Prarambh - 38 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 38

પ્રારંભ પ્રકરણ 38

બે દિવસ પહેલાં કેતને સિદ્ધાર્થના ઘરે સ્વાતિને જોઈને મોટાભાઈને એવું કહ્યું હતું કે સ્વાતિનો પતિ પુરુષમાં નથી. છતાં સ્વાતિની સાસુને સંતાન ન થવા પાછળ બધો જ વાંક સ્વાતિનો લાગે છે.

આજે રવિવાર હતો એટલે સિદ્ધાર્થની ઈચ્છા એવી હતી કે સ્વાતિના પતિ અનિલ સાથે ચર્ચા કરીને આ બાબતનો કોઈ નિવેડો લાવવો જોઈએ જેથી સ્વાતિ વિના કારણ દુઃખી ના થાય. પરંતુ સિદ્ધાર્થને એવો ડર હતો કે જો અનિલને આ વાત પૂછવામાં આવે તો એને સ્વાતિ ઉપર જ વહેમ જાય અને તો પછી સ્વાતિને પતિનો પણ ત્રાસ સહન કરવો પડે.

કેતને ભાઈને આશ્વાસન આપ્યું કે તમે બધું મારી ઉપર છોડી દો. અનિલ સ્વાતિ ઉપર કોઈ શંકા નહીં કરે એ મારી ગેરંટી.

"ઠીક છે. તું જો કહેતો હોય તો પછી આપણે મીટીંગ આજે જ કરી લઈએ. રેવતીને કહી દઉં કે અનિલને આપણા ઘરે બોલાવી લાવે." સિદ્ધાર્થ બોલ્યો. અને એણે રેવતીને સૂચના આપી.

રેવતી સ્વાતિના ઘરે ગઈ. અનિલ ઘરે જ હતો અને લેપટોપ ઉપર કંઈક કામ કરી રહ્યો હતો.

" અનિલભાઈ તમારા ભાઈને તમારું કંઈક કામ લાગે છે. જરા દસ મિનિટ ઘરે આવો ને !" રેવતી બોલી.

અનિલ કંઈ પણ બોલ્યા વગર ઉભો થયો અને રેવતીની પાછળ ને પાછળ સિદ્ધાર્થના ઘરે ગયો.

" આવો આવો અનિલભાઈ. તમે તો ભલા માણસ શાખ પાડોશી થઈને પણ અમારી સાથે કોઈ સંબંધ રાખતા નથી. સ્વાતિબેન બિચારાં રેવતીને કંપની આપવા આવે છે પણ તમે ક્યારે પણ અમારા ઘરે આવતા નથી." સિદ્ધાર્થ બોલ્યો.

"એવું નથી સિદ્ધાર્થભાઈ. હું થોડોક અતડો છું. હું સોશિયલ મટીરીયલ નથી. કામ પૂરતી જ વાત રાખું છું અને રવિવારે પણ મારા કામમાં ડૂબેલો રહું છું." અનિલ સ્માઈલ આપીને બોલ્યો.

"હા એ તો મને ખ્યાલ આવી જ જાય છે. દરેક વ્યક્તિની પોતપોતાની પ્રકૃતિ હોય છે. આ મારો નાનો ભાઈ કેતન છે. સુરત રહે છે પણ અત્યારે બે ચાર દિવસ માટે ફરવા માટે આવ્યો છે." સિદ્ધાર્થે કેતન તરફ ઈશારો કરીને કહ્યું.

" જી નમસ્તે. " અનિલ કેતન સામે જોઈને બોલ્યો.

" નમસ્તે અનિલભાઈ. " કેતને પણ સામે વિવેક કર્યો.

" કેતન સવારથી જ કહેતો હતો કે મારે સામે જે અનિલભાઈ રહે છે એમને મળવું છે. આજે રવિવારે તમે ઘરે છો એટલે તમને બોલાવ્યા. એ તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે " સિદ્ધાર્થ બોલ્યો.

સિદ્ધાર્થની વાતોથી અનિલને ખૂબ જ આશ્ચર્ય થયું. સિદ્ધાર્થભાઈ પણ હમણાં નવા નવા જ રહેવા આવ્યા હતા અને એમના આ ભાઈને તો હું ઓળખતો જ નથી તો કેમ મળવા માગતા હશે !!

"બોલો કેતનભાઇ. મારું શું કામ હતું ? કારણ કે આપણે ક્યારે પણ મળ્યા નથી. મળવાની વાત તો બાજુમાં... એકબીજાને જાણતા પણ નથી" અનિલ કેતન સામે જોઈને બોલ્યો.

"અનિલભાઈ મારે કોઈને જાણવાની કે ઓળખવાની કોઈ જરૂર જ નથી હોતી. ક્યારેક મને ઘણું બધું દેખાતું હોય છે એટલે ઈચ્છા થાય કે કોઈને કંઈક સલાહ આપું. ચાલો આપણે મારા બેડરૂમમાં જ બેસીએ." કેતન બોલ્યો અને ઉભો થઈને પોતાના બેડરૂમમાં ગયો. અનિલ પણ પાછળ પાછળ ગયો.

" અનિલભાઈ તમારી વાત સાચી છે કે આપણે પહેલીવાર જ મળી રહ્યા છીએ છતાં તમારા વિશે ઘણું બધું જાણું છું. મને પરમ દિવસે આ ઘરમાં સ્વાતિબેનને જોઈને એમ લાગ્યું કે આ બેન ખૂબ જ દુઃખી થઈ રહ્યાં છે અને ક્યારેક આત્મહત્યા સુધીના વિચારો પણ એમને આવે છે. મેં ભાભીને પૂછ્યું કે આ બેન આટલાં દુઃખી કેમ છે તો ભાભીએ કહ્યું કે એમને સંતાન નથી. " કેતન બોલ્યો.

" તમારું અનુમાન ખોટું છે કેતનભાઇ. સ્વાતિ મારા ઘરમાં દુઃખી છે જ નહીં. તમે અત્યારે પણ એને બોલાવીને પૂછી શકો છો. અને સંતાન થવા ન થવા એ કુદરતના હાથની વાત છે. " અનિલ બોલ્યો.

" અનિલભાઈ માફ કરજો પણ સંતાન ન થવાનું કારણ તમે પોતે જ છો. કુદરતના હાથમાં કશું જ નથી. મેં ધ્યાનમાં બેસીને જોયું તો બધો જ પ્રોબ્લેમ મને તમારામાં જ લાગ્યો. હું ખૂલીને ચર્ચા નહીં કરું તમે સમજી શકો છો. પરંતુ તમારે આ વાતનો ખુલાસો તમારાં મધર આગળ કરવો જોઈએ જેથી સ્વાતિબેન ઉપર માછલાં ના ધોવાય. વાંક તમારો અને સજા એમને મળે એ કેવી રીતે ચલાવી લેવાય ? " કેતન બોલ્યો.

" અરે તમે માનો છો એવી કોઈ નબળાઈ મારામાં નથી. દરેક પુરુષમાં અમુક ઉંમર પછી નબળાઈ આવતી જ હોય છે. સ્વાતિને કોઈ જ ફરિયાદ નથી." અનિલ સહેજ આવેશમાં બોલ્યો.

"હું જૂઠ અને સ્ત્રીને થતો અન્યાય સહન નથી કરી શકતો અનિલભાઈ. બે દિવસનો સમય તમને આપું છું. તમે ભલે મારી આગળ કબૂલ ના કરો પણ તમારાં મધરને તમે સાચી વાત કરી લો. એમણે તમને જન્મ આપ્યો છે તો એમનાથી શરમ કેવી ? " કેતન બોલતો હતો.

"સ્વાતિબેન એટલાં ખાનદાન છે કે લગ્ન પછી પતિસુખ બિલકુલ ન મળવા છતાં પોતાનો સંસાર નિભાવી રહ્યાં છે. કોઈ ઢંઢેરો પીટ્યો નથી. નહીં તો આ એક જ કારણથી એમને બે મિનિટમાં ડિવોર્સ મળી જાય અને કોર્ટમાં તમારી બદનામી થાય એ જુદી. એમની આ ખાનદાનીની કદર થવાના બદલે તમારા જ ઘરમાં એમને સજા મળી રહી છે !" કેતન બોલ્યો.

કેતનની વાત સાંભળીને અનિલ થોડો ઝંખવાણો પડી ગયો. કારણ કે એ પોતે તો પોતાની આ શારીરિક નબળાઈ વિશે જાણતો જ હતો. એની પોતાની પત્ની આજ સુધી વર્જીન હતી !

" આ વાત તમે કેવી રીતે જાણો છો ? કોઈ પણ વ્યક્તિ આવી વાત જાણી ના શકે. જરૂર સ્વાતિએ જ આ વાત રેવતીભાભીને કરી હોવી જોઈએ." અનિલ બોલ્યો.

આ સાંભળીને કેતન ખડખડાટ હસવા લાગ્યો.

" તમારી ઓફિસમાં કવિતા નામની એક ખૂબસુરત છોકરી નવી નવી આવી છે અને એ તમને ખૂબ જ ગમે છે એ વાત તો સાચી ને ? તમારી આ શારીરિક નિર્બળતાના કારણે તમે આગળ વધી શકતા નથી. છતાં એની સાથે વાતો કરવાની એક પણ તક તમે જવા દેતા નથી. બોલો મારી વાત ખોટી છે ?" કેતને ધડાકો કર્યો.

અનિલ તો હબક ખાઈ ગયો. આ વાત તો કોઈ જ જાણતું નથી તો પછી આ કેતન કેવી રીતે જાણી શક્યો ? એનામાં કંઈક તો છે જ. એને વિશ્વાસ આવી ગયો કે સ્વાતિએ કોઈ વાત નથી કરી પરંતુ આ માણસ ઘણું બધું જાણે છે.

" હું બધાં રહસ્યો ખોલી શકું છું પરંતુ તમારી અંગત જિંદગીમાં મને કોઈ જ રસ નથી. તમે બસ મેં કહ્યું એટલું જ કરો. તમારાં મધરને સમજાવી દો કે સંતાન થતાં નથી એના માટે તમે પોતે જવાબદાર છો. એટલે આજ પછી એ સ્વાતિબેનને કંઈ જ ના કહે અને એને દીકરીની જેમ રાખે. હું બે દિવસ માટે અહીં છું ત્યાં સુધીમાં આ વાત થઈ જવી જોઈએ." કેતને અલ્ટીમેટમ આપ્યું.

કેતન જ્યારે કોઈની આંખ સાથે આંખ મિલાવીને વાત કરે ત્યારે સામેની વ્યક્તિ એના પ્રભાવમાં આવ્યા વગર રહેતી જ નહીં ! કેતનની આંખોમાં ચુંબકીય પ્રભાવ હતો.

પહેલાં તો અનિલ કંઈ બોલ્યો નહીં. થોડો વિચારમાં પડી ગયો. થોડું મનોમંથન કર્યા પછી એણે જવાબ આપ્યો.

" ઠીક છે. હું બે દિવસમાં જ મમ્મી સાથે આ બાબતમાં વાત કરી લઈશ." અનિલ બોલ્યો.

"ભલે વાંધો નહીં. પણ જે સત્ય હકીકત છે તે પૂરેપૂરી તમારાં મધરને જણાવી દેજો. અધકચરી ગોળ ગોળ વાત ન કરશો. નહીં તો સ્વાતિબેન તરફનું એમનું વર્તન એવું ને એવું જ રહેશે. સ્વાતિબેન સંપૂર્ણ નિર્દોષ છે. તમે તમારી નબળાઈ જાણતા હતા છતાં તમે એમની સાથે લગ્ન કર્યાં. હવે એક પતિ તરીકે એમને નિર્દોષ સાબિત કરવાની તમારી ફરજ છે. " કેતન બોલતો હતો.

"અને તમને યોગ્ય લાગે તો મારી બીજી પણ એક સલાહ છે. દરેક સ્ત્રીની પોતાની ઈચ્છા જીવનમાં એક વાર માતૃત્વ પ્રાપ્ત કરવાની હોય છે. મારી વાત ગળે ઉતરે તો કોઈ બાળકને દત્તક લઈ લો. કમ સે કમ સ્વાતિબેનને જિંદગી જીવવા જેવી લાગશે. " કેતન બોલ્યો અને ઉભો થયો.

" ઠીક છે. આ વાત ઉપર પણ હું ગંભીરતાથી વિચારીશ." કહીને અનિલ બહાર નીકળી ગયો અને આડુ અવળું જોયા વગર સીધો પોતાના ઘરે ગયો.

" અનિલ માની ગયો ? " કેતન બેડરૂમમાંથી બહાર આવ્યો એટલે સિદ્ધાર્થે પૂછ્યું.

" એણે માનવું જ પડે ભાઈ. એ પોતાની નબળાઈ જાણતો હોવા છતાં એણે એક સ્ત્રીની જિંદગી બગાડી. શારીરિક નબળાઈ એ આખી અલગ બાબત છે જ્યારે આ તો એ પુરુષમાં જ નથી. છતાં એણે લગ્ન કર્યાં. એક સ્ત્રી સાથે કેટલો મોટો વિશ્વાસઘાત !" કેતન સહેજ ગુસ્સાથી બોલ્યો.

"સંસારમાં આવું બધું ચાલ્યા કરે. બહુ મન ઉપર નહીં લેવાનું કેતન. સ્વાતિએ પોતે પણ આજ સુધી રેવતીને વાત નથી કરી. એણે બધું સ્વીકારી લીધું છે એટલે આપણાથી થાય એટલું જ આપણે કરવાનું. કોઈના પણ જીવનમાં વધુ પડતો રસ લેવામાં મજા નથી." સિદ્ધાર્થ બોલ્યો.

"તમારી વાત સાચી છે ભાઈ. " કેતન બોલ્યો.

" હવે પછી તારો શું પ્રોગ્રામ છે ? જો બીજો કોઈ પ્રોગ્રામ ન હોય તો પછી સાંજે અંધેરી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જઈ આવીએ. સાંજે સત્સંગ સભા પણ હોય છે." સિદ્ધાર્થ બોલ્યો.

"મારી ઈચ્છા ગોરેગાંવ જવાની છે. મેં એક પ્લોટ ત્યાં જોયો છે અને ત્યાં જ ભવિષ્યમાં કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચાલુ કરવાનું વિચાર્યું છે." કેતન બોલ્યો.

" અરે વાહ. સારામાં સારી લાઈન તેં પસંદ કરી છે. શરૂઆત કરવા માટે એરિયા પણ સારો પસંદ કર્યો છે. ફિલ્મસિટીના કારણે એ એરિયામાં ડિમાન્ડ પણ ઘણી છે." સિદ્ધાર્થ બોલ્યો.

"હા ભાઈ અત્યારે સાંજના ૪:૩૦ વાગ્યા છે તો વિચાર છે એક ચક્કર એ પ્લોટ ઉપર મારી આવું. પણ મારે તમારી ગાડી જોઈશે. તમારે મંદિર જવાનો પ્રોગ્રામ હોય તો પછી હું ટ્રેઈનમાં જઉં." કેતન બોલ્યો

"અરે ના રે ના. તું તારે ગાડી લઈ જા. અમારે દર્શન કરવા જવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી.આ તો રવિવાર હતો એટલે જસ્ટ વિચારેલું. એવું હશે તો અમે રીક્ષામાં જઈ આવીશું." સિદ્ધાર્થ બોલ્યો.

કેતને એ પછી બેડરૂમમાં જઈને જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેરી લીધાં
અને ગાડીની ચાવી લઈને નીચે ઊતર્યો.

પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢી અને ગોરેગામ જવા માટે નીકળી ગયો. એકવાર એ ગયો હતો એટલે એને લોકેશન યાદ જ હતું.

આજે ગોરેગાંવ જવાનું કોઈ ખાસ પ્રયોજન ન હતું. કારણ કે ત્યાં સ્લમ એરિયામાં એ કોઈને ઓળખતો પણ ન હતો. છતાં અંદરથી એને એમ થયું કે આજે ત્યાં ચક્કર મારવું.

પ્લોટ ઉપર પહોંચીને ગાડીને પ્લોટથી દૂર સાઈડમાં પાર્ક કરી અને રુચિનો વોટસઅપ નંબર ઓપન કરીને એનો મેસેજ શાંતિથી વાંચી લીધો. રુચિએ ૬ માથાભારે માણસોનાં નામ અને એમનો પરિચય આપ્યો હતો.

પહેલું નામ દિલાવર ખાનનું હતું. આખા એરિયાનો એ દાદા હતો. પ્લોટમાં જે પણ નાની મોટી દુકાનો બની હતી એમની પાસેથી હપ્તા ઉઘરાવતો હતો. આ સ્લમ એરિયામાં મકાન લેવું હોય કે વેચવું હોય તો એને કમિશન આપવું પડતું. ભાઈ લોકો સાથે પણ એનું કનેક્શન હતું. પ્લોટ ખાલી કરાવવા માટે બહુ મોટી રકમ માગતો હતો.

બીજું નામ રાજુ લંગડાનું હતું. એ એક બુટલેગર હતો અને એનો ઝૂંપડપટ્ટીમાં અડ્ડો હતો. દેશી અને ઇંગ્લિશ બંને દારૂ એ વેચતો હતો. ફિલ્મ સિટીમાં પણ એ માલ સપ્લાય કરતો હતો. ખૂબ જ માથાભારે હતો. પ્લોટ ખાલી કરાવવા માટે એ પણ સારી એવી રકમ માગતો હતો.

ત્રીજું નામ ભેરુનાથ મારવાડીનું હતું. વર્ષોથી કરિયાણાની દુકાન હતી અને ઝૂંપડપટ્ટીના ઘણા બધા લોકો સાથે એના સંબંધો હતા. પૈસા માટે ગમે તે હદે જવા તૈયાર હતો. એની ડિમાન્ડ પણ મોટી હતી. થોડો શેખીબાજ હતો.

એ પછી બાંકેલાલ ધોબીનું નામ હતું. ઝૂંપડપટ્ટીમાં લોન્ડ્રી ચલાવતો હતો. આજુબાજુની સોસાયટીઓમાં ઈસ્ત્રીની સેવાઓ આપતો હતો. ત્રણ માણસો પણ રાખેલા હતા. થોડો માથાભારે હતો છતાં ઝૂંપડપટ્ટીમાં ઘણા બધા લોકો ઉપર એનો કંટ્રોલ હતો. બિહારી લોકોની પણ અહીં ઘણી વસ્તી હતી. આખો પ્લોટ ખાલી કરાવવાની એની તાકાત ન હતી પરંતુ બધા બિહારી લોકોની જવાબદારી એ લઈ રહ્યો હતો.

તુકારામ સાવંત એક ઇન્ટરેસ્ટિંગ માણસ હતો. સબ બંદરનો વેપારી હતો. એની બે રીક્ષાઓ ભાડે ફરતી હતી. ઝૂંપડપટ્ટીમાં ગેસના બાટલા અને સગડીઓ પણ વેચતો હતો. મકાનોની દલાલી પણ કરતો હતો. પહેલાં એસટીડી પીસીઓ પણ ચલાવતો હતો જેના કારણે તમામ વસ્તી સાથે સંપર્કમાં હતો.

કમિશન લઈને પોતાના વતનમાં પૈસા ટ્રાન્સફર કરવાની સગવડ પણ લોકોને આપતો હતો. પોસ્ટ ઓફિસનો એજન્ટ પણ બન્યો હતો અને લોકોની બચત પણ સંભાળતો હતો. વસ્તીમાં નાની મોટી લોન પણ આપતો હતો. થોડો ભણેલો હતો એટલે કોઈ પણ પ્રકારનું કામ એ કરી આપતો અને તગડા પૈસા લેતો. આખી ઝુંપડપટ્ટી ખાલી કરાવવાની એની તાકાત નહોતી પણ ૬૦% લોકો પર એનો કંટ્રોલ હતો.

લલ્લન પાંડે એક પોલિટિકલ માણસ હતો. શિવસેના સાથે જોડાયેલો હતો અને પક્ષનો કાર્યકર પણ હતો. આ ઝૂંપડપટ્ટીના કોઈપણ પ્રશ્નો હોય તો નગરપાલિકામાં જઈને એનો ઉકેલ લાવી દેતો. માથાભારે પણ હતો અને બોલકો પણ હતો. ઝૂંપડપટ્ટીમાં કોઈનું ગમે તેવું કામ પોતાની વગથી એ કરી આપતો. ઝુંપડપટ્ટી ખાલી કરાવવાની વાત કોઈ બિલ્ડર કરતો તો લલ્લન પાંડે એવી ધમકી આપતો કે પેલો બિચારો બીજી વાર આવતો જ નહીં.

કેતને રુચિનો મેસેજ વાંચીને તમામ માથાભારે માણસોનો પરિચય મેળવી લીધો. બે મિનિટ આંખો બંધ કરીને એ વિચારમાં પડી ગયો અને પછી ગાડીમાંથી બહાર નીકળ્યો.

આખાય પ્લોટની ત્રણ બાજુ વિશાળ કમ્પાઉન્ડ વૉલ હતી. આગળનો રોડ સાઈડનો ભાગ ખુલ્લો હતો. પાછળથી એ વૉલ તોડી નાખવામાં આવી હોય એવું લાગતું હતું. કેતને પ્લોટની અંદર પ્રવેશ કર્યો. આગળના ભાગમાં બધી દુકાનો હતી. એ પછી કાચાં પાકાં મકાનો શરૂ થતાં હતાં. ઝૂંપડપટ્ટીની છેક અંદર સુધી એણે ચક્કર માર્યું.

ખરેખર તો આને ઝુંપડપટ્ટી કહેવાય જ નહીં. ઉપર ભલે છાપરું હોય અને વરસાદના કારણે તાડપત્રીથી ઢાંકેલા હોય પણ અંદર અપટુડેટ મકાનો હતાં. અમુક પાકાં મકાનોમાં તો એ.સી પણ હતાં. પ્લોટમાં ગેરકાયદેસર લાઈટના બે થાંભલા પણ લાગી ગયા હતા.

એણે દુકાનો આગળ એક ચક્કર માર્યું. ઈસ્ત્રીવાળાની દુકાન જોઈને એને ખ્યાલ આવી ગયો કે આ બાંકેલાલ ધોબી છે. એનાથી આગળ જતાં બે બાટલા અને સગડીઓ ગોઠવેલી દુકાન જોઈને ખ્યાલ આવી ગયો કે આ તુકારામ સાવંત છે !

જો કે અત્યારે કોઈની પણ સાથે વાત કરવાની કેતનની ઈચ્છા ન હતી એટલે એ ચક્કર મારીને બહાર નીકળી ગયો અને સામે આવેલી એક નાનકડી હોટલના બાંકડા ઉપર જઈને બેઠો.

હોટલમાં ચા કોફીની સાથે સાથે ગુટકા તમાકુ જેવી વસ્તુઓ પણ મળતી હતી તો બ્રેડ, પાઉં, ઈંડાં તેમ જ નાસ્તાનાં તૈયાર પડીકાં પણ મળતાં હતાં. વ્યસની લોકોની અહીં બેઠક હતી. રાત્રે કદાચ અહીં દેશી દારૂ પણ પીવાતો હશે. જોકે મહારાષ્ટ્રમાં છૂટ હતી એટલે કોઈ રોકટોક ન હતી.

કેતને ચાનો ઓર્ડર આપ્યો. આ દિંડોશી વિસ્તાર હતો. અહીંથી થોડેક જ દૂર કોર્ટ હતી. આ જ રસ્તો ફિલ્મ સીટી સ્ટુડિયો તરફ પણ જતો હતો. ઓફિસો છૂટી હતી એટલે રોડ ઉપર સારો એવો ટ્રાફિક હતો.

કેતન હજુ ચા નો કપ હાથમાં લઈને પીવા જતો હતો ત્યાં એની નજર બાઈક ઉપર આવી રહેલા એક વ્યક્તિ ઉપર પડી અને એ ચમકી ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)