Aadi Shankracharya - 2 books and stories free download online pdf in Gujarati

આદિ શંકરાચાર્ય - ભાગ 2 - તેજસ્વી બાળક

કેરલમાં પૂર્ણ નદીના કિનારે આવેલ કાલડી ગામમાં વિધ્યાધીરજ નામે એક પંડિત રહેતા હતા. તેમને શિવગુરુ નામે એક પુત્ર હતો. શિવગુરુ નાનપણથી જ તેમના ગુરુના ઘરે રહીને વેદોનો અભ્યાસ કરતો હતો. ૧૨ વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુરુજીએ શીવગુરુને એક દિવસ કહ્યું “ બેટા, તારો અભ્યાસ પૂર્ણ થયો છે. હવે તું ઘરે જા અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર”

શિવગુરુએ કહ્યું “ ગુરુજી, હું તો આજીવન બ્રહ્મચારી રહીને ઈશ્વર સાધના માં જ જીવન સમર્પિત કરવા માંગું છું”
ત્યારે ગુરુજીએ તેમને ગૃહસ્થાશ્રમનું મહત્વ સમજાવતા કહ્યું “તારા માટે સંન્યાસ કરતા ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે અને તેમાં રહીને જ ભક્તિ કરાવી”

અંતે ગુરુ આજ્ઞા માનીને શિવગુરુ ૧૨ વર્ષ બાદ પોતાના ઘરે પહોંચ્યા. તેને જોઇને બધા ખૂબ ખુશ થયા. પિતાએ પુત્રની વિદ્યા બાબતે પ્રશ્નો પૂછીને પરીક્ષા પણ કરી. થોડા સમય બાદ આર્યમ્બા/વિશિષ્ટા દેવી સાથે શિવગુરુનાં લગ્ન થયા. અને બંને પતિ પત્ની શિવજીની ભક્તિમાં જીવન વિતાવવા લાગ્યા. લગ્નનાં ઘણા વર્ષે પણ દંપતીને કોઈ સંતાન ન હતું.

એક દિવસ દુઃખી હૃદયે શિવગુરુએ પોતાની પત્નીને કહ્યું “ હવે આપણે શું કરીશું ?”
ત્યારે આર્યમ્બાએ કહ્યું “ ભગવાન શિવ તો કલ્પતરુ છે. આપણે તેને શરણે જઈને તેમનું જ અનુષ્ઠાન કરીએ”

બાદમાં દંપતીએ ત્રિચુર જઈને ભગવાન આશુતોષની એક વર્ષ કઠોર સાધના કરી. એક વર્ષ પૂર્ણ થવાના છેલ્લા દિવસે શિવગુરુને એક સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે “ જટાધારી ભગવાન શંકર પ્રકાશની જેમ તેની સામે પ્રગટ થયા છે.
ભગવાન શિવે કહ્યું “પુત્ર, હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તમારી શું ઈચ્છા છે ?”
શિવગુરુએ કહ્યું “ સંતાન પ્રાપ્તિ એ જ અમારી પ્રાર્થના છે પ્રભુ”
ત્યારે ભગવાન આશુતોષે કહ્યું “ હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું. પણ હું તને પસંદગી આપવા માંગું છું. જો તું સર્વજ્ઞ સંતાન ચાહીશ તો તે દીર્ઘાયુ નહિ હોય. અને જો દીર્ઘાયુ સંતાન ચાહીશ તો તે સર્વજ્ઞ નહિ હોય. તું કેવું સંતાન ચાહીશ ? સર્વજ્ઞ કે દીર્ઘાયુ ?

શિવગુરુએ સર્વજ્ઞ પુત્રની પ્રાર્થના કરી.
ભગવાન આશુતોષે સ્મિત સાથે કહ્યું “ આશીર્વાદ, તમારી ઈચ્છા પૂર્ણ થશે. હવે તમારી તપસ્યા પૂર્ણ સમજો ”

આ સ્વપ્નની વાત શિવગુરુએ આર્યમ્બાને કહી ત્યારે તે અંત્યંત ખુશ થઇ ગયા. પોતાને ધન્ય ધન્ય સમજીને અનુષ્ઠાન પૂર્ણ કરીને કાલડી ઘરે પરત ફર્યા.

વૈશાખી શુક્લ પંચમીએ આર્યમ્બા એ એક પુત્રને જન્મ આપ્યો. ભગવાન શંકરનાં આશીર્વાદથી પુત્રનો જન્મ થયો હોવાથી તેનું નામ “શંકર” રાખવામાં આવ્યું.....જાણે ભગવાન શિવનો જ અંશાવતાર...

નાનપણથી શંકર ખૂબ જ તેજસ્વી હતા. માત્ર ચારેક વર્ષની નાનીવયે જ તેણે માતૃભાષા અને શાસ્ત્રોનો અભ્યાસ શરુ કરી દીધેલ.

પણ શંકર ચાર વર્ષના હતા ત્યારે જ પિતા શિવગુરુનું અવસાન થયેલ. માતા આર્યમ્બા દ્વારા પાંચમાં વર્ષે શંકરનાં ઉપનયન સંસ્કારની વિધિ પૂર્ણ કરાવીને તેમને ગુરુ પાસે શિક્ષા માટે મોકલી આપવામાં આવ્યા.
--------------------------

પોતાની સતેજ તીક્ષ્ણ બુદ્ધિ અને જ્ઞાનથી તેણે ગુરુકુળનાં આચાર્ય આશ્ચર્યમાં પડી ગયેલ. બીજા શિષ્યો કરતા અનેક ગણી ઝડપથી શંકર બધું શીખીને ગ્રહણ કરી લેતા હતા. તેઓ બધા શ્લોકોને તરત જ કંઠસ્થ કરી લેતા. તે આચાર્યના પ્રિય શિષ્ય બની ગયેલ. માત્ર બે વર્ષમાં તેણે વેદો, ઉપનીષદો, વેદાંગ – સાંખ્ય, ન્યાય, યોગ, મીમાંસા, પુરાણો વગેરેનું જ્ઞાન મેળવી લઈને જાણે વિદ્વાન થઇ ગયેલ.

◆ કરુણા અને કનકધારા સ્તોત્ર -

ગુરુકુળનાં નિયમ મુજબ શિષ્યોએ રોજે રોજ ભિક્ષા માંગીને લાવવી પડતી હતી. એક દિવસ શંકર ભિક્ષા માંગવા માટે એક બ્રાહ્મણનાં ઘરે પહોંચ્યા. એ પરિવાર અંત્યંત ગરીબ હતો. ભિક્ષામાં આપવા માટે એક મુઠ્ઠી તાંદુલ પણ તેમની પાસે જ હતા. બ્રાહ્મણ પત્નીને ખૂબ જ દુખ થતું હતું કે એક બ્રહ્મચારી ભિક્ષા માટે આવ્યા છે પણ પોતાની પાસે કઈ જ નથી. પણ ખાલી હાથ કેમ જવા દેવાય ? એટલે ઘરમાં જઈને શોધખોળ કરી ત્યારે માંડ એક આમળું હાથ લાગ્યું. તે આમળું શંકરને આપતા તેણે શંકર સમક્ષ પોતાની આવી દરિદ્રતાની અવસ્થાનું વર્ણન કર્યું. દરિદ્ર નારીનું દુઃખ જોઇને શંકરની આંખમાં આંસુ આવી ગયા અને તેનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું.

તેણે કરુણામય ચિતથી દરિદ્રવિનાશિની દેવી લક્ષ્મીને ઉદ્દેશીને “કનક ધારા સ્તોત્ર ” રચીને તેનું દુખ દૂર કરવાની કાતર ભાવે પ્રાર્થના કરી કે “માં, આ બાઈ, અત્યંત ગરીબ હોવા છતાં ભાવથી મને આમળું આપ્યું છે, તું એને સમૃદ્ધિથી ધનવાન બનાવી દે”.

કહેવાય છે કે આ ઘટનાથી લક્ષ્મીદેવીએ તે ગરીબ બ્રાહ્મણીનાં ઘર પર સોનાનાં અમળાની વર્ષા કરેલ અને તેનું દુઃખ દૂર કરેલ. ( સોનાના આમળાની વર્ષાએ સિમ્બોલિક અને આલંકારિક છે. આ વાતનો અર્થ એ રીતે લઇ શકાય કે શંકરની પ્રાર્થના પછી એ ઘરમાં સમય જતા સમૃદ્ધી આવી )
આજે પણ ઘણા લોકો સમૃદ્ધિ માટે આ કનકધારા સ્તોત્રનો પાઠ કરતા હોય છે.

આ ઘટના શંકરની કરુણાનું અને લક્ષ્મીજી ની કૃપાનું ઉદાહરણ છે.
---------------------

शंकरं शंकराचार्यं केशवं बादरायणम्।
सुत्र भाश्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः॥

( ક્રમશઃ )