Khauf - 3 books and stories free download online pdf in Gujarati

ખોફ - 3

3

કબાટમાંના અરીસામાં પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરીની લાશ દેખાતાં જ આરસીએ ડરીને પોતાના બન્ને હાથ વચ્ચે ચહેરો છુપાવી દીધો હતો, અને એ સાથે જ મંજરીની લાશ આરસીની એકદમ નજીક આવીને ઊભી રહી ગઈ હતી.

અત્યારે બંધ આંખે બેઠેલી આરસી થર-થર કાંપી રહી હતી.

મંજરીની લાશ બે પળ આરસી સામે તાકી રહી અને ત્રીજી પળે તો પાછી અદૃશ્ય થઈ ગઈ.

બીજી પળ-બે પળ પછી આરસીએ ભગવાનનું નામ લેતાં પોતાના ચહેરા આગળથી હાથ ખસેડયા અને સામેના કબાટના દરવાજા પાછળના અરીસા સામે જોયું. તેને મંજરીની લાશ દેખાઈ નહિ, પણ ત્યાં જ તેના કાને ધમ્‌ એવો અવાજ પડયો. તેના મોઢેથી પાછી ચીસ નીકળી જવાની સાથે જ તેણે બેડરૂમના દરવાજા તરફ જોયું તો ધમ્‌ના અવાજ સાથે દરવાજો ખોલીને અંદર ધસી આવેલો નીલ ‘...શું  થયું ? !’ પૂછતાં આરસીની નજીક ધસી આવ્યો.

આરસી એક ધ્રુસકું મૂકતાં નીલને વળગી પડી.

‘મને કહે, આરસી !’ નીલે આરસીની પીઠે દિલાસાભર્યો હાથ ફેરવતાં પૂછયું : ‘તેં આમ ચીસ કેમ પાડી, આરસી ? !’

આરસી નીલને તુરત જવાબ આપી શકી નહિ. થોડીક વાર પછી આરસીએ તેને મંજરીની લાશ દેખાઈ હતી, એ વાત કહી, ત્યારેય તેની આંખમાંથી આંસુ સરી રહ્યાં હતાં, તે ડુસકાં ભરી રહી હતી.

તો નીલને ગળે આરસીની વાત ઊતરી નહોતી.

૦ ૦ ૦

બીજા દિવસે સવારના આરસી કૉલેજમાં, પોતાના કલાસમાં પહોંચી તો બધાં સ્ટુડન્ટ્‌સ તેની તરફ તાકવા લાગ્યા. આગળની બૅન્ચ પર બેઠેલી શ્યામલીએ મોઢું મચકોડતાં બાજુમાં બેઠેલી નીશાને કહ્યું : ‘નીશા ! મારી મમ્મીનું કહેવું છે કે, આરસી, પાયલ અને વૈભવીએ એમના મમ્મી-પપ્પાને મૂરખ બનાવ્યાં છે. હકીકતમાં ત્રણેય જણીઓ પોતાના બૉયફ્રન્ડ સાથે ગઈ હતી, પણ બધાંને ખોટી વાતો કરી રહી છે.’

‘ચુપ રહે, શ્યામલી !’ આરસીની પાછળ જ કલાસની અંદર આવેલી રોમાએ કહ્યું : ‘સાચી વાતની ખબર ન હોય તો ખોટી બક-બક ન કર.’

ને રોમાથી ગભરાતી શ્યામલીએ મોઢું સીવી લીધું. ત્યાર સુધીમાં આરસી પોતાની બૅન્ચ સુધી પહોંચી ચૂકી હતી. તે પાયલ અને વૈભવીની બાજુમાં બેઠી.

રોમા આરસીની પાછળની પોતાની બૅન્ચ પર બેઠી, એટલે આરસી પાછું વળીને રોમા તરફ જોઈ રહી, પછી તેણે રોમાની બાજુની રોકીની ખાલી બૅન્ચ તરફ જોયું અને પછી પોતાની જમણી બાજુની વિરાજ અને મોહિતની ખાલી બૅન્ચ તરફ નજર નાંખી. તેના મોઢેથી નિસાસો નીકળવાની સાથે જ તેની આંખોમાં દર્દ આવ્યું. તેણે બાજુમાંં બેઠેલી પાયલ અને વૈભવી સામે જોયું.

પાયલ અને વૈભવીની આંખોમાંય દર્દ હતું અને જાણે બન્ને જણીઓ આંખોથી જ આરસીને તેમની સાથે જે કંઈ બની ગયું હતું એને પચાવી જવાની સલાહ આપી રહી હતી.

૦ ૦ ૦

રીસેસમાં રોમા કૅન્ટીનમાં પહોંચી તો રૉકી, વિરાજ અને મોહિત ગપ્પા મારતા બેઠા હતા. રોમાએ રૉકીની બાજુમાં બેઠક લેતાં કહ્યું : ‘એ ત્રણેય જણીઓ આજે કલાસમાં આવી છે.’

‘અમને ખબર છે.’ રૉકી હસીને બોલ્યો : ‘મને એમ હતું કે, તેઓ હજુ બીજા આઠ-દસ દિવસ કૉલેજ તરફ ફરકવાની હિંમત નહિ કરે.’

‘ત્રણેય હિંમતવાળી કહેવાય.’ વિરાજ હસીને બોલ્યો.

‘હા, જબરી હિંમતવાળી હોં.’ કહેતાં મોહિત પણ હસી પડયો.

રોમાને આ ગમ્યું ન હોય એમ તેણે એ ત્રણેય તરફથી મોઢું ફેરવી લીધું.

૦ ૦ ૦

કૉલેજ છુટી અને બધાં સ્ટુડન્ટ્‌સ કલાસ બહાર નીકળી ગયા એ પછી આરસી પોતાની બેનપણીઓ પાયલ અને વૈભવી સાથે કલાસની બહાર નીકળી.

તે કૉલેજના મુખ્ય દરવાજા પાસે પહોંચી, ત્યાં જ તેની નજર નજીકમાં જ આવેલી ભોંયરાની સીડી તરફ દોડી ગઈ. ‘પરમ દિવસે રાતના પાયલે કહેલી કહાણી પ્રમાણેે, પચીસ વરસ પહેલાં, પ્રિન્સના હાથે નીચે ભોંયરામાં મંજરીનું ખૂન થયું હતું, અને આજે પણ નીચે ભોંયરામાં જ કયાંક મંજરીની લાશ છુપાયેલી પડી હતી.’ આરસીના મગજમાંથી આ વાત પસાર થઈ, એટલે તેણે ભોંયરા તરફથી નજર પાછી વાળી લીધી ને પાયલ અને વૈભવી સાથે ઉતાવળે પગલે કૉલેજના મુખ્ય દરવાજા બહાર નીકળી ગઈ.

૦ ૦ ૦

રાતના નવ વાગ્યા હતા. આરસીના બેડરૂમમાં આરસી પલંગ પર બેઠી હતી, ને બાજુમાં નીલ ખુરશી પર બેઠો હતો.

‘આરસી !’ નીલે કહ્યું : ‘શું જોડિયા ભાઈ-બહેનોને એકબીજા-ના દિલની વાત ખબર પડી જાય છે ?’

‘હા, એવું કહેવાય છે.’ આરસી બોલી : ‘પણ આપણે કયાં જોડિયા ભાઈ-બહેન છીએ. હું તો તારાથી બે વરસ મોટી છું.’

‘ગમે તેમ પણ જાણે મને એવું લાગે છે કે, મને તારા દિલની વાતોની ખબર પડી જાય છે !’

‘તને મારી પર આટલો પ્રેમ છે, એટલે એવું બને છે.’ આરસીએ કહ્યું, ત્યાં જ દરવાજે અમોલ ડોકાયો : ‘આરસી !’ અમોલે દરવાજેથી જ પૂછયું : ‘આજે કેમ લાગે છે, તને ? !’

‘હં, ઠીક છે !’ આરસી બોલી.

‘સરસ !’ અમોલ બોલ્યો : અને પોતાના બેડરૂમ તરફ ચાલ્યો ગયો.

‘આ અમોલ..!’ નીલ આગળ બોલવા ગયો, ત્યાં જ આરસીએ એને ટોકયો : ‘મમ્મીએ તને કેટલી વાર કહ્યું છે કે, તું પપ્પાને નામથી ન બોલાવ. એમને પપ્પા કે ડેડી કહીને બોલાવ્યા કર.’

‘...આ અમોલ !’ નીલે આરસીની વાતને ધ્યાનમાં લીધા વિના જ પોતાની વાત આગળ ચલાવી : ‘..એ ખાલી ખોટી લાગણી બતાવે છે ! બાકી તારી સાથે જે કંઈ બન્યું એનું જરા- સરખું પણ દુઃખ દેખાય છે તને એમના ચહેરા પર ? !’

આરસી કંઈ બોલી નહિ. તેણે એક નિશ્વાસ નાંખ્યો.

નીલ ખુરશી પરથી ઊભો થઈને આરસીની બાજુમાં પલંગ પર બેઠો : ‘આરસી !’ તે લાગણીઘૂંટયા અવાજે બોલ્યો : ‘હવે મને કહે કે, પરમ દિવસે રાતના તારી, પાયલ ને વૈભવી સાથે આખરે શું બન્યું હતું ?’

આરસીની આંખોમાં દુઃખ ને દર્દ આવ્યું. તેણે બાજુની ટિપૉય પર પડેલું કૉલેજનું મેગેઝીન લીધું અને નીલના હાથમાં મૂકયું.

નીલે મેગેઝીનના પહેલા પાને જોયું. એની પર આરસીના નામ સાથે, તેણે કૉલેજના ફૂટબોલ ખેલાડીઓને વધારાના માર્કસ આપવામાં આવે છે, એના વિરોધમાં લખેલો લેખ હતો અને વચમાં રૉકી, વિરાજ અને મોહિતનું છોકરીઓના ગેટઅપમાં કાર્ટૂન છપાયેલું હતું.

‘તો...,’ નીલે મેગેઝીન પરથી નજર ઊઠાવીને આરસી સામે જોયું : ‘...આ કામ રૉકી, વિરાજ અને મોહિતનું છે ? !’

આરસીની આંખોમાં ભિનાશ આવી. તેણે હા પાડી.

નીલના ચહેરા પર રોષ આવ્યો. તેણે પરાણે રોષ દબાવતાં પુછયું : ‘...એ તમને અહીંથી કેવી રીતના લઈ...’

‘...અમે ત્રણેય ભરઊંઘમાં હતી, ત્યારે અડધી રાતના અચાનક જ એ ત્રણેય જણાંએ અમારી પર હુમલો કર્યો. અમે ત્રણેય જણીઓ કંઈ સમજીએ-કરીએ એ પહેલાં જ એ ત્રણેય જણાંએ અમારી પર તરાપ મારી અને અમને નશીલી દવાના ઈન્જેકશન આપી દીધાં. અમે ચીસો પાડવા ગઈ, પણ એમણે અમારા મોઢા દબાવી દીધાં, અને પછી ગણતરીની સેકન્ડોમાં અમારી આંખો સામે અંધારાં છવાઈ ગયાં. અમે બેહોશ થઈ ગયા.’ આરસીની આંખમાંથી આંસુના ટીપાં ટપકયાં : ‘અમારી આંખ ખુલી ત્યારે અમે ત્રણેય એ ભૂતિયા હવેલીમાં હતા. બહારથી દરવાજો બંધ હતો. નજીકમાં કોઈ નહોતું. બહાર કેવી રીતના નીકળવું ? પણ અમે સતત બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, એમાં ત્યાંથી પસાર થયેલા એક ભલા માણસનું ધ્યાન અમારી તરફ ખેંચાયું અને એણે અમને બહાર નીકળવામાં મદદ કરી. એ માણસ જો ત્યાં ન આવ્યો હોત તો અમે બૂમો પાડી-પાડીને અધમુઈ થઈ ગઈ હોત અને ભૂખી-તરસી મરી...’

‘...મરે તારા એ દુશ્મનો !’ નીલે આરસીના મોઢે હાથ મૂકીને એને બોલતી રોકી. આરસી ધ્રુસકું મૂકતાં નીલને વળગી પડી.

નીલ આરસીની પીઠ પર હાથ ફેરવવવા માંડયો, ત્યારે તેની આંખો સામે રૉકી, વિરાજ અને મોહિતના ચહેરા તરવરી રહ્યા હતા. એ ત્રણેયએ તેની બહેન સાથે કરેલી આ કમીની હરકતનો બદલો લેવા માટે તેના મનમાં ગુસ્સાનો જ્વાળામુખી ભભૂકવા માંડયો હતો !

૦ ૦ ૦

બીજા દિવસે કૉલેજની રિસેસમાં રૉકી, વિરાજ અને મોહિત કૅન્ટીનમાં બેઠા હતા.

‘યાર, વિરાજ !’ મોહિતે પૂછયું : ‘આજે તું ‘ગોલ્ડ સ્પા’માં સ્ટીમ બાથ લેવા જવાનો છે ? !’

વિરાજ જવાબ આપે એે પહેલાં જ રૉકી બોલી ઊઠયો : ‘તુંય શું મોહિત, આ વિરાજ કંઈ ‘ગોલ્ડ સ્પા’માં સ્ટીમ બાથ લેવા થોડો જાય છે ? એ તો ત્યાં કામ કરતી પેલી ચુલબુલી સોનિયાને જોવા જાય છે.’

‘હું એને જોવા જ નહિ, પણ એને મળવા, એની ખૂબસૂરતીને પીવા જાઉં છું.’ વિરાજ બોલ્યો : ‘તમને એ ભાવ નથી આપતી, એટલે તમે મારી પર જલો...’ ને આગળનું વાકય અધૂરું છોડતાં વિરાજ ઊભો થઈ જતાં બોલી ગયો : ‘રૉકી, સંભાળજે !’ અને એ જ વખતે રૉકીની નજીક આવી ગયેલા નીલે રૉકીના મોઢા પર મુકકો ઝીંકી દીધો. રૉકી ખુરશી પરથી પડતાં-પડતાં બચી ગયો.

નીલ ફરી રૉકીના મોઢે મુકકો ઝીંકવા ગયો, એટલી વારમાં મોહિતે નીલને પાછળથી પકડી લીધો : ‘હું તમને નહિ છોડું. મને ખબર છે કે, એ તમે જ હતા...’

‘આરસીએ અમારું કાર્ટૂન..!’ નીલને પાછળથી પકડીને ઊભેલો મોહિત બોલવા ગયો, ત્યાં જ રૉકીએ મોહિતની વાત કાપી નાંખતાં નીલને કહ્યું : ‘નીલ ! તું નાહકના અમારી પર આમ ગુસ્સે થઈ રહ્યો છે. તું માને છે એવું કંઈ જ નથી. અમે ત્રણેય તો એ રાતના અમારા ઘરે હતા.’

‘મને બધી ખબર છે.’ કહેતાં નીલે પોતાની જાતને મોહિતના હાથમાંથી છોડાવી અને ‘હું તમને નહિ છોડું !’ કહેતાં નીલ ફરી રૉકીના મોઢા પર મુકકો ઝીંકવા ગયો, ત્યાં જ વિરાજ વચ્ચે આવી ગયો અને નીલની ફેંટને પકડી લેતાં તેણે નીલને પાછળની તરફ ધકકો માર્યો.

નીલ ફરી રૉકી, વિરાજ અને મોહિત તરફ ધસી જવા ગયો, ત્યાં જ આ ઝઘડો જોઈ રહેલા નીલના બે કલાસમેટે નીલને પકડી લીધો : ‘નીલ, રહેવા દે.’

‘...હું તમને નહિ છોડું !’ નીલ રૉકી, વિરાજ અને મોહિત તરફ જોતાં ચિલ્લાયો : ‘હું તમને જોઈ લઈશ.’ અને એટલી વારમાં તો એ બન્ને કલાસમેટ નીલને કૅન્ટીનની બહાર ખેંચી ગયા. ત્યાં જ રિસેસ પૂરી થયાનો બૅલ વાગ્યો. નીલ રૉકી, વિરાજ અને મોહિત માટેનો ધૂંધવાટ અનુભવતો કલાસ તરફ આગળ વધી ગયો.

૦ ૦ ૦

કૉલેજ છૂટયા પછી લગભગ બધાં સ્ટુડન્ટ્‌સ વિખરાઈ ચૂકયાં હતાં. રૉકી, વિરાજ, મોહિત અને રૉમા પાર્કિંગમાં બેઠા હતા.

‘આપણે ચિંતા કરવાની જરૂર નથી.’ વિરાજ બોલ્યો : ‘...એ ત્રણેય જણીઓ કોઈને કંઈ કહેશે નહિ !’

‘...કહે તોય શું છે ?’ મોહિત બોલ્યો : ‘આરસીએ આપણાં વિશે મેગેઝીનમાં લખ્યું, એટલે....’

‘તમે આરસી અને નીલ પર રોષે ભરાવ છો એ બિલકુલ જ ખોટું છે.’ રોમા બોલી : ‘આરસીએ મેગેઝીનમાં જે વાત લખી છે, એ સાચી જ છે ને ? ! તમે કૉલેજની ટીમ માટે ફૂટબૉલ રમો છો એટલે તમને વધારાના માર્કસ આપવામાં આવે છે. અને આ વધારાના માર્કસને કારણે જ તમે આ વખતે પાસ થઈ ગયા, નહિતર તમે ફેલ જ હતા ને !’

‘તારો કહેવાનો મતલબ શું  છે ? શું અમે ડોબા છીએ.’ કહેતાં રૉકીએ રોમાનું બાવડું પકડી લીધું.

‘..છોડ મને !’ રોમા બોલી : ‘તમે લોકો તો જાનવર છો !’ કહેતાં રૉકીની પકડમાંથી પોતાની જાતને છોડાવીને રોમા સ્કૂટર તરફ આગળ વધી ગઈ.

‘રોમા !’ રૉકી રોમાને રોકવા ગયો, એટલે વિરાજે કહ્યું : ‘જવા દે, એને. અત્યારે એને ભલાઈનું ભૂત ચઢયુ છે, બાકી એને તારા વિના કયાં ચાલવાનું છે ? !’

રૉકી રોકાઈ ગયો.

રોમા પોતાના સ્કુટર પર બેસીને ચાલી ગઈ.

‘ચલ, હું પણ નીકળું ! ‘ગોલ્ડ સ્પા’માં સોનિયા મારી વાટ જોતી હશે.’ અને વિરાજ કાર તરફ ચાલ્યો.

રૉકી પોતાની કારમાં ગોઠવાયો તો મોહિત પોતાની મોટરસાઈકલ પર સવાર થયો. રૉકી અને મોહિત પોત-પોતાના ઘર તરફ રવાના થયા, તો વિરાજે ‘ગોલ્ડ સ્પા’ તરફ કાર આગળ વધારી.

ત્યારે થોડેક દૂર, પોતાની કારમાં બેસીને આ ચારેય જણાં પર નજર રાખી રહેલા નીલે પણ ત્યાંથી કાર આગળ વધારી.

૦ ૦ ૦

વિરાજે ‘ગોલ્ડ સ્પા’ની બહાર કાર પાર્ક કરી, ત્યારે સાંજના પાંચ વાગવા આવ્યા હતા. આ સમયે અહીં ખાસ લોકો આવતા નહોતા, અને એટલે વિરાજને સોનિયા સાથે મજાક-મસ્તી કરવાનો મોકો મળી જતો હતો.

વિરાજ સ્પામાં દાખલ થયો, ત્યારે સોનિયા કોઈની સાથે મોબાઈલ ફોન પર હસી-હસીને વાત કરી રહી હતી.

વિરાજને આવેલો જોતાં જ, ‘...હું પછી તને મોબાઈલ કરું છું !’ કહેતાં સોનિયાએ મોબાઈલ કટ કર્યો અને આંખો નચાવતાં વિરાજને આવકાર્યો : ‘આવી ગયો. હું તારી જ વાટ જોતી હતી. બાથ લઈ લે પછી બેસીએ.’

‘હા.’ વિરાજ આંખોથી સોનિયાની ખૂબસૂરતીને પીતાં બાજુના રૂમ તરફ આગળ વધી ગયો. તે કમરે ટુવાલ લપેટીને, સળંગ બનેલા ચાર સ્ટીમ રૂમમાંથી છેલ્લા રૂમ પાસે પહોંચ્યો, ત્યાં જ સોનિયા આવી પહોંચી.

‘આજે કેટલી વાર રહેવું છે ?’

‘ફકત દસ મિનિટ જ !’ વિરાજ સ્ટીમ રૂમમાં દાખલ થતાં બોલ્યો, ‘આજે બાકીનો બધો સમય તારી સાથે જ વિતાવવો છે.’

‘ઓ. કે !’ કહેતાં સોનિયા ખિલ-ખિલ હસી અને સ્ટીમ રૂમનું બારણું બંધ કર્યું. સોનિયાએ કન્ટ્રોલ પૅનલ પરના બટનો દબાવ્યા ને પછી બાજુના-બહારના રૂમ તરફ આગળ વધી ગઈ.

તે બહારના રૂમના પોતાના ટેબલ પર પહોંચી અને પાછો તેના બૉયફ્રેન્ડને મોબાઈલ લગાવ્યો. સામેથી તેના બૉયફ્રેન્ડનો અવાજ આવ્યો એટલે તેણે હસીને કહ્યું : ‘હવે વાત કર. દસ મિનિટ માટે મારા એ આશિકને સ્ટીમ રૂમમાં પૂરીને આવી છું.’ અને તે પોતના બૉયફ્રેન્ડ સાથે વાતોએ વળગી.

ત્યારે સ્ટીમ રૂમમાં વિરાજ આંખો બંધ કરીને લેટેલો પડયો હતો. રૂમમાં ગરમાવો લાગી રહ્યો હતો. ધીમું સંગીત વાગી રહ્યું હતું. વિરાજને સારું લાગી રહ્યું હતું. ત્યાં જ સ્ટીમ રૂમની બહાર, અચાનક-આપમેળે જ, સોનિયાએ સેટ કરેલા કન્ટ્રોલ પૅનલ પરના સ્ટીમનો-ટેમ્પરેચરનો આંકડોે વધવા માંડયા. અને એ સાથે જ અંદર સ્ટીમ રૂમમાંની ગરમી વધવા માંડી. થોડીક પળો પછી વિરાજને આ ગરમી અસહ્ય લાગવા માંડી. તેને ઉબકાં આવવા માંડયા. તે બેઠો થયો અને સ્ટીમ રૂમના દરવાજા પાસે પહોંચ્યો. તેણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ દરવાજો ખુલ્યો નહિ.

તે ગભરાઈ ઊઠયો :  ‘સોનિયા !’ તેણે બૂમ પાડી : ‘..દરવાજો ખોલ, સોનિયા !’ પણ રૂમ ઍરટાઈટ હતો. રૂમમાંથી અવાજ બહાર જાય એમ નહોતો.

અને અત્યારે આ રૂમ પછીના, બહારના રૂમમાં, વિરાજ સાથે બની રહેલી આ ભયાનક ઘટનાથી બેખબર સોનિયા મોબાઈલ ફોન પર પોતાના બૉયફ્રેન્ડ સાથે પ્રેમભરી વાતોમાં મસ્ત હતી.

‘સોનિયા-સોનિયા !’ સ્ટીમ રૂમમાં રહેલા વિરાજને હવે ચકકર જેવું આવવા લાગ્યું : ‘જલદી દરવાજો ખોલ, નહિતર હું શેકાઈ જઈશ !’ તે માંડ-માંડ બોલી શકયો, ત્યાં તો ગરમી એટલી હદે વધી ગઈ કે, રીતસરની વિરાજની ચામડી બળવા માંડી, તેના શરીર પરથી ચામડી ઊતરડાવા માંડી....

(ક્રમશઃ)