંયા આવો." અંજલીએ તેમને પોતાની પાસે ફળિયામાં બોલાવતાં કહ્યું.

"બોલો અક્કા! શું કામ છે?" ક્રિષ્નાએ કહ્યું.

"ક્રિષ્ના, તું જઈને બધાં બાળકોને અહીંયા બોલાવી લાવ અને વિજય, તું પેલાં બે નમૂનાઓ મતલબ કે મહેમાનોને બોલાવી લાવ."

"પણ તમે બધાંને આમ અચાનક કેમ બોલાવો છો?" વિજયે પૂછ્યું.

"બધાં આવી જશે, પછી બધાંને એકસાથે કહીશ." અંજલી બોલી.

ક્રિષ્ના બધાં બાળકોને બોલાવવા ગઈ અને વિજય, કરણ તથા કૃણાલને બોલાવવા ગયો. અંજલી જઈને અનન્યાને લઈ આવી. બધાં ફળિયામાં આવી ગયાં હતાં. બધાં બાળકો એકબીજાને પૂછી રહ્યાં હતાં, અક્કાએ આમ અચાનક કેમ બોલાવ્યાં છે.

"સાંભળો! સાંભળો! સાંભળો! આજે મુંબઈનાં શહેઝાદા કરણ મહેતા અને કેરળની શહેઝાદી અંજલી રાઠોર વચ્ચે એક ક્રિકેટ મેચ થવા જઈ રહ્યો છે." કૃણાલ અંજલીએ જેમ કહ્યું હતું તેમ બોલી ગયો. "આજે આપણે ક્રિકેટ મેચ રમવાનાં છીએ. જેમાં બે ટીમ હશે, એક ટીમનાં કેપ્ટન મિસ્ટર કરણ હશે અને બીજી ટીમનાં કેપ્ટન મિસ અંજલી હશે. અત્યારે સૌથી પહેલાં તો એક ટોસ કરવામાં આવશે. એ ટોસ જે જીતશે, તે તમારાં બધાંમાંથી પહેલાં ટીમ મેમ્બર પસંદ કરશે અને તેની ટીમ બેટિંગ કરશે કે બોલિંગ તે નક્કી કરશે." કૃણાલ બધાંને રમત સમજાવતાં બોલ્યો.

"હજુ સાંભળો! પહેલાં હું તમને રમતનાં નિયમોથી રૂબરૂ કરાવી દઉં છું. જો બોલ સ્ટમ્પને ટચ કરશે કે કોઈ ફિલ્ડર કૅચ કરશે, તો બેટ્સમેન આઉટ ગણાશે. જો બોલ આશ્રમની દીવાલને ટચ કરશે, તો 4 ગણાશે અને જો આશ્રમની બહાર જશે તો 6 ગણાશે. અને જે બોલ બહાર ફેંકશે, તેને અથવા તેનાં કોઈ ટીમ મેમ્બરે બોલ લેવાં જવું પડશે. હવે તમે બધાં નિયમોથી રૂબરૂ થઈ ચૂક્યાં છો. હવે હું તમને એક રસપ્રદ વાત જાણવું છું. હું એટલે કે કૃણાલ મહેતા, એમ્પાયર તરીકે ફરજ નિભાવીશ. અમ્મા અને અપ્પા કોમેન્ટ્રી કરશે."

આશ્રમનાં ફળિયામાં ક્રિકેટની પિચ બનાવીને, સ્ટમ્પ લગાવી દેવામાં આવ્યાં હતાં. કરણની ટીમમાં વિજય, અનન્યા, દિવ્યા અને અન્ય બાળકો હતાં. અંજલીની ટીમમાં મૃદુલઅન્ના, ક્રિષ્ના, અર્જુન અને અન્ય બાળકો હતાં. અંજલી ટોસ જીતી ગઈ હતી, એટલે તેણે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

"જોઈ રહ્યાં છો, મિસ્ટર કરણ મહેતા! મેદાનમાં આવતાં જ હું ટોસ જીતી ગઈ. આવી જ રીતે હું મેચ પણ જીતી જઈશ." અંજલીએ કરણની બાજુમાં જઈને કહ્યું.

"મિસ અંજલી! બહુ વધારે હવામાં ન ઊડો, નહિતર ક્યારે નીચે પડી જશો એ ખબર નહીં રહે. હજુ તમે માત્ર ટોસ જીત્યાં છો, મેચ નહીં. તો જમીન પર રહો. You just wait and watch." કરણ આમ બોલીને પોતાની ટીમ સાથે ચર્ચા કરવાં ચાલ્યો ગયો. કરણની ટીમમાંથી પહેલાં વિજય બેટિંગ માટે ઉતાર્યો અને અંજલીની ટીમમાંથી ક્રિષ્ના બોલિંગ માટે ગઈ.

ક્રિકેટની રમત શરૂ કરવામાં આવી. વિજયે ક્રિષ્નાનાં પાંચેય બોલ પર 4 અને 6 ફટકાર્યા. આ જોઈને અંજલીની હાલત ખરાબ થઈ રહી હતી.

"કેમ મહોતરમા! હાર સહન નથી થતી. હજુ પણ ટાઈમ છે, જઈ શકો છો. તમારાં માટે તો મારો આ એક જ ખેલાડી કાફી છે." કરણે અંજલીને ચીડવતા કહ્યું.

"અમે હારીને જઈએ છીએ, પણ ભાગીને નહીં. રમત તો રમીને જ જઈશુ." આમ બોલીને અંજલી ક્રિષ્ના પાસે ગઈ અને તેને વિજયને આઉટ કરવાં કહ્યું. ક્રિષ્નાએ પોતાની ઓવરનો છેલ્લો બોલ ફેંક્યો, વિજયે બોલ પર ફટકાર મારી. બોલ દીવાલ તરફ જઈ રહ્યો હતો, કે અર્જુને કૅચ કરી લીધો અને વિજય આઉટ થઈ ગયો. અંજલીની ટીમમાં બધાં ખુશ થઈ ગયાં. આવી રીતે કરણે એક-એક કરીને પોતાનાં ટીમ મેમ્બરને મેદાનમાં ઉતાર્યાં.

હવે કરણની ટીમમાંથી બધાં હારી ગયાં હતાં. પછી કરણ પોતે મેદાનમાં ગયો, સિંહ જેવી ચાલ સાથે મેદાનમાં ઉતર્યો. તેની સામે બોલીંગ માટે અર્જુન ગયો. કરણે અર્જુનનાં બધાં બોલ પર 4-6 ફટકાર્યા.

"અરે વાહ યાર! આને તો બહું સારું રમતાં આવડે છે." અંજલીએ ધીમેથી અનન્યાને કહ્યું. પછી અંજલી કરણ સામે બોલિંગ માટે ગઈ. કરણે અંજલીનાં પણ પાંચેય બોલમાં 4 અને 6 ફટકાર્યા.

"હવે એક છેલ્લો બોલ બાકી છે, આને આઉટ તો કરવો જ પડશે, પણ કઈ રીતે? જો અંજલી! કોઈ સીધી રીતે તો આ તારાથી આઉટ થશે નહીં, એટલે તારે કંઈ ખોટું જ કરવું પડશે. આઈડિયા...!" આમ કહીને અંજલી છેલ્લો બોલ ફેંકવા લાગી.


_____________________________


અંજલી કરણને આઉટ કરવાં માટે શું કરશે? શું અંજલીની કોઈ નીતિ કામ આવશે? આ મેચ કોણ જીતશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી