Gift books and stories free download online pdf in Gujarati

Gift

- : ગીફ્ટ :-

બેંગલોરની એક મલ્ટી નેશનલ આઇટી કંપનીની બ્રાંચ ઓફીસમાં મુલાયમ કુશનવાળી રીવોલ્વીંગ ચેરમાં જાજરમાન વ્યક્તિ જમણાહાથે પકડેલ પેન્સિલને તાજાં ખીલેલ ગુલાબની ઝાંય જેવી ખંજનયુક્ત ગાલમાં ટેકવીને છૂટી પડેલ એકલદોકલ મધમાખીના ગુંજારવ જેવું મીઠું ગીત ગણગણતી હતી. સ્પ્લીટ એસીનો મંદ અવાજ અને દર વીસ સેકંડે છૂટતા લેમનટ્રી ફ્રેશનર ના ફુવારા ઓફીસના એટમોસફીયરને કૂલ બનાવીને રહે.
“ મે આઇ કમીન મેડમ.” બેંગલોરની બ્રાંચના વાઇસ પ્રેસીડેન્ટ (આઇટી)વૈભવે પરમીશન માંગી.
“અરે વૈભવ તું ? અહિ છો? વોટ એ સરપ્રાઇઝ. આઇ કાન્ટ બીલીવ.” મુલાયમ કુશનવાળી ચેરમાં બેસેલ મધુમાલતી ફૂલનો પૂંજ ટહૂક્યો.
આ મઘમઘતો બગીચો એટલે નિલિમા. સીલીકોનવેલી, અમેરિકા સ્થિત ‘બ્રેઇન ગ્રો’આઇટી ફર્મના ફાઉન્ડર અને સીઇઓ જ્વલંત આચાર્યની પત્ની.
નિલિમા અને વૈભવ એક સમયે સીટી એન્જીનીયરીંગ કોલેજનું મહેકતું મસ્ત જોડું. બ્યુટી વીથ બ્રેઇન એટલે નિલિમા. માચોમેન વીથ યુનીક વીઝન એટલે વૈભવ. બન્નેનું ગુટરગું ત્રણ વર્ષથી કોલેજમાં સંભળાયા રાખે. ઘણા બીલાડાઓએ આ જોડું વીંખવાનો પ્રયત્ન કરેલ. કેમ ન કરે. નિલિમા એટલે નખશિખ સૌંદર્યનું મૂર્તિમંત સ્વરુપ. ચાલે તો ધૂળને બદલે જાણે મોસમના પહેલા વરસાદની ઝૈણ ઉડે. નિલિમા બોલે ત્યારે કોયલ પણ ચૂપ રહેવાનું શીખી ગઇ. કોલેજની લોબીમાં પસાર થાય ત્યારે અનેક આંખો મટકું મારવાનું ભૂલી જાય, ફેફસાંને એટલો સમય શ્વાસ લેવાની ક્રિયામાં આરામ મળે. વેલેન્ટાઇન વીકમાં જો ગુલાબની તીવ્ર તંગી વર્તાય તો સમજી લેવું, નિલિમા શહેરમાં જ છે. ઉપરવાળાએ નિલિમાને સૌંદર્ય આપવામાં તસુભાર કંજૂસાઈ ના કરી. સરસ્વતીએ વગર તપશ્ચર્યાએ મેધાનું વરદાન આપ્યું.
આવા સર્વાંગસુંદર સર્વગુણસંપન્ન વ્યક્તિત્વને પામવા કોણ પ્રયત્ન ના કરે. અનેક લોભામણી ઓફર, લાલચ; રંગીન ભવિષ્યના સપના વગેરે નિલિમાના રસ્તામાં આવ્યા. પણ નિલિમાને વૈભવ જોઇતો હતો. વૈભવ, ફક્ત વૈભવ જ.
વાત પણ સાચી હતી. નિલિમાનો વૈભવ એક અને એકમાત્ર યુનીક પીસ હતો. સવા છ ફૂટ હાઇટ. એટલાસનો બાંધો. ખુમારીયુક્ત તેજસ્વી આંખો. સિંહની કમર. ચાલે તો ગજરાજની જેમ ધરતીનો ધબકાર સંભળાય. કોલેજની અનેક યૌવનાઓના ‘આહ’નો શિકાર. આ વૈભવ રુપ અલી(ભમરો) નિલિમાના કમળમાં કેદ થઇ ચૂકેલો. વૈભવ તો નિલિમાનો જ. બન્ને વચ્ચેની સમાન રુચીએ બેમિસાલ જોડાનું સર્જન થયું. આકાશને આંબવા સ્વપ્ના જોવામાં ક્યારે કોલેજકાળ પૂરો થયો તેની ખબર જ ના રહી. સ્ટડી પૂરું થયે ભવોભવના સાથી રહેવાના કોલ અપાયા. વૈભવને નિલિમા વગર કશું જ ખપતું નહતું. એમ નિલિમાને વૈભવ. સ્ટડી પૂરું થયે બન્ને પોતાને વતન ગયા. વૈભવ જોબ પર લાગે એટલે નિલિમા હંમેશને માટે તેની હ્રદયકુંજમાં ટહૂક્યા કરશે. કેટલીય રાતોના મીઠાં ઉજાગરાઓનો બેઉનો મોબાઇલ સાક્ષી. મનના નક્શાઓ દીલમાં છપાવા લાગ્યા.
એવામાં અચાનક નિલિમાનો મોબાઇલ થાક્યો હોય તેમ રણકતો બંધ થયો. બેટરી પૂરી થવામાં હોય તેમ ટૂંકી વાતો કે મેસેજથી કામ ચલાવવા લાગ્યો. વૈભવે નિલિમાને સ્પેસ આપવાનું વિચાર્યું. કોઇ એવા ના કહી શકાય તેવા નિલિમાના સંજોગો હશે તેમ માન્યું. વૈભવને ખબર ન હતી કે તેણે આપેલ સ્પેસ, સ્પેસ ના રહેતા મોટું અંતર બનીને રહેશે. નિલિમાને પહેલેથી જ વૈભવ પસંદ હતો. એણે વૈભવ જ પસંદ કર્યો. મીલોયોનેર એનઆરઆઇનો વૈભવ જોઇ અંજાઇ ગઇ. ચટ મંગની પટ બ્યાહ કરી યુએસ ઉડી ગઇ. શકુંતલા મોટી ઉંમરના દુષ્યંતને પરણી ગઇ.
વૈભવને આ ન્યુઝ મળતા ચોટ ખાઇ ગયો. અંદરના ન દેખાતા જખમમાં લોહીના બુંદ ટપકવા લાગ્યા. આ વૈભવ ખરા અર્થમાં વૈભવ હતો. આજના તકલાદી મનોબળવાળા યુવાનો જેવો નહતો. ‘दुनियाँ में और भी कई काम है इश्क़ के सिवा માં માનતો હતો. તેના પેરન્ટ્સ,ફેમીલી અને સમાજ પ્રત્યેની ફરજોની એને ખબર હતી. જીવનના એક સુખદ પ્રકરણની મીઠી યાદો સહિત પ્રકરણના દુ:ખદ અંત સહ પ્રકરણ બંધ કર્યું. બેંગલોરની આઇટી કંપનીમાં જોડાયો. આઇટીમાં માસ્ટરી અને એના ઇનોવેટીવ આઇડીયાઝ ને લીધે તે વાઇસ પ્રેસીડેન્ટ(આઇટી) ના પદ સુધી પહોંચી ગયો. તેની આ કંપની યુએસની બ્રેઇન ગ્રો આઇટી ફર્મે ટેકઓવર કરી લીધેલ. એ અનુસંધાને બ્રેઇન ગ્રો માંથી બોર્ડ ઓફ ડિરેક્ટર ના એક મેમ્બર બેંગલોર આવેલ.
“મેડમ ! આપ અહિ ?”
“વૈભવ, છોડ ડીપ્લોમેટીક બીહેવીયર. બેસ. કેટલા સમયે મળ્યા. શું ચાલેછે તારે? ક્યાં રહેછે? તારા પેરન્ટ્સ,ફેમીલી?”
“નિલિમા ! એક સાથે આટલા સવાલો તો ઇન્કમટૅક્સની રેઇડમાં પણ નથી પૂછાતા. તેં આવતાવેંત એ કે ફોર્ટીસેવન ચલાવી. હવેથી તમારા બિચારા આ ગરીબ એમ્પલોઇની નોકરી ખતરામાં ના મૂકતા.”
“વૈભવ, તું એવોજ રહ્યો. બોસ ફોર અધર્સ. તારા માટે તો ઓન્લી નિલિમા. સમજાયું?”
“નિલિમા આ ઓફીસછે.”
“ઓકે. આ બોસ સામે ઉભેલા બિચારા, ગરીબ એમ્પ્લોઇને હુકમ કરેછે, એના બોસને બેંગલોરની બેસ્ટ કેફેમાં લઇ જાય.”
વૈભવ નિલિમા કેફેમાં બેસી કાપુચીનો સીપ કરતા વાતો કરતા રહ્યા. કોલેજ લાઇફની, ઇન્ડિયાની, યુએસની. ના વૈભવે બ્રેકઅપનું કારણ પૂછ્યું ના નિલિમાએ તેની મહત્વાકાંક્ષાએ લીધેલ ત્વરિત નિર્ણયનું કારણ કહ્યું. બેઉ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે સેઇમ સ્ટેજ પર હતા. વૈભવની હોંશિયારીએ તેને આ સ્ટેજ પર પહોંચાડ્યો. નિલિમા તેની પસંદગીના ડીસીઝનથી આ સ્ટેજ પર છે. સ્ત્રીની મહત્વાકાંક્ષા ક્યારેય પૂર્ણ થતી નથી. એક પૂરી થયે બીજી એષણા જાગે. નિલિમાને બેસુમાર દૌલત, વૈભવ, એશોઆરામ, પેજ વન લાઇફ મળી. સામે બેસેલ વૈભવને પામવાની અદમ્ય ઈચ્છા થઇ આવી. હિંદી પીક્ચરના ડાયલોગની જેમ मौक़ा है, दस्तूर भी है. દસ વર્ષ યુએસ કલ્ચરમાં રંગાયેલ નિલિમાએ કહ્યું,” વૈભવ ! આઇ વોન્ટ યુ. વીલ યુ પ્લીઝ ગીવ મી કંપની ફોર એ વીક?”
એ પછીનુ વીક મધુમાલતીનો પૂંજ અને માચોમેનનું ધ લીલા પેલેસમાં વીત્યું. રીસોર્ટમાં ફક્ત ઉષા અને સંધ્યા જ દેખાણી. રાતનો સમય નિલિમાના કેશમાં શરમનો માર્યો છૂપાઇ ગયો. પરિપક્વ અશ્વો દસ વર્ષ પહેલાના સમયના હણહણતા વછેરા બની ગયા. ભૂતકાળ ભાગી ગયો. ભવિષ્યે આવવાની હિંમત ના કરી. સંપૂર્ણ વર્તમાનનું સામ્રાજ્ય. નિલિમાએ વૈભવ(દૌલત) પસંદ કરી લીધેલ, આજે વૈભવ(પ્રેમી)ને પામી લીધો. તેનો અહંકાર પરિત્રુપ્ત થઇ ઓડકાર ખાવા લાગ્યો.
બેંગલોરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બાય કહેવા આવેલ વૈભવ બોલ્યો.” નિલિમા, જતા પહેલા મારે એક વાત કહેવી છે.”
“પ્લીઝ નો વૈભવ, ડોન્ટ અટર એ વર્ડ. ડોન્ટ સ્પોઇલ માય હીલારીયસ મૂડ. હું એટલી ખુશછું, બીજું કશું સાંભળવાની મારી ઈચ્છા નથી.”
“નહિ નિલિમા, જતા પહેલા તારે સાંભળવું પડશે. તેં આ વૈભવનો મતલબ કે મારો તારા સ્વાર્થ, તારી મુનસફી માટે બે વખત યુઝ કર્યો. એક વાર કોલેજસ્ટડી દરમ્યાન, બીજી વાર આજે. કોલેજમાં મેં તને સાચા દિલનો પ્રેમ આપ્યો. આજે હું તને ખાલી હાથ જવા નહિ દઉં. તારા અત્યારના શાહી ઠાઠમાઠ મુજબ તને શાહી ગીફ્ટ આપુંછું. *મને એઇડ્સ છે.*
દસ મિનિટમાં યુએસ જવા પ્લેન ટેકઓફ થયું. આકાશમાં દેખાતા પ્લેનને જોઇ વૈભવ મનમાં બોલ્યો,’ સોરી નિલિમા, મારો પ્રેમ એટલો હલકી કક્ષાનો નથી કે તેનો ડંખ રાખી વેર વાળું. ત્યાં યુએસમાં મેડીકલ ચેકઅપ માટે જઇ અને મારી હકિકત કહીશ, તારા રીપોર્ટ નોરમલ આવશે તો પણ ડોક્ટર કહેશે’ અત્યારે એઇડ્સનો રીપોર્ટ નેગેટીવ હોવા છતાં એક્સપોઝર હીસ્ટ્રી નજરમાં રાખતા એઇડ્સનો વીન્ડો પીરીયડ હોવાની શક્યતા કહી શકાય. છ માસ પછી પાછો રીપોર્ટ આવ્યા પછી ચોક્કસ કહી શકાય.’
મને ખબરછે, એ છ મહિના તારી જિંદગીના સહુથી ત્રાસદાયક બની રહેશે. તું કોઇને ઇવન તારા પતિને પણ નહિ કહી શકે. કહેવાનું તો દૂર તું એની નજીક પણ નહિ જઇ શકે. દરેક સૂર્યોદય મોતનો પયગામ લાવ્યો તેવું લાગશે. પ્રત્યેક પળે તારા શરીરનું અણું એ અણું મને ધિક્કારશે. આ જ હું ઇચ્છુ છું. મીનીમમ સીક્સ મંથ મને યાદ કરે. મારો પ્રેમ આટલો તો હક્ક માંગે જ ને. મેં પણ આવી જ યાતના ભોગવીછે. તારી બેવફાઈનો એઇડ્સ મારા મનને લગાડીને ચાલી ગઇ હતી. બાય ધ વે તને છ મહિના પછી ખબર પડશે, તને એઇડ્સ નથી. હું તો અત્યારે જ કહુંછું, મને એઇડ્સ છે જ નહિ. તું હવામાં ઉડેછે, હું ધરતી પર રહુંછું. મારો અવાજ તને કેમ સંભળાશે ?”

‘અમસ્તા જ ઝંઝાવાતો સર્જાતા નથી એના જીવનમાં
જ્યારે કોઇની જિંદગીમાં ઘૂસીને લ્હાય લગાડે છે’