બ્રહ્મજ્ઞાન @50Re books and stories free download online pdf in Gujarati

બ્રહ્મજ્ઞાન @50Re

બ્રહ્મજ્ઞાન @50Re

ભાંગ..
આ નામ સાથે શું અનુભૂતિ થાય? mysticism, ecstasy, spirituality...આ ત્રણે ઘટકનો એક ચીજમાં સમન્વય થાય તે છે ભાંગ.

વર્ષો પૂર્વે મુંબઈ વસવાટ માટે આવવાનું થયું ત્યારે જવાનું થયેલું મહાલક્ષ્મી મંદિર. ચાર દાયકા પહેલા આ મંદિરનો માહોલ જુદો હતો. હમણાં જવાનું થયું ત્યારે જોયું કે ન તો એ દરિયો છે જે મહાલક્ષ્મી મંદિરના ખડકોને પખાળતો હતો ન તો એ પથ્થરો રહ્યા છે જ્યાં મુગ્ધ પ્રેમીઓ કલાકો બેસી રહેતા હતા. કોસ્ટલ રોડ માટે આપણે ભારે ટોલ ચૂકવવાનો છે એ પૈકી આ પણ એક.
હા, પણ વાત તો ભાંગની હતી. તે વખતે મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં ભાંગ ખુલ્લેઆમ મળતી હતી . દર્શને આવનાર શ્રદ્ધાળુઓ દર્શન કર્યા પછી બે ચીજ અચૂક કરતા, એક તો ભાંગ કે ઠંડાઈ સાથે ગરમાગરમ દાળવડાં ઝાપટતાં ને પછી મંદિરની પાછળ આવેલા ખડકો પર હિંમત કરીને પહોંચી જઈને દરિયાના પાણીમાં પગ ડૂબાડી બેસી રહેતા. કામ માત્ર યુવાન પ્રેમી જોડાં માટે, બાકી લિજ્જત જે દાળવડાં અને ભાંગની હતી એ સૌ કોઈ માટે ખરી.
એ મજા ઘણીવાર માણી હતી. પછી તો અચાનક એ બધું ક્યાંય પાછળ છૂટી ગયું.

થોડાં વર્ષ પૂર્વે યુએસથી આવેલી મિત્રે જયારે ભાંગ પીવાની ઈચ્છા કરી ત્યારે ખબર પડી કે મહાલક્ષ્મી પર જ નહીં સમગ્ર મુંબઈ મહારાષ્ટ્રમાં ભાંગ હવે નાર્કોટિક્સ શ્રેણીમાં આવે છે એટલે તેનું વેચાણ પ્રતિબંધિત છે. પછી કોઈકે કહ્યું કે ભુલેશ્વરમાં ફલાણી ફલાણી જગ્યાએ મળે છે પણ રેફરન્સ આપીને જવું પડે, ટૂંકમાં કોઈ મેળ પડ્યો નહીં.

જ્યારે ભાંગ ખુલ્લેઆમ કાયદેસર મળતી હતી ત્યારે પીવાનું મન ન થયું પણ હવે તો એ પ્રોહિબિટેડ , પ્રતિબંધિત ક્ષેત્રમાં આવી ગઈ એટલે થ્રિલ ચડે. ત્યારે જ મનમાં નક્કી કરેલું કે હવે તો ભાંગ પીવી જ રહી. ને એવામાં કાર્યક્રમ થયો ઉજ્જૈન જવાનો.

ઉજ્જૈન ગયા હો ને ત્યાંની ગલીમાં ઘૂમી રહ્યા હો ને સામે નજરે ચઢે ભાંગગોટાની દુકાનો. તો પછી શિવજીની પ્રસાદી મનાતી ભાંગનું આચમન કરવું પડે.

ઉજ્જૈન જતાં પૂર્વે એક મિત્રે કહ્યું કે હજુ ઠંડી બરકરાર છે એટલે ત્યાંના ફેમસ બટાટાપૌંઆ, કચોરી, દાળ બાફલા ને જલેબી રખે ન ચૂકતી . પણ, આપણા મનમાં નક્કી થયેલું કે એ બધું ઠીક આપણે તો ભાંગને જ ન્યાય આપવો છે. સાંજે મહાકાલેશ્વર મંદિર અને ભવ્ય એવા મહાકાલ કોરિડોરની મુલાકાત પછી કાર્યક્રમ તો હતો જમીને હોટલ પહોંચવાનો. પણ, વર્ષોથી ભાંગ તો પીવાની વાત કયાંય મનના તળિયે ધરબાઈ રહેલી તે ઉજાગર થઈ આવી.

અમારી રીક્ષા બજારમાંથી પસાર થઇ રહી હતી ને નજરે ચડ્યું બોર્ડ ભાંગ ગોટા વિક્ર્ય કેન્દ્રનું. જ્યાં આપણી નજર સામે ભાંગ લસોટીને તૈયાર કરતી હતી. એકદમ બેઝિક કહી શકાય તેવી દુકાન. પણ તેની સામે જે લોકોની લાઈન લાગી હતી એ જોઈને થાય કે ખરેખર આટલાં બધા લોકો ભાંગ પીતાં હશે? . અને હા, આ તમામ લોકો સહેલાણી ઓછાને સ્થાનિક વધુ લાગતા હતા.
ખરેખર તો ભાંગ પીવાનો કોઈ પ્રોગ્રામ નહોતો. સૌને ભૂખ લાગી હતી ,સવારથી બહાર હતા એટલે થાક્યા પણ હતા એટલે કોઈને ખાસ રસ નહોતો પણ મારે તો આ અનુભવ લેવો હતો. એટલે મિત્ર સુનિલ મહેતા ને સાથે નરેન ગોસ્વામીને પણ ભાંગ માટે ઉકસાવ્યા. સુનિલભાઈના ને નરેનભાઈના ધર્મપત્નીઓ શાણાં .એમને તો આ એડવેન્ચર કરવાની જ ના પાડી.પીતાંવેંત ચઢી જાય તો ? પેલું શાશ્વત વાક્ય છે ને , ડર સબ કો લગતા હૈ , ગલા સબ કા સુક્તા હૈ. પણ, સુનિલભાઈ પાસે આ વાતનો હલ એ હતો કે ભાંગ પેક કરાવી ને હોટેલ પર લઇ જઈએ . ડિનર પછી ડિઝર્ટની જેમ પીશું.

અમે એ દુકાનમાં ગયા. સહેલાણી હોવાથી અમને દુકાનમાં આવવા દીધા. અન્ય લોકો તો બહારથી જ લઈને જતા રહે તેવી સિસ્ટમ હતી.
લગભગ 200 સ્કવેર ફિટની દુકાનમાં ત્રીસીમાં હોય તેવો છોકરો માલિક હોય એવું લાગ્યું. બહારની બાજુ ત્રણ કારીગર બેઠા હતા. જેમનું કામ હતું ભાંગ લસોટીને આપવાનું. આ પણ એક આર્ટ છે. જેને માટે કારીગરો હોય છે. દરેક માટે અલાયદી ભાંગ તૈયાર થાય. શરબતની તપેલું ભરીને જેમ એક સાથે તૈયાર ન થાય.
અમે જોયું કે ભાંગની પેસ્ટ જેવું કોઈ દ્રવ્ય હતું એને એક મલમલના કપડાં પર ઘસીને પાણીમાં ઘોળતાં જઈને આ ભાંગ તૈયાર થતી હતી. એક ગ્લાસ માત્ર અડધો ભરેલો , વીસ રૂપિયાની નોટ આપો તો વધુ ભરેલો. દસ રૂપિયામાં લગભગ ચાર ઘૂંટ ભરાય એટલી ભાંગ લઈને લોકો ચાલતી પકડે.

અમે થોડાં અવઢવમાં હતા. જે પેલો માલિક છોકરો પામી ગયો. એને કહ્યું કે તમે આ જુઓ છો એ ન લેતા તમે ઠંડાઈવાળી ભાંગ લો . ઠંડાઈ તો દરેકને ભાવે એવી ચીજ છે. તેમાં પણ અમારી સામે તૈયાર થયેલી બદામ , કાજુ, પિસ્તા ,મગજતરી , મરી , જાવંત્રી , ગુલાબ પાંખડી નાખીને તૈયાર થઇ રહેલી પેસ્ટ ભારે ઇન્ટરેસ્ટિંગ લાગી રહી હતી. એ કંઈ ચઢશે નહીં. અને હા, પેક કરાવીને લઇ જવાને બદલે અહીં પીઓ , લઇ જશો તો એક કલાક પછી તમને એનો ટેસ્ટ થોડો બદલાઈ જશે. મજા નહીં આવે.
ના, અહીં પાઇ ને ચઢી જાય તો ? અમારા ચહેરા પર છવાયેલા પ્રશ્નને પામી ગયો હોય તેમ એને કહ્યું કે , એકદમ માઈલ્ડ બનાવીશું. તમને કશું નહીં થાય. આરામથી જમી કરી ને હોટેલ પર પહોંચશો તો વાંધો નહીં આવે.

એની વાત પર અવિશ્વાસ કરવા જેવું લાગ્યું નહીં . એટલે અમે ત્યાં ઉભા ઉભા જ ગટગટતાં શ્રીભગવાન કરી નાખ્યું. એની વાત ખોટી નહોતી . એ પ્યાલી માટે વિશેષણ વાપરવું હોય તો કહેવાય : લાજવાબ . ખરેખર એવું પીણું પહેલા ક્યારેય પીધું નહોતું. મહાલક્ષ્મી પર પણ નહીં. અમને તો એટલો રસ પડી ગયો કે ભાંગની ગોળી પણ સાથે લઇ જવાનું નક્કી કર્યું.

પ્રામાણિક દુકાન માલિકે કહ્યું ,આ ગોળીઓ રેફ્રિજરેશન વિના રહેશે નહીં. બે દિવસમાં બગડી જશે. એના કરતાં ભાંગનો પાઉડર લઇ જાવ, જે ભાંગના ગોટા,ભજીયા ,શરબત ,ઠંડાઈ બધામાં વાપરી શકો. અમે તો હોંશે હોંશે એ પણ ત્રણ ચાર પેકેટ ખરીદ્યા. પછી રિક્ષામાં બેઠા ને ત્યાં કોઈ ભારે ફેમસ ગણાતી રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા. બધું બરાબર. કલાકમાં તો અમે અમારી હોટેલ પર હતા.
સૌ પોતપોતાના રૂમમાં ગયા ને ભાંગે પોતાનો ખેલ આદર્યો.

સુનિલભાઈને થયું કે માથું બહુ ભારે થઇ ગયું છે. એમને તો માથું ઉતારીને બાજુ પર મુકવાનો પ્રયત્ન આદર્યો. નરેનભાઈએ તો વળી બે ગ્લાસ ગટગટાવ્યા હતા. એમને તો વધુ પરેશાની થઇ. વમન પછી એમને થોડી શાંતિ થયેલી . વારો હવે મારો હતો.

હું રૂમમાં આવી. કશું જ નહોતું ને અચાનક મને લાગ્યું કે પગ જમીન પર પડતાં નથી. હળવેકથી કોઈ ઊંચકી રહ્યું છે. બાકી બધું પડતું મૂકીને પથારીમાં પડવું જરૂરી હતું. અને તે સાથે ચાલુ થઇ રોલર કોસ્ટર રાઈડ. ઘડીમાં લાગે કે દરિયાની લહેર પર સવાર થઇ સાથે વહી રહ્યા છીએ ને ઘડીમાં લાગે હવામાં અધ્ધર .... અત્યારે આ આખી વાત પર હસવું આવે છે પણ એ આખો અનુભવ ભારે ડરામણો હતો. મનમાં એવી ફડક કે ભાંગ ચઢે તો ભલભલા રાઝ , વાત, જીભે ચઢી જાય. એવું થઇ જાય તો ? એ ડર તો વધુ ડરાવી રહ્યો હતો પણ અચાનક બધું શાંત થઇ ગયું . શરીર એકદમ ઠંડુ થવા લાગ્યું. કોઈક જાણે જગાડીને કહેતું હોય કે ગેટ અપ , ટાઈમ ટુ ગો. પહેલીવાર જિંદગીમાં થયેલો આ અનુભવ એટલો બધો વિચિત્ર હતો કે તેને સમજવાનો પ્રયત્ન જ છોડી દીધો. કોઈ સતત કહેતું હતું , ઓલ સેટ ટુ ગો...ગેટ અપ ... ત્યારે ન દીકરો યાદ આવી રહ્યો હતો. ન કોઈ બીજું .... પહેલીવાર એવો અનુભવ થયો કે આપણે એકલા આવ્યા છીએ ,એકલા જવાના છીએ. મનવા ..કાહે તું ડરે ...
.

હવે મગજ પર લગામ કસવાનો નિરર્થક પ્રયત્ન કરવાને બદલે ગીવ અપ કરવું યોગ્ય છે એવું સમજીને પ્રયત્નભેર બેઠાં થઇ હાથમાં કસીને પકડી રાખેલા ફોનમાં એક જૈન મિત્ર દ્વારા દર બેસતાં મહિને મોકલાતું માંગલિક સાંભળવાનો પ્રયાસ કર્યો. એ પછી શું થયું કંઈ ખબર નહોતી. ઘોર અંધારું , અંધારું ને અંધારું.

એક પચાસ રૂપિયાની ભાંગે જીવન કેટલું ક્ષણિક ,નશ્વર છે એનો અહેસાસ કરાવી દીધો.
બીજે દિવસે ભાંગનો નશો વર્તાયો નહોતો પણ અસર રહી ગઈ. જેને ભરપાઈ કરવા ત્રણ દિવસ લગભગ લાંઘણ ખેંચવી પડી.

એ વાત સાચી કે ભાંગ શિવજીનો પ્રસાદ કહેવાય પણ એ પ્રસાદી લેવા માટે સક્ષમ બનવું પડે જેનો ખ્યાલ પાછળથી આવ્યો. આખો અનુભવ એવી છાપ છોડી ગયો કે ખરીદેલા ભાંગના પેકેટને ઉજ્જૈનમાં તિલાંજલિ આપવાનો નિર્ણય કરી લીધો હતો.
કેનાબીસ એટલે કે ગાંજો કે પછી ભાંગ મહારાષ્ટ્રમાં હવે પ્રતિબંધિત છે પણ મધ્યપ્રદેશમાં તેની ખેતી પરવાના સાથે થાય છે. અમે જે દુકાનની વિઝીટ કરી હતી તે પણ લાઇસન્સ ધરાવતી દુકાન હતી. વિના સરકારી પરવાનગી ભાંગનું વેચાણ કે તેની ખેતી ગેરકાયદેસર લેખાય છે.

થોડાં વર્ષ પૂર્વે હોળી પાર્ટી સમયે ભાંગ રાખવાની ઈચ્છાનો હવે મોક્ષ થઇ ગયો છે,પણ જે તત્વજ્ઞાન સમજવામાં જિંદગી નીકળી જાય તે ભાંગના એક ગ્લાસે માત્ર બે કલાકમાં સમજાવી દીધું છે.