Prarambh - 33 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 33

પ્રારંભ પ્રકરણ 33

કેતને કોઈ આનાકાની કરી નહીં અને રુચિએ લંબાવેલા હાથ સાથે પોતાનો હાથ મિલાવી ફ્રેન્ડશીપનો સ્વીકાર કર્યો. રુચિ એને સ્ટ્રેઇટફોરવર્ડ પ્રમાણિક અને પ્રોફેશનલ છોકરી લાગી. એનાથી ડરવાનું બીજું કોઈ કારણ ન હતું.

"તમારી વાત સાચી છે. તમારી ઓફર પણ સારી છે પરંતુ મને વિચારવા માટે સમય જોઈશે. મારે એ જગ્યા ઉપર એક રાઉન્ડ પણ લગાવવો પડશે. મને વધુમાં વધુ એક બે મહિનાનો ટાઈમ પણ જોઈશે. એ પછી જ હું કામ શરૂ કરી શકીશ. હું અત્યારે જામનગર છું અને ત્યાં મારી પ્રવૃત્તિ છોડીને પછી જ હું અહીં મુંબઈ આવીને તમારું કામ હાથમાં લઈ શકું. " કેતને પોતાના તરફથી સ્પષ્ટતા કરી.

" મને ટાઈમ આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી. આમ પણ દોઢ વર્ષથી અમે લોકો હેરાન થઈ જ રહ્યાં છીએ. ભલે બે મહિના પછી તમે શરૂ કરો પરંતુ તમારું પ્રોમિસ મને જોઈએ છે. તમે પ્રોમિસ કરો અને તમારી બેંક ડિટેલ્સ મને આપી દો. એટલે ટોકન તરીકે તમારા એકાઉન્ટમાં હું એક કરોડ ટ્રાન્સફર કરી દઈશ. જે મારા માટે તમારા વ્યક્તિગત ખર્ચા પેટે હશે. " રુચિ બોલી.

કેતને બે મિનિટ માટે પોતાના ગુરુજીનું ધ્યાન ધર્યું. ધ્યાનમાં કેતનને સીધા આલ્ફા લેવલમાં જવાની એવી તો આદત પડી ગઈ હતી કે એક જ મિનિટમાં એ અંદરથી જવાબ મેળવી લેતો હતો. એને અંદરથી પોઝિટિવ વાઇબ્રેશન્સ મળ્યાં અને ચેતન સ્વામી નો હસતો ચહેરો પણ દેખાયો એટલે એણે આંખો ખોલી નાખી.

" ઠીક છે તમારી ઓફર હું સ્વીકારી લઉં છું. મારી બેંક ડિટેઇલ્સ તમારા મોબાઇલમાં શેર કરી દઉં છું. મને તમારો નંબર આપો. " કેતન બોલ્યો.

" થેન્ક્યુ.... થેન્ક્યુ વેરી મચ. તમે મારું અડધું ટેન્શન ઓછું કરી દીધું. મને ખાતરી જ હતી કે તમે મારી ઓફર જરૂર સ્વીકારશો. " કહીને રુચિએ પોતાના મોબાઈલ નંબર કેતનને આપ્યો અને કેતને તે સેવ કરી દીધો. તરત જ બેંક ડીટેલ્સ પણ રુચિના વોટ્સએપ નંબર ઉપર ટ્રાન્સફર કરી દીધી.

" મને આવા ઝડપી નિર્ણયો લેનારા અને ચેલેન્જ સ્વીકારનારા પુરુષ બહુ ગમે. તમે કમિટેડ છો એટલે હું તમને ડિસ્ટર્બ નથી કરતી. પરંતુ તમારી ફ્રેન્ડશીપ મેળવીને હું મારી જાતને સુરક્ષિત માનું છું. મુંબઈમાં મારો કોઈ પુરુષ ફ્રેન્ડ નથી કે જે મારો ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ બની શકે ! " રુચિ લાગણીથી બોલી.

"અડધી રાત્રે પણ કોઈ પણ જાતનું કામ હોય તો તમે મને ફોન કરી શકો છો. બાય ધ વે હવે ફ્રેન્ડશીપ થઈ છે તો મારી ઓળખાણ પણ આપી દઉં. મારો પોતાનો સુરતમાં ડાયમંડનો મોટો બિઝનેસ હતો. રસ ન હોવાના કારણે છેલ્લા બે મહિનાથી એ ધંધો વાઈન્ડ અપ કર્યો છે અને અમે બંને ભાઈઓ એમાંથી નીકળી ગયા છીએ. ભાઈ દલાલ સ્ટ્રીટ માં સ્ટોક બ્રોકર તરીકે સેટ થઈ રહ્યા છે જ્યારે હું નવા ધંધાનું વિચારું છું. " કેતન પોતાનો પરિચય આપી રહ્યો હતો.

" આજે પણ મારી પાસે ૨૦૦ ૨૫૦ કરોડ જુદાં જુદાં બેંક ખાતાઓમાં છે. એ સિવાય કરોડોની પ્રોપર્ટી તો અલગ જ. પૈસા માટે થઈને તમારી પ્રપોઝલ હું સ્વીકારું છું એવું નથી પરંતુ ચેલેન્જ સ્વીકારવી મને ચોક્કસ ગમે છે." કેતન બોલ્યો.

રુચિ તો આ સાંભળીને અવાક થઈ ગઈ. આ તો કોઈ શ્રીમંત નબીરો છે છતાં જરા પણ અભિમાન નથી. જરા પણ આછકલાઈ નથી. એનામાં સાહસિકતા પણ ઘણી બધી છે ! પૈસા તો મારી પાસે પણ છે છતાં એની આગળ તો હું કંઈ જ નથી.

" વાઉ ! મને ખરેખર આ જાણીને આનંદ થયો. તમારા શબ્દો સાંભળીને એક આશ્વાસન પણ મળ્યું ! ભલે તમે બે મહિના પછી શરૂ કરજો. મને પૂરેપૂરી ખાતરી છે કે તમને સફળતા મળશે જ. બોલો, હવે આગળનો શું પ્રોગ્રામ છે ? " રુચિએ પૂછ્યું.

"હું વિચારું છું કે શુભશ્ય શિઘ્રમ ! અત્યારે મારી પાસે સમય છે તો એ જગ્યા ઉપર આંટો મારી આવું. તમે લેન્ડમાર્ક સાથે મને આખું એડ્રેસ સમજાવી દો. ભાઈની ગાડી લઈને જ આવ્યો છું. " કેતન બોલ્યો.

"તો પછી તમે એક કામ કરો. મારી ગાડીમાં જ બેસી જાઓ. પ્લોટ જોયા પછી આપણે અહીં જ પાછા આવી જઈશું. એ પછી તમે તમારી ગાડીમાં નીકળી જજો. " રુચિ બોલી.

" ચાલો એમ કરીએ. મને કોઈ વાંધો નથી. " કેતન બોલ્યો.

" હું જરા મમ્મીને જમાડી દઉં. મને અડધા કલાક જેટલો ટાઈમ આપો પ્લીઝ. ત્યાં સુધી કામવાળી બાઈ પણ આવી જશે. " રુચિ બોલી.

" યા યા સ્યોર ! " કેતન બોલ્યો અને રુચિ એની મમ્મીને લઈને ડાઇનિંગ હોલમાં ગઈ.

ગણતરી પ્રમાણે રુચિ અડધા કલાકમાં જ બહાર આવી. કામવાળી બાઈ પણ આવી ગઈ હતી.

એ ગાડીની ચાવી લઈને બહાર નીકળી અને કેતન પણ પાછળ પાછળ ગયો. બંગલાના કમ્પાઉન્ડમાંથી જ ગાડી એણે બહાર કાઢી. એ પછી કેતન બેઠો એટલે એણે એક્સપ્રેસ હાઈવે તરફ બીએમડબલ્યુ ભગાવી.

"મને તમારી એ ઝૂંપડપટ્ટીમાં જે માથાભારે તત્વો રહેતાં હોય અને જેમના કહેવાથી બાકીના લોકો મકાન ખાલી કરી શકે એમનાં નામ આપવાં પડશે. એમને કેમ હેન્ડલ કરવા એ હું પછી વિચારી લઈશ. દરેક ઝૂંપડપટ્ટીમાં ચાર પાંચ આવા માથાભારી માણસોને જ સાચવવાના હોય છે." ગાડી હાઇવે ઉપર આવી ગઈ પછી કેતન બોલ્યો.

"એ તો હું તમને કહેવાની જ હતી કારણ કે છ મહિનાથી હું આ બધું સંભાળી રહી છું. હું એમનાં નામ તમને વોટ્સએપ કરી દઈશ. દરેકનો પરિચય પણ આપીશ અને દરેકનો શું જવાબ છે એ પણ તમને લખીશ. કુલ છ માણસોને હેન્ડલ કરવા પડશે ! " રુચિ બોલી.

" બસ તો પછી મારે એ ચિંતા કરવાની પણ કોઈ જરૂર નથી. લીવ ઈટ ટુ મી " કેતન બોલ્યો.

ટ્રાફિકના કારણે લગભગ દોઢેક કલાક નો સમય લાગ્યો. કેતને બહાર ઊભા રહીને આખું લોકેશન સમજી લીધું. અને બહારથી સાઇટ પણ જોઈ લીધી. એ અત્યારે અંદર ગયો નહીં.

" જગ્યા ખરેખર બહુ જ મોકાની છે. ડેવલપિંગ એરિયા છે. પ્લોટ ખાલી થઈ જાય અને ટાઈટલ પણ ક્લિયર થઈ જાય પછી તો બીજા બિલ્ડરો પણ રસ લેશે. " કેતન બોલ્યો.

"ટાઈટલ ક્લિયર થઈ ગયા પછી આપણે બંને જ પાર્ટનરશીપમાં અહીં સ્કીમો મૂકીએ તો ? હાથ ઉપર પૈસા હોય તો આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટર રોકીને આપણે પણ બનાવી શકીએ છીએ. તો બધો જ નફો આપણને મળે. તમને મળ્યા પછી મારી હિંમત ખુલી ગઈ છે." રુચિ બોલી.

કેતન ખડખડાટ હસી પડ્યો અને ઉપર જોયું. ' વાહ ગુરુજી તમે મને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો ! મુંબઈમાં સેટ થવાની દિશા ખોલી રહ્યા છો કે શું ? '

"એકવાર પ્લોટ ખાલી થઈ જવા દો. ટાઈટલ પણ ક્લિયર થઈ જવા દો. એ પછી આપણે શાંતિથી વિચારીશું. " કેતન બોલ્યો.

" ઓકે. મને કોઈ ઉતાવળ નથી પરંતુ મારી પ્રપોઝલ મેં તમને આપી. તમે શાંતિથી વિચારજો. " રુચિ બોલી.

બપોરના ત્રણ વાગી ગયા હતા. રુચિ પોતાની ગાડીમાં બેઠી અને બાજુનો દરવાજો ખોલીને કેતન પણ ગોઠવાઈ ગયો. ગાડી ફરી હાઇવે તરફ લઈને ખાર તરફ વાળી.

" નવરાત્રી પૂરી થશે કે તરત જ મુંબઈ આવી જઈશ અને આસો મહિનામાં જ બધા સાથે મીટીંગ ચાલુ કરી દઈશ. વચ્ચે શ્રાદ્ધ પક્ષ આવે છે એટલે બે અઢી મહિના જવા દઈએ " કેતન બોલ્યો.

"એઝ યુ વિશ ! તમને આ બધું સોંપ્યા પછી મને હવે કોઈ ચિંતા નથી. હવે આ બધી જ જવાબદારી તમારી છે. આઈ એમ રિલેકસ્ડ !! " રુચિ બોલી.

" થેન્ક્સ. " કેતન બોલ્યો.

" બાય ધ વે એ નસીબદાર છોકરીનું નામ હું જાણી શકું જેની સાથે તમે કમીટેડ છો ? " રુચિ બોલી.

"યેસ ઓફકોર્સ ! જાનકી દેસાઈ એનું નામ છે અને સુરત કોલેજથી જ હું એની સાથે રિલેશનશિપમાં છું. કદાચ ચાર પાંચ મહિના પછી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં હું લગ્ન પણ કરી લઉં." કેતન બોલ્યો.

" નામ બહુ સરસ છે ! ઓલ ધ બેસ્ટ કેતન જી ! " રુચિ બોલી.

" થેન્ક્સ અગેઇન ! બસ આજ સંબોધન રાખો. મિસ્ટર સાવલિયા કરતાં સારું લાગે છે. " કેતને હસીને જવાબ આપ્યો.

બસ એ પછી હાઇવે ઉપર ટ્રાફિક વધી જતાં વાતચીત લગભગ બંધ થઈ ગઈ અને સાંજે પાંચ વાગે રુચિનો બંગલો પણ આવી ગયો.

" જો તમે સાથ આપો તો આ સ્કીમો આપણે જ બનાવીએ. આપણે સારા બિલ્ડરને કોન્ટ્રાક્ટ આપી શકીએ. લોકેશન એવું છે કે આપણે જ હજાર કરોડ રૂપિયા કમાઈ શકીએ ! " રુચિ ગાડી બંગલામાં પાર્ક કરીને બોલી.

" જુઓ રુચિ... મારા વિચારો કેટલીક બાબતોમાં બહુ સ્પષ્ટ છે. પ્રારબ્ધમાં જેટલું લખેલું હોય એટલું જ સુખ મળે છે. અને કરોડો રૂપિયાની મારી વ્યાખ્યા એવી છે કે માણસ પાસે ૧૫ ૨૦ કરોડ હોય એટલે મારી દ્રષ્ટિએ એ શ્રીમંત છે ! બાકી જેટલી રકમ વધતી જાય એટલાં ટેન્શન પણ વધતાં જાય. અઢળક શ્રીમંતાઈથી બાળકો પણ બેફામ બનતાં જાય. એ વ્યક્તિ પછી પરિવાર સાથે શાંતિથી જીવી શકતો નથી. " કેતન બોલી રહ્યો હતો.

" અને તમારી પાસે દસ લાખની ગાડી હોય કે દોઢ કરોડની ગાડી હોય. ગાડી ચલાવવાના રસ્તા એના એ જ રહેવાના છે, ઉડીને જઈ શકાતું નથી.
તમે પાંચ રોટલી ખાવાના હો તો શ્રીમંતાઈથી દસ નથી ખાઈ શકવાના. પૈસાથી સગવડો ખરીદી શકાય છે સુખ નહીં !! અને તમારી પાસે પૈસા આવે પછી એક મર્યાદાની બહાર એ પૈસા કંઈ જ કામમાં આવતા નથી. તમે બે ગાડી લો, ચાર ગાડી લો, બે ચાર બંગલા બનાવી દો પણ પછી શું ? " કેતન બોલી રહ્યો હતો.

" જો તમે તમારા પૈસા લોકોને મદદ કરવામાં વાપરો, માનવસેવા કરવામાં વાપરો, સારી હોસ્પિટલો બનાવો, લોકોમાં સુખ વહેંચો તો તમારા પૈસાનો આનંદ તમે માણી શકશો. જન સેવા એ જ પ્રભુ સેવા એ જ મારો સિદ્ધાંત છે અને સ્વામી વિવેકાનંદ મારો આદર્શ છે " કેતને પોતાની વાત પૂરી કરી.

"વાહ... શું તમારા વિચારો છે ? માન ગયે જનાબ. તમે ખરેખર એક વિશિષ્ટ વ્યક્તિ છો ! તમે મને મળી ગયા એના માટે હું મારી જાતને નસીબદાર માનું છું." રુચિ દિલથી બોલી અને પછી દરવાજો ખોલીને બહાર નીકળી.

કેતન પણ બહાર આવ્યો અને ગેટની બહાર ઉભી રાખેલી પોતાની ગાડીમાં જઈને બેઠો.

"ચાલો રુચિ બાય ! બે અઢી મહિના પછી આપણે ફરી મળીશું. વચ્ચે વચ્ચે આપણી વાતચીત તો ચાલુ જ રહેશે. લિસ્ટ મને વોટ્સએપ કરી દેજો. " કહીને કેતને ગાડી સ્ટાર્ટ કરી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ પણ ખારમાં જ હતો. ગયા વખતે ભાઈની ઓફિસના ઉદ્ઘાટનમાં મુંબઈ આવ્યો ત્યારે સમયના અભાવે દર્શન કરવા આવી શક્યો ન હતો. અત્યારે મંદિરની એકદમ નજીકમાં જ હતો એટલે આશ્રમ થઈને જ ગાડી પાર્લા લેવાનું એણે મનોમન નક્કી કર્યું.

આગળ જઈને બીજા ખાંચામાં જ રાઇટ ટર્ન લઈને એ શ્રીરામકૃષ્ણ મઠ પહોંચી ગયો. કેતન વર્ષોથી વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણ દેવને માનતો હતો અને બે વર્ષ શિકાગો હતો ત્યારે પણ શ્રી વિવેકાનંદ કેન્દ્ર ઉપર જઈને એ ધ્યાનમાં બેસતો હતો.

મંદિરે પહોંચીને હાથ પગ ધોઈને એણે રામકૃષ્ણદેવના મંદિર હોલમાં જઈને ઠાકુરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પ્રાર્થના કરીને અડધો કલાક ઠાકુરની દિવ્ય મૂર્તિ સામે ધ્યાનમાં બેસી ગયો. પોતાના હવે પછીના સુરક્ષિત ભવિષ્ય માટે એણે આ મહાન ગુરુજીને દિલથી પ્રાર્થના કરી.

ત્યાંથી બહાર નીકળીને જમણી બાજુ શ્રીમા શારદામણી માતાની દિવ્ય મૂર્તિનાં પણ પ્રથમ માળે જઈને દર્શન કર્યાં.

શ્રીશ્રી ઠાકુરની આરતીમાં બેસવાની એની ઈચ્છા હતી પરંતુ હજુ એક કલાકની વાર હતી. એટલે પછી એ પાર્લા જવા માટે નીકળી ગયો.

શ્રીરામકૃષ્ણ દેવનાં દર્શન કર્યા પછી ભાઈના ઘરે જતી વખતે કેતનને અંદરથી સંકેત મળી ગયો કે એના ગુરુ શ્રી અભેદાનંદજીની ઈચ્છા એને મુંબઈમાં જ સેટ કરવાની છે અને એટલા માટે જ ઋષિકેશમાં એને મુંબઈ જવાનો વિચાર આવ્યો હતો.

મુંબઈ આવીને સૌ પ્રથમ એના કોલેજ મિત્ર રવિ ભાટીયાને મળવું, એ પછી નેહા ભગતને મળવું અને સાંજના અચાનક શિવસાગર રેસ્ટોરન્ટમાં રુચિ માખીજાની મુલાકાત થવી.....એ બધું કોઈ યોગાનુયોગ ન હતો પરંતુ મહાન ગુરુજીની જ ઈચ્છા પ્રમાણે એ અનાયાસે આગળ વધી રહ્યો હતો !

મુંબઈ આવ્યો એ પછીના માત્ર બે જ દિવસમાં એને બિઝનેસ પાર્ટનર બનવાની અને કરોડો રૂપિયા કમાઈ લેવાની ઓફર પણ થઈ ગઈ હતી !

ધીમે ધીમે ગાડી ચલાવીને એ સાંજે ૬:૪૫ વાગે ગુજરાત સોસાયટી પહોંચી ગયો. બરાબર એ જ સમયે સિદ્ધાર્થભાઈ પણ ગેટ ઉપર રીક્ષામાંથી ઉતરી રહ્યા હતા. એમનું ધ્યાન કેતન તરફ ન હતું.

ભાઈને જોઈને કેતન બોલ્યો. " ભાઈ હું ગાડી પાર્ક કરીને આવું છું "

" હા હા વાંધો નહીં. હું નીચે જ ઉભો છું. " સિદ્ધાર્થ બોલ્યો અને પોતાના બ્લોકની બાજુમાં જઈને ઉભો રહ્યો.

બે ત્રણ મિનિટમાં કેતન આવી ગયો પછી બંને ભાઈઓ સાથે જ ઉપર ચડ્યા.

" આજે સમયસર આવી ગયો એ સારું થયું. મારો પણ આ જ સમયે રોજ ઘરે આવવાનો ટાઈમ હોય છે. " સિદ્ધાર્થ બોલ્યો અને બંને જણા પોતાના ફ્લેટ ઉપર પહોંચી ગયા.

" શું વાત છે ! આજે તો બંને ભાઈઓ એક સાથે !!" રેવતી દરવાજો ખોલતાં જ બોલી.

" બસ નીચે જ ભેગા થઈ ગયા. " સિદ્ધાર્થે જ જવાબ આપ્યો.

રેવતી બંને માટે પાણી લઈ આવી. એ પછી બંને ભાઈઓએ બેડરૂમમાં જઈને કપડાં બદલી દીધાં.

" ચા પાણી પીવાની ઈચ્છા છે બંને ભાઈઓને ? તો બનાવી દઉં. " રેવતીએ પૂછ્યું.

" મારી તો ઈચ્છા નથી ભાભી. " કેતન બોલ્યો.

" હવે કલાક પછી જમવાનું જ છે તો ચા નથી પીવી. " સિદ્ધાર્થ બોલ્યો.

" આજે તો આમ પણ ચા મૂકવાની જ છે. આજે કેતનભાઇને પ્રિય હાંડવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. એની સાથે ચા તો જોઈશે જ. છતાં જેને ટોમેટો કેચપ સાથે અથવા ચટણી સાથે હાંડવો ખાવો હોય એને છૂટ છે !" રેવતી હસીને બોલી.

"અમે સીડી પર ચડતા હતા ત્યારથી જ સુગંધ તો આવતી જ હતી કે કોઈના ઘરે હાંડવો બની રહ્યો છે ! મને તો હાંડવા સાથે ચા જ ફાવશે એટલે એ વખતે ચા મૂકી દેજો. " કેતન બોલ્યો.

"શું વાત છે ! આજ તો તમારા ઘરેથી હાંડવાની સુગંધ આવે છે !! " કહેતી સામેના ફ્લેટમાં રહેતી સ્વાતિ આડો કરેલો દરવાજો ખોલીને એકદમ ધસી આવી. પરંતુ અંદર દાખલ થતાં જ બંને ભાઈઓને. બેઠેલા જોઈને થોડી ખમચાઈ ગઈ.

"અરે આવ આવ સ્વાતિ. એ તો મારા દિયર આવ્યા છે જામનગરથી." રેવતી બોલી.

સ્વાતિએ કેતનને બે હાથ જોડી નમસ્કાર કર્યા. કેતને પણ સામે છાતી ઉપર જમણો હાથ મૂકી મસ્તક સહેજ આગળ નમાવી નમસ્તેનો રિસ્પોન્સ આપ્યો.

" આવી જા જમવા. ઘણો બધો બનાવ્યો છે. તારા જમવાથી મને ખૂટશે નહીં. " રેવતી બોલી. બંને સરખી ઉંમરની હોવાથી બોલવામાં તું તારી નો વ્યવહાર થઈ ગયો હતો.

" તમે લોકો જમી લો પછી અહીં આવીને થોડો ચાખી લઈશ. અમારા ઘરે તો મારી સાસુ આવું બધું બનાવવા દેતાં જ નથી. " સ્વાતિ બોલી.

" હા ચોક્કસ. હું રાખી મૂકીશ. તું સાડા આઠ વાગ્યાની આસપાસ આવી જજે. અનિલભાઈ તો છેક નવ વાગે આવે છે. " રેવતી બોલી.

બંને ભાઈ બેઠેલા હતા એટલે સ્વાતિ વધુ વાતચીત કર્યા વગર પોતાના ઘરે જતી રહી.

" આ સ્વાતિબેન પોતાના ઘરમાં થોડાં દુઃખી લાગે છે. " સ્વાતિના ગયા પછી કેતન બોલ્યો.

" હા લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં અને હજુ સુધી ખોળો ભરાયો નથી. એને એનાં વિધવા સાસુનો બહુ જ ત્રાસ છે. પોતે તો ન ખાય પણ યુવાન સ્વાતિ માટે ઘરમાં સારું બનાવવા પણ ના દે. રોજ કેટલાંય મેણાંટેણાં બોલતાં હોય છે " રેવતી વ્યથિત થઈને બોલી.

કેતન કંઈક બોલવા જતો હતો પરંતુ સામે ભાભી ઊભાં હતાં એટલે બોલતાં ખમચાઈ ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)



Share

NEW REALESED