Prarambh - 31 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 31

પ્રારંભ પ્રકરણ 31

"મને બધી જ ખબર છે. હું તમને કેન્સરના રોગથી સંપૂર્ણ મુક્ત કરવા આવ્યો છું. નવી જિંદગી આપવા માટે આવ્યો છું. અને આ કોઈ મજાક નથી ! ૩૦ દિવસમાં તમારું પેનક્રિયાસ અને લીવર એકદમ નોર્મલ હશે ! " કેતન આત્મવિશ્વાસથી બોલ્યો.

નેહા તો એની સામે બસ જોઈ જ રહી !!! કેતનભાઈ આ શું કહી રહ્યા હતા ?

" મને તમારી વાત સમજાતી નથી કેતનભાઇ. ડોક્ટરોએ પણ જ્યારે આશા છોડી દીધી છે ત્યારે તમે ૩૦ દિવસમાં કેન્સર સંપૂર્ણ મટાડી દેવાની વાત કરી રહ્યા છો. અમે આયુર્વેદ દવા પણ કરી ચૂક્યાં છીએ. કોઈ ફરક નથી પડતો. " નેહા બોલી.

"તમે બસ જોયા કરો. હું કોઈ દવા આપવાનો નથી. તમારે સાજા થવું છે ને ? તો મારી વાત ધ્યાનથી સાંભળો. પાછલા જન્મના કોઈ મોટા પાપકર્મનું ફળ ભોગવવા માટે તમને કેન્સર થયું છે. તમારા એ પાપ કર્મના પરિણામને આપણે એક જુદી દિશા આપવાની છે અને બીજે ડાયવર્ટ કરવાનું છે. યોગની દિવ્ય શક્તિથી આ બધું જ શક્ય છે." કેતન બોલ્યો.

"પાપકર્મનું ફળ તો તમારે ભોગવવું જ પડશે પરંતુ કેન્સરના બદલે બીજા કોઈ સ્વરૂપે ! ઈશ્વર કૃપાથી કેટલીક શક્તિ મને વરદાન રૂપે મળેલી છે. તમારે હું કહું એ પ્રમાણે મનમાં એક સંકલ્પ લેવાનો છે અને કેન્સરના બદલે બીજી સજા ભોગવવાની છે. તમે એ માટે તૈયાર છો ? "કેતન બોલ્યો.

નેહાને કેતનની વાતો સમજાતી ન હતી. કર્મોની થિયરી તો એ જાણતી જ હતી પરંતુ કર્મફળને નવી દિશા આપવાની કે ડાયવર્ટ કરવાની કેતનની વાત અચરજ ભરેલી હતી. આવું તો કઈ રીતે શક્ય બને ? છતાં કેન્સરની ભયંકર પીડાથી અને ઉલટીઓથી એ ખૂબ જ હેરાન થઈ રહી હતી. જો કેન્સર મટી શકતું હોય અને જિંદગી બચી જતી હોય તો બીજી કોઈપણ સજા સ્વીકારી લેવામાં કોઈ જ વાંધો નથી.

" હા મારી તૈયારી છે. " નેહા બોલી.

કેતન બે મિનિટ માટે ધ્યાનમાં ઊંડો ઉતરી ગયો. એ પછી એણે આંખો ખોલી અને નેહાની સામે જોઈને બોલ્યો.

" જુઓ. તંદુરસ્તી મેળવ્યા પછી તમારે તમારી જિંદગી શ્રીકૃષ્ણને સમર્પિત કરવાની છે અને માનસિક રીતે સતત *શ્રીકૃષ્ણ શરણમ્ મમ* ના જાપ કરવાના છે. દરેક એકાદશી કરવાની છે. આજીવન સાત્વિક ભોજન જમવાનું છે. તમારે લગ્ન કરવાનાં નથી. સંસારનાં કોઈ ભૌતિક સુખો ભોગવવાનાં નથી. ગીતા ભાગવત જેવા આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન કરવાનું છે અને રોજ ગાયત્રી મંત્રની ૧૧ માળા પણ કરવાની છે. ગાયત્રી મંત્રથી તમારા પાપો ધીમે ધીમે બળી જશે." કેતન બોલ્યો.

"મને મંજૂર છે. તમે કહેલી તમામ સૂચનાઓ પાળવામાં મને કોઈ જ વાંધો નથી. આ સજા નથી. આ તો ઈશ્વરની સંપૂર્ણ શરણાગતિ છે." નેહા ઉત્સાહથી બોલી.

" અત્યારે વચન આપવું સહેલું લાગે છે પરંતુ જીવનનો માર્ગ ઘણો લાંબો છે. યુવાનીમાં ઘણાં પ્રલોભનો પણ આવશે. તમે આપેલા વચનમાંથી જરા પણ ચલિત થઈ જશો તો ફરીથી કેન્સરનો હુમલો થઈ શકે છે. " કેતન બોલ્યો

"હું તમને વચન આપું છું કે જીવનના અંત સુધી હું નિયમો પાળીશ અને સાત્વિક જીવન જીવીશ. આજથી શ્રીકૃષ્ણ જ મારા માટે ઇષ્ટદેવ છે." નેહા બોલી.

" ઠીક છે હવે તમે પલાંઠી વાળીને ટટ્ટાર બેસી જાઓ. બંને હાથ ખોળામાં રાખો. આંખો બંધ કરો અને હું જેમ બોલું તેમ માનસિક રીતે કલ્પના કરતાં જાઓ. " કેતન બોલ્યો.

નેહામાં કોઈ શક્તિ આવી ગઈ હોય એ રીતે એ તરત બેઠી થઈ ગઈ અને ટટ્ટાર બેસી ગઈ. આંખો પણ બંધ કરી દીધી.

"ત્રણ ઊંડા શ્વાસ લો અને હું જે બોલું તે તમે જાતે ફીલ કરો.... અનુભવ કરો.... તમે મનમાં કલ્પના કરો કે મારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો સંચાર થઈ રહ્યો છે...(એ પછી કેતન બે મિનિટ મૌન).. હવે વિચારો કે મારા પેનક્રિયાસ અને લીવરના તમામ કોષો નવપલ્લવિત થઈ રહ્યા છે.... નવા બની રહ્યા છે...(મૌન)... કલ્પના કરો કે આકાશમાંથી એક બ્લુ રંગનો દિવ્ય પ્રકાશ મારા તરફ આવી રહ્યો છે..... મારી આજુબાજુ પણ બ્લુ રંગ છવાઈ ગયો છે.....(બે મિનીટ મૌન)... કલ્પના કરો કે આ બ્લુ પ્રકાશ મારા શરીરમાં પ્રવેશી રહ્યો છે. ....હવે વિચારો કે બ્લુ રંગનો પ્રકાશ મારા પેનક્રિયાસ અને લીવરના તમામ કોષોને એકદમ તંદુરસ્ત બનાવી રહ્યો છે....(મૌન)... પેનક્રિયાસ અને લીવર પણ બ્લુ રંગના બની ગયા છે.... હવે વિચારો કે મારું પેનક્રિયાસ અને લીવર એકદમ નોર્મલ થઈ ગયું છે.....(મૌન).. અદભુત તંદુરસ્તી અને શાંતિનો અનુભવ હું કરી રહી છું..... હવે ધીમે ધીમે આંખો ખોલો.

કેતને પોતે ધ્યાનમાં બેસીને નેહાને ધીમે ધીમે અને ધીમા અવાજે આ સૂચનાઓ આપી અને પોતે પણ એને હીલિંગ આપતો રહ્યો. કોઈ પણ રોગમાંથી સાજા થવાની શક્તિ બ્લુ રંગમાં છે !

"તમારે સવારે અને સાંજે બે ટાઈમ ૩૦ દિવસ સુધી આ રીતનું ધ્યાન રોજ કરવાનું છે અને જાતે બંને અવયવોનું હીલિંગ કરવાનું છે. બાકીનું બધું હું સંભાળી લઈશ. તમે ૧૧૦ ટકા નોર્મલ થઈ જશો." કેતન બોલ્યો.

" મને અત્યારે પણ ઘણું સારું લાગે છે અને તમે જ્યારે બોલતા હતા ત્યારે મને અંદર પણ કંઈ ને કંઈ ફેરફારો અનુભવાતા હતા. " નેહા બોલી.

"હા કારણકે ધ્યાનમાં હું તમારા સબકોન્સીઅસ માઈન્ડને પકડીને સૂચનાઓ આપતો હતો એટલે એની અસર થયા વગર રહે જ નહીં ! હવે તમને ઉલટીઓ નહીં થાય અને દિવસે દિવસે સુધારો અનુભવશો. ૩૦ દિવસ પછી તમે એકદમ નોર્મલ થઈ જશો."

"તમે આ બધું ક્યાંથી શીખ્યા ? અને તમારી આ શક્તિઓ વિશે જાનકી જાણે છે ? " નેહાએ પૂછ્યું. હવે એનો અવાજ પણ થોડોક નોર્મલ થતો જતો હતો.

" હજુ લગ્ન થયાં નથી એટલે જાનકી કેવી રીતે જાણે ? અને હું મારી આ શક્તિઓનો કોઈ પ્રયોગ કરતો નથી. મારા ગુરુજી મને જ્યાં મોકલે ત્યાં જાઉં છું. મારામાં આવી કોઈ શક્તિઓ છે એની મને પણ ખબર નથી. મારા મિત્ર રવિ ભાટીયાએ તમારી માંદગીની વાત કરી એટલે અંદરથી જ આદેશ આવ્યો કે મારે તમને આ રોગમાંથી મુક્ત કરવાં." કેતન બોલ્યો.

" હું ખરેખર નસીબદાર છું કે તમે મને મળ્યા. જીવનભર હું તમારી ઋણી રહીશ. હું તંદુરસ્ત થઈ જાઉં પછી મારે લાયક ક્યારેય પણ કોઈ કામ હોય તો મને ફોન કરજો. મારો મોબાઇલ નંબર સેવ કરી લો." કહીને નેહાએ પોતાનો મોબાઈલ નંબર કેતનને લખાવ્યો. કેતને પણ નેહાનો મોબાઇલ નંબર લઇ લીધો.

" બસ હવે હું રજા લઉં. સાંજના પાંચ વાગી ગયા છે. ગઈકાલે રાત્રે જ મુંબઈ આવ્યો છું અને મોટાભાઈના ઘરે પાર્લા ઉતર્યો છું. " કેતન બોલ્યો.

"અરે એમ તે કંઈ જવાય ? ચા કે ઠંડુ જે ફાવે તે મળી જશે. નાળિયેર પાણી પીવું હોય તો નાળિયેર પણ ઘરમાં જ છે. " નેહા બોલી.

"તમારાં મમ્મી ચાલી પણ શકતાં નથી. એમને ક્યાં તકલીફ આપવી ? " કેતન બોલ્યો.

"એની તમે ચિંતા નહીં કરો. મારા પપ્પા હજુ એક્ટિવ છે. મારા માટે એક બાઈ પણ રાખી છે પણ એ હવે સાંજે છ વાગે આવશે. સવારે આઠથી બપોરના બે સુધી એ અહીં જ હોય છે હવે સાંજે છ થી રાતના દસ સુધી રોકાશે. બે ટાઈમ રસોઈ પણ એ જ કરે છે. " નેહા બોલી.

" બસ તો પછી ખાલી નાળિયેર પાણી આપી દો. પપ્પાને વધારે તકલીફ નથી આપવી." કેતન બોલ્યો.

"અને મારી એક રિક્વેસ્ટ છે. તમે મારા માટે ભગવાન બનીને આવ્યા છો. તમે મને તમે તમે ના કહેશો પ્લીઝ. નેહા કહીને જ બોલાવો." નેહા બોલી અને એણે પોતાની બાજુમાં રાખેલો બેલ દબાવ્યો.

થોડીવારમાં જ નેહાના પપ્પા રૂમની અંદર આવ્યા.

"પપ્પા આ મારા કોલેજના મિત્ર છે કેતનભાઈ સાવલિયા. એ ઘણી બધી શક્તિઓ ધરાવે છે. મારું કેન્સર ૩૦ દિવસમાં મટી જશે. આજે પણ મને એમણે હીલિંગ આપ્યું છે. જુઓ મારા અવાજમાં પણ ફરક પડી ગયો ને ? અને હું અત્યારે બેસીને વાત કરું છું. " નેહા ઉત્સાહથી બોલી.

નેહાના પપ્પા આશ્ચર્યથી નેહા સામે જોઈ રહ્યા હતા. સાવ માંદલી બીમાર નેહા ભૂખ અને બીમારીના કારણે હજુ ગઈકાલ સુધી સરખો અવાજ પણ કાઢી શકતી ન હતી એના બદલે અત્યારે વ્યવસ્થિત વાત કરતી હતી. અને અત્યારે તો પાછી આરામથી બેઠી હતી !! એમના માટે તો આ એક ચમત્કાર જ હતો.

"કેતનભાઇ કયા શબ્દોમાં તમારો આભાર માનું એ જ મને તો સમજાતું નથી. મારી દીકરીની હાલત મારાથી જોવાતી ન હતી. અત્યારે એને જોઈને મને પોતાને આશ્ચર્ય થઈ રહ્યું છે ! " વડીલ બોલ્યા.

"ઈશ્વરની કૃપા છે વડીલ. હું તો માત્ર નિમિત્ત બન્યો છું. હવે નેહા એક મહિનામાં એકદમ નોર્મલ થઇ જશે. અઠવાડિયા પછી તો જમવાનું પણ ચાલુ થઈ જશે. " કેતન બોલ્યો.

"પપ્પા એ હવે જઈ રહ્યા છે તો એમના માટે નાળિયેર પાણી જરા લાવી દેશો ? " નેહા બોલી.

" હા હા ચોક્કસ. હું તો કહું છું કે તમે જમીને જાઓ. હમણાં બાઈ આવશે એટલે ફટાફટ રસોઈ બનાવી દેશે. " અંકલ બોલ્યા.

"ના અંકલ. ભાભી અત્યારે મારા માટે કંઈક સ્પેશિયલ બનાવતાં જ હશે. હું બે ત્રણ દિવસ માટે જ મુંબઈ આવ્યો છું. " કેતન બોલ્યો.

"ઠીક છે. હું નાળિયેર પાણી લઈ આવું. " કહીને અંકલ બહાર ગયા અને ત્રણ-ચાર મિનિટમાં એક ગ્લાસમાં નાળિયેર પાણી લઈને આવ્યા.

નાળિયેર પાણી પીને કેતન તરત બહાર નીકળી ગયો. નીચે જઈને એણે જોયું તો આ કોમ્પ્લેક્સમાં એક પણ રીક્ષા ન હતી. લગભગ બધા ગાડીઓ વાળા જ હતા એટલે સોસાયટીની અંદર રીક્ષાઓ ખાસ ઉભી રહેતી ન હતી.

સારું એવું ચાલ્યા પછી એક રીક્ષા એને સામે મળી. રીક્ષાવાળાને એણે કાંદીવલી સ્ટેશન લઈ જવાનું કહ્યું.

સ્ટેશને પહોંચીને એણે ટિકિટ વિન્ડો ઉપરથી પાર્લાની ટિકિટ લીધી અને ચર્ચગેટ જતી ધીમી લોકલ પકડી.

પાર્લા સ્ટેશને ઉતરીને એણે નહેરુ રોડ તરફ ચાલવા માંડ્યું. હજુ તો ૬ વાગ્યા હતા. અત્યારથી ઘરે જઈને કોઈ મતલબ ન હતો. સિદ્ધાર્થભાઈને આવવાની વાર હતી. એ ચાલતો ચાલતો નહેરુ રોડ ઉપર શિવસાગર રેસ્ટોરન્ટ સુધી આવ્યો. અડધો કલાક અહીં જ પસાર કરવાનું એણે નક્કી કર્યું.

અહીં આવ્યા પછી કંઈક તો ઓર્ડર આપવો જ પડે એટલે એણે ઓરેન્જ જ્યુસ અને એક બ્રેડ બટરનો ઓર્ડર આપ્યો.

વેઈટર ઓર્ડર સર્વ કરવા આવ્યો ત્યાં સુધીમાં ૧૦ મિનિટ તો પસાર થઈ ગઈ હતી. એ પછી બ્રેડ બટર અને જ્યૂસને ન્યાય આપવામાં કેતને બીજી ૨૦ મિનિટ લીધી. ચાલો અડધો કલાક તો પસાર થઈ ગયો !

અચાનક કેતને જોયું કે એનાથી ત્રીજા ટેબલ ઉપર એક યુગલ બેઠું હતું અને એમની સામે એક ગુંડા મવાલી જેવો પહેલવાન બેઠો હતો. ગુંડો પેલા પતિ પત્ની સાથે ખૂબ જ ખરાબ રીતે વાતચીત કરતો હતો અને વચ્ચે વચ્ચે ગાળ પણ બોલતો હતો !

ગુંડો કદાચ આ એરિયાનો જ કોઈ માથાભારે માણસ હતો કારણ કે રિસેપ્શન ઉપર બેઠેલો અન્ના પણ એને કંઈ કહી શકતો ન હતો. નાસ્તો કરવા બેઠેલા લોકો પણ એની ઉપર ધ્યાન આપતા ન હતા ! એ હિન્દીભાષી હતો અને બમ્બૈયા હિન્દીમાં વાત કરતો હતો.

દંપત્તિ બિચારું ડરી ગયેલું હતું અને પત્ની પેલાને વારંવાર હાથ જોડતી હતી. માથાભારે માણસ સાથે પૈસાનો કોઈ વ્યવહાર થયો હશે એવું લાગતું હતું.

કેતન ઉભો થયો. જિંદગીમાં કોઈને સુખ વહેંચવું અને ભય દૂર કરવો એના જેવું પુણ્યનું બીજું કોઈ કર્મ નથી ! કેતન ગુંડાની બાજુમાં જઈને બેસી ગયો.

" શું મેટર છે ? કેટલા પૈસાનો મામલો છે ? " કેતને ધીમેથી યુગલને પૂછ્યું.

"ત્રણ લાખનો મામલો છે ભાઈ. મારો સાળો બહુ તકલીફમાં આવી ગયો હતો એટલે ૧૦% ના વ્યાજે આ ભાઈ પાસેથી દોઢ વર્ષ પહેલાં લીધા હતા. મારી હનુમાન રોડ ઉપર મોબાઇલની દુકાન છે. એ પણ એને લખી આપી છે. એક વર્ષનો ટાઈમ લીધો હતો અને દોઢ વર્ષ થઈ ગયું. રેગ્યુલર વ્યાજ આપું છું પણ મૂડી આપી શકતો નથી એટલે દુકાન પડાવી લેવાની વાત કરે છે. માત્ર સાત દિવસનો ટાઈમ મને આપે છે. " પેલા ભાઈ બોલ્યા.

" તમે કચ્છી લાગો છો . આ કોણ છે ? " કેતને પૂછ્યું.

" આ અમારા એરિયાનો બુટલેગર છે અને ઊંચા વ્યાજે પૈસા ધીરવાનું કામ કરે છે. ખૂબ જ માથા ભારે છે. ત્રણ વાર જેલમાં જઈ આવ્યો છે." પેલા કચ્છી ભાઈ ધીમેથી બોલ્યા.

હવે કેતને પેલા માથાભારે માણસની સામે જોયું. મનમાં ત્રણ વાર * ૐ નમઃ શિવાય* મંત્ર બોલ્યો. કેતનની સામેના વ્યક્તિને વશ કરવાની સિદ્ધિ જાગૃત થઈ ગઈ ! એની નજર સામે નજર મિલાવી. પેલો ગુંડો અચાનક ગરીબ ગાય જેવો થઈ ગયો.

" આજ કલ બહોત દાદાગીરી કરને લગા હૈ તુ ? તુ જાનતા હૈ મુઝે ?" કેતન સહેજ કરડાકીથી ઊંચા અવાજે બોલ્યો.

" સોરી સા'બ. ગલતી હો ગઈ. મુઝે જાને દો. અબ મૈં દુબારા ઈન લોગોં કો પરેશાન નહીં કરુંગા." કેતનને જોઈને ઢીલો પડી ગયેલો ગુંડો બે હાથ જોડીને બોલ્યો.

"રામચરણ નામ હૈ તેરા ઓર કામ ઐસા કરતા હૈ ? તુઝે રેગ્યુલર બ્યાજ મિલતા હૈ ના ? અગર ફિર સે ઇન લોગોં કો કોઈ ધમકી દી તો તેરા પૂરા અડ્ડા બંધ કરવા દુંગા. " કેતનથી બોલાઈ ગયું.

પેલો ગુંડો પોતાનું નામ સાંભળીને ખરેખર ચમક્યો. એને લાગ્યું કે આ સાહેબ એને વ્યક્તિગત રીતે ઓળખે છે. એ ગભરાઈ ગયો. આ કોઈ નવા મોટા સાહેબ આવ્યા લાગે છે !

"જી સા'બ... મૈં ઇન લોગોંકો લંબા ટાઈમ દે દેતા હું ઔર બ્યાજ ભી કમ કર દેતા હું.... કિરણભાઈ અબ આપ મુજે હર મહિને ૨૦૦૦૦ પહુંચા દેના. તુમ્હારે પાસ જબ ભી ૩ લાખ આ જાયે મુજે લૌટા દેના. તુમ્હારી દુકાન કે પેપર ભી કલ તુમકો વાપસ ભેજતા હું. " રામચરણ કિરણની સામે જોઈને બોલ્યો અને ઉભો થઈ ગયો.

"મૈં ક્રાઈમ બ્રાન્ચ મેં હું. મેરી નજર સબ કે ઉપર હોતી હૈ. યાદ રખના. " કેતન મોટેથી બોલ્યો.

"જી સા'બ " રામચરણ સલામ કરીને બોલ્યો અને ઝડપથી બહાર નીકળી ગયો.

શિવસાગર હોટલમાં બેઠેલા તમામ ગ્રાહકો જમવાનું છોડી કેતનની સામે જ જોઈ રહ્યા હતા. બધા જ કેતનથી અંજાઈ ગયા હતા ! કેતન અત્યારે શિવસાગર હોટલનો હીરો બની ગયો હતો !!

શિવસાગરનો રિસેપ્શનીસ્ટ અન્ના પણ ઉભો થઈને કેતન પાસે આવ્યો અને સલામ કરી.

" બહોત બઢિયા કામ કીયા સર આપને ! કોઈ ઉસકા નામ નહીં લે સકતા. હમેં ભી હફતા દેના પડતા હૈ." અન્ના બોલ્યો.

અન્ના પણ કેતનને પોલીસ ઇન્સ્પેક્ટર જ સમજી બેઠો હતો. પરંતુ કેતને પોતે ક્રાઈમ બ્રાન્ચમાં છે એવું જે કહ્યું એ સાંભળ્યા પછી તો એને પાક્કો વિશ્વાસ આવ્યો. કેતનની એક આગવી પર્સનાલિટી હતી અને શરીર પણ કસરતી હતું.

"સર ઓર કુછ ભેજું ખાને કે લિયે ?" અન્ના બોલ્યો.

" નો થેન્ક્સ. બ્રેડબટર ખા લીયા હૈ. અબ ઘર હી જા રહા હું. " કેતન બોલ્યો.

"તમે તો સાહેબ મારી જિંદગી બચાવી લીધી. ફરીસ્તાની જેમ અચાનક મારા ટેબલ ઉપર આવી ગયા. જો અમારી દુકાન જાત તો અમે રોડ ઉપર આવી જાત. પછી આત્મહત્યા કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો ! " કિરણ ડેડીયા બે હાથ જોડીને બોલ્યો.

"હું તો ભાઈ નિમિત્ત છું. તમારાં નસીબ સારાં હશે એટલે અત્યારે અહીંથી નીકળ્યો અને તમારું કામ થઈ ગયું. " કેતન બોલ્યો.

" સાહેબ ભગવાન તમને ૧૦૦ વર્ષના કરે. તમે અમને બચાવી લીધાં. આટલા મોટા માથાભારે માણસને તમે એક મિનિટમાં જ ગરીબ ગાય જેવો કરી દીધો. " કિરણની પત્ની બોલી.

" મારો નંબર તમે સેવ કરી લો. ત્રણ લાખની વ્યવસ્થા ક્યાંકથી કરીને આના ચક્કરમાંથી છૂટી જાઓ. જો બીજે ક્યાંકથી વ્યવસ્થા ન થાય તો પછી મને ફોન કરી દેજો. હું તમને અપાવી દઈશ." કેતન બોલ્યો અને પોતાનો નંબર લખાવ્યો.

કહીને કેતન ઉભો થઈ ગયો અને ખિસ્સામાંથી વોલેટ કાઢી સીધો અન્ના પાસે બિલ ચૂકવવા ગયો.

"એક બ્રેડબટર ઔર એક ઓરેન્જ જ્યુસ. કિતના બિલ હુઆ ? " કેતન બોલ્યો.

" અરે સર ક્યું શર્મિંદા કરતે હો ? આપ જૈસે અચ્છે ઑફિસર હમારી હોટલમેં આતે હૈ તો હમારી શાન બઢતી હૈ . " અન્ના બોલ્યો.

હજુ બધા જ ગ્રાહકોની નજર કેતન તરફ જ હતી. કેતન કંઈ બોલ્યો નહીં. એ " થેન્ક્સ " કહીને બહાર નીકળી ગયો.

પરંતુ જેવો પેલો ગુંડો ઊભો થઈને બહાર નીકળી ગયો એ જ વખતે હોટલમાં બેઠેલી ૨૬ ૨૭ વર્ષની એક ખુબસુરત યુવતી પણ ફટાફટ બિલ ચૂકવીને બહાર નીકળી હતી અને સિગરેટ સળગાવીને પોતાની બીએમડબલ્યુ ગાડી પાસે ઉભી રહીને કેતનના બહાર નીકળવાની રાહ જોઈ રહી હતી !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)