Prarambh- 16 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 16

પ્રારંભ - 16

પ્રારંભ પ્રકરણ 16

" તો પછી હાથ પકડી લો ને સાહેબ ? આટલો વિચાર શું કામ કરો છો ? મારી તો હા જ છે. તમને જોયા ત્યારથી જ હું તો દિલ હારી ચૂકી છું."

નીતાના આ શબ્દો સાંભળીને કેતન ખરેખર બેચેન બની ગયો. સામે એક ખૂબસૂરત યૌવના કાયમ માટે હાથ પકડી લેવાનો આગ્રહ કરી રહી હતી. બે ક્ષણ માટે તો એને વેદિકા જ યાદ આવી ગઈ. એ પણ બરાબર આ જ શબ્દો બોલેલી.

પરંતુ કેતનને અચાનક જાનકીનો વિચાર આવ્યો. વર્ષોથી એ બિચારી એની પ્રતીક્ષા કરી રહી હતી ! એણે એકદમ સંયમ કેળવી લીધો. એ તરત ઊભો થઈ ગયો અને બહાર જઈને સોફા પર બેસી ગયો. એના ગયા પછી નીતા પણ ઊભી થઈ અને કિચનમાં સરકી ગઈ. એનું દિલ પણ બેકાબૂ બની ગયું હતું.

" અરે એટલામાં તમે લોકો બહાર પણ આવી ગયા ? તમે એક બીજાને ઓળખો એટલા માટે તો પર્સનલ મીટીંગ ગોઠવી હતી !!" ધરમશીભાઈ બોલ્યા.

"વડીલ... ઓળખવા માટે નજર જ કાફી છે. નીતામાં કંઈ કહેવાપણું નથી તમારા જ સંસ્કાર છે. બસ મને થોડો સમય આપો. કારણ કે આટલો મોટો નિર્ણય હું બે મિનિટમાં લઈ ના શકું. " કેતને વિવેકથી જવાબ આપ્યો.

" અરે કેતનકુમાર કોઈ જ ઉતાવળ નથી. તમારે જોઈએ એટલો સમય લો ને ? તમે તો હવે અહીં જ રહેવાના છો એટલે અવારનવાર મળવાનું પણ થવાનું જ છે. " ધરમશીભાઈ બોલ્યા.

" હા અંકલ. મળવાનું તો થશે જ હવે" કેતન બોલ્યો.

" બોલો હવે મારા માટે બીજો શું હુકમ છે ?" ધરમશીભાઈ બોલ્યા.

" મારાથી હુકમ ના કરાય વડીલ. બસ તમે સારી જગ્યા બંગલાની સ્કીમ માટે શોધી કાઢો અને બધી પરમિશન લઈ બાંધકામ ચાલુ કરી દો. સ્કીમ એકદમ સરસ બનવી જોઈએ. બંગલાની ડિઝાઇન તમને હું આપીશ." કેતન બોલ્યો.

" હા હા ચોક્કસ. અને કાલથી જ હું મારાં બધાં ચક્રો ચાલુ કરી દઉં છું. જગ્યા તો ગમે તેમ કરીને શોધી કાઢીશ. આમ તો એક પ્લોટ મારા ધ્યાનમાં છે. હું એ પાર્ટીને પણ મળી લઈશ. " ધરમશીભાઈ બોલ્યા.

એ પછી અડધો કલાક સુધી બંને વચ્ચે આડીઅવળી વાતો ચાલી. લગભગ ૧૧:૩૦ વાગે જમવા માટે વિજયાબેને બધાંને ડાઈનીંગ ટેબલ ઉપર આવી જવાનું કહ્યું.

વોશબેસિન માં હાથ ધોઈને કેતન અને શિવાની ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં. બાજુમાં ધરમશીભાઈ બેઠા. વિજયાબેન અને નીતાએ પીરસવાનું ચાલુ કર્યું.

ઉનાળાની સીઝન હતી એટલે કેસર કેરીનો રસ, પૂરી, કારેલાનું ભરેલું શાક, વાલની લચકો દાળ, ખમણ અને ગુંદાનું તાજું અથાણું પણ થાળીમાં પીરસાઇ ગયાં. રસ પૂરી પછી છેલ્લે ફજેતો અને ભાત પણ હતા.

આગ્રહ કરી કરીને ધરમશીભાઈએ મહેમાનોને બે વાર રસની વાડકી ભરી દીધી. કેતન અને શિવાનીને જમવાની ખૂબ જ મજા આવી. સિઝનનો પહેલો કેસર કેરીનો રસ અહીં ખાવા મળ્યો. સુરતથી નીકળતાં પહેલાં ઘરે હાફૂસનો સ્વાદ તો માણ્યો હતો !

"રસોઈ ખરેખર ખૂબ જ સરસ બની છે." જમ્યા પછી ફરી સોફા ઉપર બેઠક લેતાં કેતન બોલ્યો.

" એ અમારાં સુધાબેનની કમાલ છે. રસોઈ કરવામાં એમનો હાથ ખુબ જ સરસ છે. ક્યાંય પણ આવું નાનુ રસોડું હોય તો અમે સુધાબેનને જ રસોઈ માટે બોલાવીએ." ધરમશીભાઈ બોલ્યા.

"તો પછી મને એક ફેવર કરો ને ! શિવાની તો હવે સાત આઠ દિવસમાં સુરત જતી રહેશે. ઘણા સમયથી રસોઇ કરવા માટે હું કોઈ બાઈ શોધી રહ્યો છું. તમારાં આ સુધાબેન જો મારા ત્યાં બે ટાઈમ રસોઇ કરવા માટે આવે તો મારી મોટી ચિંતા ટળી જાય. બજારમાં એમના રસોઈના જે ભાવ ચાલતા હોય એનાથી પણ હું વધારે આપીશ. " કેતન બોલ્યો.

" અરે કેતનકુમાર તમે રસોઈની ચિંતા છોડો. હું સુધાબેનને કહી દઉં છું. એ બહુ જ સરસ રસોઈ બનાવે છે. બ્રાહ્મણ બાઈ છે, વિધવા છે. તમારા ત્યાં કાયમી રસોઈનું કામ મળશે તો એમને પણ ટેકો રહેશે." ધરમશીભાઈ બોલ્યા અને એમણે સુધાબેનને બૂમ પાડી.

સુધાબેન રસોડામાંથી બહાર આવ્યાં અને ધરમશીભાઈ પાસે આવીને ઊભાં રહ્યાં.

"સુધાબેન આ કેતનકુમાર છે. હમણાં જામનગરમાં નવા આવેલા છે અને કાયમ માટે અહીંયા જ રહેવાના છે. એમને બે ટાઈમ રસોઇનું કામ બંધાવવું છે. અત્યારે તો એ એકલા જ છે. એ પટેલ કોલોની માં રહે છે એટલે તમારા ઘરથી પણ નજીક પડશે. પૈસાનું કોઈ ટેન્શન ના કરશો. તમારું જે પણ થતું હશે તે મળી જશે. " ધરમશીભાઈ બોલ્યા.

" ભલે સાહેબ. તમારી મહેરબાની. હું કાલ સવારથી જ રસોઇ કરવા જઈશ. મને એક ચિઠ્ઠીમાં સરનામું લખી દ્યો. " સુધાબેન બોલ્યાં.

કેતને એક કાગળ ઉપર પોતાનું એડ્રેસ લખી દીધું અને સુધાબેનના હાથમાં ચિઠ્ઠી આપી દીધી.

" તમે મારી એક મોટી ચિંતા દૂર કરી દીધી અંકલ. પટેલ કોલોનીમાં પણ વાત કરી રાખી હતી પરંતુ કોઈના પણ ઘરે રસોઈ કરવાવાળા બેન આવતા નથી." કેતન બોલ્યો.

"પટેલ કોલોની મધ્યમ વર્ગીય વિસ્તાર છે અને અહીં મોટાભાગે લેડીઝ જાતે જ રસોઈ કરી દેતી હોય છે. માત્ર શ્રીમંતોના બંગલાઓમાં જ મહારાજ કે પછી રસોઇ કરવા માટે કોઈ બેન આવતાં હોય છે. " ધરમશી અંકલ બોલ્યા.

" એ વાત પણ તમારી સાચી છે. ચાલો તો પછી હું હવે રજા લઉં. ખૂબ જ મજા આવી. " કહીને કેતન ઊભો થયો. ધરમશીભાઈ અને વિજયાબેન છેક કાર સુધી વળાવવા ગયાં. કેતન અને શિવાની ગાડીમાં બેઠાં ત્યાં નીતા પણ લગભગ દોડતી ગાડી પાસે આવી.

એ કંઈ બોલી નહીં. બસ એક નજરે કેતનને જોઈ રહી. કેતને પણ એની સામે જોયું અને સ્માઇલ કર્યું.

મનસુખભાઈએ ગાડી સ્ટાર્ટ કરી અને થોડીવારમાં જ એ લોકો પટેલ કોલોની ના બંગલે આવી ગયા.

બીજા દિવસે સવારે ૭:૩૦ વાગ્યે સુધાબેન રસોઇ કરવા માટે હાજર થઈ ગયાં.

" માસી...તમારી રસોઈ તો ગઈકાલે ચાખી લીધી છે. હવે બે ટાઈમ રસોઈ કરવાની જવાબદારી તમારી. તમે રોજ શાકભાજી પણ આવતી વખતે લેતાં આવજો. કોઈપણ વસ્તુ ચલાવી નહીં લેવાની. દિલથી રસોઈ કરજો." કેતન બોલ્યો.

" રસોઈમાં તમારે કંઈ કહેવું નહીં પડે સાહેબ. બસ તમને શું શું ભાવે છે એ મને જરા કહી દેજો. તમારે કોઈ ખાસ આઈટમ બનાવવી હોય તો પણ મને આગલા દિવસે કહી દેવાનું." સુધાબેન બોલ્યાં.

" તમે જે બનાવશો તે મને ભાવશે. છતાં ક્યારેક કોઈ ઈચ્છા થશે તો ચોક્કસ કહીશ. " કહીને કેતન અંદર ગયો.

અંદર જઈને વોલેટમાંથી ૫૦૦૦ લાવીને સુધાબેનના હાથમાં મૂક્યા.

" આ તમારો એડવાન્સ પગાર. દર મહિને તમને ૫૦૦૦ મળી જશે. " કેતન બોલ્યો.

" અરે સાહેબ તમારા એકલાની રસોઈના આટલા બધા ના હોય. આ તો ઘણા વધારે છે. આ ૨૦૦૦ પાછા લઈ લો. ૩૦૦૦ બહુ છે. " સુધાબેન બોલ્યાં.

"તમે રાખો અને પૈસાની ચિંતા ના કરો. તમને ભવિષ્યમાં પૈસાની કોઈ જરૂર હોય તો પણ માગી શકો છો. તમારું જ ઘર હોય એ રીતે રસોઈ કરજો." કેતન બોલ્યો.

સુધાબેન તો કેતનના સ્વભાવથી અવાક થઈ ગયાં. કંઇ બોલવા જેવું રહ્યું નહીં.

એમણે કિચનમાં બધું જોઈ લીધું. ફ્રીઝ પણ ચેક કર્યું. ઘરમાં બટેટા અને ટામેટાં સિવાય કંઈ જ ન હતું. એમણે શાકભાજી લેવા માટે શિવાની પાસે થેલી માગી અને નજીકના શાકમાર્કેટમાં જવા નીકળી ગયાં.

અડધી કલાકમાં એ થેલી ભરીને ત્રણ ચાર શાક લેતાં આવ્યાં. સાથે લીંબુ મરચાં આદુ ધાણાભાજી વગેરે પણ લઈ આવ્યાં.

રસોઈનો આજે પહેલો દિવસ હતો એમણે દિલથી રસોઈ બનાવી અને કેતન શિવાનીને જમાડ્યાં. સુધાબેનની રસોઈ ચાખીને કેતનને દક્ષા માસીની યાદ આવી ગઈ એ જ સ્વાદ !! ચાલો હવે રસોઈની ચિંતા દૂર થઈ ગઈ.

કેતને જયેશને પણ સૂચના આપી દીધી કે રસોઈ માટે એક બેનની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે હવે પેપરમાં જાહેરાત ના આપે.

બે દિવસ પછી સવારે ધરમશીભાઈ ગાડી લઈને કેતનના ઘરે આવ્યા.

" મકાન તો બહુ સરસ તમે શોધી કાઢ્યું છે. જગ્યા પણ મોકાની છે." ધરમશીભાઈ ઘરમાં દાખલ થઈને બોલ્યા.

" મારા એક કોલેજ મિત્રનો બંગલો છે એટલે ખરીદી લીધો." કેતન બોલ્યો.

" ખરેખર બંગલો સરસ છે. પટેલ કોલોનીનો એરિયા પણ ઘણો સારો છે." ધરમશીભાઈ બોલ્યા.

" હવે બોલો વડીલ તમારી શું સેવા કરી શકું ? " કેતને પૂછ્યું.

" આપણા કામ માટે જ આવ્યો છું. તમે આપેલી સૂચના મુજબ એરપોર્ટ રોડ ઉપર સારો પ્લોટ શોધી રહ્યો છું. એક પ્લોટ મને ગમ્યો છે પણ કિંમત ઘણી વધારે માગે છે. " ધરમશીભાઈ બોલ્યા.

" કિંમતનું તમે જરા પણ ટેન્શન ના રાખશો. સારો મોકાનો રોડ ટચ પ્લોટ હોય તો નેગોશિયેટ કરીને ફાઈનલ કરી જ દો. " કેતન બોલ્યો.

" એક વાત પૂછું ? " ધરમશીભાઈ બોલ્યા.

" હા હા.... બોલોને ! " કેતને કહ્યું.

" તમે મારી સાથે કન્સ્ટ્રક્શન લાઈનમાં કેમ જોડાઈ જતા નથી ? મારો આટલો અનુભવ છે. ધંધો પણ મજાનો છે. તમે તમારી પોતાની જ એક કન્સ્ટ્રક્શન કંપની ઉભી કરી દો. હું વર્કિંગ પાર્ટનર તરીકે કામ કરીશ. જામનગરમાં આપણે સાથે રહીને ઘણી સ્કીમો મૂકી શકીએ એમ છીએ. " ધરમશીભાઈ બોલ્યા.

"મારે એ ધંધામાં પડવું નથી વડીલ. તમારે કોઈ સ્કીમો મૂકવી હોય તો ભવિષ્યમાં હું તમને ચોક્કસ ફાઇનાન્સ કરીશ. ટકાવારી આપણે સમજી લઈશું. હું કંઈક બીજું જ કરવા માગું છું પણ હજુ અંદરથી સંકેતો મળતા નથી. " કેતન હસીને બોલ્યો.

" જેવી તમારી ઈચ્છા. બાકી લાઈન સારી હતી એટલે જસ્ટ મેં સજેશન આપ્યું . " ધરમશીભાઈ બોલ્યા.

" તમારી લાગણી હું સમજી શકું છું. હવે પહેલીવાર મારા ઘરે આવ્યા છો અંકલ. તમને કોલ્ડ્રિંક્સ ફાવશે કે ચા ?" કેતન બોલ્યો.

"ગરમીના દિવસો છે તો કોલ્ડ્રિંક્સ જ વધારે ફાવશે." ધરમશીભાઈ બોલ્યા.

શિવાનીએ કિચનમાં જઈને ફ્રીજમાંથી મિરિંડાની મોટી બોટલ કાઢી અને બે ગ્લાસમાં ભરીને ટ્રેમાં બહાર લઈ આવી. બંને ગ્લાસ ભાઈ તથા અંકલના હાથમાં આપ્યા.

એ પછી બીજું તો કંઈ કામ હતું જ નહીં એટલે આડીઅવળી વાતો કરીને ધરમશીભાઈ ઊભા થઈ ગયા.

૧૫મી જૂને કોલેજો ખૂલવાની હતી એટલે ૧૧મી જૂનની સૌરાષ્ટ્ર મેલની બે ટીકીટ કેતને બુક કરાવી દીધી.

બે દિવસ પછી ધરમશીભાઈનો ફોન આવી ગયો. ૮૨૦૦ ચોરસ વારનો એક પ્લોટ એરપોર્ટ રોડ ઉપર વેચવાનો હતો. વેચનાર પાર્ટી બજારભાવ કરતાં વધારે કિંમત માગતી હતી એટલે પ્લોટ વેચાતો ન હતો. જો કે જગ્યા એકદમ રોડ ટચ હતી.

ધરમશીભાઈના કહેવાથી કેતન જગ્યા જોવા માટે એમના કહેવા મુજબ સમર્પણ હોસ્પિટલ પાસે પહોંચી ગયો અને ત્યાંથી બંને સાથે એ જગ્યા ઉપર ગયા. કેતનના આશ્ચર્ય વચ્ચે આ એ જ જગ્યા હતી જ્યાં માયાવી જગતમાં જમનાસાગર બંગ્લોઝમાં કેતનનો પોતાનો બંગલો હતો અને એનું વાસ્તુ કર્યું હતું.

પોતાનો બંગલો જે જગ્યાએ હતો એ જ કોર્નરના લોકેશન ઉપર પોતાનો બંગલો બનાવવાનું એણે મનોમન નક્કી કરી દીધું અને બંગલાની ડિઝાઇન પણ એ જ રાખવાનો નિર્ણય લીધો.

" અંકલ આ જગ્યા તમે ફાઇનલ કરી દો. એકદમ મોકાની આ જગ્યા છે. રોડ ટચ છે સ્કીમ પણ સારી ઉપડશે. તમે પાર્ટી સાથે વાતચીત કરી લો અને બેઠે ઊઠે જે પણ કિંમત ફાઈનલ થાય તે મને કહી દો. આપણે આ જગ્યા લઈએ જ છીએ. " કેતન બોલ્યો.

" ભલે હું મિટિંગ કરી લઉં છું પરંતુ અમુક રકમ કેશ આપવી પડશે. કારણ કે તમામ રકમ ચેકથી નહી સ્વીકારે. આ એક સિસ્ટમ છે અહીંની. લગભગ ૬૦ ૪૦ નો રેશિયો રહેશે. " ધરમશીભાઈ બોલ્યા.

" અંકલ સુરત હોય કે જામનગર બધે જ આ સિસ્ટમ ચાલતી હોય છે. મને કોઇ જ વાંધો નથી. એ જેટલા કહેશે એટલા રોકડા આપી દઈશ. " કેતન બોલ્યો.

" ભલે તો પછી હું ફાઇનલ કરી દઉં છું. ૪૦ ટકા રોકડા આપણે પહેલાં આપી દઈશું અને પ્લોટ તમારા નામે ટ્રાન્સફર થઈ જાય એટલે બાકીનો ચેક આપી દઈશું. " ધરમશીભાઈ બોલ્યા.

" ઠીક છે તો પછી જે હોય તે મને કહી દેજો. પ્લોટ આપણો થઈ જાય પછી બાકીની બધી પરમિશન તમે તમારી રીતે લઈ લેજો. ચાલો હવે હું જાઉં." કેતન બોલ્યો અને ડ્રાઈવર મનસુખ માલવિયાએ ગાડી પટેલ કોલોની તરફ લીધી.

"મનસુખભાઈ પરમ દિવસે શિવાનીને મૂકવા માટે સૂરત જઈ રહ્યો છું. ત્યાં કદાચ ત્રણ ચાર દિવસ થઇ જશે. ગાડીની ચાવી તમારી પાસે જ રાખજો અને ગાડીનું ધ્યાન પણ રાખજો." કેતન બોલ્યો.

" ભલે સાહેબ." મનસુખ બોલ્યો.

ઘરે આવીને કેતને જયેશને ફોન કર્યો

"જયેશ.. આજે એરપોર્ટ રોડ ઉપર એક સરસ જગ્યા જોઈ લીધી છે. ૮૨૦૦ ચોરસ વારનો પ્લોટ છે. જગ્યા હું ખરીદી લઉં છું. લક્ઝુરીઅસ ત્રીસેક બંગલાની એક મોટી સ્કીમ મારા સંબંધી ધરમશીભાઈ ઠક્કર ત્યાં મૂકી દેશે. કન્સ્ટ્રકશનનો એમને બહોળો અનુભવ છે. " કેતને ઉત્સાહથી કહ્યું.

"આ કામ તમે બહુ જ સરસ કર્યું કેતનભાઇ. ધરમશીભાઈને તો હું સારી રીતે ઓળખું છું. ભૂતકાળમાં પણ એમણે ત્રણ ચાર સ્કીમો મૂકેલી છે. ચાલો મારા માટે પણ એક પ્રવૃત્તિ શરૂ થઈ જશે. આમ પણ રિયલ એસ્ટેટમાં મેં કામ કરેલું જ છે. એટલે આ તો મારા રસનો વિષય છે. આપણી નવી ઓફિસમાં બેસીને આ સ્કીમનું માર્કેટિંગ પણ હું કરીશ. એરીયા તમે ખૂબ જ સરસ પસંદ કર્યો છે. " જયેશ બોલ્યો.

"પરમ દિવસે તો હું સુરત જાઉં છું શિવાનીને મુકવા માટે. ત્યાંથી આવું પછી તમને પ્લોટ બતાવી દઈશ. સ્કીમ વિશે પણ આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. આર્કિટેકટને મારે આખો પ્રોજેક્ટ પણ સમજાવવો પડશે. અહીં કોઈ દોશી કરીને આર્કિટેક્ટ છે ? " કેતને અચાનક પૂછ્યું.

" હા છે ને !! દોશીસાહેબ તો અહીંના ખૂબ જાણીતા આર્કિટેક્ટ છે. તમે ઓળખો છો એમને ? "જયેશે આશ્ચર્યથી પૂછ્યું.

" નામ સાંભળ્યું છે." કેતન એટલું જ બોલ્યો.

જયેશને કેવી રીતે સમજાવું કે મારા માયાવી જગતમાં મારી હોસ્પિટલનું રીનોવેશન અને બંગલાનું ઈન્ટીરીઅર વર્ક આર્કિટેક્ટ દોશી સાહેબે જ કરેલું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

Rate & Review

Priti Patel

Priti Patel 19 hours ago

Nita Patel

Nita Patel 4 weeks ago

Riddhi Shah

Riddhi Shah 1 month ago

Pravin shah

Pravin shah 1 month ago

Jaysukh Savaliya

Jaysukh Savaliya 1 month ago