RETRO NI METRO - 2 books and stories free download online pdf in Gujarati

રેટ્રો ની મેટ્રો - 2

તમે રેટ્રોની મેટ્રોમાં સફર કરો છો એટલે એ વાત તો નક્કી કે તમે સિનેમાના ચાહક છો.જો તમે માત્ર નવા જ નહીં પણ જૂના ફિલ્મી ગીતો સાંભળતા હશો અને તેનો આનંદ માણતા હશો તો ગોલ્ડન એરાનું સંગીત તમે માણ્યું જ હશે અને તો 1970 માં પ્રદર્શિત થયેલી રાજેશ ખન્ના,શર્મિલા ટાગોરની ફિલ્મ "સફર"નું ખૂબ જ લોકપ્રિય ગીત કે જેમાં આંખોનું મસ્ત વર્ણન કરવામાં આવ્યું છે તે યાદ હશે જ.હા એ ગીત છે "જીવન સે ભરી તેરી આંખે મજબુર કરે જીને કે લિયે" આ ગીતના ગીતકાર ઈન્દીવર જ્યારે ભરયુવાનીમાં હતા ત્યારે એક યુવતી ની દરિયા જેવી ભાવસભર આંખો એ તેમને પ્રેમમાં પડવા મજબૂર કરેલા. પ્રેમમાં તો પડ્યા પણ સંજોગવશાત એ છોકરીને તેઓ પત્ની ન બનાવી શક્યા,જો કે ઇન્દીવર એ સુંદર આંખો ને ક્યારેય ભુલી ન શક્યા. જ્યારે સફર ફિલ્મ માટે આંખો ને ધ્યાનમાં રાખી ગીત લખવાનું થયું ત્યારે એ સુંદર આંખો જ તેમની પ્રેરણા બની અને કલમેથી જે શબ્દો સર્યા તે કિશોરકુમારના અવાજમાં "સફર"ના લોકપ્રિય ગીત તરીકે અમર થઈ ગયા.
હવે વાત કરીએ પૂર્વ બંગાળ અને ત્રિપુરાની સરહદે આવેલા કોમિલા પરગણા નાં રાજ કુંવરની,
એટલે કે આપણે જેને સંગીતકાર એસ ડી બર્મન તરીકે ઓળખીએ છીએ તે આપણા લાડીલા સંગીતકાર સચિનદેવ બર્મનની. તે સંગીતના એવા તો રસિયા હતા કે નાનપણથી જ ઘરમાં યોજાતા સંગીત જલસાનાં સુરો મંત્રમુગ્ધ થઈને સાંભળતા. ઉત્તમ કક્ષાનું સંગીત સાંભળતા સાંભળતા તેઓ જબરા કાનસેન બન્યા.તેમની આ ખાસિયત જ તેમને આગળ જતા ખૂબ કામ લાગી.એકવાર બર્મન દા કોઈ ફિલ્મના એક ગીતનું રેકોર્ડિંગ કરતા હતા.રેકોર્ડિંગ રૂમ માં તેમના સાજિંદા બેઠા હતા અને બહારના રૂમમાં હેડફોન્સ પહેરીને બર્મનદા બેઠા હતા. રેકોર્ડિંગ રૂમની વ્યવસ્થા એવી હતી કે બર્મન દા જે રૂમમાં બેઠા હતા ત્યાંથી તેઓ સાજીંદાઓ ને જોઈ શકતા નહોતા.જેવું કલાકારોએ વાયોલીન વગાડવાનું શરૂ કર્યું કે બધુ અટકાવીને,સચિન દા એ પોતાના આસિસ્ટન્ટ ને બોલાવ્યા અને પૂછ્યું"અરે આ પીસ માટે તો દસ જ વાયોલિનની જરૂર છે અગિયાર વાયોલીન કેમ વાગે છે?"આસિસ્ટન્ટ અચંબામા પડી ગયો.ખરેખર? એણે તરત જ તપાસ કરી અને અગિયારમી વાયલીન ત્યાંથી હટાવી દીધી. આસિસ્ટન્ટ સમજી ન શક્યો કે સાજીંદાઓને જોયા વગર બર્મન દા એ માત્ર સાંભળીને આ ભેદ કેવી રીતે પારખી લીધો? આવા ગુણી અને સમર્પિત કલાકારો ભારતીય સિનેસંગીતનો અમૂલ્ય વારસો આપણા જેવા રેટ્રો ભક્તો માટે છોડી ગયા છે. ભારતના ફિલ્મ રસિકોને સંગીતની જેમ જ સિલ્વર સ્ક્રીન નાં અભિનેતાઓ પણ ખૂબ આકર્ષતા. અભિનયની ચેલેન્જ ગણાય તેવા વેશ પલટા ની થીમ ધરાવતી ફિલ્મો સારી કમાણી કરતી.
વેશપલટાની થીમ હોય ત્યારે બે પાત્ર ભજવનાર કલાકાર નો અભિનય ઉત્કૃષ્ટ હોવો જોઈએ. મેકઅપ થી બાહ્ય પરિવર્તન તો લાવી શકાય પણ અભિનય વડે બન્ને પાત્રોને સહજતાથી જુદી જુદી રીતે ઉપસાવવા એ ખૂબ મહેનત માંગી લે તેવું કામ છે અને એવી મહેનત કરી "પ્રોફેસર" ફિલ્મના હીરો શમ્મી કપૂરે. તમે તો છો રેટ્રો ભક્તો -એટલે તમને ફિલ્મની સ્ટોરી લાઈન યાદ હશે જ ,જેમાં બે યુવતીઓને તેમની વિધવા આન્ટી ભણાવવા માંગે છે પણ શરત એ છે કે બન્ને યુવતીઓને ભણાવવા આવનાર પ્રોફેસર વૃદ્ધ હોવા જોઈએ. મુખ્ય અભિનેતા શમ્મી કપૂરને નોકરીની ખૂબ જરૂર છે અને તેથી તે વેશપલટો કરવાનું નક્કી કરે છે.આમ યુવાન શમ્મી કપૂર સફેદ દાઢીમૂછ લગાવીને લાકડીને ટેકે ચાલતા વૃદ્ધનું રૂપ ધારણ કરે છે. યુવાન અને વૃદ્ધ વ્યક્તિના બે પાત્રો શમ્મી કપૂરે ફિલ્મ પ્રોફેસર માં બખૂબી ભજવ્યા હોવાનું યાદ છે ને? આ બંને પાત્રો વચ્ચે જે અલગતા હોવી જોઈએ તે અભિનયના જોરે લાવવામાં શમ્મી કપૂર સફળ રહ્યા હતા.આવો જ વેશ પલટો 1975 ની ફિલ્મ રફુ ચક્કરમાં ઋષિ કપૂરે અને 1997 માં રજૂ થયેલી ચાચી 420 માં કમલ હાસને પણ કરેલો તે યાદ આવ્યું ને?
કોઇમ્બતુર ની એક મિલમાં એક ગરીબ મજૂર કામ કરે. એક ટેકરી પર આવેલા ભગવાન મુરુગન ના મંદિરે જવાનો તેનો નિત્યક્રમ હતો. ગમે તેવી મુશ્કેલીઓમાં પણ તેનો આ ક્રમ ન તૂટે, પણ એક દિવસ મિલ ની નોકરી છૂટી ગઈ.બીજી નોકરી મળી જાય તે માટે પ્રાર્થના કરતા કરતા દિવસો વીતી ગયા. ઘરમાં અનાજ ખૂટી પડ્યુ, ત્રણેક દિવસ સાવ ભૂખ્યા કાઢ્યા પછી રોજના ક્રમ પ્રમાણે મંદિર ગયા દર્શન કરીને ભગવાનને કહ્યું"તે મને ભૂખ્યો રાખ્યો છે ને વાંધો નહીં પણ મને ભોજન તારે જ આપવાનું
છે. મને વિશ્વાસ છે કે તું મને આજે ભૂખ્યો નહીં ઊંઘવા દે." પ્રાર્થના કર્યા પછી અડગ શ્રદ્ધા સાથે તે ટેકરી ઉતરવા લાગ્યો.રસ્તામાં તેના પગ સાથે કંઈક અથડાયું ,તે એક ખોખું હતું, જેમાં એક દસની અને બે પાંચ પાંચ ની નોટ હતી. તેના આનંદનો પાર ન રહ્યો .તે ફરી પાછો ટેકરી ચડી મંદિરમાં ગયો અને એક પાંચની નોટ મંદિરમાં ભગવાનના ચરણોમાં મૂકી અને મનોમન નક્કી કર્યું કે આજ પછી હું જે કમાઈશ તેમાંથી ૨૫ ટકા ભાગ ભગવાનના ચરણોમાં ચઢાવીશ.
હવે મારા ચતુર મિત્રો, તમે એમ સમજ્યા હો કે આવી કોઈ ફિલ્મની સ્ટોરી છે અને એ ફિલ્મ કઈ તે વિષે તમે વિચારવા માંડ્યા હો તો જરા થોભો. અને મારી વાત આગળ સાંભળો. એ ગરીબ મિલ મજૂરે પછી કામ શોધવા માંડ્યું.ભગવાન ની કૃપા વરસી ને બીજે જ દિવસે ત્યાંના સ્ટુડિયોમાં તેને એક ફિલ્મમાં ફાઇટર તરીકે કામ મળ્યું. સખત મહેનત કરતા કરતા થોડા વર્ષોમાં તે એનિમલ ટ્રેનર બન્યા. થોડું કમાયા પછી તે ફિલ્મના નિર્માતા બન્યા. એ ફિલ્મ નિર્માતા એટલે સેન્ડો M.M.A. ચિનપ્પા દેવર. એક એનિમલ ટ્રેનર હોવાને કારણે તેમની ફિલ્મોમાં પ્રાણીઓ પણ કથાના પાત્રો તરીકે રહેતા.તેમની ખૂબ સફળ ફિલ્મ એટલે "હાથી મેરે સાથી". સુપર સ્ટાર રાજેશ ખન્નાનો જાદુ જોવા વારંવાર એકની એક ફિલ્મ જોતા રેટ્રો ચાહકો ની જેમ આ ફિલ્મ તમે પણ ઘણીવાર જોઈ હશે. ખરૂ ને? રેટ્રો ની મેટ્રોમાં આવી બીજી વાતો સાથે આપણે સફર ખેડતા રહીશું.
ક્રમશઃ
શ્વેતલ પટેલ
સુરત