Khauf - 8 books and stories free download online pdf in Gujarati

ખોફ - 8

8

આરસીની નજર સામે બંધ પટારામાંથી બહાર નીકળવા માટે પટારા સાથે હાથ-પગ અફળાવી રહેલી મંજરીનું દૃશ્ય તરવરી ઊઠ્યું. અને આની ચોથી પળે, અત્યારે આરસીના કાને નીલનો સવાલ અફળાયો : ‘આરસી ! શું થયું, આરસી ? !’

અને આ સાથે જ આરસીની નજર સામેથી મંજરીવાળું દૃશ્ય દૂર થઈ ગયું. તેણે જોયું તો નીલ તેની સામે સવાલભરી નજરે જોતો ઊભો હતો.

‘નીલ !’ આરસીની આંખો ભીની થઈ : ‘મને મંજરીના હીબકાં સંભળાયાં, અને...અને એ બંધ પટારામાંથી બહાર નીકળવા ધમપછાડા કરતી હોય એવું દૃશ્ય દેખાયું.’ આરસીએ કહીને પૂછ્યું : ‘નીલ ! મને એ સમજાતું નથી કે, મને પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરી કેમ દેખાય છે ? શું આ મંજરીના પ્રેતનું કામ હશે ? !’

‘મને તારી ભૂતપ્રેતની વાતો ગળે ઊતરતી નથી.’ નીલે કહ્યું.

‘પણ નીલ,’ આરસી બોલી : ‘મને સતત એવું લાગ્યા કરે છે કે, પચીસ વરસ પહેલાં મંજરી અને એની બે બેનપણીઓ સુરભિ અને માયા સાથે બનેલી ઘટના તેમ જ હાલમાં મારી, વૈભવી અને પાયલ સાથે બનેલી ઘટનામાં જરૂર કંઈક સમાનતા-કંઈક સરખાપણું છે.’

‘એ સમાનતા શું છે ? એની જાણ આપણને મંજરી સાથે એ ઘટનાનો ભોગ બનેલી માયા પાસેથી જાણવા મળી જશે.’ નીલે સવારના દસ વગાડી રહેલી કાંડા ઘડિયાળમાં નજર નાંખીને  કહ્યું : ‘ચાલ, આપણે સીધા જ માયા પાસે પહોંચી જઈએ.’ અને તે આગળ વધ્યો. આરસી પણ તેની સાથે ચાલી. આરસીને થયું કે, ‘કદાચ તેને ફરી નીચે ભોંયરા તરફથી મંજરીના હીબકાં સંભળાશે, કે મંજરીનું પ્રેત ફરી તેની નજર સામે તરવરી ઊઠશે,’ પણ એવું કંઈ બન્યું નહીં.

૦ ૦ ૦

નીલે માયાના ઘર સામે કાર ઊભી રાખી, ત્યારે આસપાસમાં સન્નાટો હતો. નીલ અને આરસી બન્ને માયાના ઘરના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા. દરવાજા વચ્ચે લીંબુ અને મરચાં લટકતાં હતાં ! એક માદળિયું પણ લટકતું હતું ! !

નીલ ડૉરબેલ વગાડવા ગયો, ત્યાં જ એકદમથી દરવાજો ખુલ્યો ને ‘ભૂત-પલિત, ચુડેલ, ખવીસ થઈ જા, છૂ..! !’ બોલતાં એક ચાળીસ-બેત્તાળીસ વરસની સ્ત્રીએ જમણા હાથની મુઠ્ઠી ખોલી અને નીલ અને આરસી તરફ કંઈક ફેંકતી હોય એમ હાથ કર્યોે.

નીલ અને આરસી ગભરાઈને પાછળ હટ્યા, પણ એમની પર કંઈ પડયું નહિ-એ સ્ત્રીની મુઠ્ઠી ખાલી જ હતી.

‘તમે...,’ નીલે પૂછયું : ‘...માયાઆન્ટી...!’

‘હા.’ માયાએ જવાબ આપીને સવાલ કર્યો : ‘તમારા અહીં આવવાનું કારણ ? !’

‘મારું નામ આરસી છે અને આ મારો ભાઈ નીલ છે.’ આરસી ઉતાવળે બોલી : ‘અમે પચીસ વરસ પહેલાં, મંજરી, સુરભિ અને તમારી સાથે બનેલી ઘટના વિશે વાત કરવા આવ્યા છીએ.’

આના જવાબમાં માયાએ ધમ્‌ કરતાં દરવાજો બંધ કરી દીધો.

આરસી અને નીલ બન્નેએ એકબીજા સામે જોયું, ‘હવે ?’

નીલે પાછું દરવાજા તરફ જોતાં કહ્યું : ‘માયા આન્ટી, અમને આનો જવાબ જોઈએ !’

માયાએ ફરી દરવાજો ખોલ્યો અને કહ્યું : ‘ઠીક છે, હવે તમે બન્ને અંદર આવી શકો છો.’

નીલ અને આરસી અંદર દાખલ થયા, એટલે માયાએ દરવાજો બંધ કર્યો. ‘આપણે ચા પીતાં-પીતાં વાત કરીએ. તમે બેસો, હું ચા બનાવી લાવું.’ કહેતાં માયા રસોડામાં ગઈ.

આરસી અને નીલે ડ્રોઇંગ રૂમમાં નજર ફેરવી. ખૂણાના ટેબલ પર લીંબુ, મરચાં, માદળિયા વગેરે પડયાં હતાં !

‘હું આવું છું.’ કહેતાં આરસી રસોડા તરફ આગળ વધી ગઈ.

નીલની નજર ડાબી બાજુના રૂમ તરફ ગઈ. નીલ એ રૂમમાં દાખલ થયો. અંદર દીવાલ પર કેટલાંક ચિત્રો ચોંટાડેલા હતા. નીલે એ ચિત્રો પર નજર ફેરવવા માંડી. પહેલા ચિત્રમાં એક કૂતરાના શરીરની ચામડી ઉતરડાયેલી હતી અને એના ગળે ફાંસો લાગેલો હતો.

નીલની નજર બીજા ચિત્ર પર પડી અને તે ચોંકી ઊઠયો ! તે એ ચિત્ર તરફ જોઈ રહ્યો !

તો રસોડામાં તપેલીમાં ચાની પત્તી નાખતાં માયા આરસીને પૂછી રહી હતી : ‘..તો એ રાત વિશે તું શું જાણવા માંગે છેે ?’

‘તમારી સાથે જે કંઈ બન્યું એ બધું જ !’

માયાએ નિશ્વાસ નાંખ્યો, અને પછી તે પચીસ વરસ પહેલાં મંજરી અને સુરભિ સાથે ફૂટબોલ ટીમના કૅપ્ટન ટાઈગરે ટીમની જીતની ખુશાલીમાં આપેલી પાર્ટીમાં ગઈ, ત્યાં પ્રિન્સ, રણજીત અને શેખરે તેમને ઠંડા પીણામાં નશીલો પદાર્થ મિલાવીને પીવડાવી દીધો, અને તેઓ નશામાં મદમસ્ત બની ગઈ, ત્યાર સુધીની વાત કહી અને પળવાર રોકાઈને આગળ કહ્યું : ‘શેખર અને રણજીત મને અને સુરભિને પ્રિન્સની કાર પાસે લઈને પહોંચ્યા, ત્યાર સુધીમાં સુરભિ બેહોશ થઈ ચૂકી હતી. મને એ લોકોની મેલી મુરાદનો ખ્યાલ આવી ગયો, એ જ વખતે મને મંજરી પ્રિન્સ સાથે કારની નજીક આવતી દેખાઈ. મેં ‘મંજરી, મને બચાવ !’ એવી બુમ પાડીને મંજરીને ચેતવી. મંજરી ભાગી. એની પાછળ પ્રિન્સ ભાગ્યો, ને એટલામાં તો હું બેહોશ થઈ ગઈ.’ માયાનો અવાજ ગળગળો થઈ ગયો : ‘હું અને સુરભિ હોશમાં આવી ત્યારે આપણી કૉલેજના પાછળના ભાગમાં, થોડેક દૂર આવેલી ભૂતિયા હવેલીમાં હતી.’ માયાની આંખમાં આંસુ આવ્યાં : ‘અમને ત્રણેયને ફસાવવામાં પ્રિન્સ, રણજીત અને શેખર એમ ત્રણ જણાં જ નહોતા, પણ બીજા બે જણાં પણ હતા. ટાઇગર અને શીલા પણ આમાં સામેલ હતાં.’ માયાએ સહેજ રોકાઈને આગળ કહ્યું : ‘હું અને સુરભિ ઘરે પાછી ફરી, ત્યારે અમે જે કંઈ બન્યું એ કહ્યું, પણ લોકો સામે એ છોકરાંઓની ઇમેજ એટલી બધી સારી હતી કે કોઈ અમારી વાત માનવા તૈયાર થયું નહિ. બધાંએ અમને જ નશીલા પદાર્થના રવાડે ચઢી ગયેલી વંઠેલ છોકરીઓ તરીકે વગોવવા માંડી. સુરભિ એની સાથે બનેલી ઘટનાને પચાવી શકી નહિ. એણે ગળે ફાંસો ખાઈ લીધો.’ માયાએ આંખોનાં આંસુ લૂછ્યાં : ‘અને હું આજે પણ એ ઘટનાનો ભાર હૃદય પર લઈને જીવી રહી છું.’

‘મારી સાથે,’ આરસી બોલી, ‘મારી અને મારી બે બેનપણી પાયલ અને વૈભવી સાથે કંઈક આવું જ બન્યું છે.’

‘મને ખબર છે. મેં છાપામાં વાંચ્યું.’ ત્રણ કપમાં ચા ભરતાં માયા બોલી : ‘તમે ત્રણેય તો જીવતી પાછી ફરી, પરંતુ મારી એક બેનપણી મંજરી જીવતી પાછી ફરી નહિ.’

આરસી માયાને જોઈ રહી.

‘ચાલ, ચા લઈ લે !’ માયા બોલી અને તે રસોડાના દરવાજા તરફ આગળ વધી.

બરાબર એ જ વખતે નીલ સ્ટડી રૂમમાંથી બહાર નીકળ્યો અને દોડીને સોફા પર બેસી ગયો. તેણે સ્ટડી રૂમમાંનાં તેને ચોંકાવનારા એ ચિત્રો લઈને ખિસ્સામાં મૂકી દીધા હતા.

રસોડામાથી માયા અને એની પાછળ હાથમાં ચાના કપની ટ્રે સાથે આરસી બહાર નીકળી એટલે નીલ મલક્યો.

માયા સ્ટડી રૂમ તરફ આગળ વધી. તેણે સ્ટડી રૂમનો દરવાજો બંધ કર્યો અને આરસી અને નીલની સામે બેઠી.

‘માયાઆન્ટી !’ આરસીએ ચા પીવાઈ ગયા પછી કહ્યુંં : ‘મને એ સમજ નથી પડતી કે, વિરાજ, રોમા અને મોહિતના મોત...’

‘...એ મંજરીનું કામ છે !’ માયાએ જાણે ધડાકો કર્યો.

‘પણ..,’ આરસી બોલી : ‘..મંજરી તો મરી ચૂકી છે ને ?’

‘હા.’ માયા બોલી : ‘મંજરી કમોતે મરી ને એનો આત્મા ભટકી રહ્યો છે. એ પ્રેત બનીને આ ખૂની ખેલ ખેલી રહી છે.’

‘પણ...’ આરસી બોલી : ‘મને એ સમજાતું નથી કે મંજરી.., એનું પ્રેત મારા ફ્રેન્ડસને કેમ મારી રહ્યું છે ? એ એમને શા માટે મારતું નથી જેમણે એની સાથે આવું ખરાબ વર્તન કર્યું ?’

માયા બે પળ આરસી સામે જોઈ રહી, પછી બોલી : ‘બાળકોને પોતાના માબાપના પાપોની સજા ભોગવવી પડે છે. રોમાની મા શીલા પણ એક યા બીજી રીતના અમને ફસાવવાના ખેલમાં પ્રિન્સ, રણજીત, શેખર અને ટાઇગર સાથે સામેલ હતી. શીલા ધારત તો અમને અગાઉથી એ ચારેય છોકરાની મેલી મુરાદથી ચેતવી શકી હોત.’

આરસી અને નીલ માયા સામે જોઈ રહ્યા.

‘મંજરી, મંજરીનું પ્રેત પોતાનો બદલો લઈ રહ્યું છે.’ માયા બોલી : ‘પહેલાં વિરાજનું મોત થયું. વિરાજ રણજીતનો દીકરો છે. પછી રોમાનું મોત થયું. રોમા શીલાની દીકરી છે. અને પછી મોહિતનું મોત થયું. મોહિત શેખરનો દીકરો છે.’

‘તો માયા આન્ટી !’ આરસીએ અધીરાઈ સાથે  પૂછયું : ‘હવે તમે અમને એ કહો કે બાકીના બે જણાં પ્રિન્સ અને ટાઇગર અત્યારે ક્યાં રહે છે ! એ બન્નેના બાળકો છે ? અને છે તો એ કોણ છે ? !’

માયા હસી પડી : ‘મારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે.’

‘પ્લીઝ, આન્ટી !’ આરસીએ જિદ્‌ કરી : ‘મને કહો તો..’

‘તું ગમે એેટલી વાર પૂછીશ, પણ હું હરગિઝ નહિ જણાવું.’ કહેતાં માયા સોફા પર જ લાંબી થઈ ગઈ ને આંખો મીંચી દીધી.

હવે આરસી અને નીલ માયાના ઘરની બહાર નીકળ્યા. કારમાં બેસતાં જ નીલ બોલ્યો : ‘આરસી ! માયા જુઠ્ઠું બોલે છે. આમાં મંજરીના પ્રેતનો નહિ, પણ માયાનો જ હાથ છે.’

‘તું કેવી રીતે કહી શકે ?’

‘મારી પાસે આની સાબિતી છે.’ કહેતાં નીલે ખિસ્સામાંથી ગડી વાળેલા કાગળ કાઢયા અને એમાંનો પહેલો કાગળ આરસી તરફ ધર્યો. આરસીએ એ કાગળ પર નજર નાંખી. એની પર એક યુવતીનો  ભય ને પીડાભર્યો ચહેરો ચીતરાયેલો હતો અને એના ડાબા ગાલ પર કાળો કરોળિયો દોરેલો હતો. બાજુમાં લાલ અક્ષરમાં લખ્યું હતું, ‘કોઈ જીવજંતુ માણસને ખાય તો કેટલી પીડા થાય છે ?’

‘આ તને કયાંથી...’

‘..માયાના સ્ટડી રૂમમાંથી મળ્યું.’ નીલ બોલ્યો : ‘તું આ અક્ષર જો. આ અક્ષર અને રોમાને મળેલા મોકલનારના નામ-સરનામા વિનાના કવરમાંના છાપાના કટિંગમાં પણ આવા જ અક્ષરો હતા.’

‘હા !’ આરસી બોલી : ‘અને આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જ રોમાનું મોત થયું હતુંંં. મેં રોમાની આસપાસ અસંખ્ય કરોળિયા જોયા હતા.’

‘હા.’ અને નીલે બીજું ચિત્ર બતાવ્યું : ‘અને આ જો.’

એ બીજા ચિત્રમાં એક યુવાન સ્ટીમ રૂમમાં, ટેબલ પર પડયો હતો અને જાણે એના શરીરની ચામડી સળગી રહી હતી.

‘વિરાજનું મોત પણ તો કંઈક આ રીતના જ થયું હતું ને !’ આરસી બોલી ઊઠી.

‘હા.’ નીલે કહ્યું : ‘અને એટલે જ હું કહી રહ્યો છું કે માયાની મંજરીના પ્રેતવાળી વાત ખોટી છે. માયા પોતે જ એમની બેઇજ્જતી કરનારા પાંચ જણાંના બાળકોને તંત્ર-મંત્રથી ખતમ કરીને વેર વાળી રહી છે.’

‘તો આનો મતલબ તો એ થયો કે હવે રૉકીનો વારો છે.’

‘જો રૉકી એ પાંચ જણામાંથી કોઈ એકનો દીકરો હોય તો આવું બની શકે.’ નીલ બોલ્યો.

‘મારું માનવું છે કે આપણે અત્યારે જ રૉકીને મળીને એને સાવચેત કરી દેવો જોઈએ.’

‘હા.’ નીલ બોલ્યો : ‘અત્યારે એ આપણને કૉલેજની બહાર મળી જશે.’ અને નીલે કૉલેજ તરફ કાર દોડાવી મૂકી.

૦ ૦ ૦

નીલની ગણતરી સાચી પડી. રૉકી કૉલેજના કમ્પાઉન્ડની બહાર કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો. એની બાજુમાં એનો પાળેલો કૂતરો સ્કૂબી લાળ ટપકાવતો બેઠો હતો.

નીલ અને આરસી કારની બહાર નીકળ્યા.

નીલ અને આરસીને જોતાં જ રૉકીના ચહેરા પર રોષ આવી ગયો. એ કારની બહાર આવ્યો.

‘રૉકી !’ આરસી આગળ બોલવા ગઈ, ત્યાં જ રૉકી  તેની વાત કાપતાં બોલ્યો : ‘આરસી, તેં કૉલેજના મૅગેઝીનમાં અમારી ઠેકડી ઊડાવી એટલે અમે તને પાઠ ભણાવવા નશીલા પદાર્થના ઇન્જેક્શન આપીને તને ભૂતિયા હવેલીમાં પૂરી દીધી, પણ તું તો અમને બધાંને ખતમ....’

‘ના ! મેં કોઈને નથી માર્યા.’ આરસી બોલી ઊઠી.

રૉકી ધૂંધવાટભેર આરસી તરફ જોઈ રહ્યો.

‘તને પચીસ વરસ પહેલાં આપણી કૉલેજમાં બનેલી પેલી ત્રણ સ્ટુડન્ટ્‌સ મંજરી, સુરભિ અને માયાવાળી ઘટના તો યાદ હશે જ.’ આરસી બોલી : ‘એ ઘટનામાં પાછી નહિ ફરેલી મંજરી.., મંજરીનું પ્રેત જ આ બધું કરી રહ્યું છે.’

‘પણ,’ રૉકી બોલી ઊઠ્યો : ‘મંજરી સાથે તો પ્રિન્સ હતો. મારા પપ્પા નહોતા.’

નીલ અને આરસી ચોંક્યા.

‘એટલે...,’ નીલે પૂછયું : ‘તારા પપ્પા, કોચ ટાઇગર....’

‘હા, મારા પપ્પા એ ઘટનામાં સામેલ હતા.’ રૉકીનું માથું ઝૂકી ગયું : ‘એ વખતે પપ્પા આપણી કૉલેજની ફૂટબોલ ટીમના કેપ્ટન હતા, અને એમની કેપ્ટનશીપમાં જ ટીમ ટુર્નામેન્ટ જીતી હતી. એની ખુશાલીમાં એમણે પાર્ટી આપી હતી. એ પાર્ટીમાં જ આવેલી મંજરી, સુરભિ અને માયા સાથે એ ઘટના બની હતી. જોકે...જોકે મારા પપ્પા મંજરી સાથે નહિ પણ માયા સાથે હતા. મંજરી તો ગૂમ જ થઈ ગઈ હતી.’

‘રૉકી !’ આરસી બોલી : ‘મને અફસોસ છે, પણ એ ઘટના સાથે સંકળાયેલાઓના બાળકોના જ રહસ્યમય રીતના મોત થઈ રહ્યા છે.’

‘આરસી !’ નીલે ઉતાવળા અવાજે કહ્યું : ‘મારું માનવું છે કે, હવે આપણે અહીંથી નીકળી જવું જોઈએ.’ અને નીલ કારની ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો. આરસી નીલની બાજુમાં બેઠી એટલે નીલે કાર હંકારી મૂકી.

રૉકી કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠો. તે કૂતરા સ્કૂબીના માથે હાથ ફેરવતાં આરસી અને નીલ સાથેની વાતચીત પર વિચાર કરી રહ્યો, પછી તેણે નક્કી કર્યું, ‘આરસી અને નીલની મંજરીના પ્રેતવાળી વાત સાચી પણ હોઈ શકે. મારે હવે જો જીવતા રહેવું હોય, મંજરીના પ્રેતથી બચવું હોય તો વહેલી તકે આ શહેર છોડી દેવું જોઈએ.’ ને આ સાથે જ તેણે કાર ત્યાંથી આગળ વધારી, અને ત્યારે તેને એ હકીકતની ખબર નહોતી કે, જે મંજરીથી બચવા માટે એ ભાગી છૂટી રહ્યો છે, એ મંજરીની લાશ અત્યારે તેની કારની ડીકીમાં જ પડી છે ! ! !

(ક્રમશઃ)