Dashavatar - 57 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 57

દશાવતાર - પ્રકરણ 57

          પદ્માને ખબર નહોતી કે એ દીવાલની પેલી તરફથી પાછી ફરશે કે કેમ? ત્યાં એના પિતા ત્રિલોકની ફિલસૂફી સાચી ઠરતી હતી. કળિયુગમાં અસ્તિત્વ અનિશ્ચિત છે. પદ્માને આજે અસ્તિત્વની પરવા નહોતી. એને ચિંતા હતી તો એક જ વાતની કે એને વિરાટને મળ્યા વિના જ દીવાલની પેલી તરફ જવાનું હતું. એને વિરાટની વિદાય લેવાની તક એ જ અફસોસ હતો.

          ટ્રેનની પ્રણાલી એ રીતે કામ કરતી - ટ્રેન જૂના મજૂરોને ઉતારી જતી અને નવા મજૂરોને લઈ જતી પરંતુ બંનેનો રસ્તો અલગ હતો - જૂના મજૂરો સ્ટેશનના પાછળના દરવાજાથી બહાર આવતા અને નવા મજૂરો આગળના ગેટથી અંદર દાખલ થતાં. એ લોકો સ્ટેશન પર એકબીજાને મળી ન શકતાં. પદ્માને ખાતરી નહોતી કે એ ફરી ક્યારેય વિરાટને મળશે કે કેમ કારણ કે દીવાલની પેલી તરફ મૃત્યુ ડગલેને પગલે રાહ જોતું હોય છે.

          એને અંગદને અલવિદા કહેવાનો મોકો મળ્યો એ વાતે એ ખુશ હતી.

          "મા, હું હમણાં જ આવું છું." એણે કહ્યું. વાળ બાંધીને ટોપી ચડાવી. એ જાણતી હતી કે એની મા જવાબ આપશે નહીં પરંતુ જૂની આદતને કારણે એ બહાર જતા પહેલા એની રજા લેતી. એની માતાએ માત્ર માથું હલાવ્યું પરંતુ કશું જવાબ આપ્યો નહીં.

          પદ્માએ પાટલુનના ખિસ્સામાં હાથ ભરાવ્યા અને ઝૂંપડીની બહાર સરકી ગઈ.  એને કેનાલ સુધી પહોંચવા માટે લગભગ અડધો કલાક ચાલવું પડ્યું. કેનાલની અંદર માત્ર એક જ ખતરો હતો - ડૂબવું પરંતુ એની બહાર એક કરતા વધુ - કોઈએ જાણ કરી કે તમે કૂદકો માર્યો છે તો મૃત્યુદંડ - નજીકના જંગલમાંથી વરુઓના ટોળા નિર્ભય સિપાહીઓ કરતાં પણ ભયાનક હતા એમના પંજામા આવી ગયા તો મૃત્યુદંડ. 

          એ એમની ખાસ જગાએ પહોંચી જ્યાંથી એ દરરોજ પાણીમાં કૂદતી. અંગદ ત્યાં એની રાહ જોઈ રહ્યો હતો. એ આ વાતથી અજાણ હતો કે પદ્મા દીવાલની પેલી તરફ જવાની છે અને એની છેલ્લી વિદાય લેવા આવી છે.

          પદ્માને જોતાં જ એના ચહેરા પર સ્મિત ફરકવા લાગ્યું. દીવાલની આ તરફ ત્રણ જણ હતા જેને પદ્મા પોતાના માનતી હતી - વિરાટ, અંગદ અને તેની મા - બાકીના લોકો ફક્ત એના લોકો હતા. એમણે ક્યારેય એની પરવા નહોતી કરી. વાસ્તવમાં શૂન્યો પોતાના પરિવારો સિવાય કોઈની સંભાળ રાખી શકે તેમ નહોતા. 

          “પદ્મા...” અંગદ બોલ્યો. સૂર્યના કિરણો એના ઘેરા કાળા વાળ પર ચમકતા હતા. ક્ષણભર એના વાળને એ કિરણોએ ભૂખરા કરી નાંખ્યા. દીવાલની આ તરફ તડકો છેતરી નાખે એવા રંગો બદલતો. એ પછી પદ્માના કાળા વાળ-ભૂરા રંગમાં પરિવર્તિત થયા અને ફરી એ ભૂરો રંગ ધૂંધળો પડ્યો અને પદ્મા અંગદની નજીક પહોચી એ સાથે જ કિરણોની માયાજાળ કામ કરતી બંધ થઈ ગઈ હોય એમ એના વાળ ફરી ઘેરા કાળા રંગના દેખાવા લાગ્યા.

          "અંગદ."

          "કેમ આ કપડાંમાં?" એણે પૂછ્યું.

          પદ્મા હંમેશાં શૂન્યોનો પરિધાન જ પહેરતી. એ કપડા કેનાલમાં તરવા માટે યોગ્ય કપડાં હતા.

          "હું આજે પાણીમાં કૂદવા નથી આવી." એ બોલી, "હું દીવાલની પેલી તરફ જઈ રહી છું." એણે રાહત અનુભવી કેમકે એ અંગદને જે કહેવા માંગતી હતી એ કઈ રીતે કહેવું એની એને ચિંતા હતી. પણ એકવાર એ શબ્દો બોલ્યા પછી એનું મન હળવું થઈ ગયું.

          બંને એકબીજા સામે થોડીવાર મૌન ઊભા રહ્યા. શરૂઆતમાં પદ્મા વધુ બોલવા માટે શબ્દો શોધતી હતી પરંતુ એણે વિચાર્યું કે એને અંગદના પ્રતિભાવની રાહ જોવી જોઈએ. મૌનની એ પળ અનંત સુધી વિસ્તરેલી લાગતી હતી અને એને ખાતરી હતી કે એ પળ પણ જાણે ક્યારેય પૂરી જ નહીં થાય. બીજી તરફ અંગદ પણ એવું જ અનુભવતો હતો. એમની મિત્રતા એક અતુટ બંધન હતું. અંગદે જવાબ ન આપ્યો. એણે નીચા નમીને રેતીમાં અડધો દટાયેલા એક પથ્થર લીધો અને એને કેનાલના પાણીમાં ફેંકયો. પદ્મા સમજી ગઈ કે એણે ધાર્યું હતું એમ જ અંગદ એ સમાચાર સાભળીને અસ્વસ્થ થઈ ગયો છે.

          "તો આજે મારે પાણીમાં કૂદકો લગાવવો પડશે, એમને?" એ હસ્યો. એના હાસ્યમાં પીડા હતી, “મને કેનાલમાં કૂદવા કરતાં માછલીઓ વેચવાનું જોખમ લેવું વધુ ગમે છે. મને કાળા બજારીઓ પાણી જેટલા જોખમી નથી લાગતા.”

          પદ્મા જાણતી હતી કે અંગદ વાતને બદલે છે.

          "મને ખબર છે." એણે કહ્યું, "પણ હું દીવાલની પેલી તરફ જાઉં છું એટલે તારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી."

          એ કશું ન બોલ્યો. પદ્મા જાણતી હતી કે અંગદે એના જવાની અપેક્ષા રાખી નહોતી. એણે એક બીજો પથ્થર લીધો અને કેનાલ તરફ ફેક્યો. એ પથ્થર કેનાલની દીવાલ સાથે અથડાયો, "હું કારુને શ્રાપ આપું છું." એણે કહ્યું, "આપણે કેમ..."

          "નહીં..." પદ્મા વચ્ચે બોલી ઉઠી, "તું આવું વર્તન કરે એ મને નથી ગમતું."

          એણે એના ચહેરા પર ગુસ્સો જોયો. એ અંગદ સાથે સહમત હતી. એ કારુ પર ગુસ્સે હતી પરંતુ એ જાણતી હતી કે ગુસ્સો અર્થહીન છે. એ કંઈ કરી શકે એમ નહોતા. અંગદે દૂર ક્ષિતિજ તરફ જોયું. આજે આકાશ પ્રમાણમાં શાંત હતું. વાદળી અને સફેદ રંગના પટ્ટા આકાશના પણ પૃથ્વી જેમ ભાગ પાડતા હોય એમ લાગતું હતું. તડકો કાયમ જેટલો આકરો નહોતો.

          "તો તું વિદાય લેવા આવી છો?" એ રેતીમાં બેસી ગયો. એના ચહેરા પર હવે ગુસ્સાનું સ્થાન ઉદાસીએ લીધું.

          "હા." પદ્મા એની પાસે રેતીમાં બેસી ગઈ, "સફર પછી મળીશું."

          "હા..." એણે કહ્યું, "જ્યારે તું સ્ટેશન જાય ત્યારે આ કપડાં ન પહેરીશ." એના ચહેરા પર વાંચી ન શકાય એવા ભાવ હતા. એના જડબાના સ્નાયુઓનું હલનચલન કહેતું હતું કે એ હજુ પણ ગુસ્સામાં છે.

          "હું જાણું છું." પદ્માએ કહ્યું, "તું મને વળાવવા નહીં આવે?"

          એ મૌન રહ્યો. આંગળી વડે રેતીમાં અવનવા આકાર દોરતો રહ્યો. પણ પદ્મા જાણતી હતી કે એણે પ્રશ્ન સાંભળ્યો છે.

          "તું નહીં આવે, એમને?" 

          અંગદે ઉપર જોયું. એની આંગળીઓ હજુ પણ રેતીમાં રેખાઓ બનાવતી હતી, "આપણે કોઈને સ્ટેશન વળાવવા નથી જઈ શકતા. તને નિયમ ખબર નથી?" 

          "સારું, મારા નિયમ-અનુયાયી-મિત્ર," એણે એના ચહેરા તરફ જોતા કહ્યું, "મારા ગયા પછી કેનાલમાં એકલો ન કૂદતો."

          "તું નહીં કહે તો પણ હું એ નથી જ કરવાનો." એણે કહ્યું, "હું જંગલમાંથી ફળ લઈ આવવાનું પસંદ કરીશ."

          "હા, એ ઠીક રહેશે. મને નથી લાગતું કે કેનાલમાથી એક પણ માછલી ન મળે તો પણ તું ભૂખે મરે." એણે પાછળ ફરીને ઉમેર્યું, "બજારમાં તારી પાસે સારા મિત્રો છે."

          "એ બધું જવા દે." 

          પદ્માએ એની આંખમાં જોયુ.

          "ખચકાઈશ નહીં. તારા મનમાં શું ચાલી રહ્યું છે?" અંગદે પૂછ્યું.

          "કંઈ નહીં."

          “પદ્મા, તું કઈંક છુપાવી રહી છે.”

          "અંગદ..." એ હૃદયને રોકી ન શકી. એના માટે પોતાની જાતને સંભાળવું મુશ્કેલ બની ગયું. એનો અવાજ ધ્રુજવા લાગ્યો, “મારી મા... એ પોતાની કાળજી રાખી શકે એમ નથી તો તું...” એ વધુ બોલી શકી નહીં. એણે વાક્ય અધૂરું જ છોડી દીધું અને ડુસકા ભરવા લાગી.

          "જ્યાં સુધી જંગલમાં એક પણ ફળ હશે ત્યાં સુધી હું માને ભૂખે નહીં મરવા દઉં." એણે એના ખભા પર હાથ મુક્યો.

          પદ્મા એને વળગી પડી. એ જાણતી હતી કે વિદાયની એ પળ અંગદ માટે મુશ્કેલ હતી. અંગદ વિરાટ અને પદ્માએ ડૂબતા બચાવ્યો એ પછીનો દરેક દિવસ પદ્મા સાથે રહ્યો હતો. એ એક દિવસ પણ એકલો રહ્યો નહોતો. અંગદ લાગણીશીલ હતો. કદાચ એ વિરાટ અને પદ્મા કરતા પણ વધુ લાગણીશીલ હતો. વિરાટ પછી જો પદ્માને કોઈના પર વિશ્વાસ હોય તો એ એકમાત્ર અંગદ જ હતો. પદ્મા એને ગળે લાગીને એની લાગણીને શાંત કરી પરંતુ એની આંખો છલકાવા લાગી.

          અંગદે એની લાગણી સમજતા કહ્યું “તારે રડવું જોઈએ. એ તને મદદ કરશે.”

          "મને એવું નથી લાગતું." પદ્માએ વાળની ​​એક છુટ્ટી પડેલી લટને ટોપીમાં કાન પાસે ખોસતા કહ્યું.

          "તું નિયમ તોડી શકે છે." એણે કહ્યું, "તારા વિરાટની જેમ."

          "હું કરી શકું છું." એણે હળવા સ્મિત સાથે કહ્યું. એની આંખોમાં આંસુ હોય ત્યારે ફક્ત એના મિત્રો જ એને હસાવી શકતા.

          "મેં રડવાનું કહ્યું છે પદ્મા, હસવાનું નહીં." અંગદે એનું કપાળ ચૂમ્યું અને એની ટોપી સરખી કરી.

          "મારે હવે જવું પડશે."

          "સૂરજ હજુ તો માથા પર છે. તારી પાસે ઘણો સમય છે."

          "મારે તૈયારીઓ કરવી પડશે." પદ્માએ કહ્યું, "તું  જાણે છે કે મા મને મદદ કરી શકે એમ નથી અને મારા પરિવારમાં બીજું કોઈ નથી."

          "પણ તારે દીવાલની પેલી તરફ જવા એક અનુભવી વ્યક્તિની જરૂર પડશે." એણે કહ્યું, "મારા પિતા કહે છે કે જ્યારે તમે પહેલીવાર જાઓ ત્યારે તમે તાલીમી છો અને તમારી સાથે એક અનુભવી શૂન્ય હોવો જ જોઈએ."

          "મારી સાથે છે પણ એ મારા પરિવારમાંથી નથી."

          "કોણ?"

          "અખિલ." પદ્માએ નામ આપ્યું, "મારા પિતા એના સારા મિત્ર હતા."

          "ઠીક છે." એણે કહ્યું, "કાળજી રાખજે."

          "તું પણ સંભાળીને રહેજે. બને ત્યાં સુધી કૃષિ બજારમાં જ વેપાર કરજે.”

          એણે માથું હલાવ્યું, “તું મારી ચિંતા ન કર. દીવાલ પેલી તરફ તું જઈ રહી છે હું નહીં.”

          પદ્મા કહેવા માંગતી હતી કે મને મારી કોઈ પરવા નથી. મને ચિંતા નથી કે હું દીવાલ પેલી તરફથી પાછી આવીશ કે કેમ. મને બસ મા, વિરાટ અને તારી ચિંતા છે પણ એ એવું બોલી ન શકી.

          એને ઝૂંપડીએ પાછા ફરતા અડધો કલાક થયો. એણે ઝડપથી કપડાં બદલ્યા, એક થેલામાં જરૂરી સમાન ભર્યો, એની માને ગાલ પર ચુંબન કર્યું અને ઝૂંપડી બહાર નીકળી ગઈ. એની દુનિયા હવે બદલાઈ જવાની છે એનાથી અજાણ એ સ્ટેશન તરફ જવા લાગી. શૂન્યોના ટોળા એ તરફ જતા હતા છતાં એને લાગતું હતું કે પોતે સાવ એકલી છે કેમકે આસપાસ ચાલતા શૂન્યો જાણે માણસ ન હોય એમ ભાવહીન ચહેરે નિર્જીવની જેમ સ્ટેશન તરફ આગળ વધી રહ્યા હતા.

          પદ્મા અખિલ અને એની દીકરી સરોજા સાથે સ્ટેશન બિલ્ડીંગમાં એના શૂન્યોના મોટા સમૂહ વચ્ચે ઊભી હતી.

          એણે આગગાડીની સીટી સાંભળી ત્યાં સુધી એને આત્મવિશ્વાસ હતો કે પોતે બાકીના શૂન્ય યુવક યુવતીઓ જેમ હિંમત નહીં ગુમાવે. અલબત્ત, આગગાડી આવી એ પહેલા બાકીના શૂન્યો જેમ એના પગ ધ્રુજતા નહોતા પણ આગગાડીને સ્ટેશનમાં પ્રવેશતી જોઈ ત્યારે એ અચાનક એટલી ગભરાઈ ગઈ કે એના ઘૂંટણ નબળા પડી ગયા અને એના પેટના અવયવો વિચિત્ર અવાજ કરવા લાગ્યા. એનું માથું ભમવા લાગ્યું અને હૃદય પર કોઈ ભાર મુકયો હોય એમ શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી.

          એણે એની મા વિશે વિચાર્યું. મા એના વગર શું કરશે? એને લાગ્યું કે પોતે મા સાથે રહેવું જોઈએ. એ એની મા સાથે રહેવા માંગતી હતી. જેમ એના પિતા એને એકલી મૂકી ગયા હતા એમ એ માને એકલી છોડવા માંગતી નહોતી. એક ઊંડો શ્વાસ લીધો, એના મગજને ભમતું રોકવાનો પ્રયત્ન કર્યો. આસપાસના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો. સ્ટેશનમાંથી છટકી જવાનો કોઈ રસ્તો નહોતો. હજી સુધી કોઈ સફળ થયું નહોતું અને જો એ સફળ થાય તો પણ નિર્ભય સિપાહીઓ એને શોધી લે. એ લોકો ઝૂંપડી પર આક્રમણ કરે અને એની સાથે એની માને પણ મારી નાખે એ નિશ્ચિત હતું.

          પદ્માએ પોતાની જાતને સંભાળી અને એના લોકો સાથે ચાલવા લાગી. એ મનમાં એક જ વાક્યનું પુનરાવર્તન કરતી હતી - મારી ઝૂંપડીમાં અક્રમણ નથી જોઈતું. પણ એના અંદરનો બીજો અવાજ વધુ જોર કરતો હતો – એ અવાજ કહેતો હતો – પદ્મા, તું  ક્યારેય પાછી નહીં આવી શકે. તું તારા પિતાની જેમ ત્યાં જ મરવાની છે.

ક્રમશ:

Rate & Review

Heena Suchak

Heena Suchak 1 month ago

Deepaji Darji

Deepaji Darji 2 months ago

Ashwin Manaki

Ashwin Manaki 3 months ago

Patel Vijay

Patel Vijay 3 months ago

Roma Trivedi

Roma Trivedi 3 months ago