Prarambh - 24 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 24

પ્રારંભ - 24

પ્રારંભ પ્રકરણ 24

કેતને જીતેન્દ્રના સાળા રમેશના આત્મા સાથે વાત કરી અને એના વિશે જીતેન્દ્ર અને શિલ્પાને જે માહિતી આપી એના પછી બંને જણાં એકદમ રિલેક્સ થઈ ગયાં હતાં અને શિલ્પાનો શોક પણ લગભગ દૂર થઈ ગયો હતો.

છ મહિના પછી શિલ્પાને પ્રેગ્નન્સી આવવાની હતી એવી પણ જે વાત કેતને કરી એ સમાચાર પણ શિલ્પા માટે આનંદજનક હતા કારણ કે લગ્નને બે વર્ષ થયાં હતાં છતાં હજુ એને સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. જો કે પોતાનો સગો ભાઈ જ પોતાના પુત્ર તરીકે ગર્ભમાં આવવાનો હતો એ વાત એના મગજમાં બેસતી ન હતી.

" કેતનભાઇ એક વાત પૂછું ?" ચા પીધા પછી શિલ્પા બોલી.

" હા બેન પૂછો ને " કેતને કહ્યું.

" તમે ગઈકાલે મારા ભાઈ સાથે વાત કરી અને અમને એમ કહ્યું કે મારો ભાઈ જ છ મહિના પછી મારા ગર્ભમાં આવશે તો એ કેવી રીતે બને ? મારો સગો ભાઈ થોડો મારો દીકરો બને ? આ વાત હજુ મારા ગળે ઉતરતી નથી." શિલ્પા બોલી.

"જુઓ સૌથી પહેલી વાત તો એ છે કે આ શબ્દો તમારા સગા ભાઈના છે. મારા નથી. તમારા ભાઈએ કોઈ દેવશીભાઈનું નામ પણ આપ્યું. પાંચ લાખની પણ વાત કરી. એ બધી વાતો તો તમે સાચી માનો છો ને ? તો આ વાત પણ તમારા ભાઈએ જ કરી છે" કેતન બોલ્યો.

"કેતનભાઈની વાત સાચી છે. તું ખોટો સવાલ કરે છે શિલ્પા. રમેશે એમને આવું કહ્યું હોય તો જ એ આપણને કહેતા હોય ને ! " જીતુ બોલ્યો.

" અને બીજી વાત તમે સાંભળી લો. આ બધા સંબંધો પૃથ્વી ઉપર છે. મૃત્યુ પછી આત્મા નવા જન્મમાં કોઈપણ સંબંધે આવી શકે છે. ક્યારેક પિતા પુત્ર બને છે તો ક્યારેક પુત્ર પિતા બને છે. ક્યારેક પતિ પત્ની બને છે તો નવા જન્મમાં ક્યારેક પત્ની પતિ બને છે." કેતન શિલ્પાને સમજાવી રહ્યો હતો.

"પૃથ્વી ઉપર દરેકની આયુષ્ય મર્યાદા અલગ અલગ હોય છે એટલે જેની સાથે ઋણાનુબંધ હોય એની સાથે આત્મા પોતાની મમતાથી કોઈપણ સંબંધથી જોડાઈ શકે છે. તમારા ભાઈને તમારા ઉપર મમતા છે એટલે એ ફરી તમારી સાથે જોડાઈ જશે પછી સંબંધ ભલે પુત્રનો કે પુત્રીનો હોય ! " કેતન બોલ્યો.

શિલ્પા માટે આ બધી વાતો નવી હતી છતાં જે રીતે કેતન સમજાવી રહ્યો હતો એ સાંભળ્યા પછી શિલ્પાને કોઈ શંકા રહી નહીં.

બપોરે ૧૨ વાગે દિલ્હી સ્ટેશન આવ્યું ત્યારે પેન્ટ્રી બોય જમવાનો ઓર્ડર લેવા માટે આવ્યો. આમ તો હજુ પુરીઓ વધી હતી છતાં શાક વગર ઠંડી પૂરીઓ ખાવાનો કોઈ મતલબ ન હતો. જીતુએ ત્રણેય જણાંના લંચનો ઓર્ડર લખાવી દીધો.

ન્યુ દિલ્હીથી ટ્રેન ઉપડી ગયા પછી ત્રણેય માટે જમવાનું આવી ગયું. જમવામાં બે પરોઠા, પનીર વટાણાનું મિક્સ શાક, દાળ, ભાત અને દહીં હતાં. જમવાનું પ્રમાણમાં સારું હતું.

" તમે પછી હરિદ્વારમાં ક્યાં ઉતરવાના છો ? " જમ્યા પછી જીતુએ પૂછ્યું.

"ના હું હરિદ્વાર રોકાવાનો નથી. હું ત્યાંથી ટેક્સી કરીને ઋષિકેશ પહોંચી જઈશ. " કેતને કહ્યું.

" રાત્રે ઋષિકેશ પહોંચીને શું કરશો ? એના કરતાં અમારી સાથે ચાલો. અમે ભુપતવાલા માર્ગ ઉપર સ્વામિનારાયણ આશ્રમમાં ઉતરવાના છીએ. એકવાર હું ત્યાં રોકાયેલો છું. જગ્યા ઘણી સારી છે અને રૂમ પણ એ.સી છે. સવારે નીકળી જજો. " જીતુ બોલ્યો.

"થેન્ક્સ. પરંતુ મારો પ્રોગ્રામ ફિક્સ છે. મારે વહેલી સવારે ત્યાં કોઈને મળવાનું છે. " કેતન બોલ્યો.

" તો તો પછી તમારે અત્યારે નીકળી જવું પડે. તમને ખ્યાલ છે કે અસ્થિ કયા ઘાટ ઉપર પધરાવી શકાય ? " જીતુએ પૂછ્યું.

" જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી હર કી પૌડી એક વિશાળ જગ્યા છે. જ્યાં જુદા જુદા નવ ઘાટ આવેલા છે. અસ્થિ વિસર્જન માટે અને પિતૃતર્પણ માટે કુશાવર્ત ઘાટ વધુ જાણીતો છે. તમે પણ ત્યાં જ જજો. " કેતન બોલ્યો.

બોલ્યા પછી કેતનને પોતાને સમજાયું નહીં કે એણે આ માહિતી જીતુને કેવી રીતે આપી ? કારણકે હકીકતમાં હરિદ્વાર વિશે એ કંઈ જાણતો જ ન હતો !

" જી ખુબ ખુબ આભાર. " જીતુ બોલ્યો.

" બને ત્યાં સુધી વહેલી સવારે છ વાગે જ અસ્થિ પધરાવી દેજો. જેમ જેમ દિવસ ચડતો જશે તેમ ભીડ પણ વધતી જશે. " કેતને સલાહ આપી.

" અને ભાઈનાં દર્શન ક્યાં થશે ? ઘાટ ઉપર થશે કે રસ્તામાં ? " શિલ્પા બોલી.

" એ તો મને કેમ ખબર પડે બેન ? રમેશે પોતે જ કહ્યું છે એટલે તમને દર્શન થઇ જ જશે. " કેતને હસીને કહ્યું.

સાંજે લગભગ સવા છ વાગે ટ્રેઈન હરિદ્વાર સ્ટેશને પહોંચી ગઈ. હરિદ્વાર ઉતરનારા તમામ પેસેન્જર્સ ઉતરી ગયા. ટ્રેઈન છેક દહેરાદુન સુધી જતી હતી.

" કેતનભાઇ મેં તમને મારું કાર્ડ આપ્યું છે એમાં મારો ફોન નંબર પણ છે. તમે ગમે ત્યારે મને ફોન કરી શકો છો. તમારો નંબર મારી પાસે આવી જશે તો પણ હું તમને ક્યારેય પણ કામ વગર ડિસ્ટર્બ નહીં કરું. ઓળખાણ થઈ છે તો હવે સંબંધ પણ રાખજો. " છૂટા પડતી વખતે જીતુ બોલ્યો.

" ચોક્કસ ફોન કરીશ. " કેતન બોલ્યો.

જીતુ અને શિલ્પા કેતનનો ફરી આભાર માનીને છૂટાં પડ્યાં અને રીક્ષા કરી સ્વામિનારાયણ આશ્રમ જવા માટે નીકળી ગયાં. ટેક્સીઓ બિરલા રોડ ઉપરથી ઉપડતી હતી એટલે કેતને બિરલા રોડ ટેક્સી સ્ટેન્ડ જવા માટે રીક્ષા કરી લીધી.

સાંજે સાડા સાત વાગે ઋષિકેશ પહોંચીને કેતન ત્યાંની ખૂબ જ જાણીતી ટોપીવાલા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો. જમ્યા પછી ન્યૂ કાલીકમલી ધર્મશાળા પહોંચી ગયો અને એક રૂમ લઈ લીધો.

હજુ તો રાતના નવ વાગ્યા હતા. આટલી જલદી ઊંઘ આવે એમ ન હતી એટલે એણે મુંબઈ સિદ્ધાર્થભાઈ ને ફોન કર્યો.

" ભાઈ કેતન બોલું. ઋષિકેશ આવ્યો છું. તમારું કેમનું ચાલે છે ? " કેતન બોલ્યો.

"બસ ધીરે ધીરે સેટ થઈ રહ્યો છું. તું પણ મુંબઈ આવી જાય તો વધારે સારું. થોડું એકલવાયુ જરૂર લાગે છે. પપ્પા દસ દિવસ રોકાયા હતા પરંતુ શિવાનીને કોલેજમાં અભ્યાસ બગડતો હતો એટલે પછી એમને જવું પડ્યું. નવો ફ્લેટ પારલામાં જોઈ રહ્યો છું. તું અહીં આવવાનું વિચારે તો મોટો ફ્લેટ લઈ લઉં અથવા બાજુ બાજુમાં બે ફ્લેટ લઈ લઉં. " સિદ્ધાર્થ બોલ્યો.

"જોઉં છું. હજુ કંઈ નક્કી નથી કર્યું. થોડા દિવસમાં મારો નિર્ણય જણાવીશ. જામનગરમાં અત્યારે તો માત્ર ટાઇમપાસ કરું છું. ભાભી મજામાં છે ને ? એમને મુંબઈ ફાવી ગયું કે નહીં ? " કેતને પૂછ્યું.

" અહીં ન ફાવવા જેવું તો કંઈ જ નથી. પારલા આપણા ગુજરાતીઓનો જ એરીયા છે. અમારી સોસાયટીમાં પણ ઘણા બધા ગુજરાતી પરિવારો છે. એ પરિવારને જરૂર મિસ કરે છે. " સિદ્ધાર્થ બોલ્યો.

" ભલે ભાઈ. હવે મમ્મી પપ્પા સાથે પણ થોડી વાત કરી લઉં. " કહીને કેતને ફોન કટ કર્યો અને મમ્મી પપ્પા સાથે પણ થોડી વાતો કરી લીધી.

જાનકી સાથે વાત કરવાની ઈચ્છા થઈ પણ પછી એ અટકી ગયો. એકવાર ગુરુજી સાથે મુલાકાત થઈ જાય અને આગળ શું કરવું, ક્યાં રહેવું એનું દિશાસૂચન મળે પછી જ જાનકી સાથે વાત કરવી વધારે સારી.

હરિદ્વારમાં બીજા દિવસે સવારે જીતેન્દ્ર અને શિલ્પા વહેલાં ઉઠી ગયાં. નાહી ધોઈ તૈયાર થઈ સવારે છ વાગે જ ગેટ ઉપરથી રીક્ષા કરીને હર કી પૌડી પહોંચી ગયાં અને કોઈને પૂછીને કુશાવર્ત ઘાટ ઉપર ગયાં. ઉપરવાસમાં વરસાદ થયો હતો એટલે ગંગાનો પ્રવાહ ખૂબ જ ધસમસતો હતો.

આટલી વહેલી સવારે પણ ત્રણ ચાર પરિવારો અસ્થિ પધરાવવા માટે ત્યાં આવેલાં હતાં. પંડા લોકો પણ ત્યાં યજમાનોને શોધતા ફરતા હતા.

" આઈએ જજમાન .. અસ્થિ વિસર્જન કે પહેલે આત્મા કી શાંતિકે લિયે પૂજા કરાઈએ." એક પંડા પાછળ પડ્યો હતો પરંતુ જીતુએ ગણકાર્યું નહીં.

કુશાવર્ત ઘાટ સુધી આવી ગયાં હતાં છતાં પણ કેતનભાઇના કહ્યા મુજબ રસ્તામાં ક્યાંય પણ રમેશનાં દર્શન થયાં ન હતાં. શિલ્પા થોડી નિરાશ હતી.

અસ્થિનું પેકેટ જીતુના હાથમાં જ હતું. એણે પ્લાસ્ટિકની દોરી ખોલી નાખી અને પેકેટ ખુલ્લું કર્યું.

એ પછી જીતુ અને શિલ્પા ગંગાના એકદમ કિનારે ગયાં. કિનારા ઉપર પગથીયાં હતાં અને પાણી છેક ઉપરના પગથીયા સુધી હતું. પાણીમાં એક પગથિયું નીચે ઉતરીને જીતુ અને શિલ્પાએ સાથે મળીને ગંગા નદીમાં પેકેટ ઠાલવી દીધું અને અસ્થિ વિસર્જન કરી દીધું.

અસ્થિ વિસર્જન કરીને બંનેએ ઊંચે નજર કરી તો થોડેક દૂર ગંગા નદીની સપાટી ઉપર રમેશનો હસતો ચહેરો દેખાયો. જાણે કે રમેશ ગંગા નદીમાં જ ઉભો હતો અને માત્ર ચહેરો પાણીની બહાર હતો ! બસ માત્ર બે કે ત્રણ સેકન્ડમાં ચહેરો અદ્રશ્ય થઈ ગયો. આ સત્ય હતું કે ભ્રમ હતો એ જ સમજાયું નહીં પરંતુ બંનેને રમેશનો ચહેરો દેખાયો હતો એટલે એ ભ્રમ તો નહોતો જ.

કેતનભાઇની વાત સાચી પડી. હવે બંનેને વિશ્વાસ આવી ગયો કે ખરેખર રમેશ મજામાં છે અને જે પણ વાત કેતનભાઇએ કરી એ બધી જ સાચી છે. હવે માતૃત્વ ચોક્કસ આવશે અને મારો ભાઈ ફરી પાછો જન્મ લેશે એ વિચારથી જ શિલ્પા રોમાંચિત થઈ ઉઠી !

કેતન વહેલી સવારે ચાર વાગે ઉઠી ગયો. ઋષિકેશની ભૂમિનું વાતાવરણ અને વાઇબ્રેશન્સ એવાં હતાં કે એની અંદરની ચેતના સક્રિય થઈ ગઈ હતી. એ હાથ મ્હોં ધોઈને ધ્યાનમાં બેસી ગયો. વાતાવરણમાં સારી એવી ઠંડક હતી.

ધ્યાનમાં એણે ગુરુજીને પ્રાર્થના કરી અને આજે કોઈ પણ સંજોગોમાં મુલાકાત આપવાની વારંવાર વિનંતી કરી. કેતનને ઊંડું ધ્યાન લાગી ગયું. દોઢ કલાક જેટલું લાંબુ ધ્યાન ચાલ્યું. કદાચ આ ભૂમિનો જ એ પ્રતાપ હતો !

ધ્યાનમાંથી જાગ્યો ત્યારે અદભુત શાંતિનો અનુભવ એને થયો. એ પછી એણે ગાયત્રીની પાંચ માળા કરી.

સાડા છ વાગી ગયા હતા. એણે બ્રશ વગેરે પતાવી નાહી લીધું. ગુરુજીની કુટિરમાં જવા માટે સવારનો સમય જ શ્રેષ્ઠ હતો. એ બહાર નીકળ્યો અને સહુથી પહેલાં એક નાનકડી હોટલની બહાર ઉભા રહી એણે ચા પી લીધી. ગરમ ગરમ ચા પીવાથી થોડી સ્ફૂર્તિ આવી ગઈ.

એ પછી એ ત્રિવેણી ઘાટ થઈને આગળ ને આગળ ચાલતો રહ્યો અને જ્યાં એણે પ્રથમ વાર ડૂબવાનો અનુભવ કર્યો હતો એ જગ્યાએ જઈને ઉભો રહ્યો. આ જગ્યા શહેરથી દૂર હતી અને અહીં કોઈ બીજા યાત્રાળુઓ પણ ન હતા. ગંગા નદીનો પ્રવાહ ધસમસતો હતો.

એણે ખોબામાં ગંગાજળ લઈને થોડુંક આચમન કર્યું અને થોડુંક પોતાના શરીર ઉપર છાંટ્યું. એ પછી એણે પોતાના સ્પિરિચ્યુઅલ ગાઈડ સ્વામી અખિલેશજીને યાદ કર્યા. સતત પ્રાર્થના કરી એટલે એની સામે આવીને અખિલેશ સ્વામી ઉભા રહ્યા.

એણે જોયું કે અખિલેશ સ્વામી એની સામે સ્થૂળ સ્વરૂપમાં ઊભા હતા છતાં એ સ્વરૂપ સંપૂર્ણપણે સ્થૂળ ન હતું. ભગવાં વસ્ત્ર ધારણ કરેલું એ શરીર થોડુંક પારદર્શક હતું. અખિલેશ સ્વામી ઊભા હોય એવો આભાસ જરૂર થતો હતો પણ એમને સ્પર્શ કરી શકાય એ રીતનું શરીર ન હતું.

" નમો નારાયણ" કહીને કેતને બે હાથ જોડી વંદન કર્યાં એટલે અખિલેશ સ્વામી કંઈ પણ બોલ્યા વગર આગળ જંગલ તરફ ચાલવા લાગ્યા. કેતન પણ એમની પાછળ ને પાછળ ચાલતો રહ્યો. જંગલની કેડીએ એકાદ કિલોમીટર ચાલ્યા પછી ચેતન સ્વામીની કુટિર દેખાઈ. કુટિર જોઈને કેતન રોમાંચિત થઈ ઉઠ્યો.

કેતન જેવો કુટિરની નજીક પહોંચ્યો કે અખિલેશ સ્વામી અદ્રશ્ય થઈ ગયા. કેતને પોતાનાં ચપ્પલ બહાર ઉતાર્યાં અને કુટિરમાં પ્રવેશ કર્યો. કુટિર ખાલી હતી છતાં સામે સ્વામીજીની કલ્પના કરીને કેતને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. એ પછી ત્યાં પાથરેલા એક આસન ઉપર એ બેઠો. આંખો બંધ કરીને એણે ચેતન સ્વામીને દર્શન આપવા માટે દિલથી પ્રાર્થના કરી.

લગભગ દસેક મિનિટ પછી ચેતન સ્વામી કેતનની સામે પ્રગટ થયા. કેતન એમને ફરી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા માટે ઉભો થવા જતો હતો ત્યાં સ્વામીજીએ એને બેસી રહેવાનો ઈશારો કરીને રોકી લીધો. સ્વામીજી કેતનની સામેના એમના આસન ઉપર બેસી ગયા.

" નમસ્કાર સ્વામીજી. ખૂબ જ આશાથી આજે આપની પાસે આવ્યો છું. અત્યારે એક નિરાશાના સમયમાંથી પસાર થઈ રહ્યો છું. અઢી મહિનાથી જામનગર આવી ગયો છું પરંતુ કોઈ દિશા મને સૂઝતી નથી. કોઈ ધંધામાં મન લાગતું નથી. માયાવી અવસ્થામા હતો ત્યારે હોસ્પિટલ અને બીજી સેવાઓની જે પ્રવૃત્તિઓ મેં કરી હતી તે કોઈ પ્રવૃત્તિ ફરી કરવાની ઈચ્છા પણ નથી." કેતન બોલતો હતો.

"હું મારી સાથે જયેશ અને મનસુખ માલવિયાને પણ જામનગર લઈ આવ્યો છું. મનસુખભાઈને તો મારા ડ્રાઇવર તરીકે સેટ કરી દીધા છે પરંતુ જયેશ ઝવેરી બિચારો સાવ નવરો બેઠો છે. મોટાભાઈ મુંબઈમાં સેટ થઈ ગયા છે. પાછલા જન્મનાં પાપોનું પ્રાયશ્ચિત તો આપે કરાવી દીધું છે છતાં પણ જામનગરના મોહમાં મેં પરિવારને છોડી દીધો છે. ગુરુજી મને માર્ગદર્શન આપો. મારે શું કરવું જોઈએ ? મારા મનમાં અનેક પ્રશ્નો છે પરંતુ આપ તો સર્વજ્ઞ છો ! " કેતને પોતાની વાત પૂરી કરી.

" સૌથી પહેલી વાત તો એ છે કે જામનગર આવવાનો નિર્ણય તારો પોતાનો હતો. મેં તને જામનગર જવાનો કોઈ આદેશ આપ્યો ન હતો. તારા પૂર્વજન્મના પાપનું પ્રાયશ્ચિત કરાવી દીધા પછી મેં તને મુક્ત કરી દીધો હતો. તું ફેમીલીની સાથે રહી શકતો હતો." સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી. માયાવી જગતમાં દોઢ વર્ષનો સમય પસાર કર્યા પછી મને જામનગરનું ખૂબ જ આકર્ષણ થયું હતું. એ દોઢ વર્ષમાં મને જામનગરની એટલી બધી માયા બંધાઈ ગઈ હતી કે જામનગર સિવાય હું બીજું કંઈ પણ વિચારી શકતો ન હતો. માયાવી અવસ્થામાંથી બહાર આવ્યા પછી મારા દિલોદિમાગ ઉપર જામનગર છવાઈ ગયું હતું. મને હવે એમ લાગે છે કે લાગણીઓના આવેશમાં આ નિર્ણય મારાથી લેવાઈ ગયો ! " કેતન બોલ્યો.

" મારા અને તારા પૂર્વ જન્મના ગુરુ સ્વામી અભેદાનંદજીએ જામનગરની પસંદગી એટલા માટે કરી હતી કે તું પૂર્વજન્મમાં જમનાદાસ હતો અને એ જમનાદાસ સાથે સંકળાયેલાં પાત્રો આ જન્મમાં જામનગર અને રાજકોટમાં રહેતાં હતાં. "સ્વામીજી બોલતા હતા.

" ગયા જન્મમાં સાવંત નામના એક ગુંડા પાસે તેં એટલે કે જમનાદાસે એક નિર્દોષ માણસ હરીશની હત્યા કરાવેલી. સાવંતનો જન્મ જામનગરમાં રાકેશ વાઘેલા તરીકે થયેલો હતો અને પૂર્વજન્મમાં જેની હત્યા થઈ એ હરીશનો નવો જન્મ ફઝલુ તરીકે રાજકોટમાં થયો હતો. હવે ફઝલુ આ જન્મમાં રાકેશ વાઘેલાની હત્યા કરીને બદલો લે એ માટે તારું નિમિત્ત બનવું જરૂરી હતું ! એટલે તારા સૂક્ષ્મ શરીરને ગુરુજીએ જામનગરમાં લાવીને ઘટનાઓનું સર્જન કર્યું ! પરંતુ હવે તારે ફરી જામનગર આવવાની કોઈ જરૂર જ ન હતી. " સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી. " કેતન બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)


Rate & Review

Priti Patel

Priti Patel 11 hours ago

Pravin shah

Pravin shah 1 month ago

Jaysukh Savaliya

Jaysukh Savaliya 1 month ago

Hemanshu Shah

Hemanshu Shah 2 months ago

Viral

Viral 3 months ago