RETRO NI METRO - 11 books and stories free download online pdf in Gujarati

રેટ્રો ની મેટ્રો - 11

રેટ્રોની મેટ્રોમાં આપણે સફર કરી રહ્યા છીએ city of joy કોલકત્તાની. કોલકત્તા આવીએ અને મહાન કલાકાર ઉત્તમ કુમાર ને યાદ ન કરીએ તો આપણે રેટ્રો ભક્તો શાના?કોલકાતામાં આવેલ ઉત્તમ મંચ થિયેટર, કાલીગંજ ચોક પર મુકાયેલું વિશાળ કદનું સ્ટેચ્યુ ઉપરાંત 2009માં ટોલીગંજ મેટ્રો સ્ટેશન ને મહાનાયક ઉત્તમ કુમાર મેટ્રો સ્ટેશન નામ આપીને આ મહાન કલાકારને કોલકાતા એ અમર બનાવી દીધા.બંગાળી ફિલ્મોના મહાનાયક ઉત્તમ કુમારે ખૂબ સુંદર હિન્દી ફિલ્મો પણ કરી છે. નખશિખ કલાકાર ઉત્તમ કુમાર ની ઈચ્છા હતી કે અભિનય કરતાં કરતાં જ તેઓ અંતિમ શ્વાસ લે અને થયું પણ એવું જ એક બંગાળી ફિલ્મના શૂટિંગ દરમિયાન હૃદય બંધ પડી જતાં તેમનું અવસાન થયું.અભિનયને જેમણે જીવન નો પર્યાય બનાવ્યો હતો તેવા આ મહાનાયક ઉત્તમ કુમાર ના ચાહકો માટે કોલકાતાની સફર ત્યારે જ પૂરી થાય જ્યારે તેઓ મહાનાયક ઉત્તમ કુમાર મેટ્રો સ્ટેશન, ઉત્તમ મંચ થિયેટર અને ઉત્તમ કુમારના વિશાળ કદના સ્ટેચ્યુની મુલાકાત લે. એ તમામ સ્થળની મુલાકાત આપણે લઈએ અને સાથે સાથે ફિલ્મ ક્ષેત્રે ઉત્તમ કુમારના ઉત્તમ યોગદાનને યાદ કરીએ.3 સપ્ટેમ્બર 1926 નાં રોજ મોસાળ અહિરીટોલા કલકત્તા માં જન્મેલા ઉત્તમ કુમારનું મૂળ નામ તો અરુણકુમાર ચટ્ટોપાધ્યાય પણ નાની લાડથી ઉત્તમ કહેતાં.1951 ની બંગાળી ફિલ્મ "સહજત્રી" પ્રદર્શિત થવાની હતી ત્યારે પહાડી સાન્યાલ ની સલાહ માની તેમણે સ્ક્રીન નેમ "ઉત્તમ કુમાર" અપનાવ્યું. સ્કુલ માં હતાં ત્યારથી જ તેમની અભિનય પ્રતિભાનો પરિચય તેમણે આપ્યો.કેવળ 10 વર્ષ ની ઉંમરે નાટક માં ટ્રોફી જીત્યા.પરિવારની આર્થિક તંગીને કારણે તેમણે અભ્યાસ અધૂરો છોડવો પડ્યો અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટમાં ક્લાર્ક તરીકે મહિને રૂ. 75નાં પગારે નોકરી એ જોડાયા. નોકરી સાથે નિદાનબંધુ બેનર્જી પાસેથી ગાવાનું શીખ્યા ઉપરાંત લાઠી દાવ અને કુસ્તી પણ શીખ્યા. સતત ત્રણ વર્ષ સુધી ભવાનીપુર સ્વિમિંગ એસોસિએશનમાં સ્વિમિંગમાં ચેમ્પિયન પણ બન્યા.1947 માં જુનિયર આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરનાર અરુણ કુમાર ની પહેલી ફિલ્મ રિલીઝ જ ન થઈ 1948 માં હીરો તરીકે શરૂઆત થઈ પણ શરૂઆત ની ઘણી ફિલ્મો ફ્લોપ થતાં તેમને "ફ્લોપ માસ્ટર જનરલ" નું લેબલ લાગી ગયું.1952 માં સહાયક ભૂમિકા માં ફિલ્મ "બાસુ પોરિબાર" આવી અને તેમને પ્રશંસા મળવી શરૂ થઈ.1966માં આવેલી ફિલ્મ નાયકમાં ઉત્તમકુમારને જોયા પછી,અભિનેત્રી એલિઝાબેથ ટેલર તેના અભિનયથી પ્રભાવિત થઈ ગયાં.ઉત્તમકુમાર ને મળવા અને તેમની સાથે કામ કરવાની ઈચ્છા આ અભિનેત્રી એ ત્યારે વ્યક્ત કરી હતી.જ્યારે ભારત સરકારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સ્થાપના કરી ત્યારે 1968માં 15માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર ઉત્તમકુમાર પ્રથમ અભિનેતા હતા.ઉત્તમ કુમારે છ બંગાળી અને એક હિન્દી ફિલ્મ બનાવી. "કાલ તુમી આલિયા" ફિલ્મ માટે સંગીત આપ્યું, કેટલીક ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું.1950ની ફિલ્મ મર્યાદામાં તેમણે પહેલીવાર ગાયું હતું.પોતાની ફિલ્મ "નબજનમા" (1956)માં પણ તેઓ પાર્શ્વ ગાયક હતા.ઉત્તમકુમારની પ્રથમ હિન્દી ફિલ્મ 1967માં "છોટી સી મુલકાત" હતી. બીજી ફિલ્મ "બંદી". (1978) અને તે પછી શક્તિ સામંત દ્વારા દિગ્દર્શિત"અમાનુષ"આવી હતી. તેમણે શક્તિ સામંત દ્વારા દિગ્દર્શિત અન્ય દ્વિભાષી ફિલ્મ"આનંદ આશ્રમ"માં પણ અભિનય કર્યો હતો.તે સિવાય હિન્દી ફિલ્મ કિતાબ અને દૂરિયાં માં પણ તેઓ દેખાયા. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં પણ તેઓ સક્રિય હતા.1945 માં, તેમણે સુભાષ ચંદ્ર બોઝના ભારતીય રાષ્ટ્રીય સૈન્ય રાહત ફંડને મદદ કરી, ગરીબ કલાકારો અને ટેકનિશિયનોને મદદ કરવા શિલ્પી સંઘની સ્થાપના કરી અને આજીવન આ સંસ્થાના પ્રમુખપદે કાર્યરત રહ્યાં.1978ના પૂર માટે, તેમણે બંગાળી ફિલ્મ ઉદ્યોગ અને બોમ્બે ફિલ્મ ઉદ્યોગના કલાકારો વચ્ચે ચેરિટી ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું. તો આવા ઉત્તમ,સમર્પિત કલાકાર ને યાદ કરતાં કરતાં રેટ્રોની મેટ્રો સફરમાં જોડાયેલા મારા મિત્રો, આપણે તો આવી ગયા ૧૮૭૫માં સ્થપાયેલ આલીપોર પ્રાણી સંગ્રહાલય પાસે.આ પ્રાણી સંગ્રહાલયમાં રોયલ બેંગાલ ટાઇગર ઉપરાંત જાતભાતના વન્ય પ્રાણીઓ જોવા મળશે. ભારતનું સૌથી જુનુ પ્રાણીસંગ્રહાલય ધરાવવાનું ગૌરવ કોલકત્તા ને ફાળે જાય છે. જુવો આ તળાવમાં તરતાં હંસ જોઈને કોઈ ફિલ્મી ગીત યાદ આવ્યું તમને?મને તો મોસમી ચેટરજી અભિનીત ફિલ્મ "ઝહરીલા ઇન્સાન" નું ગીત"ઓ હંસિની મેરી હંસિની...."યાદ આવી ગયું.આમ તો આ ગીત નું શૂટિંગ કર્ણાટકના ચિત્રદુર્ગમાં થયું હતું પણ મારે તમને એ જણાવવું છે કે કલકત્તામાં 26 એપ્રિલ 1948 માં જન્મેલા મોસમી ચેટર્જી નું મૂળ નામ ઇન્દિરા ચટ્ટોપાધ્યાય હતું.70 નાં દાયકા માં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં તેમની ગણના થતી. ઝહરીલા ઇન્સાન ફિલ્મના શૂટિંગ દરમિયાન મુખ્ય અભિનેત્રી મૌસમીજી ગર્ભવતી હતાં. ઓ હંસની ગીતમાં હંસની જેવાં ઉડતા હોય તેવી ઇફેક્ટ માટે તેમણે સફેદ ઘેરદાર ગાઉન પહેરીને દોડવાનું હતું તે બાબતે મોસમી ચેટર્જી મૂંઝવણ માં હતા અને નિર્માતા વીરેન્દ્ર સિંહા સાથે વારંવાર ચર્ચા કરતાં હતાં.જો કે તેઓ સરળતાથી શોટ આપી શકે તે માટે તમામ તકેદારી રાખવામાં આવી અને સ્લોમોશન ટેકનિક થી આખું ગીત શૂટ થયું હતું.રેટ્રોની મેટ્રોમાં આપણે સફર કરી રહ્યા છીએ કલા ,વિજ્ઞાન અને સંસ્કૃતિ નગરી,city of joy કોલકત્તાની.
મિત્રો જો તમે રમત ગમતમાં રુચિ ધરાવો છો તો જાણો છો કે કલકત્તા ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતો માટે મોટા મેદાનો ધરાવતું શહેર છે.
બેઠક વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશ્વનું ત્રીજા નંબર નું ક્રિકેટનું મેદાન ઇડન ગાર્ડન કોલકત્તા નું ગૌરવ છે. તો કલકત્તા ક્રિકેટ એન્ડ ફૂટબોલ ક્લબ વિશ્વની બીજા નંબરની જૂનામાં જૂની ખેલ club છે. તો બેઠક વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશ્વનું બીજા નંબરનું ફૂટબોલ ગ્રાઉન્ડ સોલ્ટ લેક સ્ટેડિયમ કલકત્તા માં આવેલું છે.
તો ઇડન ગાર્ડન અને સોલ્ટ લેક સ્ટેડિયમ ની વિશાળતા ને નજરમાં ભરી લઈએ અને દુર્ગા પૂજા માટે મશહૂર કોલકત્તા માં દક્ષિણેશ્વર કાલી મંદિર, વિક્ટોરિયા મેમોરિયલ, ભારતીય રાષ્ટ્રીય પુસ્તકાલય, મધર ટેરેસા હોમ્સ, જેવા સ્થળોની મુલાકાત લઈને હવે આપણે પરત ફરીએ માતૃ ભારતીના પ્લેટફોર્મ પર. જો કે રેટ્રો ની મેટ્રો થોડા જ સમય માં ફરી હાજર થઈ જશે અને લઈ જશે તમને બોલીવુડ ની યાદગાર સફરે.till than bye bye.