Dhun Lagi - 17 books and stories free download online pdf in Gujarati

ધૂન લાગી - 17




"અંજલી! તું રાત્રે સૂતી ન હતી." અમ્માએ અંજલીનું મોં જોઈને કહ્યું.

"તમને એવું કેમ લાગ્યું કે હું સૂતી નહોતી." અંજલીએ પૂછ્યું‌.

"તારાં મોં પરથી અને આંખો પરથી ચોખ્ખું દેખાય છે, કે તું રાત્રે સૂતી ન હતી. પણ શા માટે?"

"ખબર નહીં કેમ, આખી રાત ઊંઘ જ ન આવી."

"કંઈ વાંધો નહીં. એવું લાગે તો બપોરે થોડીવાર આરામ કરી લેજે." આમ કહીને અમ્મા ત્યાંથી ચાલ્યાં ગયાં.

અંજલી પોતાનાં ડાન્સ ક્લાસ લઈને, પછી કરણ સાથે વાત કરવા ગઈ. કરણ તેનાં રૂમમાં લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો. અંજલીએ રૂમમાં જતાં પહેલાં દરવાજા પર બે વખત ટકોર કરી. કરણે અંજલીની સામે જોઈને, તેને અંદર આવવા માટે કહ્યું.

"મારે તમારી સાથે અનન્યા અને કૃણાલ વિશે વાત કરવી છે." અંજલીએ કહ્યું.

"જુઓ, મેં અંકલ-આંટીને પણ કહ્યું હતું અને તમને પણ કહું છું, કે મને 'તું' કહીને જ વાત કરવાની અને તમે તો મારાં જેટલી જ ઉંમરનાં છો." કરણે કહ્યું.

"તમે પણ તો મને 'તું' કહીને વાત કરતાં નથી."

"એમાં એવું છે, કે મને નાનપણથી જ છોકરીઓને માન આપવાનાં સંસ્કાર મળ્યાં છે."

"છોકરાઓ જો છોકરીને માન આપતાં હોય, તો સામે તેમને પણ માન મળવું જોઈએને?"

"Ok. તો આજથી આપણે બંને એકબીજાંને 'તું' કહીને વાત કરીશું."

"ઠીક છે, તો હવે મુદ્દાની વાત કરીએ?"

"હા, હા, બોલ."

"જો કરણ, મેં કાલે આખી રાત વિચાર કર્યો. મને અનન્યા અને કૃણાલનાં સંબંધનું આગળ કોઈ ભવિષ્ય ન દેખાયું."

"એવું કેમ?"

"તું અને કૃણાલ શ્રીમંત પરિવારમાંથી આવો છો અને અમે બંને બહેનો અનાથાશ્રમમાંથી. તો તમારાં માતા-પિતા અનન્યાનો કઈ રીતે સ્વીકાર કરશે?"

"અરે અંજલી! એમણે જ તો મને તારી સાથે સંબંધ જોડવા મોકલ્યો છે. જો એ આપણાં સંબંધથી ખુશ હોય, તો અનન્યા અને કૃણાલનાં સંબંધથી ખુશ કેમ ન હોય!" કરણ આવું ધીમેથી બોલી ગયો.

"શું બોલ્યો તું?"

"હું એમ કહેતો હતો કે અમે શ્રીમંત પરિવારમાંથી આવીએ છીએ, એ વાત સાચી છે. પણ અમારા માટે પૈસા કરતાં વ્યક્તિનાં ચરિત્ર અને સંસ્કારનું વધારે મહત્વ છે એટલે મારાં માતા-પિતા‌‌ તો આ સંબંધ માટે માની જશે."

"ચાલો, માન્યું કે તારાં માતા-પિતા એમનાં સંબંધ માટે માની જશે. પણ તને શું લાગે છે, અનન્યા અને કૃણાલ ખરેખર એકબીજાંને ચાહે છે કે માત્ર આકર્ષણ છે?"

"મેં કાલે કૃણાલ સાથે વાત કરી, એ પરથી તો મને પ્રેમ જ દેખાયો. અનન્યા સાથે વાત કરીને તને શું લાગ્યું?"

"તેની વાત પરથી પણ મને લાગ્યું કે પ્રેમ તો છે, પણ..."

"પણ શું?"

"અનન્યાની ઉંમર હજુ નાની છે. તે હજુ એટલી સમજદાર પણ નથી, કે લગ્નનાં બંધનમાં બંધાઈ શકે. તેણે હજુ મોબાઇલની બહારની દુનિયા જોઈ જ નથી."

"તારી વાત તો સાચી છે, પણ મોટાભાગનાં લગ્ન સંબંધમાં આવું જ હોય છે. છોકરો કે છોકરી બંનેમાંથી એકમાં ઓછી સમજણ હોય છે, પણ તેની સામેની વ્યક્તિ તેને સંભાળી લે છે. આ વાતમાં પણ કૃણાલ અનન્યાને સંભાળી લેશે."

"ઠીક છે. તો હવે આપણે અમ્મા-અપ્પાને તેમનાં વિશે વાત કરીએ."

"પણ આ બધું ખૂબ ઝડપથી નથી થઈ રહ્યું? મને લાગે છે કે આપણે તેમને હજુ થોડો સમય આપવો જોઈએ."

"તેઓ 2 વર્ષથી એકબીજાંને ઓળખે છે અને 1 વર્ષથી રિલેશનશિપમાં છે. હજુ તારે એમને કેટલો સમય આપવો છે?"

"હા, એ પણ છે. તો હવે આપણે અમ્મા-અપ્પા સાથે વાત કરીએ."

કરણ અને અંજલી બંને અમ્મા-અપ્પા સાથે અનન્યા અને કૃણાલ વિશે વાત કરવા જઈ રહ્યાં હતાં. ત્યાં બંનેનાં મોબાઇલમાં કોઇનો મેસેજ આવ્યો. બંનેને એકસાથે મેસેજ આવ્યો એટલે તેમને થોડું અજીબ લાગ્યું. તેમણે મોબાઇલમાં જોયું, તો કરણને કૃણાલનો અને અંજલીને અનન્યાનો મેસેજ આવ્યો હતો.

"આ બંને અત્યારે આપણને ગાર્ડનમાં કેમ બોલાવી રહ્યાં છે?" મેસેજ વાંચીને અંજલીએ કહ્યું.

"કદાચ કંઈક મહત્વની વાત કરવી હશે. ચાલ, તો જઈએ?" કરણે કહ્યું.

"હા, પણ વાત તો અહીંયા પણ થઈ શકે છે ને!"

"કોઈ એવી વાત હશે, જે અહીં થઇ શકે તેવી નહીં હોય."

"ઠીક છે. તો પછી આવીને તેમનાં સંબંધ વિશે અમ્મા-અપ્પા સાથે વાત કરીશું." આમ કહીને અંજલી કરણની સાથે ગાર્ડનમાં જવા માટે નીકળી ગઈ.


_____________________________



અનન્યા અને કૃણાલે, કરણ અને અંજલીને શા માટે બોલાવ્યાં હશે? શું કરણ અને અંજલી તેમની કોઈ મદદ કરી શકશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી